અમારી જિંદગી
અમારી જિંદગી


તીર્થાની આંખમાં આંસુ જોઈ પ્રતીક બોલી ઊઠ્યો, ‘તીર્થા, હું જયારે પણ તારું હસતું મોં જોઇને જવા માગું છું. જયારે પણ હું આંખ બંધ કરું ત્યારે મારી સમક્ષ તારો હસતો ચહેરો જ દેખાવો જોઈએ. જયારે રાજા-મહારાજાઓ યુદ્ધમાં જતા ત્યારે તેમની પત્ની આરતી ઉતારી, માથે વિજયનું તિલક કરીને વિદાય આપતી. ત્યારે એમના મનમાં દ્રઢ વિશ્વાસ હોય છે કે એમનો પતિ યુદ્ધ જીતીને જ આવશે. એમાં તો યુદ્ધ મેદાનમાં શહીદી પણ મળતી હોય છે અને તીર્થા, એક તું છે કે તારો પતિ માત્ર એક વર્ષ માટે જ જાય છે.’
‘તમારી વાત સાચી, તમે જતા હશો ત્યારે તમારી આરતી પણ ઉતારીશ. તમને તિલક પણ કરીશ પણ એ પત્નીઓ પાસે આખી પ્રજા પડખે ઊભી હોય. જયારે આ શહેરમાં તો મારું કોઈ જ નથી. તમારા ગયા પછી મારે વાત પણ કોની જોડે કરવી ? આપણે લગ્ન કર્યા એ વાત મારા પિયરીયાને પસંદ નથી તેથી એમણે આપણી સાથે સંબંધ તોડી નાખ્યો છે. તમારે તો માબાપ કે ભાઈબહેન પણ નથી. તમે જ મને કહેલું કે, હું તને નોકરી નહીં કરવા દઉં, કારણ મારી પત્ની કોઈને ‘સાહેબ’ કહે એ મને પસંદ નથી.’
‘આ અજાણ્યા શહેરમાં હું શું કરું’ ? કહેતાં તીર્થા રડી પડી.
‘તીર્થા, આપણી જિંદગીમાં દુઃખ અને આંસુનો પ્રવેશ વર્જિત છે. આપણી જિંદગી એટલે માત્ર અને માત્ર સુખ જ જોઈએ. હું તને સુખી કરવા આ ઘરમાં લાવ્યો છું. તારા આંસુ જોવા નહીં,’
જેમ જેમ પ્રતીકના જવાનો દિવસ નજીક આવતો ગયો એમ એમ તીર્થા ઉદાસ રહેવા લાગી. એને થતું કે મારી આ જિંદગી શું કામની ? ભગવાને આટલી સુંદર જિંદગી આપી છે તો કોઈકના કામમાં આવવું જોઈએ. તીર્થા ભગવાનને પ્રાર્થના કરતી કે મારી જિંદગી કોઈકની જિંદગીમાં કામ લાગે.
ક્યારેક એવું બને છે કે તમે સાચા દિલથી કરેલી પ્રાર્થના ઈશ્વરને સાંભળવી પડે છે. તીર્થા સાથે પણ એવું જ થયું. સવારે છાપું ખોલ્યું ત્યારે એમાંથી એક જાહેરાતનો કાગળ નીચે પડ્યો. એ ઉપાડીને વાંચ્યો, એ સાથે જ એની આંખમાં ચમક આવી ગઈ. પ્રતીક સામે જોતાં બોલી, ‘બોલો, આ માટે તમે સંમત થશો ?’ જાહેરાતનું સરનામું બાજુની સોસાયટીનું જ હતું. એક સિત્તેર વર્ષનાં માજી સાથે આખો દિવસ રહેવાનું હતું. તીર્થાએ જક પકડી, ‘મને કંઇક કામ કરવા દો. આપણી જિંદગી એ માત્ર આપણી નથી. બીજાના કામમાં પણ આવવી જોઈએ. આપણે રાત્રે જ આ સરનામે જઈશું. મને ના ન કહેશો. તમને એ માણસો વ્યવસ્થિત લાગે તો જ હા પાડજો.’
રાત્રે તીર્થા અને પ્રતીક એ સરનામે પહોંચ્યાં ત્યારે એક વૃદ્ધા હીંચકા પર બેસી રહ્યા હતાં. દેખાવ પરથી તો સંસ્કારી લાગતાં હતાં. વાતચીતમાં પણ ખૂબ નમ્ર હતા. એમના હાથે લકવા થઇ ગયેલો. કપડા જાતે પહેરી શકતા ન હતા. માથું ઓળી શકાતા ન હતા. એ ચાલી તો શકાતા હતા પરંતુ એમને ચાલવા માટે કોઈકનો આધાર જોઈતો હતો. ઘર પણ પૈસેટકે સુખી હતું. તેથીજ તીર્થા અને પ્રતીકે હા કહી દીધી. પૈસાની બાબતમાં તો ખાસ રકઝક ના થઇ. એમને જે રકમ કહી એ સ્વીકારી લીધી. બીજા જ દિવસે પ્રતીક એક વર્ષ મારે અમેરિકા જવા રવાના થયો. ત્યારે તીર્થાના મોં પર સંતોષ હતો. જોકે પ્રતીકે કહ્યું, ‘હું દરરોજ તને ફોન કરતો રહીશ. ફોન પર તારો હસતો ચહેરો જોતો રહીશ. તું આંખો બંધ કરીને ખોલીશ ત્યાં સુધી એક વર્ષ પતી ગયું હશે.’
તીર્થાએ સવારે ઊઠીને ઈશ્વરને પ્રાર્થના કરી હે ‘હું મારું કામ પૂરી નિષ્ઠાથી કરું, હું એ વૃદ્ધાને ખુશી આપી શકું. ઈશ્વર, તમે મને આશીર્વાદ આપો.’
તીર્થા ગઈ ત્યારે વૃદ્ધાએ એને પ્રેમાળ આવકાર આપ્યો. તીર્થાએ પગે લાગતાં કહ્યું, ‘મને તમે પોતાની દીકરી સમજીને રહેજો. મારે તો કોઈ નથી. તમે મારી મા બની રહેજો.’
વૃદ્ધા સ્તબ્ધ બની ગઈ. અત્યાર સુધી ઘણીબધી બાઈઓ આવી અને ગઈ. બધીય માત્ર પૈસાની જ વાત કરતી જયારે તીર્થાએ તો પ્રેમની વાત કરી. એ સાથે જ એમના મનમાં એક આશા બંધાઈ ગઈ કે હવે મને સારૂ થઇ જશે. મારી બંને દીકરીઓ પરણીને
દૂર જતી રહી છે. એક દિકરો છે જે અહીંથી માત્ર પાંચ મીનીટના રસ્તે છે. પણ એનું કહેવું છે કે અમારી પણ ઉંમર થઇ છે. પચાસ વર્ષ થયા અમને, વહેલી નોકરી છોડી દીધી છે અમે. અમારી રીતે અમારી જિંદગી જીવવા માંગીએ છીએ. તમને જોઈતા પૈસા આપીશું. નોકરચાકરની વ્યવસ્થા કરી આપીશું એથી વધારે તમારે શું જોઈએ ? હવે અમે દેવદર્શન, તિર્થયાત્રા કરીશું. સપ્તાહો સાંભળીશું. એથી વધારે આપણે શું જોઈએ ? અમે પણ પાછલી ઉંમરમાં તમારી જેમ ખાટલે પડીશું તો અમારું શું થશે ? આ ઉંમરે બને એટલું ભગવાનનું ભજન કરવું જોઈએ. ભગવાને એક દીકરી આપી છે, એ પણ સુખી છે. આપણે બીજું શું જોઈએ ?
તીર્થા તો વૃદ્ધા સાથે હળીમળી ગઈ હતી. રસોઇવાળી બાઈ રસોઈ કરીને જતી રહેતી ત્યારે તીર્થા કહેતી, ‘તમે બપોરે ગરમ નાસ્તો જમો અને સાંજે હું જ તમને ગરમ રસોઈ બનાવી આપીશ. તમારે સવારની રસોઈ સાંજે જમવાની જરૂર નથી.’
ત્યારબાદ તો તીર્થા ભૂલી ગઈ હતી કે એ આ ઘરમાં ‘કેરટેકર’ તરીકે આવી હતી. એ તો એ વૃદ્ધાના પગ પણ દબાવતી અને લકવાવાળા હાથે માલીશ પણ કરી આપતી.
કેટલાંક દર્દો એવાં હોય છે કે જે દવા સાથે પ્રેમ ભળે તો જલદી અસર કરતાં થઇ જાય. વૃદ્ધાનાં દીકરા-વહુ મહેમાનની જેમ આંટો મારી જતાં. પરંતુ તીર્થાના નિ:સ્વાર્થ પ્રેમ આગળ દીકરા-વહુનો પ્રેમ તુચ્છ લાગતો હતો. બેંકમાં જવાનું, દવા લાવવાનું, ડોક્ટરને ત્યાં લઇ જવાનું બધુ જ કામ તીર્થા એ રીતે કરતી જાણે એ એની મા ના હોય...
તીર્થાને લાગતું હતું કે દિવસોને પાંખો લાગી ગઈ છે. પ્રતીકના ફોન આવતા રહેતાં હતા. તીર્થા ખુશ હતી. કહેતી હતી કે મને ‘મા’ મળી ગઈ છે.
પ્રતીક પણ કહેતો, ‘તીર્થા તારા મોં પર સંતોષ દેખાઈ આવે છે. અને તીર્થા એક ખાસ વાત કહું, મારું કામ અહિં બધાંને ખૂબ જ પસંદ પડ્યું છે. મારો પગાર પણ વધી ગયો છે.’
ત્યારે તીર્થા કહેતી, ‘આ તો વૃદ્ધાની આંતરડી ઠારવાનું પરિણામ છે. આપણે આપણી જિંદગી હવે ગરીબો અને રોગીઓની સેવામાં જ વિતાવવી છે. આપણે આપણી જિંદગી આપણી રીતે જ જીવવી છે.’
એક દિવસ વૃદ્ધા આંખોમાં આંસુ સાથે બોલી ઊઠી : ‘તીર્થા, દરેકને પોતાની જિંદગી પોતાની રીતે વિતાવવાની છૂટ છે. પરંતુ માત્ર મંદિરો, તિર્થયાત્રા કરવી અને માબાપને ‘કેરટેકર’ રાખી આપ્યા છે એવા દંભ સાથે સમાજમાં વટ મારવો એ ક્યાંનો ન્યાય ? અરે, મંદિરમાં ભગવાનની મૂર્તિ પણ બોલી શકતી હોત તો એ ચોક્કસ બોલી ઊઠત, ‘તમારા જેવાં સંતાનો માટે તો મારા મંદિરમાં પ્રવેશબંધી છે’ પથ્થરની મૂર્તિમાં ભગવાન જોવાને બદલે જન્મદાત્રી માતામાં ઈશ્વર જુઓ ને ? કહેતાં વૃદ્ધા ચોધાર આંસુ સાથે રડી પડી.’
પરંતુ એ રાત્રે પ્રતીકનો ફોન આવ્યો ત્યારે તીર્થા એ કહ્યું, ‘પ્રતીક, આપણી જિંદગી અમુલ્ય છે એ આપણી રીતે જરૂર વિતાવવી જોઈએ. પરંતુ દીન દુખિયાની સેવા કરીને આપણી જિંદગી જીવ્યાને સાર્થક કરવી છે. અહીંથી મળેલા એક વર્ષના પૈસા આપણે ગરીબોની સેવા, દર્દીઓની દવા પાછળ ખર્ચી નાખીશું.’ હું તો માનતી હતી કે માબાપ અને ભાઈબહેન ના હોય એ વ્યક્તિ કેટલી દુઃખી હોય. પણ આ બધાની જિંદગીઓ જોયા પછી લાગે છે કે દરેક જણે જાણે કે પૈસા આપીને ચાકરી કરનાર ખરીદી લીધો હોય. જોકે એમાં અપવાદ તો જરૂર હોય છે.
પ્રતીક, હું એટલું જરૂર કહીશ કે આપણે માબાપ કે ભાઈબહેન નહીં હોવાનું વિચારીશું પણ નહી. કારણ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ ની ભાવના દિલમાં રાખીશું. પામ આત્મીયતા રાખીને દિલ તો બધાના જીતી શકાય છે. સંબંધોમાં સ્વાર્થ હોઈ શકે પણ નિ:સ્વાર્થભાવે કરેલ કાર્યમાં તો આપણને માત્ર અને માત્ર પ્રેમ અને આશીર્વાદ જ મળે છે.
ત્યારબાદ તો તીર્થા અને પ્રતીકે જિંદગી સંપૂર્ણપણે સેવામાં સમર્પિત કરી દીધી અને સંતોષની લાગણી સાથે બધાનો પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત કરતાં રહ્યાં. ક્યારેક એ કહેતાં, ‘આ અમારી જિંદગી છે અને અમે આમ જ વિતાવીશું.’