અખબારમાં અ-ખબર ન પાલવે
અખબારમાં અ-ખબર ન પાલવે
એ સમયે આપણા નાયબ વડાપ્રધાન રોજના દસ-બાર છાપાં વાંચતા. કેટલાક સમાચારો ઉપર નિશાની પણ કરતા. સમાચારો વાંચી તેની સચ્ચાઈ અંગે ખાતરી પણ કરતા. જરૂર પડે તો એ વિશે પગલાં લેવા સીધી સૂચનાઓ આપી દેતા.
તેઓ માનતા હતા કે, લોકશાહીમાં અખબારોને સ્વતંત્રતા હોવી જોઈએ, પણ એની સામે અખબારોએ પોતાનો ધર્મ પણ ચૂકવો ન જોઈએ. અખબારી-આલમને આ વાત સમજાવવા માટે તેઓએ 'અખિલ હિંદ તંત્રી પરિષદ' બોલાવી. તેમાં સરકાર અને અખબાર વચ્ચે પરસ્પરનો વ્યવહાર સહકારભર્યો રહે એવી હિમાયત કરતા કહ્યું હતું કે,
''સરકાર અને છાપાંઓ વચ્ચેના સંબંધ વિશે હું કહી દઉં કે સરકાર સામે જે કપરું કામ પડેલું છે તેમાં છાપાંઓનો સહકાર મેળવવા હું ખૂબ જ આતુર છું. અમે છાપાંની સ્વતંત્રતાને ખૂબ ચીવટપૂર્વક માન આપશું, એટલું જ નહિ, પણ પોતાને છાજતી ફરજો બજાવે એમાં અમે મદદ પણ કરવાના છીએ. દેશનો વહીવટ સંભાળવામાં અમને પણ તમે સામેથી મદદ કરશો એવો મને પૂરો વિશ્વાસ છે. અત્યારનો કાળ રાષ્ટ્ર-ઘડતરનો છે. તે વખતે લોકમતને અતિશયોક્તિ વિના આબેહૂબ રજૂ કરવો અને દોરવવો એ તમારી જવાબદારી છે. તમારા ધંધાને શોભાવે તેમ અને આપણી માતૃભૂમિના કલ્યાણ આધારે એ અદા કરશો એવો હું વિશ્વાસ રાખું છું.
ખબરો આપવામાં અને ઘટનાઓ પ્રદર્શિત કરવામાં છાપાંને પૂરેપૂરી છૂટ હોવી જોઈએ. પરંતુ એના ઉપર એક જવાબદારી પણ છે. પ્રજાકીય સરકારનાં સાચાં અને યોગ્ય કામોને ટેકો આપવો જોઈએ. દેશને તોડી નાખનારાં બળોને નાસીપાસ કરવામાં તેમજ નિરંકુશ કે અસામાજિક તત્ત્યવોને પાછાં પાડવામાં સરકારને મદદ કરવી જોઈએ. લાગણીઓ જ્યારે ઉછાળા પર હોય અને મિજાજ ઠેકાણે ન હોય ત્યારે છાપાંઓનો ધર્મ છે કે બળતામાં ઘી હોમવા જેવું કાંઈ લખે નહિ. અલબત હિંસાની ઉશ્કેરણી સહી લેવામાં તો નહિ જ આવે.''
આમ ગૃહપ્રધાનશ્રીએ અખબારોમાં સાચા સમાચાર જ છાપવા જોઈએ. અખબારોમાં અ-ખબર એટલે કે ખોટા સમાચારો તો ન જ હોવા જોઈએ, એવું ચોખ્ખું કહી દીધું. આવું ચોખ્ખું કહેનાર નાયબ વડાપ્રધાન તે સરદાર પટેલ.
આજેય અખબારોમાં સાચા સમાચારો આવે જ છે, પણ અમુક અખબારોમાં પૈસાના જોરે અમુક સમાચારો કે જે તદ્દન સાચા હોય અને લોકોને લાભ પણ થતો હોય કે સાચી હકીકત જાણવા મળતી હોય, એ દબાય જાય છે. કારણ કે, એનાથી જેના સમાચાર હોય તે ધનાઢયને નુકસાન થતું હોય છે. કોઈ અખબાર આવું ન કરે, તો જ એણે પોતાનો ધર્મ નિભાવ્યો કહેવાય.
