અદ્ભુત પ્રેમ
અદ્ભુત પ્રેમ
સૂર્યાસ્ત સમયે રાહુલ અને સ્વાતિ પોતાના નિત્યક્રમ પ્રમાણે દરિયાકાંઠે ફરતા હતા. રાહુલ સ્વાતિના સાનિધ્યમાં ખૂબ જ ખુશ હતો. જ્યારે સ્વાતિ પોતાના ચહેરા પર દિલની વ્યથાઓને બનાવટી હાસ્યથી ઢાંકવાનો વ્યર્થ પ્રયાસ કરતી હતી. પરંતુ રાહુલની નજરોમાં એની ઉદાસી સ્પષ્ટ વર્તાઈ રહી હતી.
રાહુલે સ્વાતિને પૂછ્યું "સ્વાતિ તને કંઈ થયું છે?" સ્વાતિએ ભીની આંખે રાહુલને બસ એટલું જ કહ્યું કે "તું હવે મને ભૂલી જા." આટલું બોલતાની સાથે જ સ્વાતિની આંખમાંથી ચોધાર આંસુ વરસી પડ્યા. રાહુલે તેના આંસુ લૂછતાં કહ્યું "પાગલ, આટલી નાની વાત માટે તારે આંસુ વહાવવાની કોઈ જરૂર નથી." હું તને ભૂલી જઈશ. બસ, તું હવે રડવાનું બંધ કર.
સ્વાતિ હવે કાયમ માટે રાહુલથી દૂર જઇ રહી હતી. રાહુલના મનમાં હજારો સવાલો દરિયાના મોજાની જેમ ઉછળતા હતા. છતાંય એ મૌન બનીને ઊભો રહ્યો અને સ્વાતિના નિખાલસ ચહેરાને અનિમેષ નજરે જોઈ રહ્યો હતો. સ્વાતિએ રાહુલ ને પૂછ્યું કે "તારે કંઈ કહેવું છે?" રાહુલે હસતા મોઢે પૂછ્યું કે "હું તો તને ભૂલી જઈશ પણ શું તું મને ભૂલી શકીશ?" રાહુલનો સવાલ સાંભળતાની સાથે જ સ્વાતિ રાહુલને ભેટીને ફરીથી રડવા લાગી અને રડતા રડતા એ એટલું જ બોલી કે રાહુલ, હું કેન્સરના છેલ્લા સ્ટેજ પર છું હવે મને મારું મોત મારી નજર સામે દેખાઈ રહ્યું છે. મારા વગર તું કેવ
ી રીતે જીવી શકીશ. બસ આજ વિચારે મારા હૈયાને ઘણા સમયથી બેચેન કરી મૂક્યું છે. હું તને ક્યારે દુઃખી નહીં જોઈ શકું. બસ તું મને હવે ભૂલી જા.મારાથી ખુબ જ દૂર ચાલ્યો જા,જ્યાં હું ના હોઉં કે ના મારી કોઈ યાદો હોય.
રાહુલે સ્વાતિના ચહેરાને પોતાના હાથમાં લીધો અને કહ્યું કે ક્યારેય આવી ગાંડા જેવી વાત ના કરીશ નહિ તો તારા પહેલા હું મોતને વહાલું કરી લઈશ. સ્વાતિએ પોતાનો હાથ રાહુલના હોઠ પર મૂકી દીધો અને બોલી ચુપ કર ગાંડા.
રાહુલે સ્વાતિનો ચહેરો પોતાની છાતીએ ચાંપી દીધો અને કહ્યું તું આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળ તને શું સંભળાય છે? મારા હૃદયના દરેક ધબકારે તને એક જ નામ સંભળાશે સ્વાતિ.... સ્વાતિ....સ્વાતિ. મારું આ હદય ફક્ત તારા નામથી ધબકે છે અને તારા માટે જ ધબકે છે, અને રહી વાત મૃત્યુની તો તેને આપણે આપણા નસીબ પર છોડી દઈએ.
દરિયા કિનારે ઊભેલું મૃત્યુ આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યું હતું અને મનોમન વિચાર કરતું હતું કે કેવો અદભુત પ્રેમ છે. મારે પણ કોઈના પ્રેમમાં પડવા જેવું ખરું! પણ મૃત્યુના પ્રેમમાં કોણ પડે? આ વિચારી ને ખુદ મૃત્યુ જ મનોમન હસવા લાગ્યું તો બીજી તરફ રાહુલ અને સ્વાતિ હજીયે એકબીજાના આલિંગનમાં સમાયેલા હતા અને મૃત્યુ એમની સામે જ ઊભું હતું એ પણ એકદમ લાચાર અને નિ:સહાય.