આશા ભાગ-૨
આશા ભાગ-૨


આશા મનની મક્કમ હતી. તેને કંઇક કરી બતાવવું હતું એટલે તે સાસરીયાઓની આંખમાં ખટકવા લાગી. ભગા અને આશા વચ્ચેના સંબંધો ધીરે-ધીરે વણસતા ગયાં. ઘણી વાર બંને વચ્ચે ઝગડાં થતાં ઘણીવાર ભગો મારઝૂડ પણ કરતો. પરંતુ આશા તો આશા હતી. તે હાર માનવા વાળઓમાંથી નહોતી. તેને કંઇક બનવું હતું પરંતુ તેના સપનાની પાંખો કચડવા વાળા ઘણાં બધા હતાં. આશા જાણે કે પીંજરમાં પુરાઇ ગઇ હતી તેના સપનાઓનું મૃત્યુ થતાં તે જોઇ રહી હતી. પરંતુ તે કોઇને કહી શકે તેમ નહોતી તેને સમજી શકે તેવા એકમાત્ર તેના પિતા મગનભાઇ વધતી ઉંમરને કારણે શારિરીક અસ્વસ્થ રહેતા હતા. હૃદય રોગની બિમારીને કારણે શહેરમાં જઇને તેઓની બાયપાસ સર્જરી કરાવવામાં આવી હતી.
આવા સમયે મગનભાઇને શહેરમાં રહેતા તેમના નાનાભાઇના ઘરે સારવાર અર્થે લાવવામાં આવે છે. આશા પણ પિતાની માંદગીના બહાને શહેરમાં કાકાના ઘરે રોકાય છે. આશાને મન કાકી સહેલી કરતાં પણ વધારે હતા. આશા દરેક વાત કાકીને જણાવતી અને કાકી આશાની દરેક વાત સમજતાં. પણ હવે આ પહેલાંની આશા રહી નહોતી. કાકી જાણે છે કે તેના મનમાં કંઇક વાત છે પરંતુ તે કહી શકતી નથી. એક દિવસ રસોઇ કરતાં કરતાં કાકી આશાને પૂછે છે;
"આશા ! તાર કોય વેધી સ બટા...!!
આશા: ના.... રે.....
કાકી: તો આવી કાળી મેશ ચ્યમ થઇ જી સી ?
આશા: એ તો ગોમડામો કોમ પોક એટલ.. તમાર જમ થોડી શે’ર મો શેઠણી ન જીમ રે’વાનું. !
કાકીની વાત ટાળતાં તે ઉભી થઇને ત્યાંથી ચાલી ગઇ. મગનભાઇની તબિયતમાં સુધાર આવતાં તેઓ પાછા ગામડાના શુધ્ધ વાતાવરણમાં પોતાના ઘરે ગયાં. આશા પણ પોતાના ઘરે(સાસરે) ગઇ.
કારતક મહિનાની સાંજ હતી ટેલીફોન પાસે જઇને આશા એકાએક કાકાનો મોબાઇલ નંબર જોડે છે અને જણે કાકી સાથે ઘણી બધી વાતો કરવી હોય તેમ ઉત્સાહભેર કાકાને કાકી સાથે વાત કરાવવા કહે છે. પરંતુ જેવાં કાકી ફોન લે છે આશાનો વિચાર જાણે એકાએક બદલાઇ ગયો હોય તેમ ખબર અંતર પૂછીને તરત જ ફોન કાપી નાખે છે. પછી તરત જ મોટી બેનને ફોન કરવાનો વિચાર આવે છે ફોન કરે છે પરંતુ ભારે હૈયે થોડી વાત કરીને ટેલીફોનનું રીસીવર જાણે એક ડરની સાથે ઝડપથી મૂકી દે છે. એવી તો શું વાત હતી કે આશા કોઇને જણાવી શકતી નહોતી. એવી શું વાત હતી કે આશાને અંદરથી ડંખતી હતી..?
આશા તો એક નિડર બાપની નિડર દીકરી હતી. તો એની એવી તો શું સમસ્યા હોઇ શકે? શું ભગો ? હવે એ તો આશા જ જાણે ! કારતક માસની એ સવાર. લગભગ આઠેક વાગ્યાના સુમારે ટેલીફોનની રીંગ વાગે છે. આશાનો નાનો ભાઇ ફોન પર વાત કરે છે. એક અજાણ્યા પુરુષનો અવાજ આવે છે આશાના સાસરીયામાંથી કોઇ હોય તેમ તેની વાત પરથી જણાયું.
પુરૂષ: હલો.... હલો....
આશિષ: (આશાનો ભાઇ) હલો.... કોણ બોલો ?
પુરૂષ: હલો... આશા ! (ઘણાં બધા અવાજો આવે છે.)
આશિષ: હલો....
પુરૂષ: હા.... આશા બહુ બિમાર છે. તમે તમારા કુટુંબીઓને લઇને જલ્દી અહીં ઘરે આવી જાઓ. એટલું કહેતાની સાથે ફોન કાપી નાખે છે. આશિષ ઘરમાં વાત કરે છે અને તરત જ કાકાને ફોન કરે છે.
આશિષ: હલો... કાકા આશિષ.
કાકા: હા બેટા! કેમ છો ? બાપાની તબિયત કેમ છે ?
આશિષ: કાકા કંઇ સારૂ નથી ! આશાના સાસરેથી ફોન આવ્યો કહે કે આશા બહું બિમાર છે. એટલે તમે જલ્દી આવી જાઓ.
કાકા: કાલે તો આશાનો ફોન આવ્યો હતો. વાત કરી મારે સાથે, તારી કાકી સાથે નેઅચાનક...
આશિષ: હા કાકા.... બા બહુચિંતા કરે છે. બાપાને દુ:ખાવો ચાલુ થઇ ગ્યો છે તમે હાલને હાલ આવી જાઓ.
કાકા: મને નંબર આપ હું ત્યાં ફોન કરીને વાત કરૂં છું. કે બિમાર છે તો ઘરે કેમ છે ? દવાખાને તો લઇ જઇ શકે ને !
આશિષ નંબર આપે છે.
કાકા ત્યાં ફોન જોડે છે કોઇ અજાણ્યો પુરૂષ વાત કરે છે. આશા બિમાર છે તેવું જ રટણ એ ચાલુ રાખે છે. કાકા ગુસ્સે થઇને વાત કરે છે એટલે તે ફોન કાપી નાખે છે. પરંતુ ફોનમાં રો-કકળનો અવાજ સાંભળીને કાકા સમજી જાય છે અને કુટુંબના બધા સભ્યો સાથે ગામ જવા નીકળે છે. મોટાભાઇ અને કુટુંબના બધા સભ્યો સાથે આશાના સાસરે પહોંચે છે ત્યાં મગનભાઇ અને મોંઘીબહેનનો ઝળહળતો દિવડો નિસ્તેજ અવસ્થામાં જોવા મળે છે. સૌ આશ્ચર્ય સાથે આશાના મૃતદેહ પર કલ્પાંત કરે છે. શું આશા એટલી નિર્બળ હતી ? શું તેણે સ્વબચાવ કરવાનો પ્રયત્ન નહી કર્યો હોય ? શું થયું હશે કારતકની એ ટાઢી રાતે ? આ બધા જ પ્રશ્નાર્થો આજદિન સુધી આશાના લાડકવાયા પિતરાઇ ભાઇના મનમાં અકબંધ સચવાયેલા છે. જેનો જવાબ હવે લગભગ મળી શકે તેમ નથી.
(સમાપ્ત)