આશા ભાગ-૧
આશા ભાગ-૧


ઉત્તર ગુજરાતનું એક નાનકડું ગામડું અને તે ગામના નાનકડા નેસમાં રહે મગનભાઇ અને તેમની પત્ની મોંઘીબહેન. આશરે ત્રીસેક વર્ષ આજુબાજુની બંનેની ઉંમર, કુટુંબમાં બે દિકરીઓ રમીલા ને ઉર્મિલા પરિવાર ખુબ ખુશીથી રહેતો હતો. મગનભાઇ અને મોંઘીબહેન વારસામાં મળેલી ટુકડા જેટલી જમીન પર ખેતી અને બે ઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે.
આમ તો પરિવાર ખૂબખુશીથી રહે છે. મોડર્ન યુગ પ્રમાણે તો ‘હમ દો હમારે દો’થી પરિવાર સંપૂર્ણ થઇ ગયો હતો. પણ આ તો મારો ભારતીય પરિવાર પુત્ર વિના પરિવાર પુરો ક્યાંથી થાય! મગનભાઇ અને મોંઘીબેનને ભગવાનના આશિર્વાદથી દૂધ-બાજરીમાં જોવું પડે તેમ ન’તું! પણ..... ક્યાંક ને ક્યાંક એક પુત્રની લાલસા મનમાં ઘર કરી બેઠી હતી. એવામાં મોંઘીબહેનને ગર્ભ રહ્યો. જોત જોતામાં દિવસો વિતવા લાગ્યા. મગનભાઇ અને મોંઘીબહેનને પુત્ર જન્મની આતુરતા હતી. આ વખતે તો પુત્ર જ હોવો જોઇએ તેવો બંનેનો અને કુટુંબ કબીલાના બધા લોકોનો આગ્રહ હતો. પણ વિધિને તો કંઇક ઓર જ મંજુર હતું. સમાજના મતે સાપનો ભારો અને મારા મતે તુલસી ક્યારો તેવી દેવદૂત જેવી દીકરીનો જન્મ મોંઘીબહેનની કૂખે થયો. મોંઘી બહેનને ઘણાં મેણાં-ટોણાં સાંભળવા પડ્યાં પણ એ ફૂલનો શું વાંક, એને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. મને-ક-મને મગનભાઇ અને મોંઘીબહેને તેનો સ્વીકાર કર્યો.
ત્રીજી દીકરી હતી એટલે ઉત્સાહ તો એટલો બધો ન હતો તેમ છતાં છઠ્ઠી મંડાઇ અને દીકરીનું નામ રાખવાનું થયું ત્યારે ફોઇબા એ કહ્યું દીકરીનું નામ “આશા” રાખો કે જેથી ભગવાન આશા પૂરી કરે અને હવે પછી પુત્રનો જન્મ થાય. ત્રણ દીકરીઓ છે. મોંઘવારી વધતી જાય છે તો પણ કોઇને દીકરીઓના શિક્ષણ કે ભવિષ્ય અંગે ચિંતા નથી પરંતુ ચિંતા છે કે એક પુત્ર તો હોવો જ જોઇએ. ત્રણ સુવાવડો પછી મોંઘીબહેનનું શરીર પણ હવે સાથ નથી આપતું પરંતુ જો તે પુત્રને જન્મ ન આપે તો તેનું સ્ત્રી હોવું અફળ જાય. આજે પણ લોકોને જ્ઞાન નથી કે પુત્ર કે પુત્રીના જન્મ પાછળ પુરુષ જવાબદાર છે નહીં કે સ્ત્રી. રંગસૂત્રોની ગોઠવણ જો ભગવાન પોતે આવીને સમજાવે તો જ કંઇક થાય આ દીકરીઓનું! પુત્ર જન્મની ઘેલછામાં મગનભાઇ અને મોંઘીબહેનને ઘરે ‘આશા’ પાછી ફરી એક પુત્રીનો જન્મ થયો. ત્યારબાદ ભગવાને ઘણી મનતા-બાધાઓ બાદ તેમના ઘરે એક પછી એક એમ બે પુત્ર આપ્યા.
પુત્રોના જન્મ બાદ પરિવાર સંપૂર્ણ થયાનો અહેસાસ તેઓને થયો. પરંતુ મગનભાઇને તો આ છયે સંતાનોમાંથી સૌથી લાડકવાયી હતી ‘આશા’. આશાને પણ નાનપણથી જ પોતાના પિતાનો પુત્ર બની દેખાડવાની આકાંક્ષા હતી. નાનકડી આશા નાનપણથી જ મોંઘીબહેનને ઘર કામમાં મદદ કરે. બહેનોને મદદ કરે. બાપાની સાથે ખેતરે આંટો મારવા; ઢોરને તળાવે પા’વા માટે; વાડે બાંધવા માટે જાય. અને હા... આ બધાની સાથે સાથે શાળાએ તો જવાનું જ. ભણવામાં પણ એટલી જ હોંશિયાર. વર્ગમાં બધી જ કન્યાઓમાં અવ્વલ ક્રમાંકે જ હોય.
ધીમે-ધીમે આશા મોટી થવા લાગી. મગનભાઇને આશાને ભણાવી ગણાવીને મોટી મેમ સા’બ બનાવવાના કોડ હતા. આશાએ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ગામની આંગણવાડીમાં નોકરીએ લાગી. તેના ઉત્સાહનો પાર નહોતો. પણ આ ઉત્સાહ ક્યાં લાંબો ટકવાનો હતો. સગાં-વહાલાં સૌ આશા માટે માંગા લાવવા લાગ્યા.
મગનભાઇ મોંઘીબહેનને: "સાંભળ્યું.....! આ પેથાલાલ આપણી આશા માટે હગું લાયા સી. સોકરું હારું હંભળાય
સ. ઇ’ના બાપા’ન પંદર-વીહ વિઘા જમી’ સ.
મોંઘીબહેન: સોકરું હારુ વોય અન ખાય-પીવ એવું હોય તો ગોઠવી દઇએ. માર ચ્યો ઇન ઘેર બેહાડી રાખવી સ.
મોંઘીબહેનએ પ્રત્યુત્તર આપ્યો. ઓરડામાં ઉભી ઉભી આશા આ બધુ સાંભળે એ જમાનામા પોતાના લગ્નની વાત ચાલતી હોય તો ન તો તે બધાની સામે સાંભળી શકાય કે ન તેમાં વચ્ચે કંઇ બોલી શકાય. પરંતુ આ તો આશા બોલ્યા વગર કેમ ચાલે ?
આશા: બાપા મારે નહીં પૈણવુ અત્તાર..
મોંઘીબહેન: બન થા સોડી..! તાર બાપાન હોમું બોલ સ લાજ થોડી લાજ. નોની નહી અવ. કાલ ઉઠીન હોમા ગોમ જયે તો મારી આબરૂ કાઢે. મુ ના પાડતી’તી ક સોડીયોન ભણાવાય નઇ(મગનભાઇ તરફ જોઇને) જોયું મું તમો જ ના પાડતી’તી આ ચેવું હોમુ બોલ સ. ભોગવો અવ.
મગનભાઇ: (થોડા ગંભીર સ્વરે) ચેળવણી તો જરૂરી સ આ જમોનામો એ તન ખબર નો પડ. (આશા તરફ જોઇને) આશા ! બટા તુ અવ મોટીથી મારા શરીરનો અવ પાયો નહીં તન ચ્યાણ હુંધી ઘેર બેહાડી રાખવાની. આ તો જગતનો નેમ સ.
આશા માતા-પિતાની જીદ આગળ ઘણું બોલી શકી નહી. આખરે આશાનું નક્કી કરાયું અને બાજુના ગામમાં આશાને પરણાવવામાં આવી. યુવાન આમ તો ભણેલો ગણેલો હતો. આશાની જેમ જ ઉંચો- પાતળો અને ગોરો એનો વાન. ખૂબ જ ઉત્સાહી યુવાન અને માતા-પિતાએ પણ તેને ‘ભગવાન’ નામ આપેલું. પ્રેમથી ઘરમાં સહુ તેને ભગો કહે. ભગા સાથે ચોરીના ચાર ફેરા ફરી; ગળામાં તેના નામનું મંગળસૂત્ર બાંધી; સેથામાં સિંદૂર પૂરી; માતા-પિતા, ભાઇ-બહેન અને સહેલીઓ સાથે વિતાવેલી હરેક પળની મીઠી યાદોનું પોટલું લઇને આશાએ સાસરીયા તરફ પ્રયાણ કર્યું. પોતાના પ્રેમાળ સ્વભાવને કારણે આશા ટૂંકા સમયમાં બધા સાથે હળી-મળીને રહેવાલાગી.
દિવસો પ્રેમથી વીતતા હતા. એવામાં આશાએ ફરી નોકરી જવાની ઇચ્છા વ્યક્ત કરી. આશાની આ વાતથી આખા ઘરમાં જાણે કે વાવાઝોડું આવી ગયું હોય. તેના સાસુ-સસરા, નણંદ અને ભગો પોતે “બૈરા નોકરી કરશી ? તો આદમી ઘરમો રોટાં ઘડશી ? નોકરી-બોકરી કશુ ના થાય હવ ઘર હંભાળો. કાલ પેટ પરજા પડશે. તો પસી ઇમનું કુણ કરશે ? આશાની સામે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા અને તેનું અને પિતા મગનભાઇનું મેમ સા’બ બનાવવાનું સ્વપ્ન જાણે પત્તાના મહેલની જેમ પળમાં વિખરાઇ ગયું.
(ક્રમશ:)