Irfan Juneja

Drama Thriller

3  

Irfan Juneja

Drama Thriller

આરોહી - ૫

આરોહી - ૫

11 mins
14.7K


આરોહી સવારે તૈયાર થઈને મમ્મી પપ્પા પાસે આવે છે. મમતા અને અસ્મિતા પણ ત્યાં જ હોય છે.

"તમે બંને કોલેજ કેમ નથી ગઈ?"

"દીદી ડર લાગે છે. વિરાટ અમને પાછો..."

"એ કઈ નહીં કરે તમે ડરો નહીં અને કોલેજ જાઓ ચાલો.."

"દીદી એની શું ગેરેન્ટી કે એ કંઈ જ નહીં કરે.."

"એને જે જોઈતું હતું એ મળી ગયું. હવે એ આઝાદ થઇ ગયો છે. તમે ચાલો જાઓ હવે કોલેજ.."

આરોહી બંને બહેનોને કોલેજ મોકલીને મમ્મી પપ્પા પાસે બેસે છે.

"મારે તમને બંનેને એક વાત કરવી છે.."

"હા બોલ બેટા શું વાત છે...?"

"હું મારુ ભણવાનું છોડું છું.."

"હેં? પણ કેમ બેટા.."

"મમ્મી જો પાપા હવે બેન્ક પર નઈ જઈ શકે. તારી પણ સ્કુલમાં જોબ પુરી થઇ ગઈ છે. મમતા અને અસ્મિતાને ભણાવવાના છે. ઘરનો ખર્ચ પણ ઉઠાવવાનો છે. સાથે સાથે પપ્પાની દવા પણ કરાવવાની છે.."

"હા બેટા પણ તારું છેલ્લું વર્ષ છે. ભણી લે.. ઘરે બેસીને શું કરીશ?..."

"મમ્મી હું ઘરે નથી બેસવાની. જોબ કરીશ હું..."

"પણ બેટા વગર ડિગ્રીએ જોબ આપશે કોણ તને...?"

"કંઇક તો મળી જશે. એવું જરૂરી નથી કે દરેક જોબમાં ડિગ્રી જોઈએ.."

આરોહીના પિતા બંનેની વાત સાંભળી મનમાં ને મનમાં લાચારી અનુભવે છે. પોતાની દીકરીઓ અને પરિવાર માટે એ પૈસા કમાવે એવી સ્થિતિમાં પણ નથી. આરોહી પરિવારને સંભાળવા મલ્હારની ગેરહાજરીમાં પરિવારની જવાબદારી ઉઠાવે છે. ન્યુઝપેપરમાં રોજ જાહેરાત જોઈને એક પછી એક ઇન્ટરવ્યું આપવા જાય છે. દિવસના મોટા ભાગનો સમય ઘરના કામો અને જોબ શોધવામાં વિતાવે છે. અંતે આરોહીને એક હોસ્પિટલમાં રીસેપ્શનિષ્ટની જોબ મળે છે અને એક રેસ્ટોરન્ટમાં પણ જોબ મળે છે. આરોહી એના મમ્મી પપ્પાને ખુશ ખબરી આપે છે. એના મમ્મીને પણ ટ્યુશનના દસ બાળકો મળી જાય છે. હવે ઘરના ખર્ચની જવાબદારી મા દીકરી ઉઠાવે છે.

સવારે હોસ્પિટલ અને સાંજે રેસ્ટોરન્ટમાં આરોહી જોબની શરૂઆત કરે છે. દિવસ દરમિયાન આટલું કામ કરી આરોહી ખુબ જ થાકી જાય છે. વર્ષાબેન પણ ઘર કામની સાથે વૈભવભાઈની કાળજી રાખવા ખુબ વ્યસ્ત રહે છે. એક દિવસ સવારે આરોહી હોસ્પિટલ જતી હોય છે. વિરાટ આરોહીને જોઈને ગાડી એની સામે ઉભી કરીને ગન લઈને નીચે ઉતરે છે.

"તું મારાથી ડરતી કેમ નથી?"

"તારું મને આ રીતે રસ્તા વચ્ચે રોકવાનું કારણ? હું રાડબૂમ કરીશ તો લોકો ભેગા થઇ જશે અહીંથી જતો રહે..."

"તું મારાથી ડરતી કેમ નથી?.. અત્યાર સુધી એવું બન્યું નથી કે કોઈ વિરાટ સામે આંખોમાં આંખ નાખીને વાત કરે..."

"વિરાટ હું તારાથી શું કામને ડરું.. તું કરી પણ શું લઈશ...?"

"હું તારો જીવ લઇ શકું છું..."

"તું બીજું કરી પણ શું શકવાનો.. તમારા જેવાને કોઈને માર્યા સિવાય બીજું આવડે પણ શું છે... ક્યારેક બંદુક ઘરે મૂકીને બહાર નિકળજે તો સાચો મર્દ કહેવાય... તારી હેસિયત પણ નથી એ કરવાની.. તું એવું વિચારીશ તો પણ ડરી જઈશ.."

વિરાટને આરોહીની આ વાત કાંટાની જેમ લાગી ગઈ. વિરાટ ઘરે ગયો. નેતા પાસે જઈને બંદુક આપી દીધી.

"ડેડી આ ગન રાખો. હવે મારે આની જરૂર નથી અને કાલથી મારી ગાડીમાં પણ કોઈ ગાર્ડસ ના જોઇએ..."

"ઓહ.. બેટા તું નેતાનો દીકરો છે. એમને એમ ના જવાય.."

"ડેડી જે બંધુક વગર નીકળે એ જ સાચા મર્દ હોય..."

"બેટા આ શબ્દો તારા નથી.. કોના કહેવાથી આવું કરે છે?"

"ડેડી વિરાટ પોતાના મનનું ધાર્યું જ કરે છે. કોઈની સલાહની જરૂર નથી.."

"સારું બેટા જેવી તારી મરજી..."

નેતાજી વિરાટના ગયા બાદ શર્મિલા સાથે વાત કરે છે. શર્મિલાને જણાવે છે કે તને આ છોકરામાં કોઈ બદલાવ દેખાય છે. શર્મિલા પણ એવું જ અનુભવે છે. શેરાને બોલાવીને વિરાટ પર નજર રાખવાનું કહેવામાં આવે છે. એ ક્યાં જાય છે શું કરે છે બધું જ.

બીજા દિવસે વિરાટ સિક્યોરિટી ગાર્ડસ અને ગન વગર ગાડી લઈને જાય છે. રસ્તામાં એ ફરીથી આરોહીને રોકે છે. આરોહી ગુસ્સામાં વિરાટને જુવે છે.

"આ રોજ રોજ શું માંડ્યું છે..."

"કાલે તું કહેતી હતી ને ગન વગર બહાર નિકળજે... આજે સિક્યોરિટી અને ગન વગર આવ્યો.. બોલ હવે કેમ નથી ડરતી મારાથી..."

"વિરાટ હું તારાથી શું કામને ડરું.. પહેલા તો એ વાત કે જે છોકરાઓ છોકરીને ડરાવીને પોતે તાકાતવર છે એવું જતાવે એને તો હું મર્દ જ નથી માનતી.. તો આવા નામર્દથી મારે શું કામ ને ડરવું..."

વિરાટને આરોહી ફરીથી આઘાત આપીને ગઈ. વિરાટ આ આઘાતના ગમમાં દારૂ પીને બેઠો હતો. એનો ફ્રેન્ડ અજય આવ્યો.

"અજય તું ક્યારે આવ્યો?"

"થોડીવાર પહેલાં જ.. શું હાલત બનાવી છે વિરાટ તે.."

"અજય મને પ્રેમ થઇ ગયો છે યાર..."

"પ્રેમ? તને? શું ગપ્પાં મારે છે યાર..."

"હા સાચે થઇ ગયો છે. મારા વિચારોમાં એ જ ફરે છે..."

"છે કોણ ?"

"આરોહી..."

"વોટ? શું બકવાસ કરે છે..."

"હા, આ બકવાસ નથી, સાચું જ કહું છું. મને આરોહી સાથે પ્રેમ થઇ ગયો છે...."

દારૂના નશામાં વિરાટ બોલતો ગયો. અજય પણ અચંબિત થઈને સાંભળતો ગયો. ત્યાં શર્મિલા બહેન પણ આ બંનેની વાતો સાંભળી ગયા. એમને નેતાજીને આ વાતની જાણ કરી. નેતા ગુસ્સે થયા પણ વિરાટની જીદ સામે હાલ કોઈ પગલાં ભરવા એમને યોગ્ય ન લાગ્યા.

એક દિવસ સાંજે એ અજય સાથે આરોહી જે રેસ્ટોરન્ટમાં જોબ કરતી હતી ત્યાં ગયો. આરોહીને વિરાટએ ઓર્ડર લેવા બોલાવી. આરોહી ગુસ્સામાં એનો ઓર્ડર લેવા આવી.

"તું અહીંયા પણ આવી ગયો?"

"મેડમ અવાજ નીચે.. હું ઓર્ડર આપું એ લખ.."

"હા બોલો.. "

"નથી આપવો કોઈ ઓર્ડર...."

"આ શું માંડ્યું છે.. અહીં હું જોબ કરું છું..."

"આરોહી.. તું મને ગમે છે.. હું તારા પ્રેમમાં છું..."

"ફાલતુ વાતો ના કર નીકળ અહીંથી..."

વિરાટ અને આરોહી ત્યાંથી નીકળી જાય છે. આરોહી પણ ટેન્શનમાં આવી જાય છે. મલ્હારની હત્યા કરીને હવે મને પણ પ્રેમમાં ફસાવીને આ હેરાન કરવાનું ક્યારે મુકશે. આવા વિચારો આરોહીને અંદરને અંદર કોતરી રહ્યા હતા. આરોહી કોઈને આ વાતની જાણ પણ નથી કરતી અને મનમાં ને મનમાં જ ચિંતા કર્યા કરે છે.

વિરાટની વાત આરોહી માનતી નથી એટલે વિરાટ એને સામે ચાલીને નહીં પણ એક અજાણ્યા વ્યક્તિ તરીકે બેનામ ફૂલો અને ગિફ્ટસ મોકલતો રહે છે. આરોહી હોસ્પિટલ જાય તો રોજ ફ્લાવર્સ અને ગિફ્ટ હોય. ગિફ્ટ કે ફ્લાવર્સ પર એક કાર્ડ હોય જેમાં ફક્ત "A" જ લખેલું હોય. આરોહી વિચારમાં પડે છે કે આ વ્યક્તિ કોણ હશે. ના કોઈ નામ છે અને રોજ મને હોસ્પિટલમાં ફૂલો અને રેસ્ટોરન્ટમાં ગિફ્ટ મોકલે છે. પણ આરોહી મનમાંને મનમાં એને પસંદ કરવા લાગે છે.

નેતાજી શેરાને બોલાવે છે અને વિરાટ વિષે પૂછે છે. શેરા જણાવે છે કે વિરાટ રોજ આરોહીનો પીછો કરે છે અને ગિફ્ટસ મોકલે છે. બીજું કંઈ જ કામ નથી કરતો. નેતાજી આ વાત સાંભળીને વધુ ગુસ્સે થાય છે. એ વિરાટને બોલાવે છે.

"બેટા આ શું માંડ્યું છે.. એ બે ટકાની છોકરી પાછળ આટલો દિવાનો કેમ છે?"

"ડેડી એ બે ટકાની છોકરી નથી એ મારો પ્રેમ છે. હવે પછી આવી વાતના કરતા અને હા મારી એક વાત યાદ રાખજો તમે જે કરતા આવ્યા છો મારકૂટ એ આરોહી સાથે કરતા કે કરાવતા નહીં નહિતર પરિણામ સારું નહીં આવે.. એ મારો પ્રેમ છે અને એને હું આ ઘરમાં લાવીને જ રહીશ..."

નેતાજી વિરાટની આ જીદ જોઈને અચંબિત થઇ જાય છે. શર્મિલા સાથે બેસીને વાત કરે છે કે આવા મિડલકલાસ પરિવારની છોકરી આપના ઘરમાં આવશે તો આપણી બદનામી થશે. વિરાટને સમજાવશું તો એ નહીં સમજે. એટલે હવે એ છોકરીનું કંઇક કરવું પડશે. શર્મિલા પણ નેતાની વાતમાં હાંજી ભરે છે. નેતા શેરાને બોલાવીને છોકરીને મરાવા માટેનો પ્લાન બનાવડાવે છે. છોકરીને ગુંડાઓ વડે મરાવીશું તો ખબર પડશે પણ ઍક્સિડન્ટ તો આકસ્મિક હોય એમાં આપણે કરાવ્યું એ સામે નહિ આવે આવા પ્લાન સાથે શેરાને મોકલે છે. શેરા એક ગુંડાને સુપારી આપે છે અને છોકરીનો ફોટો.

આરોહી સવારે હોસ્પિટલ જવા નીકળી હોય છે. એ રોડ ક્રોસ કરી જ રહી હોય છે કે ત્યાં અચાનક પાછળથી ગાડી આવી ને આરોહીને ઉલાડી મુકે છે. વિરાટ રોજની જેમ આરોહીનો પીછો કરી રહ્યો હોય છે. એ ગાડીમાંથી બહાર નીકળી એના મિત્ર અજય સાથે આરોહીને પોતાની ગાડીમાં સુવડાવે છે અને જે ટક્કર મારીને ગયો હોય છે એ ગાડીવાળાને પકડીને ખુબ મારે છે અને કોણે આવું કરવાનું કહ્યું એ પૂછે છે. જાણ થાય છે કે નેતાના કહેવાથી આ ઍક્સિડન્ટ કરાવ્યો છે. એને પણ ગાડીમાં લઇને વિરાટ હોસ્પિટલ જાય છે. આરોહીને ત્યાં એડમિટ કરે છે. ગુસ્સામાં એ પેલા ગુંડાને લઈને ઘરે આવે છે. નેતાની સામે એને પટકતા બોલે છે.

"ડેડી તમને ના પાડી હતી ને કે મારકૂટ ના કરતા.. તો આ શું કામ કર્યું?"

"બેટા એ છોકરી તારે લાયક નથી.."

"એ મારો પ્રેમ છે ડેડી હવે વચ્ચે ના આવતા નઈ તો હું મારો જીવ લઈશ.." વિરાટ પોતાના માથે ગન મૂકીને ધમકી આપતા કહે છે.

અજય હોસ્પિટલથી વિરાટના ઘરે આવે છે. વિરાટ ગન નીચે કર. આરોહી ઠીક છે. હું હોસ્પિટલ જઈને આવ્યો. વિરાટને થોડી શાંતિ થાય છે. નેતાનો પ્લાન ફેલ થતા એ ટેન્શનમાં આવે છે. વિરાટ ગુસ્સામાં ઘરેથી બહાર નિકળે છે.

રોજની જેમ વિરાટ એક બેનામ વ્યક્તિ બનીને આરોહીને હોસ્પિટલમાં ફુલ મોકલે છે. આ વખતે સાથે એક લેટર પણ મોકલે છે. આરોહી લેટર લઈને સંતાડી દે છે. વિરાટ આરોહીને હોસ્પિટલ જોવા જાય છે. આરોહી આરામ કરી રહી હોય છે. વિરાટ એને આ હાલતમાં જોઈ રડવા જેવો થઇ જાય છે. એના પોતાના પિતા પર ગુસ્સો આવે છે. આરોહી જાગે એ પહેલા એ ત્યાંથી નીકળી જાય છે.

આરોહીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળે છે. આરોહી અને એની બહેનો ઘરે જઈ રહી હોય છે. મમતાની નજર ત્યાં દૂર ઉભેલી ગાડી પર પડે છે. મમતા આરોહીને ઝડપથી ટેક્સીમાં બેસાડીને ઘરે લઇ જાય છે.

"દીદી આજે આપણે હોસ્પિટલથી નીકળ્યા ત્યારે વિરાટ ત્યાં હતો. એ શું કરતો હશે? ક્યાંક એને તો ઍક્સિડન્ટ નઈ કરાવ્યો હોયને?"

"ના મમતા એ મારો ઘણા સમયથી પીછો કરે છે. એક દિવસ તો એની પાસે ગન પણ હતી. પણ એણે કંઈ ના કર્યું. એ મને નુકશાન નથી પહોંચાડવા માંગતો.. પણ ખબર નહીં કેમ એ મારો પીછો કરે જ જાય છે..."

"દીદી તો આ વાત તે મમ્મીને કરી?"

"ના નથી કરી.. કરીશ તો એ મને જોબ પણ નહીં કરવા દે.. "

"તો દીદી તું એકલી રાત્રે અગિયાર વાગ્યા સુધી બહાર હોય છે.. અમને ચિંતા થાય..."

"તું ટેન્શન ના લે.. મને કંઈ જ નહીં થાય..."

આરોહીને રોજ વિરાટ ગિફ્ટ મોકલે છે પણ બેનામ મોકલે એટલે આરોહીને એના સાચા નામ વિષે ખબર નથી. એને હવે એ બધું ગમવા લાગે છે. વિરાટને પણ આરોહીને જોવી એની પાસે રહેવું ગમે છે પણ આરોહીની સામે એ જાય તો આરોહી કોપાયમાન બને છે. વિરાટ અજય સાથે ગાડીમાં બેઠો છે. હાથમાં બે કાચની બોટલ છે.

"વિરાટ આ બોટલ કેમ લીધી છે..."

"મારે આરોહી પાસે જવું છે.. આ બોટલ જ મારૂં કામ કરશે.."

"શું? એ કઈ રીતે?"

"હું મારા માથામાં આ બોટલ મારીશ.. તું મને ઇમર્જન્સીમાં હોસ્પિટલ પહોંચાડજે પછી હું જોઇશ આરોહી મારાથી દૂર કેમ રહેશે.. "

"પાગલ ના બન વિરાટ... તારાં માટે રોજ એક નવી છોકરી મળે એમ છે તો આ આરોહી માટે કેમ સમય વેસ્ટ કરે છે ..."

"તને કીધું એટલું કર..."

વિરાટ જોરથી બંને બોટલ માથામાં મારે છે. માથામાંથી લોહીના રેલા ઉતારવા માંડે છે. અજય ઝડપથી વિરાટને લઈને હોસ્પિટલ પહોંચે છે. ત્યાં ઇમર્જન્સીમાં વિરાટને આઈ.સી.યુ માં લઇ જતા હોય છે. આરોહી ત્યાં આવે છે. એ વિરાટને જોઈને પહેલા તો દૂર રહે છે પણ ડ્યુટી હોવાથી એ પણ વિરાટને આઈ.સી.યુ સુધી લઇ જાય છે. આરોહીની નજર વિરાટના હાથ પર પડે છે. વિરાટના હાથ પર એક "A" નામનો ટેટુ હોય છે. એવો જ ટેટુ વાળો A રોજ આરોહીના ગિફ્ટસ અને ફ્લાવર્સમાં હોય છે. આરોહી આ જોઈ અચંબિત બની જાય છે. આરોહીને ખબર પડે છે કે જે બેનામ ગિફ્ટસ આવતી હતી એ વિરાટ જ એને મોકલતો હતો. એ પોતાની જાતને કોશવા લાગે છે. એના ભાઈના ખૂની માટે એનું દિલ ધબક્યું એવો એહસાસ જ એને પોતાની જાત માટે ઘૃણા પેદા કરે છે. આરોહી હોસ્પિટલથી નીકળી જાય છે. ચાલુ વરસાદમાં એ એ પલળતા પલળતા એક સુમસાન જગ્યા પર જઈને ખુબ રડે છે. પોતાની જાતને દોષી માને છે. ઘરે બધા આરોહીની ચિંતા કરી રહ્યા હોય છે.

આરોહી રાત્રે પલળેલા કપડે ઘરે આવે છે. એના મમ્મી આરોહીને જોઈને રડી પડે છે.

"શું થયું બેટા.. ક્યાં હતી તું.. "

આરોહી અવાચક બની જાય છે. કોઈ સાથે કંઈ જ વાત નથી કરતી. થોડા સમય આમ જ વિતાવીને એ બાથરૂમમાં જઈને ખુબ રડે છે અને પછી કપડાં બદલીને પોતાની પથારીમાં સુમસાન બેઠી હોય છે. આરોહીના મમ્મી એના માટે જમવાનું લઈને આવે છે.

"બેટા કંઇક તો બોલ.. ચાલ તું પહેલા જમી લે પછી કહે મને કે શું થયું.."

આરોહી એના મમ્મીને ભેટી પડે છે અને ખુબ રડે છે. આરોહી રડતા રડતા એનાથી થયેલી ભૂલ વિષે એના મમ્મીને કહે છે.

"બેટા જો તારો આમાં કોઈ જ વાંક નથી. તને ખબર ન હતી કે એ વિરાટ છે નહિતર તારા મનમાં એ પ્રેમ જ ના જાગત. હવે બેટા બધું ભૂલી જા.. એમ સમજ કે કઈ થયું જ નથી.."

"હા મમ્મી મારા મનમાં હવે તો એ વિરાટ માટે વધુ નફરત પેદા થઇ ગઈ છે.."

વિરાટ હોસ્પિટલમાં આરોહી વિષે અજયને પૂછે છે. અજય એને જણાવે છે કે તને આઇ.સી.યુ.સુધી લાવીને પછી એ ચાલી ગઈ હતી. વિરાટને ત્યાંથી ડિસ્ચાર્જ મળે છે. આરોહી થોડા દિવસ હોસ્પિટલ જ નથી જતી. એક અઠવાડિયા પછી એ હોસ્પિટલમાં જોબ ફરીથી જૉઇન કરે છે.

સાંજે અજયને રેસ્ટોરન્ટમાં મળવા માટે આરોહી બોલાવે છે. અજય ત્યાં પહોંચે છે.

"આરોહી મને કેમ બોલાવ્યો?"

"મારે એક કામ છે તારું..."

"મારુ શું કામ છે? અને મારો નંબર ક્યાંથી મળ્યો?"

"તારાં ફ્રેન્ડનાં કહેવાથી તો તું રોજ રેસ્ટોરન્ટ ચેક કરવા આવતો આજે આટલી તકલીફ થાય છે? તારો નંબર મને હોસ્પિટલનાં રજીસ્ટરમાંથી મળ્યો..."

"ઓકે બોલ શું કામ છે..?"

"તારા ફ્રેન્ડને કહેજે મારે એને મળવું છે. કાલે શહેરનાં છેવાડે આવેલી ખંડેર પાસે મળે.."

"વોટ? તું અને વિરાટને મળવા માંગે છે? પણ કેમ?"

"એ હું મળીને કહીશ બસ તારું કામ એટલું જ છે તું એને કહેજે..."

અજય ત્યાંથી વિરાટ પાસે જાય છે એને જણાવે છે કે આરોહી એને મળવા માંગે છે. વિરાટ તો ખુશ ખુશાલ થઇ જાય છે. વિરાટ બીજા દિવસે તૈયાર થઇને ત્યાં શહેરનાં છેવાડે આરોહીની રાહ જુવે છે. અજય આરોહીને રેસ્ટોરન્ટમાંથી લઈને શહેરનાં છેવાડે આવેલા ખંડેર પાસે પહોંચે છે.

આરોહી ગાડીમાંથી ઉતરે છે. આરોહીના હાથમાં એક બેગ હોય છે. બેગમાં અત્યાર સુધી આપેલી બધી જ ગિફ્ટસ હોય છે. આરોહી ચાલતા ચાલતા વિરાટ પાસે જઈ રહી છે. વિરાટ આરોહીને આવતા જોઈ મનોમન ખુશ થઇ રહ્યો છે.

"ઓહ.. તો આખરે તું મને મળવા આવી જ ગઈ.."

"હા વિરાટ, હું આખરે આજે તને મળવા આવી જ ગઈ.."

"મને ખબર હતી તું એક દિવસ આવીશ મને મળવા.."

"આ તારો કોન્ફિડન્સ છે કે ઘમંડ છે? જો ઘમંડ હોય તો મારે એ તૂટતાં જોવો છે."

"કોન્ફિડન્સ નથી ખાતરી છે..."

"અચ્છા તો ઘમંડ છે. કે તું મને તારા પ્રેમમાં ફસાવી શક્યો.."

"હા છે તો..?"

"તો તો બહુ મજા આવશે.. જયારે તારા આ ઘમંડને હું તોડીશ..."

"તું કહેવા શું માંગે છે.."

"કંઈ નહીં મિસ્ટર વિરાટ.. તને એમ હતું કે, તું મને આમ બેનામ ગિફ્ટ મોકલીને તારા પ્રેમમાં ફસાવી લઈશ તો એ તું ભૂલે છે. મને પ્રેમ થયો હતો પણ એ વ્યક્તિ તું તો છો જ નહીં.. અને મારા મનમાં જે પ્રેમની આગ તેં લગાવી હતી ને હવે તું જ એમાં બળીને રાખ થઈશ.. એમાં જ મારી જીત છે..."

આરોહી નીચે બેસી એક એક કરી બધી ગિફ્ટસ કાઢે છે અને એને દીવાસળી વડે આગ ચાંપે છે. વિરાટ આ જોઈ ભડકે બળે છે. અજય એમની પાસે આવવાની કોશિશ કરે છે પણ વિરાટ એને ત્યાં જ રોકી દે છે. આરોહી વિરાટને ગુસ્સામાં જોઈને ત્યાંથી નીકળી જાય છે.

[ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Drama