Irfan Juneja

Crime Drama

3  

Irfan Juneja

Crime Drama

આરોહી - ૩

આરોહી - ૩

8 mins
14.6K


આરોહીના ઘરમાં શોકનું વાતાવરણ યથવાત છે. વૈભવભાઈના મનમાં નેતા અને એના દીકરા માટે પૂરો જોશમાં ગુસ્સો છે. અહીં નેતા પણ ટેન્શનમાં છે. પોલીસ નેતાના ઘરે વોરન્ટ લઈને આવી ચડી છે.

"નેતાજી અમારી પાસે વિરાટની ગિરફ્તારીનો ઓર્ડર છે.."

"ઓહ.. અચ્છા, તો તમે મારા દીકરાને લઇ જશો એમ?"

"નેતાજી અમારા હાથમાં નથી. મીડિયા અને ઉપરથી ઘણું પ્રેશર છે. અમારે વિરાટને આજે લઇ જ જવો પડશે.."

વિરાટ અને શર્મિલા પણ ત્યાં આવી જાય છે. શર્મિલા વિરાટની ગિરફ્તારી વિશે સાંભળીને ચિંતિત બને છે.

"મારા દીકરાને કોઈ ક્યાંય નહીં લઇ જાય.. તમે અહીંથી ચાલ્યા જાઓ.." શર્મિલા પોલીસ કર્મચારીને કહે છે.

"મેડમ સમજવાની કોશિશ કરો. અમારા હાથમાં કઈ જ નથી.."

નેતાજી ના મગજમાં ષડયંત્ર રચાઈ રહ્યું હોય છે. આ પરિસ્થિતિમાં વિન-વિન કન્ડીશન કેવી રીતે કરવી એ એમના મગજમાં ચાલી રહ્યું હોય છે. જેથી ખુરશી પર પણ આંચના આવે અને દીકરો પણ બચી જાય. ઘણા વિચાર બાદ નેતાજી બોલ્યા.

"લઇ જાઓ વિરાટને.. "

આ સાંભળી શર્મિલા અને વિરાટ અચંબિત થઇ ગયા. નેતાજી જેના હાથમાં હાલ બધો જ પાવર છે એને વિરાટને જેલ થતી કેમ ન અટકાવી. આવા અનેક વિચારો વિરાટ અને શર્મિલાના મનમાં દોડવા લાગ્યા. શર્મિલા રોકકળ કરવા લાગી. પોલીસ વિરાટને હાથકડી લગાવીને જેલ લઇ ગઈ.

"આ શું કર્યું તમે, તમારી પાસે બધો કન્ટ્રોલ છે. તો વિરાટને જેલ કેમ મોકલ્યો? પોલીસને રોકી કેમ નહિ?"

"શર્મિલા તું સમજવાની કોશિશ કર. કેસ નબળો છે. મીડિયામાં બધું સામે જ છે કે વિરાટે જ ખુન કર્યું છે. તું ચિંતા ના કર હું એને છોડાવી લઈશ.."

"એ જેલમાં છે. તમને ખબર છે. એને એના બેડરૂમ સિવાય નીંદર પણ નથી આવતી.. મારો દીકરો કેમની રાત વિતાવશે...?"

"શર્મિલા તું હળવી થા, હું મારા બનતા પ્રયત્નો કરું છું."

નેતા પોતાના ખાસ વકીલને બોલાવે છે. વકીલ સાથે વાત કરવાથી જાણવા મળે છે કે કેસ ખુબ જ નબળો છે. જો કોર્ટમાં અપીલ થશે તો હારવાના ચાન્સ છે. પણ નેતાજીના વકીલ પણ રાજ્યના નામચીન વકીલોમાના એક છે. એટલે કેસ હારવો એ એમની પણ એક હાર ગણાય. વકીલ પોતાની બધી જ તાકાત આ કેસમાં લગાવવાની કોશિશ કરે છે.

"નેતાજી હું મારી તમામ કોશિશ કરું છું પણ આ કેસમાં રિસ્ક છે.."

"તો કોઈ તો રસ્તો હશે ને?"

"હા છે.. પણ એમાં મલ્હારના પરિવારની જરૂર પડશે.."

"એટલે? સમજ્યો નઈ..?"

"નેતાજી આપણે મલ્હારના પરિવાર સાથે સમાધાન કરવું પડશે અને માફીપત્ર પર એમની સહી લેવી પડશે. જેથી આપણે કોર્ટમાં માફીપત્રથી વિરાટને છોડાવી શકીયે.."

"હા વકીલ જે કરવું હોય તે કરો પણ મારા દીકરાને બહાર લાવો.."

વકીલ માફીપત્ર તૈયાર કરીને મલ્હારના ઘરે જાય છે. દીકરો ગુમાવ્યાનું શોક અહીં ચાલી જ રહ્યો છે. વકીલ ત્યાં બેસી વૈભવભાઈ અને વર્ષાબેન સાથે વાત કરે છે.

"જુઓ વૈભવભાઈ અમે જાણીએ છીયે કે તમે તમારો દીકરો ગુમાવ્યો છે. એ પાછો તો નહીં આવે પણ તમે નેતાજી સામે લડશો તો તમારું હારવું નક્કી જ છે. કેમ કે હું મારા ક્લાઈન્ટને ક્યારેય હારવા નથી દેતો.."

"વકીલ તું અહીંથી ચુપચાપ ચાલ્યો જા મને ગુસ્સો આવે એ પહેલા. તને ખબર નથી મારા દીકરાનું લોહી એટલું સસ્તું નથી કે એને હું માફ કરી દઉં..."

"જુઓ વૈભવભાઈ એક છોકરો તો ગયો. તમારી ત્રણ દીકરીઓ છે. એ વાત ધ્યાનમાં રાખજો. વિરાટને તો અમે ગમે તેમ કરીને છોડાવી લઈશું પણ તમારી જિંદગી એના બહાર આવતા જ હરામ થઇ જશે..."

"તું અહીં ધમકી આપવા આવ્યો છે? ચાલ ઉભો થા અને નીકળ અહીંથી.."

"વૈભવભાઈ અત્યારે તો હું જાઉં છું. પણ ધ્યાન રાખજો કોર્ટમાં હું રજૂ કરીશ કે તમારી આરોહી અને વિરાટ વચ્ચે ઇલુ-ઇલુ ચાલતું હતું અને એ વાતની મલ્હારને જાણ થઇ એટલે એને વિરાટ સાથે ઝગડો કર્યો અને એ કારણે આ ઘટના બની.."

"વકીલ.. હવે તું જાય છે કે ધક્કામારીને કાઢું?.."

વકીલ ત્યાંથી ગયો. અહીં જેલમાં વિરાટ તલપાપડ કરી રહ્યો હતો કે એના પિતા ક્યારે છોડાવશે. વકીલે નેતાને જાણ કરી કે હાલતો મલ્હારનો પરિવાર માનવા તૈયાર નથી. નેતાએ શર્મિલાને બોલાવીને વાત કરીકે આપણે બંને વૈભવભાઈ પાસે જઈશું અને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશું.

રાત્રે ઘરના ગાર્ડનનાં બાંકડે વૈભવભાઈ અને વર્ષાબેન બેઠા બેઠા વાતો કરી રહ્યા છે.

"વર્ષા વકીલ સાચું કહી ગયો હોય એવું નથી લાગતું?"

"વૈભવ તમે આ બોલો છો? તમે મલ્હારના હક માટે લડવાની ના પાડો છો?"

"વર્ષા હું ના નથી પડતો પણ નેતા જેવા પૈસા અને સત્તાના પાવરવાળા વ્યક્તિઓનો સામનો આપણે કેવી રીતે કરશું? આખી જિંદગી જે કમાવ્યું છે એ દીકરીઓના લગ્નની જગ્યા એ કોર્ટ કચેરીમાં ખર્ચાઈ જશે. મલ્હારના ગયાનું દુઃખ છે. નેતા અને એના કપુત દીકરાને હું ક્યારેય માફ નહિ કરું પણ તું જ કહે આપણી ત્રણ દીકરીઓ છે. કોલેજ એકલા આવવું જવું, કોઈ કારણસર એ લોકો એમની પર કઈ કરશે તો? આપણે શું કરીશું..? મેં મલ્હાર ગુમાવ્યો છે. મારા બીજા સંતાનો નથી ગુમાવવા..."

"વૈભવ વાત તો સાચી છે. પણ મલ્હાર આપણને આ વાત માટે માફ કરશે? શું એની આત્માને શાંતિ મળશે?"

"હા મલ્હારના તો આપણે ગુનેગાર બનીશું કે એક દીકરાના હક માટે આપણે કઈ જ ના કર્યું... પણ ઓલો વકીલ આપણી આરોહીનું નામ લઈને ગયો છે. મને તો ડર છે કે કોર્ટમાં કઈ થશે તો આપણી દીકરીની બદનામી થશે. આરોહી કેટલી ભોળી અને નાજુક છે. આ પરિસ્થિતિમાં એ પોતાની જાતને કેમની સંભાળી શકશે..."

"હા વૈભવ, આપણે એમને માફ કરી દઈએ અને આપણી ત્રણ દીકરીઓ વિષે વિચારીએ..."

આરોહી બારણે ઉભી ઉભી મમ્મી પપ્પાની આ વાતો સાંભળી અને આંખોથી ટપ ટપ આંસુંડાની ધાર વહાવી રહી છે. પોતાની ડરપોક અને દીકરીની જાતના કારણે ભાઈની મોતનો બદલો લેવાનું મમ્મી-પપ્પા ટાળે છે એ એને ખુબ જ હર્ટ કરે છે. પોતાની જાતને બહાદુર બનવવાનો એ મનમાં ઈરાદો કરે છે.

નેતા અને શર્મિલાજી આરોહીના ઘરે આવે છે. મગરમચ્છના આંસું વહાવે છે. વૈભવભાઈ અને વર્ષાબેન આ જાણે છે કે આ બધો ઢોંગ રચાઈ રહ્યો છે. વૈભવભાઈ નેતા સામે જોઈને બોલી ઉઠે છે.

"અમે માફીપત્ર પર સહી કરવા તૈયાર છીએ.. તમે વકીલને મોકલી આપો.."

આ સાંભળી નેતા મનમાં ને મનમાં ખુશ થાય છે. એમને લાગે છે કે એમના મગરમચ્છના આંસું કામ કરી ગયા. ત્યાં જ આરોહી ચડી આવે છે.

"કોઈ સહી નહી થાય. તમારા દીકરાએ મારા ભાઈની હત્યા કરી છે. હું એને ન્યાય અપાવીને જ રહીશ.. તમારે જે કરવું હોય એ કરી લેજો.."

"આરોહી... બેટા આ શું બોલી તું? અંદર જા તું." વૈભવભાઈ આરોહીને રોકતા બોલે છે.

"પપ્પા કોઈ માફીપત્ર પર સહી નહીં જ થાય.. અને સહી કરવી હશે તો મારૂ મર્યું મોઢું જોશો..."

આરોહી આટલું કહીને ત્યાંથી ચાલી જાય છે. નેતાના મનમાં જે ખુશી હતી એ ફરીથી ટેન્શનમાં પરિણમે છે. નેતા અને શર્મિલા ત્યાંથી જાય છે. એમને લાગે છે બધુ જ બરાબર હતું ને અચાનક આ છોકરીએ બાજી ફેરવી નાખી. હવે એ વૈભવભાઈને મનાવવા કે દબાણ વધારવાનો બીજો પ્લાન વિચારે છે.

અહીં વૈભવભાઈ આરોહી પર ગુસ્સો કરતા બોલે છે.

"બેટા .. આ તે શું કર્યું?"

"મેં જે કર્યું છે એ સાચું જ કર્યું છે પપ્પા. કાલે મેં તમારી ને મમ્મીની બધી વાતો સાંભળી હતી. મારા કારણે તમે મારા ભાઈના ખૂનીને માફ કરીદો એ યોગ્ય નથી. પપ્પા અને મમ્મી તમારે ડરવાની કોઈ જ જરૂર નથી.. એમની તાકાત હોય એ કરવા દો. કોર્ટમાં મારી ઈજ્જત ઉછાળવી હોય તો ઉછાળવા દો પણ હું મારા ભાઈને ન્યાય આપવીને જ રહીશ..."

અહીં જેલમાં વિરાટ હેરાન-પરેશાન છે. એના પિતા હજી એને છોડવાનો કોઈ બંદોબસ્ત કેમ નથી કરતા એ વાતને લઈને એ તરફડીયા મારી રહ્યો છે. એને મળવા એનો નાનપણનો મિત્ર અજય આવે છે.

"અજય યાર.. મારા બાપને સમજાવને બે દિવસથી અહીં છું.. કંઇક કરે.."

"વિરાટ શાંતિ રાખ અંકલ કોશિશ કરે છે. માફીપત્ર પર સહી કરાવવાની.."

"એમ રિકવેસટથી કઈ નઈ થાય.. બંધુક લઈને જાઓ અને કાનપટ્ટી પર રાખો. ના શું સહી કરે.."

"વિરાટ કુલ ડાઉન... વાત વધુ બગડે એવું નથી કરવું.. બધુ શાંતિથી જ પતાવવાનું છે. સહી કરી જ દેત પણ અચાનક મલ્હારની બહેન આવી ગઈ..."

"ઓહ.. એની બહેન? શું કર્યું એણે?"

"એ એવું કહે છે કે તને સજા અપાવશે.."

"ઓહો.. એની બહેન બહાદુર લાગે છે.. મળાવતો મને.."

"તું શું કરીશ મળીને.."

"વિરાટ સામે કોઈ છોકરી નજર ઊંચી કરીને જોતી નથી તો આની હિંમત જોવી પડશે.. અજય પ્લાન કર મળવાનો.."

"ભાઈ અત્યારે માહોલ ગરમ છે.. પછી રાખને..."

"ના, તું ગમે તે કર એને અહીં મોકલ.."

અજય સિક્યોરિટી ગાર્ડસ સાથે આરોહીના ઘરે આવી ચડે છે. વૈભવભાઈ ઘરે નથી હોતા. નાની બહેનો પણ કોલેજ ગઈ હોય છે. આરોહી અને એના મમ્મી જ ઘરે હોય છે. બંદુક ટેબલ પર મૂકીને કહે છે.

"આંટી.. ક્યાં છે તમારી બહાદુર દીકરી?"

"તું કોણ છે? શું કામ છે.."

"આંટી પૂછું એટલે જવાબ આપો નઈ તો આ બંદુકમાં એકેય ગોળી બાકી નહિ રહે..."

વર્ષાબેન ડરતા ડરતા આરોહીને બોલાવે છે. આરોહી નીડર બનીને અજય સામે ઉભી રહે છે.

"કોણ છે તું? આ રીતે મારા ઘરમાં કેમ ઘુસી આવ્યો છે?"

"ઓહ ... મેડમ અવાજ નીચે... વિરાટને મળવા જવાનું છે તમારે..."

"હું? હું કેમ એને મળું?"

"જો આરોહી વાત માની લે નહી તો તારા ભાઈની જેમ તારી મા પણ ગુમાવીશ.. બહાર ગાડી છે ત્યાં મારા સિક્યોરિટી ગાર્ડસ છે. એ તને જેલ લઇ જશે અને એક કલાકમાં પાછી મૂકી જશે... ચુપ ચાપ ગાડીમાં જઈને બેસ..."

"ના બેટા તું ક્યાંય નઈ જાય..." વર્ષાબેન રડતા રડતા બોલે છે.

"મમ્મી તું ચિંતાના કર હું જઈને આવું છું. જોઉં છું શું કહે છે ઓલો હરામી..."

અજય અહીં આરોહીના ઘરે બેસે છે જેથી વર્ષાબેન કોઈને ફોન ન કરી શકે. આરોહી ગાડીમાં બેસી જેલ જાય છે. વિરાટ લોકપમાં આરામ ફરમાવી રહ્યો હોય છે. આરોહી ચહેરા પર ફુલ ગુસ્સા સાથે એને જોવે છે.

"કેમ બોલાવી છે મને અહીં??" ઊંચા આવજે આરોહી બોલે છે.

વિરાટ નીંદરમાંથી ઉઠે છે અને આરોહીની સામે આવે છે.

"ઓહ.. તો તું છે એ બહાદુર છોકરી જે વિરાટને સજા અપાવીશ..?."

"તું કામ બોલ.. મારે ફાલતુ વાત માટે ટાઈમ નથી..."

"મેં તો વિચાર્યું હતું કે તું એકદમ સટ્રોન્ગ ગર્લ હોઈશ.. પણ તને જોતા તો લાગે છે તું એકદમ નાજુક, ખુબ સુરત, પ્રેમાળ છોકરી છે"

"વિરાટ તું ફાલતુ વાતો ના કર.. કામ બોલ... તારા જેવા નાલાયક લોકો માટે મારી પાસે સમય નથી..."

"જો તું તારા માં બાપ ને સમજાવીને સહી કરી દેજે. જો મારુ માફીપત્ર નહીં મળ્યું તો તારી અને તારી બહેનોની જિંદગી બહુ ખરાબ કરીશ. બહારતો હું આવીશ જ..."

"વિરાટ.. મારા ભાઈનું લોહી એટલું સસ્તું નથી કે તારા જેવા માટે એ વહી જાય.. હું તને સજા અપાવીને જ રહીશ.. હું પણ જોઉં છું તું કેમનો બહાર આવે છે..."

આરોહી ગુસ્સામાં વિરાટને જોઈને ત્યાંથી નીકળી જાય છે. વિરાટને આજે કોઈ છોકરીએ આંખોમાં આંખો નાખીને પહેલીવાર ધમકી આપી. વિરાટના મનમાં આ વાત જ્વાળાની માફક બળી રહી છે. આરોહી ઘરે પહોંચે છે અને અજય ત્યાંથી જાય છે.

"બેટા શું કહ્યું એણે?"

"કઈ નહી મમ્મી એ લુખ્ખાઓ કરવાના પણ શું ધમકી આપવા સિવાય..."

"શું ધમકી આપી?"

"કહે છે કે બહાર આવીને અમારી ત્રણેય બહેનોનું જીવન ખરાબ કરશે..."

"બેટા હું કહેતી હતી આવા લોકો સાથે વેર ના કરાય. આપણે એને માફીપત્ર આપી દઈએ..."

"મમ્મી જો તું ડર નહીં અને આ વાત પપ્પા કે બન્ને બહેનોને ના કરતી.. વિરાટ જેવા નાલાયકને તો હું ફાંસી અપાવીને જ રહીશ.."

વર્ષાબેન ખુબ જ ટેન્શનમાં આવી જાય છે. આરોહી વિરાટની આ ધમકીથી ડર્યા વગર એની સામે લડવા માટે વધુ ને વધુ મજબૂત થતી જાય છે. આરોહીને મલ્હારએ કહેલી વાત યાદ આવે છે કે એ અબ્રોડ જશે પછી બધું આરોહીને જ સંભાળવાનું છે. મલ્હાર અબ્રોડ તો ન જઈ શક્યો પણ આજે એ આરોહી સાથે નથી. આરોહી અને મલ્હાર ટ્વીન્સ હતા. મલ્હાર જાણે દૂર થઈને પણ આરોહીમાં વસી ગયો હોય એવું આરોહી અનુભવી રહી છે. ભાઈના ન્યાય માટે જે ઉંદરડી થી ડરતી આરોહી આજે પૈસા અને સત્તાના પાવરવાળા લોકો સામે અડગ ઉભી રહી છે.

[ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Crime