આપવીતી
આપવીતી
રમણકાકા જીવનની ઢળતી સંઘ્યાએ પોતાનો સમય વ્યતીત કરવા માટે રોજ સાંજે બગીચાના બાંકડે આવીને બેસી જતાં. બાંકડો પણ એવો પસંદ કરતાં જ્યાં લોકોની બહુ ભીડ ના હોય, કોઈ આવતું જતું ન હોય. આવી જગ્યા પસંદ કરવાનું કારણ, શાંતિથી અતિતનાં ઊંડાણમાં જઈ જૂની યાદોને તાજી કરી શકાય. રમણકાકાનો આ રોજનો નિત્યક્રમ. એક પણ દિવસ ગાળ્યા વગર અચૂક પોતાના સમયે ત્યાં આવીને બેસી જવાનું. તેમની આ દિનચર્યા સ્મિતા નામની એક છોકરીની નજરમાં આવી. થોડા દિવસ તો તેણે ખાલી નજર રાખી કે રમણકાકા શું કરે છે. પછી તેનાથી રહેવાયું નહીં એટલે એક દિવસ રમણકાકાને પૂછી જ લીધું કે, "કાકા, તમે અહીંયા રોજ બેસવા આવો છો. પરંતુ આવીને શું કરો છો, મને કંઈ સમજાતું નથી." એટલે રમણકાકાએ ટુંકમાં જવાબ આપ્યો, "અતિતમાં ડોકિયું." સ્મિતાને પાછું કુતૂહલ થયું કે આ વળી શું ? એટલે તેણે રમણકાકાને પૂછ્યું કે, "એ કેવી રીતે ?" રમણકાકાએ ખૂબ શાંતિથી જવાબ આપતાં કહ્યું કે, " હું મારા નિર્ધારિત સમયે અહીંયા આવું છું, અને આ બાંકડા પર બેસીને મારો ભૂતકાળ યાદ કરું છું." સ્મિતાને હવે રમણકાકાનો ભૂતકાળ જાણવાની ઈચ્છા થઈ. તેણે રમણ કાકાને કહ્યું કે, "હું કાલે આ જ સમયે આવીશ. તમે મને તમારા ભૂતકાળ વિશે થોડું કહેજો." આટલું કહી સ્મિતા ત્યાંથી જતી રહી.
બીજા દિવસે નિર્ધારિત સમય પહેલા સ્મિતા આવીને રમણકાકાની રાહ જોતી બેઠી હતી. થોડીવારમાં રમણકાકા આવ્યા અને બાંકડા પર બેઠા. સ્મિતાએ પર્સમાંથી નાનું ટેપ રેકોર્ડર કાઢ્યું અને ઓન કરીને બાજુમાં મૂક્યું. રમણકાકાએ પોતાનો ભૂતકાળ કહેવાનું શરૂ કર્યું. "મારો જન્મ એક ખૂબ જ શ્રીમંત પરિવારમાં થયો હતો. હું ખૂબ જ લાડકોડમાં ઉછર્યો અને દુનિયાની બધી જ સુખ સાહ્યબી ભોગવી. ભણવા માટે પણ પપ્પાએ સારામાં સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું. હું ભણ્યો પણ ખૂબ જ સારું અને મને શિક્ષક તરીકે નોકરી પણ મળી ગઈ. ગુજરાતના એક અંતરિયાળ ગામમાં નોકરીનો ઓર્ડર મળ્યો. ઘરનાં બધાએ જવાની ના પાડી, પરંતુ પછાત વિસ્તારનો વિકાસ કરવાની મારી ઈચ્છાનાં કારણે મેં ત્યાં નોકરી સ્વીકારી લીધી. સરકારી નોકરી હતી અને પપ્પાના ઘરે ઘી દૂધની નદીઓ વહેતી હતી, એટલે લગ્ન કરવામાં પણ કંઈ ખાસ તકલીફ ન પડી. પત્ની પણ શિક્ષિકા જ હતી અને તે પણ મારા જેવી જ. અમે બંને જણાએ ગરીબોની સેવા કરવામાં જ અમારું જીવન ગુજારવાનું નક્કી કર્યું. લગ્નના થોડા વર્ષો બાદ જ અમારા પર વારસદાર માટે દબાણ કરવામાં આવ્યું. ઘણાં પ્રયત્નો છતાં સફળતા ન મળી, એટલે ડોકટરને બતાવ્યું. તપાસ કરતાં ખબર પડી કે અમે બાળક લાવવા માટે સક્ષમ નથી. તેથી અમે અમારું આખું જીવન બાળકો પાછળ જ સમર્પિત કરવાનું નક્કી કર્યું. આ કાર્યમાં મારી અર્ધાંગિનીએ પણ મને ખૂબ જ સાથ આપ્યો.
ઘણાં વર્ષો પછી અમારા ગામડે પાછા ફર્યા ત્યારે ખબર પડી કે અમારા ભાગની જમીન પપ્પાએ અમને પૂછ્યા વગર મારા નાના ભાઈના નામે કરી દીધી છે. જમીનના ભરોસે અમે અમારો બધો જ પગાર બાળકો પાછળ ખર્ચી દેતા હતાં. આટલો મોટો આઘાત મારી પત્ની સહન ન કરી શકી અને તે મધદરિયે જ મારો સાથ છોડીને જતી રહી. તેની વિરહમાં રડવાને બદલે મેં બાળકોને જ મારી જિંદગી બનાવી દીધા. હવે તે જ મારો પરિવાર હતો અને મારી મૂડી પણ. આખી જિંદગી તેમની સેવા કરી. તેમાંના ઘણા વિદ્યાર્થીઓ અત્યારે સારી સારી જગ્યાએ નોકરી કરે છે. હવે તો હું નિવૃત્ત પણ થઈ ગયો છું અને પેન્શન આવે છે તેમાંથી ગુજરાન ચાલે છે. હું ને મારી પત્ની જ્યારે સાથે હતા ત્યારે ઘણીવાર આ જ બાંકડા પર આવીને બેસતાં અને એકમેકને જીવન જીવવાની હિંમત આપતાં. હવે તો માથે વાળ સફેદ થઈ ગયા છે, આંખે દેખાવાનું પણ ઓછું થઈ ગયું છે, પગ પહેલા જેટલું ચાલવા માટે સક્ષમ નથી. આ બધી જ ઈશ્વરની નોટિસ સમજુ છું કે હવે મને મારી પત્ની પાસે બોલાવવા માટે એક એક નોટિસ મોકલે છે. હું આ બાંકડે બેસીને અમે સાથે પસાર કરેલી સમય અને મારી પત્નીની હૂંફ અનુભવવાનો પ્રયત્ન કરું છું અને જીવન જીવવા માટે શક્તિ મેળવું છું."
રમણકાકાની આપવીતી સાંભળી સ્મિતાની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી અને તેણે આ સત્ય ઘટનાને એક પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી લોકોની સમક્ષ લાવવાનો નિર્ણય કર્યો. સ્મિતા વર્તમાનમાં આવી ત્યાં તો બગીચાની બહાર એક આલીશાન કાર આવીને ઊભી રહી. તેમાંથી એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ બહાર આવી અને રમણકાકાને ગાડીમાં બેસાડી લઈ ગઈ. રમણકાકાના વિદ્યાર્થીઓ આજે પણ રમણકાકાને કોઈને કોઈ રીતે મદદ કરે છે. સ્મિતા પણ તેમાંની જ એક હતી. તેણે રમણકાકાની જીવની પર પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું અને તેમાંથી જે આવક થાય તે રમણકાકાને નિયમિત રીતે પહોચાડવાનું નક્કી કર્યું.
