STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

4  

Kalpesh Patel

Drama Classics Inspirational

આખરી અરજ

આખરી અરજ

3 mins
1

આખરી અરજ

હરજી — રતનપુરનો પોસ્ટમાસ્ટર ગણો કે ડાકીયો, જે ગણો કે.
પણ ગામ માટે તો એ માત્ર સરકારી માણસ નહોતો… ગામનો ઘબકાર હતો.

આ દુનિયામાં તે સાવ એકલો. લગ્નના ચક્કરમાં પડેલો નહીં.
પાછલી ઉંમરનો થાક, અને વર્ષોથી ઉપાડેલું કામનું ભારણ — છતાં હરજીનો ચહેરો ક્યારેય ઉદાસ દેખાતો નહોતો. ગામના દરેક સુખદુઃખના સમાચાર એની થેલીમાંથી પસાર થતા. કોઈના દીકરાનો મનીઓર્ડર, કોઈ સૈનિકનો પત્ર, કોઈના મૃત્યુનો તાર — હરજી બધું પહોંચાડતો, પણ સાથે થોડી હૂંફ પણ આપી જતો.

અગણિત લોકોને તેમના પત્રો વાંચી સંભળાવે, કે જવાબ લખી આપે. તેને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ શાંતિ નો ઓડકાર પામી ને જ જાય.

પણ એક દિવસ કંપની સરકારનું ઇન્સ્પેક્શન આવ્યું.
અધિકારીએ કાગળો જોયા, હિસાબ જોયો — તે બરાબર હતો — પરંતુ હરજીની ધીમી ચાલ જોઈ… અને ભલામણ કરી કે હવે અહીં બીજા શક્ષમ માણસની નિમણૂક થવી જોઈએ.

રઘુવીર સરપંચની બધી વીરતા, તેજ ઘડીએ પાણીમાં બેસી ગઈ.
એણે ઘણી સમજાવટ કરી,
“હરજી માત્ર પોસ્ટમાસ્ટર નથી સાહેબ… ગામનો જીવ છે…”

પણ કંપની સરકાર માટે માણસ નહીં, કામની ઝડપ મહત્વની હતી.

છેલ્લે આદેશ આવ્યો, હરજીને છૂટા કરવાનો .

રઘુવીર ભારે મન લઈને પોસ્ટ ઓફિસ તરફ હુકમની બજવણી માટે નીકળ્યો.

સાંજનું આછું અંધારું ગામ પર ઉતરવા લાગ્યું હતું.
રતનપુરની એ નાની … ચૂનાથી ઉજળી પોસ્ટ ઓફિસની જૂની ઓરડી અને બાજુમાં ખુલ્લી જમીન પર હરજીએ ઊભી કરેલી નાનકડી દુનિયા.

રઘુવીરના મંદ પગલાં વાડી તરફ વળ્યાં.

ધીમે ધીમે ત્યાં પહોંચ્યો, પણ હરજી દેખાયો નહીં.
આજે પહેલીવાર તે સાંજે અહીં આવ્યો હતો અને પોતાના હંમેશના ઓટલા પર બેઠો.

તે ઊંડા વિચારમાં હરજીએ ઉછેરેલી સુંદર વાડી જોઈ રહ્યો હતો.

પોસ્ટ ઓફિસની ઓરડીની પાછળ હરજીએ વાડા જેવું કરી ગલગોટા, કરેણ, કેળ, લીંબુ, નારિયેળી અને પપૈયાં વાવ્યાં હતાં.
એક ગલકાનો ને એક વાલોળનો એમ બે માંડવા બનાવ્યાં હતાં.
બારણા પાસે મરચીના રોપ, અજમો, કોથમીર અને ગુલાબના ક્યારા હતાં. આગળના ભાગમાં નાનાં લીંબુડીનાં ઝાડવાં પર ફૂલવેલી ચડાવી હરજીએ જાણે નાનકડું સ્વર્ગ ઊભું કર્યું હતું.

ચારે તરફ વાંસ ખોસી વાડ બાંધેલી.
જમીન લીપણ કરેલી અને ચોખ્ખી.
એક બકરી બાજુમાં બાંધી હતી.

રઘુ સરપંચ હરજીનું એ વૈભવ જોઈ રહ્યો હતો.

એટલામાં ઓરડીમાંથી એક બિલાડી બહાર નીકળી.
રઘુને જોઈ તરત પાછી અંદર દોડી ગઈ — જાણે હરજીને કહેવા ગઈ હોય :
“બહાર કોઈક બેઠું છે!”

“કોણ છે?” આંખો ચોળતો હરજી બહાર આવ્યો.
રઘુને જોઈ હસ્યો.

“ઓહો! રઘુવીરજી, ખેરિયત છે ને? આજે તો સાંજે અહીં આપની સવારી નીકળી?”

અને હંમેશની જેમ આવી તેની બાજુમાં બેસી ગયો.
બિલાડી એની વૃદ્ધ કાયા સાથે ઘસાઈ ઘસાઈને વહાલ કરતી ફરવા લાગી.

રઘુનું જિગર ચિરાઈ રહ્યું હતું.

આજે પહેલીવાર તેને સમજાયું કે હરજીને આ જગ્યા સાથે કેટલો પ્યાર હતો.
આસપાસ ઉછેરેલી વનરાજી જોઈ કોઈપણ માણસ બે ઘડી શાંતિથી બેસી રહેવાનું મન કરી લે.

રઘુની નજર હરજી પર અટકી ગઈ.

કેવો સરળ… કેવો નેક દિલ માણસ.
અને આજે એને જ દુઃખ આપવાનું હતું.

તે ધીમેથી બોલ્યો :

“હરજી… કંપની સરકારનો કદાચ ટૂંકમાં હુકમ આવશે. તારે આ જગ્યા ખાલી કરવી પડશે… અને પોસ્ટની નોકરી પણ…”

એક શ્વાસમાં બોલાયેલા શબ્દો હવામાં ભારે થઈ લટકાઈ ગયા.

હરજીએ શાંતિથી પૂછ્યું :

“બીજું કાંઈ સરપંચજી?”

રઘુએ માથું ઝૂકાવ્યું.

“ના… હમણાં બીજું કઈ નહીં. હવે જાઉં છું હોં…”

“ઊભા રહો સરપંચ,” હરજીએ ધીમેથી કહ્યું.
“આ નોકરી મેં અબઘડી છોડી. કાયદાની રીતરસમે તમને જાણ કરું છું. કંપની સરકાર મને છૂટો કરે એના કરતાં હું ખુદ જ છૂટો થાઉં — એ મારા માટે વધારે સારું રહેશે. ખરું ને?”

રઘુ પાસે કોઈ જવાબ નહોતો.

તે ભારે હૃદય લઈને પોતાના ઘરે ગયો.

પણ આખી રાત ઊંઘી શક્યો નહીં.

સવારે તે ફરી પોસ્ટ ઓફિસ પહોંચ્યો.

સવારની હવા આજે અજાણી લાગતી હતી.
વાડી પાસે પહોંચતાં જ તેના પગ અટકી ગયા.

ઓટલો ખાલી હતો. પોસ્ટ ઓફિસ બંધ હતી.

બિલાડી બારણા પાસે શાંતિથી બેઠી હતી.
આજે એ દોડી આવી નહીં.

“હરજી…!”
રઘુએ અવાજ આપ્યો.

કોઈ જવાબ નહીં.

તે પોસ્ટ ઓફિસની અંદર ગયો.

ઓરડી એકદમ ચોખ્ખી ગોઠવેલી હતી.
ટેબલ પર સરખા ગોઠવેલા કાગળો.
ચાવીઓ ટીનની પેટી પર મૂકી હતી.

અને બાજુમાં એક કાગળ.

રઘુએ ધ્રૂજતા હાથે ખોલ્યો.

લખેલું હતું :

“સરપંચ રઘુવીરજી,

આજે સવારથી હું કંપની સરકારની નોકરીમાંથી રાજીનામું આપું છું.
હિસાબ બરાબર છે. કોઈની એક પાઈ બાકી નથી.

આ વાડીમાં વાવેલા ઝાડ કાપશો નહીં.
પોસ્ટ ઓફિસમાં આવનારા લોકોને બે ઘડી છાંયો આપશે.

બિલાડી ને બકરીને પાણી આપતા રહેજો.
એ લોકો પણ અહીંના જ રહેવાસી છે.

અને હા…એક આખરી અરજ...

જો કદી કોઈ  અહીં આવી બેસે,તો એને કદી ઊભો ન કરશો.કદાચ એ પોતાની જિંદગીનો વિસામો શોધતો હશે.

હરજી”



રઘુની આંખો ભીની થઈ ગઈ.

તે ઉતાવળે બહાર દોડ્યો.

પણ હરજી ક્યાંય નહોતો.

માત્ર ભીની માટી પર લાકડીના ટેકાથી ચાલેલા પગલાં દેખાતા હતાં…
જે ધીમે ધીમે ગામની બહાર જતાં રસ્તા તરફ વળી ગયાં હતાં.

પવનમાં માંડવો હળવે હલતો હતો.

અને પહેલીવાર…


રતનપુરની પોસ્ટ ઓફિસ અનાથ લાગી રહી હતી.



Rate this content
Log in

Similar gujarati story from Drama