આઈફોન
આઈફોન


બે દિવસ પહેલા જ કવિતા અને મોહિતે લગ્નની ત્રીજી એનિવર્સરી ઉજવી હતી. બન્ને વચ્ચે સગાઈ બાદનો પ્રેમ હજી જીવંત હતો. બન્ને પૈસાદારના વારસ હતા.
કવિતા ઘરને સાફસુથરુ કરી મોહિત માટે નવી નવી રસોઈ બનાવીને સરપ્રાઇઝ આપ્યા કરે તો મોહિત પણ કયારેક ડ્રેસ તો કયારેક "ટ્રાવેલિંગ-પ્લાન" ગોઠવી કવિતાને બેહદ ખુશ રાખતો. મોહિત આખો દિવસ ઓફિસે હોય એટલે કામમાંથી નવરો થવાનો વેંત ઓછો મળે.
કવિતા ઘરે કંટાળી જતી, ટીવી પણ કેટલું જોવું? મોબાઈલ કેટલો મચડવો? એટલે ફૂલ સાઉન્ડ કરી ગીતો ગણગણ્યા કરે. મોહિત સાથેની સ્નેહયાદોને વાગોળ્યા કરે અને અરીસામાં મલકાયા કરે.
એક દિવસ બજારમાં કવિતાને એની ફ્રેન્ડ મળી. બન્ને સાથે શોપિંગ કરી ફાસ્ટફૂડ ખાઇ છૂટાં પડ્યાં. ઘરે આવી કવિતાનું મુખ થોડું કરમાયું, મોહિત ઘરે આવ્યો બન્ને એ ડિનર કર્યું, પણ કવિતાનો ચેહરો આજ મૃગજળ જેવો લાગ્યો. મોહિત એના પ્લાસ્ટિક સ્માઇલને જાણી ગયો એટલે કવિતાનો હાથ પકડી ટેરેસ પરના હીંચકા પર લઈ ગયો.
મંદ મંદ ચાંદનીમાં મોહિતે પૂછ્યું "કવિતા, કેમ આજ ગુલાબની મહેક પર કંટક ભારી છે?" કવિતા થોડું હસીને બોલી, "અરે કઈ નહિં ગુલાબ એમનું એમ જ છે." ઉત્તર આપી બન્ને પગ નીચે ઘસતી હીંચકવા લાગી. કલાક બેસીને બન્ને નીચે બેડરુમમાં આવીને સુઈ ગયાં. મોહિત જાગતો હતો અને કવિતાનો ફોન ચેક કરી એ પણ સુઈ ગયો.
આ બનાવને ચાર દિવસ થયા. મોહિત સાંજે ઘરે આવ્યો , હાથમાં એક ગિફ્ટ બોક્સ હતું. કવિતાએ ગીફ્ટ ખોલ્યું તો આંખો ખુલી જ રહી ગઈ. ત્રણ મિનિટ એ કઈ બોલી જ નહીં. મોહિતે હગ કરી કહ્યું "આજ જોઈએ ને કે બીજું કંઈ?". કવિતા મુસ્કુરાતી ભેટી પડી. એ બોક્સમાં હતો "આઈફોન"
આઈફોન ઘરમાં આવ્યો એના છ મહિના થયા. કવિતા આખો દિવસ આઈફોનમાં ખોવાય ગઈ. સવારે નાસ્તો ન બન્યો હોય કયારેક તો, કયારેક કપડામાં પ્રેસ પણ બાકી હોય. રાતનાં ડિનરમાં મોહિતને ભાવતી વાનગી છેલ્લા છ મહિનાથી બની ન હતી. બન્ને વચ્ચે તીખા તણખલા રોજ થતાં પણ હમેશાં નમતું મુકતો. મોહિતનો બર્થડે પણ કવિતા ભૂલી ગઈ હતી છતાં મોહિત શાંત જ રહ્યો'તો.
એક દિવસે ઓફિસેથી આવીને જુએ છે તો ઘરમાં બધું કામ બાકી અને કવિતા આઈફોનમાં મુવી જોવે. બેગ નીચે મૂકી કવિતા પાસેથી આઈફોન ખેંચીને બોલ્યો "મારી સાથે લગ્ન કર્યા કે આઈફોન સાથે?"
"છેલ્લા ઘણાં મહિનાથી જોઉ છું તને, નથી મારી સાથે પ્રેમથી વાત કરતી કે નથી દિવસમાં સરખું બોલતી. જયારે આવું ત્યારે આઈફોન આઈફોન ને આઈફોન." મોહિત ઉકળ્યો કવિતા પર.
"વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગેમ અને મૂવી એના સિવાય બીજું ઘર પણ છે અને ઘરમાં મોહિત છે એ તો સાવ ભૂલી જ ગઈ. આવી તો તું હતી નહિં, શેનો રંગ લાગ્યો, ઓલી તારી બજારમાં મળેલી ફ્રેન્ડનો?" લાલચોળ આંખે બોલી રહ્યો હતો.
"ના, એ ફ્રેન્ડ વિશે બોલતાં નહિ" આટલું જ કવિતાનાં મુખમાંથી નીકળ્યું. કવિતાને ખબર હતી કે વાંક મારો જ છે. એ બજારમાં મળેલી ફ્રેન્ડે જ કવિતાના મનમાં આઈફોનનું ભૂત લગાવ્યું'તું.
"કવિતા , સમજ તું આઈફોન એ એક રમકડું છે એનાથી સબંધ ન ખીલે, સબંધ સંવાદથી નિખરે, આઈફોન હાથમાં રાખીને નહિ. અને હા, આઈફોન તારે લેવો નહોતો. તારે તો ઓલી ફ્રેન્ડને દેખાડવું હતું કે જો હું પણ આઈફોન લઈ શકું."
"મેં તમારા બન્નેની ચેટ વાંચી હતી એટલે જ આઈફોન લઈ આવ્યો, વિચાર તો ખરા 'હું પણ આઈફોન નથી વાપરતો ને હું તારા માટે લઈ આવ્યો' કવિતા...આપણા માટે જીવીએ યાર, બીજાને દેખાડવા કે બીજાને દેખીને શુ કામ?"
ગરમા ગરમ સંવાદો થયા બાદ કવિતા મોહિતને ભેટી પડી. "સૉરી મોહિત, આ ટીવી સીરીયલો અને બીજાની વાતોમાં હું આવી ગઈ. આપણાં પ્રેમને ભૂલી ગઈ. આપણી જીવવાની કલાને વીસરી ગઈ. નથી જોઈતો મારે આઈફોન...."
"આઈફોન, એક નહિ પાંચ લઈ આવું તારા માટે પરંતુ સમાજને દેખાડવા કે ટીવી સીરિયલો જેવું બનવા નહિ. અન્યને આપણાં સંબંધમાં સ્થાન કયારેય નથી આપવું યાર.."મોહિતના આંખમાંથી આસું સરી પડ્યા. કવિતા પણ રડવા લાગી.
મોહિતની ફેવરિટ વાનગી બનાવી કવિતા બેડરૂમમાં આવી, પોતાના હાથે મોહિતે જમાડયું અને મોહિતે એના હાથમાં "મનાલીની ટિકિટ" મૂકી.
બીજે દિવસે સવારે જ બન્ને મનાલી ફરવા ગયાં અને હા, "પેલો આઈફોન સ્ટોર રૂમના કબાટમાં સ્પેરપાર્ટ અલગ થઈ છેલ્લા શ્વાસ ગણતો હતો કારણ કે કવિતાએ આઈફોનનો પુરા જોશથી અને મક્કમતાથી ઘા કર્યો હતો."