JAYDEV PUROHIT

Children Stories Inspirational Others

0.8  

JAYDEV PUROHIT

Children Stories Inspirational Others

ઉકરડો

ઉકરડો

5 mins
837


" દેકારો ન કરો.. તો કંઈક કાને સંભળાય..." આખું ગ્રામપંચાયત આ શબ્દોનાં પડઘાથી શાંત થયું. 


છેલ્લા પાંચ દિવસથી આખા ગામમાં એક જ ચર્ચા હતી કે, 'આ પ્રશ્ન કયારે પૂરો થશે અને ગામમાંથી ઉકરડો કયારે દૂર થશે.' ગામનાં કહેવાતાં સભ્યલોકોએ જ ઉકરડા સામે ફરિયાદ નોંધાવી. ગામને ભેગું કર્યું અને પંચ પાસે 'ઉકરડાને ગામની બહાર રાખો' એવી ઠોસ રજુઆત કરી.


ગામ નાનું હતું પણ લોકોનાં મન મોટા હતા. ભણેલાં તો શહેરમાં જતાં રહ્યાં એટલે એમના ખાલી મકાનો જ ગામમાં રહેતાં. ગામમાં ત્રણ-સો લોકોની વસ્તી. વેકેશનમાં સભ્યલોકો  ઘોંઘાટથી કંટાળી શહેર છોડી ગામમાં આવે ત્યારે વસ્તી વધી જતી. નહિતર ગામ આખું પાદરમાં સમાઇ જાય. પંચમાં કાગળનો વજન પડે એટલે સભ્યલોકોનું જોર વધુ. ગામજનો તો તળિયા ઘસી પેટ પૂરતા ને કાળી મજૂરી કરી દિવસો કાઢતાં.


આજે ફરી પંચમાં કાર્યવાહી ચાલી...


"હું બગીચો. સૌને પ્રિય અને ફૂલોનું ઘર. સુગંધનો માલિક અને બાળકોનું મેદાન. સૌ ઘરનાં કકળાટને બહાર રાખીને અંદર આવે. સર્વેની અંદર ઢંકાઇને પડેલ આનંદને ઉઘાડે અને અહીંના પ્રેમાવરણમાં ભળી જાય. ચિંતા છોડી ચિંતન કરે. મારી સાથે ઢગલો વાતો કરે અને હું પણ મારી સુગંધ દ્વારા સંવાદ કરું. છેલ્લાં પાંચ-પાંચ દિવસથી હું મારો પક્ષ રજૂ કરતો આવ્યો અને મારા વાક્યોમાં કોઈએ પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કર્યું નથી. ઉકરડો, આમ તો મારો વિજાતીય ભાઈ. હું એમનો વિરોધી નથી કે નથી એમને દૂર કરવાની મારી કોઈ ઈચ્છા. આ તો પંચે વિરોધ પક્ષ બનવાની જીદ કરી'તી એટલે અહીંયા ઉભો. હવે મારા તરફથી બોલવાનું રહેતું નથી. જે મારી પાસે બોલાવ્યું એ હું બોલી ગયો પાંચ દિવસોમાં. હવે હું કંટાળ્યો. કંઈ પૂછવું હોય તો પૂછો. હવે ફરી ઉભો નહિ થાવ." ઉકરડા સામે દિલગીરી ભરી નજર કરી બગીચો નીચે બેઠો.


ગણગણાટ શરૂ થયો. બધા જજ બની  બાજુમાં બેઠેલા લોકોને ચુકાદો આપવા લાગ્યાં. એવામાં સરપંચે મોટા અવાજે કીધું, 'ઉકરડાને આપણે ગામ બહાર કરવાનો છે. એ નક્કી થઈ ગયું છે. હવે ઉકરડાને કંઈ શબ્દો બોલવા હોય તો આવે....' 


"મારે કંઈ બોલવાનું છે નહિ. મારા પાલક પોષક ને નાશક તમે બધા. અને આમ પણ ગામમાંથી ઉકરડો દૂર થાય એનાથી બીજી સારી વાત કંઈ હોય !" આંખો પલાળતો ઉકરડો બેસી ગયો. આખી પંચાયત મૌન. સામે બેઠેલ બગીચો પણ રડવા લાગ્યો. ઉકરડાની વિદાય નક્કી થઈ. ગામ વિખરાયું. ઢોલ-નગારા સાથે ઉકરડાની જાન નીકળી. બે દિવસ ગામમાં માતમ જ સમજી લો. વેકેશન પૂર્ણ એટલે સભ્યલોકો શહેરમાં અને ગામની વસ્તી ત્રણ-સો. બધા પોતપોતાનાં કામમાં પરોવાયા.


જાણે આખા ગામને કોઈએ સંજીવીની પીવરાવી હોય તેમ ગામ આખામાં નવી ઉર્જા આવી ગઈ. રોજ આંગણું ફળિયું અને ગલી સાફ થઈ જાય. કચરો એકઠો કરી ટ્રેકટર આવે એટલે તેમાં જ પધરાવે. અંતે એ ટ્રેકટર ગામની બહાર નવો ઉકરડો બનાવે. જાણે ગામે ગાંધીજીનાં ચશ્મા ચડાવ્યાં હોય તેમ બધા રહેવા લાગ્યાં. નવીનતાની તાજગી અલગ જ હોય. છ મહિના થઈ ગયા. ગામ ચોખ્ખું રહ્યું. ફરી ઉનાળું વેકેશન આવ્યું એટલે ગામની વસ્તી વધી. એક ખુલ્લાં ખેતરમાં મંડપો નખાયા, પોસ્ટરો લાગ્યાં, ગામ આખું ધુવાડાબંધ. 


એ કાર્યક્રમ હતો 'ક્લીન વિલેજ એવોર્ડ'નો. સફેદ વસ્ત્રધારીઓ આવી સરપંચને શાલ ઓઢાડી ગામ વિશે બે સારા વેણ બોલી જતા રહ્યાં. અને આખા ગામનાં ફોટા પાડ્યાં. થોડાં દિવસો ગામ ચર્ચામાં રહ્યું પછી વિસરાયું. 


ટ્રેકટર હવે મોડું આવવા લાગ્યું. કયારેક તો ત્રણ દિવસે એકવાર. ગામમાં રાખેલ કચરાપેટી છલોછલ થઈ છતાં કોઈ ખાલી ન કરે. નિયમિતતા ખોરવાઈ એટલે અસ્વચ્છતાએ પગ જમાવ્યો. થોડા મહિનામાં તો જૂનું ગામ પાછું જીવતું થયું. સરપંચ તો હજી ઓઢાળેલી શાલમાં જ સૂતાં હતાં અને એવોર્ડ અભરાઈ પર ગભરાતો હતો કારણ કે કરોળિયાઓએ ઘેરી રાખ્યો અને ધૂળે નાક બંધ કર્યું'તું. 


જોત-જોતામાં ઉકરડો ગામમાં આવી ગયો અને એ પણ સપરિવાર. ગલીએ ગલીએ ઉકરડાએ ઘર કર્યા. સભ્યલોકો હવે ઓછાં આવતાં કેમ કે એવોર્ડ મળી ગયો અને થોડી કાગળોની થપ્પી પણ જેમાં ' સ્વચ્છતા પ્રેમી ગાંધીબાપુનું ચિત્ર હોય.' પરંતુ ગ્રામજનો કરે શું બિચારા !! ઘણાં પરિવારો સવારે ગામનો કચરો લેવા કોથળા લઈ નીકળી પડે ત્યારે કંઈક પેટમાં ખાઈ શકે. અને મળે શું લોકોનો તિરસ્કાર. ઉકરડાથી આ જોવાતું નહિ. 


આ વર્ષે સરપંચની ચૂંટણી આવવાની હતી એટલે સરપંચ શાલમાંથી બહાર આવ્યાં. જોવે તો ગામમાં ઉકરડો નહિ પણ ઉકરડામાં ગામ હતું. ફરી પંચાયત બોલાવી. પાદરમાં આખું ગામ બેઠું. અને ફરી ઉકરડાને ગામ બહાર કરવાની વાત થઈ. બગીચો પણ ઉકરડો બની ગયો હતો કેમ કે તૂટેલા હીંચકા અને તૂટેલી લસરપટીમાં બાળપણ ન રમે. અને કચરો કોઈ સાફ ન કરે એટલે બગીચો ઉકરડો બન્યો. આ સાંભળી ઉકરડાથી હવે ન રહેવાયું. એ પંચની સ્વીકૃતિ વિના જ બોલવા ઉભો થયો. પંચ આખું સ્તબ્ધ.


"તમે કયો ત્યારે જવાનું. જાણ કર્યા વગર જ ગામમાં બોલાવી લો. જ્યાં મન પડે ત્યાં મને બેસાડી દ્યો. જે હાથમાં આવે એ મારા ઘરમાં નાખી દેવાનું ? હેઠવાડ હોય તો એ, ગાભા, ગંધાયેલા તમારા ચામડાના ચંપલ, કાગળના ડૂચાઓ એવું તો કેટલું. તમે જ મારી સુગંધ બગાડો છો ને વળી કયે પણ, 'ઉકરડો બોવ જ ગંધાય.'..." પાદરમાં ખીલી નીચે મુકવાની છૂટ અવાજ માત્ર ખીલીનો જ આવે. એવી શાંતિ. ઉકરડાનું બોલવાનું શરૂ જ હતું. 


"આવું હું તમારા ઘરે રહેવા ? બોલો કેટલાં દિવસ સાચવશો ? તમે તો ઈચ્છા પડે ત્યારે ડોકિયું કરી જાવ છો. વળી ગંધ પણ આપતાં જાવ એનું શું ? અને ગ્રામજનો કંઈક બોલો..કંઈક બોલો. આ સભ્યલોકો તમને અને મને છેતરીને શહેરમાં મકાનો બનાવે છે. અને સરપંચ પણ હવે એ જ સપનાં જુએ છે. ચૂંટણી આવે એટલે મને બહાર મોકલી દે. કેમ હું મત ન આપી શકું ? આ વખતે ક્યાંય નથી જવાનો. અહીંયા જ છું અને મત પણ આપીશ." એક નાનું બાળક ધોરણ ૬માં ભણતું ઉભું થયું અને તાળી પાડવા લાગ્યું. ગ્રામજનો પણ જોડાયા... "બરાબર છે..બરાબર છે..." ના અવાજો થયાં. 


"હવે સાંભળો મારી શરતો... આજ પછી કયારેય મને જોઈને થુક્યા તો ઘરમાં ઘુસી જઈશ. તિરસ્કારની નજરથી જોયું તો મનમાં ઘુસી જઈશ. રાજકારણમાં ઉપયોગ કર્યો તો સીટ છીનવીશ. બાળકોનાં હાથમાં કચરાનો કોથળો નહિ દફતર હોવું જોઈએ. આમ, ગમે ત્યાં રસ્તા પર મારા પરિવારજનોને(કચરો, પ્લાસ્ટિક વગેરે..) ન ફેંકતાં. હેઠવાડ પશુને આપો મને નહિ. અને ત્રણ દિવસ થાય ત્યાં માચીસ લઈ પ્લાસ્ટિક અને કપડા ને એવો કચરો સળગાવી જવાનો. નહિતર ગિરનાર બનતાં વાર નહિ લાગે. આજ પછી જ્યાં ઉકરડો જોવો માન-સન્માનથી જ જોવાનું. તમારો કચરો સાચવીયે તોય અપમાન કરો, શરમાતા નથી ?..." ગામ આખું હજી સ્તબ્ધ.


"અને છેલ્લી વાત... ઉકરડાને ગામમાંથી નહિ પણ તમારા મનમાં રહેલા ઉકરડાને બહાર કાઢો. ઘરના કચરા સાથે કયારેક મનનો કચરો ઠાલવો ને, મને ગમશે. હું ઉકરડો નથી તમે છો બધા. એટલે જ તો તમે મને બનાવો છો. અને ઉપરથી ગામ બહાર કરવાની વાતો કરે. તમે બગીચાઓ નથી સાચવી શકતાં તો મારી શું દશા કરશો ?"


"હવે બસ... ઘરનો કચરો પછી, પહેલાં મનનો કચરો આપજો. એ પણ લઈ લઈશ. જો સમાજમાં બદલાવ આવતો હોય તો. અને આજે પણ મને બહાર કાઢવા જ ભેગા થયા'તાને ! લો હું સામેથી જ જાવ છું. એટલું સ્વાભિમાન છે હજી. હું તો ગમે ત્યાં જતો રહીશ પણ તમે ક્યાં જશો ?." અવાજમાં ડૂમો ભરાય ગયો. ઉકરડો ત્યાંથી ચાલતો થઈ ગયો. ગામ હજી સ્તબ્ધ જ હતું.


આખું ગામ વચ્ચે પડ્યું અને ઉકરડાને મનાવ્યો. એમની શરતોનું પાલન થયું. નવું પંચ રચાયું જેમાં કહેવાતાં સભ્યલોકો બાકાત રહ્યા. ઉકરડો હવે મહેકતો હતો અને ગામ પણ.

" આપણું મન 'ઉકરડો' છે કે ખાલી પડેલ જમીનમાં આપણે એકઠો કરેલ ઢગલો ?"


Rate this content
Log in