સુખ : કહી ભી, કભી ભી
સુખ : કહી ભી, કભી ભી
કોઈપણ વ્યક્તિને આપણે મળીએ એટલે તરત મનમાં ધારી લઈએ કે એ વ્યક્તિ સુખી છે કે દુઃખી. સાવ સરળ ગણિત માંડી દઈએ કે "ઘરનું સરસ મકાન, ગાડીઓ, સરકારી નોકરી, વધુ કમાણી વગેરે છે એટલે સુખી..." અને અન્યો દુઃખી. અને પછી શરૂ થાય છે એ વ્યક્તિ પ્રત્યેના બદલાતા વિચારો. "એને શું વાંધો હોય.. ભગવાને બધું આપી દીધું...વગેરે..." બસ, જ્યાં નજર પડે ત્યાં આવી જ સુખની વ્યાખ્યા કરનારા આંખે વળગે. ભગવાન પંદર ફૂટ દૂર રાખે આવા વ્યાખ્યાકારોથી !
"જે અનુકૂળ પરિસ્થિતિ છે એ સુખ. અને જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ દુઃખ" આ તટસ્થ લક્ષણ છે તર્કસંગ્રહનું. કોઈને ઝૂંપડું પસંદ છે તો કોઈને મોટો બંગલો ગમે છે. કોઈને તોડવું ગમે છે તો કોઈને જોડવું. કોઈને સ્વપ્નમાં જીવવું છે તો કોઈને માત્ર જીવવું છે. મને આ સંસાર અસાર લાગે એનો અર્થ એતો નહિ કે તમને પણ અસાર જ લાગવો જોઈએ, અથવા લાગતો હશે. કોઈને આવતાં ભવની તૈયારી આ જન્મમાં જ કરવી છે તો કોઈને એક જ જિંદગી જીવવી છે. જે છે, જેવું છે, એ અહીં જ છે તો મોજ આવે એમ જીવી જ લેવું છે. સુખ બધા પાસે છે પરંતુ એનું સ્વરૂપ તદ્દન ભિન્ન, સાવ અલગ, અનોખું અને અદકેરું.
આપણને આવતા ભવની ચિંતા છે. આવતા ભવની કલ્પના છે. પશ્ચિમ સંસ્કૃતિમાં આવતા ભવનું ખાસ મહત્ત્વ નથી. "જિંદગી ના મિલેગી દો બારા" જેવી વિચારધારા ત્યાં ઉછરે છે. માટે અત્યારનો યુવા વર્ગ આકર્ષાયો છે. પરિસ્થિતિ કે અવસ્થા ભલે ઘરડી થાય પરંતુ આપણું હૃદય સદાય સુખી રહેવું જોઈએ. કોઈ વસ્તુની ખોટ આપણને સુખી થતા ન રોકવી જોઈએ. સુખ સાવ સરળતાથી પ્રાપ્ત થાય છે. અને સાવ મફત. હું ચોકલેટ ખાઉં છું, મજા આવે છે, એ ચોકલોટનો નાશ કરવાની પણ મજા છે ! હું આર્ટિકલ વાંચું છું, મને શબ્દો સાથે ફરવું ગમે છે !
"ગુડ લાઈફ ઈઝ ધ બેસ્ટ રિવેન્જ" ક્યાંય વાંચેલું આ વાક્ય જીવનનો અંતિમ ધ્યેય બની જાય એવું સહજ છે. મજાની જિંદગી જીવો, વેર લેવાનો એ પણ શ્રેષ્ઠ માર્ગ છે. દુનિયાને અદેખાઈ થશે, દુનિયાને ન પણ ગમે પરંતુ એ દુનિયાનો અભિગમ છે. બસ, આપણી "ગુડ લાઈફ"નો રસ્તો કોઈના સુખને કચડીને ન નિકળવો જોઈએ. ખુશી ખુશી દરેક સ્થિતિની મજા લેવાની, આપણા સુખના સર્જક આપણે જ હોવા જોઈએ. કોઈ વસ્તુ પદાર્થ કે માનવ આપણો અભિગમ ચેન્જ ન કરી શકે. યહી તો હૈ "सच्चिदानंदरुपाय..."
સુખ, આનંદ, મજા, ખુશી, મોજ... દરેક શબ્દનો ધ્વનિ પોતાની અંદર જ છુપાયેલો છે. સુખ બધી જ પરિસ્થિતિનો અંતિમ નિષ્કર્ષ છે. સુખમાં સમય ઉડે છે. દુઃખમાં સમય ગોઠળિયે ચાલે છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે એક કલાક ચાલ્યા હોય તો આપણને એ સમય માત્ર દસ મિનિટ જેટલો જ લાગશે. અને કોઈ બળજબરીથી અથવા મજબૂરીથી કોઈ સાથે પાંચ મિનિટ પસાર કરો તો એ એક કલાક જેટલો સમય ભાસે. જયારે ઘડિયાળ દોડતી જણાય આપણા જીવનમાં ત્યારે એક વાતનો સ્વીકાર કરવો કે આપણે સુખી છીએ. મને આ સમયની ગતિ પસંદ છે. સતત ચાલવું એજ સનાતન સુખ છે.
નિજાનંદનો કેફ તો કિનારા તોડીને ફેલાતો હોય છે. પોતાનું સુખ એટલું સરળ હોવું જોઈએ કે આપણાથી કોઈને ચાંચ પણ ન વાગે અને કોઈની સુંદર ચાંચ જોઈને પોતાની ચાંચ ભાંગી નાખવાનો વિચાર સુધ્ધા ન આવે. એ ખરી સ્થિતિ છે સુખની. કોઈને ભૌતિક આનંદ છે. કોઈને નૈતિક આનંદ છે. કોઈને મૌલિક આનંદ છે. કોઈનો આનંદ સાત્વિક તો કોઈ રાજસિક અને તામસિક છે. બધા પાસે પોતાની પર્સનલ સ્પેસ છે. સુખ ક્યારેય બાંધી શકાતું નથી. અને સુખ મોટી મોટી ઇમારતોમાં જ વસે છે એવું પણ નથી. વિચારોની અમીરાતમાં સુખના દર્શન અવશ્ય થાય. સ્વભાવ વિપરીત કર્મ દુઃખ જન્માવે છે. પછી શરૂ થાય છે "યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં..."
ફિલસૂફ ઈ. એમ. સિયોરન દર્શન વિશ્વમાં મોટું નામ. એ કહી શકે છે : આત્મહત્યા એ એક પોઝિટિવ ક્રિયા છે. તમને ગમે ત્યારે તમે કરી શકો છો. અંત લાવવો આપણા હાથમાં છે. મરવું જ છે તો આપણે પોતે જ આપણા ઈશ્વર બની જઈએ...! એની પણ મજા છે... ! જમાનો ગમે તેવો હોઈ, ભલે ને ચાંદ પર મકાન બનાવે કે મંગળ પર સિનેમા ગૃહ ખોલે, પરંતુ આપણું સુખ આપણામાં જ છે. અને માત્ર આપણું પોતાનું જ છે. જો ધારો તો માણસ કયારેય દુઃખી ન જ થઈ શકે.
ટીક ટૉક
"હું જો 10,000 પાઉન્ડ મૂકીને મરી જઈશ તો મને લાગ્યા કરશે કે મારી જિંદગી નકામી ગઈ. આટલા બધા રૂપિયા બચી જ કેવી રીતે શકે ? મરતાં પહેલાં એ વપરાઈ જવા જોઈએ."( એરોન ફલીન, હોલીવુડ અભિનેતા)