Vishwa Palejiya

Crime Thriller

4  

Vishwa Palejiya

Crime Thriller

આહેલી ભાગ-૩

આહેલી ભાગ-૩

5 mins
568


આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે વિકાસ ઠક્કર નામનો કૉલેજ યુવાન 2 દિવસથી ગુમ થયેલો છે, જેના કેસની તપાસ નરોડા પોલીસ કરી રહી છે. અને આ જ સમયગાળામાં કચ્છનાં નાનકડા તાલુકા મુંદ્રામાં એક શાળા પાસે શકીલની લાશ મળે છે. 

આગળનાં ભાગમાં આપણે જોયેલું કે સ્કૂલ શિક્ષક બ્રિજેનનાં જણાવ્યા અનુસાર રાણા શકીલનું સરનામું સ્કૂલનાં કમ્પ્યુટરમાંથી મેળવી લે છે. એટલામાં જ તપાસ કરી રહેલ એક કોન્સ્ટેબલ આવીને રાણાને જણાવે છે "સર, લાશ પાસેથી આ એન્વેલોપ મળ્યું છે. બાકી કોઈ વૉલેટ, કે મોબાઈલ કંઈ જ નથી. અને સર માથા સિવાય બોડી પર બીજા કોઈ જ વાગ્યાનાં નિશાન પણ નથી." 

"સર, આસપાસની ઝાડીઓમાં પણ કંઈ જ નથી મળ્યું." બીજો કોન્સ્ટેબલ પણ આવીને જણાવે છે. એટલામાં એમ્બ્યુલન્સ પણ આવી પહોંચે છે. રાણા એક કોન્સ્ટેબલ ને બોડી સાથે હોસ્પિટલ જવા જણાવે છે અને સાથે ન્યુ મુન્દ્રામાં પણ એક એમ્બ્યુલન્સ મોકલવા કહી દે છે. અને પોતે બીજા કોન્સ્ટેબલ સાથે ન્યુ મુન્દ્રા જવા નીકળે છે. 

થોડીવારમાં જીપ સંદિપનાં જણાવેલ લોકેશન - ન્યૂ મુંદ્રાનાં મિરાજ કોમ્લેક્સ પાસે આવીને ઉભી રહે છે. કોમ્પ્લેક્સની દુકાનો, ગેરેજ અને આસપાસનાં લોજનાં લોકો ટોળે વળીને ઉભા છે. પોલીસની જીપને જોતા ટોળાંની જાતજાતની અટકળો પર બ્રેક લાગે છે અને ઇન્સ્પેક્ટર ને જવા જગ્યા આપે છે. રાહ જોઈ

રહેલ સંદીપ ઇન્સ્પેક્ટર રાણા ને બીજા માળ તરફ લઇ જાય છે. વાસની તીવ્રતાને કારણે બીજા માળની ઓફિસનાં લોકો અને સંદીપ સાથે આવેલ કોન્સ્ટેબલ મોં પર રૂમાલ રાખી ઉભા છે. લાશ કોઈ યુવતીની હોવાનું જણાય છે. લાશની આંખો ખુલ્લી, એકદમ પહોળી, પેહલી નજરે જોતા જ ડરી જવાય એવી. અને લાશની બાજુમાં લોહીથી "શુચિ"લખેલુ છે. આ જોઈને રાણાને શકીલની લાશની બાજુમાં લખેલ શબ્દ "નિર્મળ" યાદ આવે છે. 

સંદીપ : સર, બોડીનાં ફોટો લઇ લીધા છે. પણ અજીબ છે. સર કોઈ જાતની ઇજાનું નિશાન સુધ્ધાં નથી. અને ડેથ થયાને ઘણા દિવસ થઈ ગયા હોય એવું લાગે છે. 

રાણા : બોડીને પહેલાં કોણે જોઈ?

સંદીપ : કોમ્લેક્સની સાફસફાઈ કરવા આવેલા આ વર્કરે. 

(ત્યાં ઉભેલા 5-6 વ્યક્તિમાંથી એક તરફ આંગળી ચીંધતા કહ્યું )

સંદીપે એ વ્યક્તિએ આગળ આવીને પુરી વાત જણાવવા કહ્યું.

"સાહબ, હમ કચરા લેને ઉપર આયે થે સુબહ 7 બજે તબ અજીબ સી બદબૂ આ રહી થી. હમને દેખા તો પતા ચલા બદબૂ ઇસ ઓફિસ સે આ રહી થી. સાહબ,યે ઓફિસ તો પીછલે દો મહિને સે બંધથી. આજ હમને દરવાજા આધા ખુલ્લા દેખા ઔર બદબૂ ભી બહોત આ રહી થી તો હમ પુરા દરવાજા ખોલકર અંદર આયે તો યે લાશ પડી થી. હમ ડર ગયે ઔર સામનેવાલે ગેરેજવાલે ભૈયા કો બતાને કે લિયે ભાગે કયુંકી યહાં કી સારી દુકાને તો 8 બજે ખુલતી હૈ. પર સીડીઓ પર હી હમે પરેશ સાહબ મિલ ગયે. ફિર ઉન્હોને ભી લાશ દેખી ઔર ઇસ્ટેશન મેં ફોન કર દિયા.'

રાણા : પરેશ સાહબ ?

ત્યાં ઊભેલાં વ્યક્તિઓમાંથી એક વ્યક્તિએ આગળ આવતાં કહ્યું, " સર, હું પરેશ. પરેશ પટેલ. આ બાજુમાં સક્સેસ ટ્યૂશન કલાસિસ ચલાવું છું." ( આગળ રહેલી એક ઓફિસ તરફ આંગળી ચીંધતા કહ્યું ) આજે મારે છોકરાઓની એક ટેસ્ટ લેવાની હોવાથી એની તૈયારી કરવા માટે જ હું વહેલો આવેલો. રસ્તામાં દાદર પર રાજુને ( સફાઈ કામદાર )હાંફતા હાંફતા આવતો જોયો. એણે મને બધું કહ્યું ને પછી મેં આ લાશ જોઈને સ્ટેશનમાં ફોન કર્યો.

રાણા : આ ઓફિસ બે મહિનાથી બંધ છે ને. એનાં માલિક વિશે કંઈ ખબર છે ?

પરેશ : હા સર, પેલા અહીંયા એડવોકેટ હિરેન ભટ્ટની ઓફિસ હતી. પણ, બે મહિના પહેલાં એમણે આ શોપ વેચી દીધી અને તે પછીથી આ બંધ જ છે.

રાણા : કોને વેચી હતી એનાં વિશે કંઈ આઈડિયા ?

પરેશ : ના સર.

રાણા : આ એડવોકેટ હિરેન ક્યાં છે અત્યારે ?

પરેશ : પાકું ખ્યાલ નથી સર, પણ છેલ્લે બે મહિના પહેલાં એમણે કહેલું કે એ ઓફિસ વેચીને અમદાવાદ જાય છે. બાકી એમણે કંઈ કહ્યું નહીં ને મેં પૂછ્યું નહીં.

પૂછપરછ ચાલી રહી છે એટલામાં એમ્બ્યુલન્સ આવી પહોંચે છે. રાણા એક કોન્સ્ટેબલને બોડી સાથે હોસ્પિટલ મોકલી દે છે.

રાણા : લાશ પાસેથી કંઈ મળ્યું જેનાથી આ છોકરી કોણ છે એ ખબર પડે.

સંદીપ : હા સર.

સંદીપ પ્લાસ્ટિકની પારદર્શક બેગમાં પૂરેલ એક નાનું બેકપેક બતાવે છે. આછા ગુલાબી કલરનું નાનું ફેન્સી બેકપેક હતું.

રાણા : એક કામ કરો. અત્યારે આ બધો જ સમાન પોલીસ સ્ટેશન લઇ લો. અને સંદિપ તું આસપાસનાં વિસ્તારમાં પૂછપરછ કર. લાશને અહીંયા લાવતા કોઈએ તો જોયું જ હશે.

સંદીપ ત્યાં રહેલા બીજા એક કોન્સ્ટેબલને બેકપેકવાળી એવિડન્સ બેગ આપી દે છે. જે લઈને કોન્ટેબલ અને રાણા પોલીસ સ્ટેશન જવા નીકળે છે. સ્ટેશન પહોંચીને રાણા એક કોન્સ્ટેબલને શકીલનું સરનામું આપીને એનાં ઘરે જાણે કરવા મોકલે છે. અત્યાર સુધી ફક્ત નાના - નાના કેસ જ આવતા. અચાનક જ આવી પડેલા બે મોટા કેસે રાણાનાં મગજ ને પુરી રીતે હલાવી દીધું હતું. બે કેસને હેન્ડલ કરવા પૂરતો સ્ટાફ પણ નહોતો. 

બીજી તરફ મુંબઈનાં એક જુના ખંડર જેવા અસ્તવ્યસ્ત ઘરમાં એક યુવાન હાથમાં મોબાઈલ લઈને આમથી તેમ આંટા મારી રહ્યો છે. ચેહરા પર બેચેની છે અને એની નજર ક્યારેક હાથમાં રહેલ કાંડા-ઘડિયાળ તો ક્યારેક ફોનની ડિસ્પ્લે તરફ વારાફરતી ફરી રહી છે, જાણે એ કોઈનાં ફોન આવવાની રાહ જોઈ રહ્યો છે. અરે ! આતો એ જ યુવાન જે મુંબઈનાં શિવનેરી બસ સ્ટેન્ડ પર હતો. ત્યારે એના ચેહરા પર કોઈ જ હાવભાવ નહોતા અને અત્યારે એના ચેહરા પર ચિંતા, બેચેની, ઉત્સુકતા દેખાઈ રહી હતી. થોડી વારમાં એનો ફોન રણકે છે. એ જરા પણ વિલંબ વિના ફોન રિસીવ કરે છે. અને સામે છેડેની વાત સાંભળતા જ એનાં ચેહરા પરની બેચેનીનું સ્થાન સુકુન લઇ લે છે. અને ફોન મૂકતા જ એના ચેહરા પર રહસ્યમયી હાસ્ય ઊપસી આવે છે.

આખરે કોણ છે આ રહસ્યમયી યુવાન અને થઇ રહેલ ઘટનાઓ સાથે શું એને કોઈ સંબંધ છે ? બંને લાશ પાસે લોહીથી લખેલ "નિર્મળ" અને "શુચિ" એ કઈ તરફ ઈશારો કરે છે ? બંને મોત એકબીજાથી સંકળાયેલા છે ? બધા જ સવાલો નાં જવાબ સાથે મળીશું આગળનાં પ્રકરણમાં.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime