Vishwa Palejiya

Crime Thriller

4  

Vishwa Palejiya

Crime Thriller

આહેલી - 2

આહેલી - 2

7 mins
453


આગળનાં ભાગ માં આપણે જોયું કે કચ્છનાં નાનકડા તાલુકા મુંદ્રા માં બે સ્થાનિક છોકરાઓ શકીલ અને આરીફને એક યુવતીની લાશ મળી આવે છે. બીજી બાજુ અમદાવાદનાં નરોડા ખાતે ઈન્સ્પેક્ટર અભિનવ અને સબ - ઈન્સ્પેક્ટર રાજીવ વિકાસ નામક એક કૉલેજ સ્ટુડન્ટનાં કેસ ની તપાસ કરી રહ્યા છે.

હવે આગળ..........

વિકાસ કોણ છે અને એનો કેસ શું છે એ જાણવા આપણે એક દિવસ પહેલાનો ઘટનાક્રમ જોઈએ. વિકાસ ઠક્કર - અમદાવાદનાં નરોડામાં રહેતો, બી. કોમનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો મધ્યમ વર્ગ નો યુવક. 13 ડિસેમ્બરે સાંજે ફ્રેન્ડ સાથે નાઈટ-આઉટ પર જવાનું કહી ઘરેથી નીકળેલ વિકાસ બીજા દિવસે મોડી સાંજ સુધી ઘરે ના આવતા એનાં પેરેન્ટ્સને ચિંતા થવા લાગે છે. વિકાસનો ફોન પણ સ્વીચ ઑફ આવે છે. એનાં ફ્રેંડસને પૂછવા પર ખબર પડે છે કે નાઈટ આઉટ નો તો કોઈએ પ્લાન જ નહોતો બનાવેલો. તેના પિતા સગા - સંબંધીને પણ પૂછી જુએ છે. ક્યાંયથી કોઈ જાણકારી ના મળતા એમની ચિંતા વધી જાય છે. એક ને એક દીકરા ની ચિંતા કયા મા – બાપ ને ના હોય ! પોતાના બાળક સાથે કંઈ અજુગતું થવાનું હોય તો એનો અંદેશો એક માઁ ને આવી જ જતો હોય છે. અને આ કંઈક ખોટું થયાની ચિંતા એમને 14 ડિસેમ્બરની રાત્રે પોલીસ સ્ટેશન દોરી જાય છે અને ઈન્સ્પેક્ટર અભિનવને બધી જ માહિતી આપે છે. વિકાસ ઘરેથી ખોટું બોલીને નીકળ્યો હોવાથી કિડનેપિંગનો એંગલ અભિનવને યોગ્ય નથી લાગતો અને 24 કલાક થઈ ગયા હોવા છતાં પૈસા માટે કોઈ ફોન પણ નથી આવ્યો.

અભિનવ : વિકાસ નાઈટ - આઉટ પર કઈ જગ્યાએ અને કયા કયા મિત્રો સાથે જઈ રહ્યો છે એવુ કઈ એણે જણાવેલ?

વિકાસ નાં પિતા : ના સર, એણે ખાલી એટલું જ કહેલું એની મમ્મી ને કે ફ્રેંડસ સાથે બહાર જઉં છુ. કાલે સવારે આવી જઈશ. અને ઘણીવાર આવી રીતે રાત્રે મિત્રો સાથે જતો અને બીજે દિવસે સવારે કે બપોરે આવી જતો. પણ આ વખતે હજી સુધી નથી આવ્યો અને ઉપરથી ફોન પણ બંધ આવે છે.

અભિનવ : મતલબ આની પહેલાં પણ એ નાઈટ-આઉટ પર જતો હતો ! તમે વિકાસનો એક ફોટો, એનો નંબર અને આપનો નંબર આપીને જાઓ. કંપ્લેઈન પણ ફાઈલ થઈ ગઈ છે, કોઈ પણ જાણકારી મળશે અમે તરત તમારો સંપર્ક કરીશું. અભિનવ વિકાસનાં પેરેન્ટ્સને દિલાસો આપી ઘરે જવા માટે કહે છે.

 વિકાસનાં પેરેન્ટ્સના ગયા પછી અભિનવ સબ - ઈન્સ્પેક્ટર રાજીવને અમુક ઈન્સ્ટ્રકશન આપે છે.

અભિનવ : રાજીવ, એક કામ કર કાલે સવારે આ વિકાસની કૉલેજ જઈને તપાસ કર કે આ નાઈટ -આઉટનું શું ચક્કર છે. અને એનાં નંબરની કોલ ડિટેઈલ્સ માટેનાં પરમિશનની વ્યવસ્થા કર. અને

મનોજને આ ફોટો આપી તપાસ કરવા મોકલ.

રાજીવ : ઓકે, સર.

  બીજા દિવસે એટલે કે 15 ડિસેમ્બરે સવારે રાજીવ કૉલેજ જઈને તપાસ કરે છે, પણ કોઈ જાણકારી મળતી નથી. નાઈટ -આઉટનાં પ્લાન વિશે તો એનાં મિત્રોને પણ કોઈ જાણકારી નથી. એનાં બીજા મિત્રો પાસેથી એનાં એક જીગરી મિત્ર સચિન વિશે માહિતી મળે છે. પણ તપાસ કરતાં માલુમ પડે છે કે એ તો બે દિવસથી કૉલેજ નથી આવ્યો અને પરિવાર સાથે એનાં ગામ ગયો છે. વિકાસનો ફોન બંધ થયાં પહેલાંનું છેલ્લું લોકેશન કચ્છનાં મુંદ્રાનું હોવાનું જાણવા મળે છે. આ વાત પર કોઈ પ્રકારની ચર્ચા થાય એ પહેલાં જ અભિનવને પર્સનલ કામ આવતા એ નીકળી જાય છે. અભિનવનાં ગયા પછી રાજીવ વિકાસનાં છેલ્લા બે દિવસની કોલ ડિટેઈલ્સ ધ્યાનથી તપાસે છે, કે કદાચ કોઈ શકમંદ નંબર મળી જાય. 13 તારીખે તો બપોર સુધી કોઈ ખાસ શક કરી શકાય એવો નંબર નહોતો પણ એ સાંજે ઘરેથી નીકળ્યો એની પહેલાં આવેલ નંબરને રાજીવ માર્ક કરે છે . 14 તારીખે સવારે એનો ફોન બંધ થયો એ પહેલાં આવેલ નંબરને પણ માર્ક કરે છે. આટલું કરતાં જ અભિનવનો એનાં પર ફોન આવે છે અને કેસની અપડેટ વિશે પૂછે છે. રાજીવ માર્ક કરેલા બે નંબર વિશે અભિનવને જણાવે છે. અભિનવ એને બંને નંબરની ડિટેઈલ્સ કઢાવવાનું કહી દે છે અને સાથે એ પણ જણાવે છે કે એને હોસ્પિટલમાં મોડું થઈ જશે એટલે એ હવે કાલે સવારે જ આવીને આ કેસ પર ચર્ચા કરશે.

16 ડિસેમ્બર 2017

સવારે આવતા જ અભિનવ રાજીવને એ બંને નંબર વિશે પૂછે છે.

અભિનવ : બંને નંબરની માહિતી મળી ?

રાજીવ : હા, સર. વિકાસ સાંજે ઘરેથી નીકળ્યો એનાં પહેલાં જે નંબર પરથી ફોન આવેલ એ અમદાવાદનાં જ કોઈ યશવંત શાહનાં નામ પર રજિસ્ટર્ડ છે. અને સવારે વિકાસનો ફોન બંધ થયો એ પહેલાં જે કોલ આવેલ એ શાહિદ અન્સારી નામના વ્યક્તિનો નંબર છે. અને સર, અગત્યની વાત તો એ છે કે આ શાહિદનું સરનામું ભુજનું છે અને વિકાસનાં ફોનની લાસ્ટ લોકેશન મુંદ્રાની. મતલબ આ શાહિદને જરૂર ખબર હશે કે વિકાસ ક્યાં છે.

અભિનવ : અરે હા, કાલે વિધિનાં અપોઈન્ટમેન્ટનાં લીધે મુંદ્રા વાળી બાબત તો મગજમાંથી નીકળી જ ગઈ હતી.

રાજીવ : શું કહ્યું ડૉક્ટરએ? 

અભિનવ : ( નિરાશા સાથે ) એ જ જે હું છેલ્લાં 3 વર્ષથી સાંભળી રહ્યો છું. 

રાજીવ : સર, મારા ધ્યાનમાં એક વ્યક્તિ છે જે તમને આમાં મદદ કરી શકશે. 

 અભિનવ આગળ કંઈ પૂછે એ પહેલાં ત્યાં કોસ્ટેબલ મનોજ આવીને અભિનવ ને જણાવે છે,

મનોજ : સર, તમે મને વિકાસનો ફોટો લઈને તપાસ કરવાનું કહેલુંને, મેં એનાં ઘરની આસપાસ પૂછપરછ કરી.એની સોસાયટીથી થોડીક આગળ એક દુકાન છે.

એ દુકાનવાળા એ વિકાસને સાંજે ઘરેથી નિકડીને એક ગાડીમાં બેસીને જતા જોયો હતો . દુકાનવાળા નાં અનુસાર એ સફેદ કલરની હોન્ડા સીટી હતી. 

અભિનવ : એ દુકાનવાળાએ ગાડીનો નંબર જોયો હતો ? 

મનોજ : ના સર. એના કહેવા મુજબ વિકાસ અવાર - નવાર નવા નવા ફ્રેંડસ સાથે ગાડીઓમાં જતો એટલે એને કંઈ નવું ના લાગ્યું. 

અભિનવ : ઠીક છે. અત્યારે એક કામ કરો. વિકાસ નો ફોટો મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફેક્સ કરો અને શાહિદ અંસારીની માહિતી માટે ભુજ પોલીસ સ્ટેશનને ફેક્સ કરો. અને રાજીવ, તું આ દુકાન વાળા પાસે જઈને ગાડી અને વિકાસ વિશે વધુ માહિતી કઢાવ. હું આ યશવંત શાહને મળીને ફોન વિશે તપાસ કરી લઉં. 

16 ડિસેમ્બર ની સવાર અમદાવાદનાં પોલિસ ઈન્સ્પેક્ટર અભિનવ માટે એક લીડ લઈને આવે છે અને આ જ સવાર કચ્છનાં નાનકડા મુન્દ્રાનાં લોકો માટે ભયનો માહોલ લઈને આવે છે. સવારના પહોરમાં જ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર રાણાનો ફોન રણકી ઉઠે છે. સામે છેડેથી એક વ્યક્તિ પોતાને લાશ મળી હોવાનું જણાવે છે. ઈન્સ્પેક્ટર રાણા 2 કોસ્ટેબલ ને સાથે લઈને જણાવેલ લોકેશન પર જવા નીકળી જાય છે. થોડીવારમાં પોલીસની જીપ મુંદ્રાનાં મરીન પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. ઈન્સ્પેક્ટર રાણા ત્યાં પહોંચતા જ મરીન પોલીસ ઈન્સ્પેક્ટર મિ. પ્રતીક સાથે હેન્ડશેક કરે છે. મિ. પ્રતીક એમને પોલીસ સ્ટેશન પાછળ રહેલી ઝાડીઓ પાસે લઈ જતા કહે છે, " આજે સવારે હું સ્ટેશન આવ્યો ત્યારે બે છોકરાઓ દરવાજા પર ઊભા હતા. ડરતા ડરતા એમને મને

લાશ વિશે જણાવ્યું અને મેં લાશ ને જોતા જ તમારો સંપર્ક કર્યો ".

મરીન પોલીસ સ્ટેશનની પાછળ રહેલ ઝાડીઓ પાસેઅમુક વિદ્યાર્થીઓનું ટોળું ઉભેલું છે. ત્યાં જ આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળાનાં દરવાજા પાસે જ એક વ્યક્તિની લાશ પડેલી છે. માથાના ભાગમાંથી લોહી નીકળીને જમીન પર જામી ગયું હતું. લાશ ની બાજુમાં લોહીથી " નિર્મળ " લખેલુ હતું. રાણા કોસ્ટેબલને લાશ ની તપાસ કરવા કહે છે અને સાથે અલગ અલગ એંગલથી લાશ ની થોડી તસવીરો ખેંચવાનું પણ જણાવી દે છે. મોબાઈલમાં જ તસવીરો લીધા પછી બંને કોસ્ટેબલ ગ્લૉવ્‌સ પહેરી લાશ અને આસપાસનાં વિસ્તારમાં તપાસ કરવા લાગે છે. રાણા મુન્દ્રા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉ. પટેલને ફોન કરીને એબ્યુલન્સ મોકલવા કહી દે છે.

રાણા : લાશ ને સૌથી પહેલાં કોણે જોઈ ?

ટોળાંમાં ઉભેલા એક છોકરાએ જવાબ આપતાં કહ્યું ,

" સર, હું અને મારો ફ્રેંડ સવારે સ્કૂલે પહોંચ્યા ત્યારે

દરવાજા પર અમે જોયું તો એક માણસ પડ્યો હતો. અમે ચેક કર્યું તો ખબર પડી કે હી તા મરેલો આય. અમે ડરી ગયા. અમારા સિવાય હજી કોઈ આવ્યું નહોતું. અમે વહેલા પહોંચી ગયા હતાં, પછી અમે સ્ટેશન જઈને કોઈનાં આવવાની રાહ જોવા લાગ્યા. (પ્રતીક તરફ આંગળી ચીંધીને) થોડી વારમાં આ સર આવ્યા અને અમે એમને જણાવ્યું. "

રાણા : તમારામાંથી કોઈ આ વ્યક્તિને ઓળખે છે ?

બ્રિજેન : હા સર. આ શકીલ છે. અમારી સ્કૂલમાં જ

ભણતો હતો, 2014-15 ની બૅચમાં.

રાણા : આપનો પરિચય ?

બ્રિજેન : સર, હું શિક્ષક છું. છેલ્લા 7 વર્ષથી આ શાળામાં જ 11-12માં ફિઝિક્સ ભણાવું છું.

રાણા : આનાં ફેમિલી વિશે કોઈ જાણકારી ? ક્યાં રહે છે કે કંઈ પણ જો તમને ખ્યાલ હોય.

બ્રિજેન : સર, ખાસ યાદ નથી પણ સ્કૂલનાં કમ્પ્યુટરમાં બધી બૅચનાં ડેટા છે. એમાંથી તમને જોઈતી માહિતી મળી રહેશે.

વાતચીત ચાલુ હતી ત્યાં જ રાણાનો ફોન રણકી ઉઠે છે. સામે છેડેથી મુન્દ્રાનાં સબ - ઈન્સ્પેક્ટર સંદિપ રાણાને કંઈક  જણાવે છે. 

રાણા : ............…. શું ?..... ક્યાં ?.... ઠીક છે

તું પહોંચ હું આવું છું.

બાજુમાં રહેલા મરીન પોલિસ ઈન્સ્પેક્ટરએ રાણા નાં ચેહરા નાં હાવભાવ જોઈ પૂછ્યું :

પ્રતીક : શું થયું ? કંઈ પ્રોબ્લેમ ?

રાણા : પ્રોબ્લેમ તો હવે શરુ થશે. સાલુ ના હોય ત્યારે કંઈ નઈ ને હોય ત્યારે એકસાથે બે.

પ્રતીક : મતલબ?

રાણા : ન્યૂ મુંદ્રામાં બીજી એક લાશ મળી છે. કોઈ યુવતીની.

પ્રતીક : ઓહ માય ગોડ.

રાણા : નાના એવડા મુંદ્રામાં એક દિવસમાં બે લાશ...હવે છાપા અને મીડિયા ને હેન્ડલ કરવા મુશ્કેલ થઈ જશે અને લોકોમાં ભય અને અફવાઓ ફેલાશે. 

પ્રતીક : હા સાચી વાત.

રાણા : તમારે શું ચાલે છે આજકાલ ?

પ્રતીક : બસ, અત્યારે તો એક બોટનાં ઈન્સ્પેકશનનું કામ ચાલુ છે. તો ચાલો, હું નીકળું. મારે પોર્ટ જવું પડશે. પછી મળીએ. 

રાણા : ઓહ, બરાબર. સારુ સારુ ચાલો, હવે અમને તો ક્યારે નિરાંત મળશે રામ જાણે, અને હા આ કેસમાં તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે.

પ્રતીક : હા ચોક્કસ, એ તો ખ્યાલ છે. જયારે જરૂર પડે ફોન કરી દેજો.

   પ્રતીકના ગયા પછી રાણા શાળાનાં શિક્ષક બ્રિજેનને લઈને કમ્પ્યુટરમાંથી શકીલની ડિટેલ્સ મેળવી લે છે. 

શું આ શકીલ એ જ શકીલ છે, જેણે કોપ્લેક્સમાં યુવતીની લાશ જોઈ હતી ? જો હા, તો એક જ રાત નાં ગણતરીનાં કલાકોમાં એવી તો કઈ ઘટના ઘટી ગઈ કે શકીલની મોત થઈ ગઈ ! અને એની સાથે રહેલો આરીફ ક્યાં હતો ? શું એની પણ મોત થઈ ગઈ હતી ? 

લાશની બાજુમાં લખેલ " નિર્મળ " શબ્દ કઈ તરફ ઈશારો કરી રહ્યું હતું?

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime