Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

આદત

આદત

7 mins
423


"જો ભારવી તું મને વચન આપ કે આ વાત આપણા બે વચ્ચે જ રહેશે. આ વાત તું નિસર્ગને નહીં કરે. "

"નમિતા તું પાગલ થઈ ગઈ છું ? હું એવું કઈ રીતે કરી શકું ?"

"સીધી વાત છે મોં બંધ રાખીને. એ કામ તારા જેવી ઓછા બોલી વ્યક્તિ માટે અઘરૂ નથી" કહેતાં નમિતા ભારવી સામે જોઈને હસી પડી.

"ના,નમિતા મારાથી એ નહીં બને. અમારા ધંધામાં અમે આવું ના કરી શકીએ. "

"મિત્રતામાં તો કરી શકાયને ? નિસર્ગ સાથેના મારા સંબંધ વિષે તું જાણતી હતી. છતાંય તેં કોઈને ક્યાં કંઈ કહ્યું હતું ? તું નિસર્ગ પહેલાં મને ઓળખે છે. તું નિસર્ગ ખાતર ચૂપ ના રહી શકે ?"

"પણ મને તો ચિંતા થાય ને ?"કહેતાં ભારવીની આંખમાં આંસુ આવી ગયા.

"ભારવી,તું તો ડૉક્ટર છું. તું આવી રીતે ભાવુક બની જાય એ ના ચાલે. મારે કંઈ તને વાસ્તવિકતા સમજાવવાની ના હોય. ભારવી જેનો જન્મ તેનું મૃત્યુ નકકી જ હોય છે. હું તો નસીબદાર કહેવાવું કે મને મૃત્યુનો અણસાર આવી ગયો છે. "

નમિતા ઘેર આવી ત્યારે એને એના પતિ નિસર્ગના જ વિચારો આવતા હતાં. લગભગ પચાસ વર્ષોથી સાથેને સાથે જ રહ્યા છે. લગ્ન પહેલાં પાંચેક વર્ષ સાથે જ ફરતાં હતાં. એના ઘરનાનો વિરોધ હતો. જો કે નિસર્ગ તો મોસાળ રહેતો હતો એના ઘરનાનો તો વિરોધ હતો જ નહીં. લગ્ન બાબતે નમિતાના ઘરના કહેતાં," તું અમે પસંદ કરીએ એ છોકરાને હા કહે તો તું સુખી થઈશ. "ત્યારબાદ તો એને કહી જ દીધેલું કે ,"તમે ના પાડશો તો હું નિસર્ગ જોડે લગ્ન નહીં કરૂ. પણ હું બીજા કોઈ જોડે પણ લગ્ન નહીં કરૂ" દીકરીની જક પાસે માબાપ નું કેટલું ચાલે ! આખરે ધામધૂમથી લગ્ન કરી આપ્યા.

લગ્નબાદ એ ક્યારેય પિયર રહેવા ગઈ ન હતી. નિસર્ગ ઓફિસ જાય ત્યારે એને મુકતો જાય. પાછા ફરતાં એને લેતો જાય. જો કે ઘણીવાર નિસર્ગ કહેતો,"નમિતા તારે પિયર રહેવા જવું હોય તો જા" ત્યારે નમિતા કહેતી,"નિસર્ગ તું સાચા દિલથી કહે છે ? મારા જવાથી તને ગમશે ?"નમિતા જે સવાલનો જવાબ તું જાણતી હોય એવો સવાલ જ તું ના પૂછીશ"અને બંને હસી પડતાં.

લગ્નબાદ નિસર્ગે મોસાળમાં રહેવાને બદલે જુદા રહેવાનું પસંદ કર્યું ત્યારે મામા મામીએ કહ્યું,"તું જુદો ના થઈશ. આ પણ તારૂ જ ઘર છે. "પણ નિસર્ગ સમજતો હતો કે કેટલો વખત મોસાળમાં બોજરૂપ થવું. જો કે મામા મામીને તો એવો વિચાર આવતો ન હતો કે નિસર્ગ એમનો પુત્ર નથી.

જુદા રહ્યાબાદ બંને ઓફિસ સમય સિવાય સાથેને સાથે જ હોય. વર્ષમાં પંદર દિવસ બહારગામ જતાં ત્યારે નિસર્ગ કહેતો,

"આપણે બંને પિયર નથી જતા એટલે પંદરદિવસ આ ફાઈવસ્ટાર હોટલ એ જ આપણું પિયર. "

બે એક વર્ષ બાદ નિસર્ગને પ્રમોશન મળ્યું. તેથી એને ટેલિફોન અને કાર મળ્યા. ત્યારબાદ તો દરરોજ એની કેબિનમાંથી ચારથી સાડાચાર સુધી એ અને નમિતા વાતો કરતાં જાણે કે એમની વાતો તો ક્યારેય ખૂટતી જ નહીં. દીકરાના આગમન વખતે માબાપનો ઘણો આગ્રહ હોવા છતાં પોતાને ઘેર જ રહી. માબાપ પણ દીકરીના નિર્ણય સામે આંસુ સારીને રહી ગયા. પણ નમિતા ખુશ હતી કહેતી,"મને નિસર્ગનું સતત સાંનિધ્ય મળી રહે છે. અમે એકબીજાથી દૂર રહી જ ના શકીએ. અહીં મને ક્યાં કોઈ તકલીફ છે ! નોકર રસોઈયો છે. મારે માટે ચોવીસ કલાકની બાઈ રાખી છે. "

દીકરો તો બારમા ધોરણ પછી વિદેશ જતો રહ્યો. જો કે દીકરો એની વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો હતો. સ્કૂલેથી આવી તરત સ્કેટિંગ, કરાટે કે ટેનિસમાં જતો રહેતો. એને તો નાનપણથી બધી જ રમતગમતનો શોખ. ઓછાબોલા દીકરાની ઘરમાં હાજરી વર્તાતી ન હતી.

નમિતા અને નિસર્ગના શોખ પણ સરખા. . બંનેને ક્રિકેટ ટેનિસ વગેરેનો શોખ. સાથે બેસીને ટી. વી પર મેચ જુએ. જયારે ઓફિસ ચાલુ હોય ત્યારે તો સ્કોર પૂછવા પણ થોડી થોડી વારે ફોન કરી લેતો. જિંદગીની ભરપૂર મજા બંને જણ ઉઠાવતાં હતાં. જયારે નિસર્ગ નિવૃત્ત થયો ત્યારે ઓફિસમાંથી કહેલું તમે ઓફિસ આવતાં રહેજો. તમારો પગાર ચાલુ જ રહેશે. પરંતુ નિસર્ગે કહેલું,"જીવવા માટે કેટલું જોઈએ. પાછલી ઉંમરમાં જીવનસાથી સાથે સુખેથી જિંદગી વિતાવીશ. "

ઘણા સમયથી નમિતાને બેચેની લાગતી હતી. પરંતુ નિસર્ગ ચિંતા કરશે એવું વિચારીને એ કહેતી ન હતી. એના પગે સોજા આવ્યા કરતાં હતાં. ચાલતા શ્વાસ ચઢતો હતો. તે દિવસે નિસર્ગને એનો મિત્ર દવાખાને હોવાથી એની પાસે રહેવાનું હતું. એ તકનો લાભ લઈ નમિતા એ કહ્યું,"હું ઘણા સમયથી ભારવીને મળી નથી. અમે બંને બહેનપણીઓ વાતો કરીશું મને ભારવીને ત્યાં મૂકી જાવ. "

જોકે એને ખબર હતી કે ભારવીને દવાખાને જવાનું છે. નિસર્ગના જતાંની સાથે જ નમિતા એ પગના સોજા બતાવ્યા તથા શ્વાસ ચઢવાની વાત કરી. ભારવી નમિતાની સામે જોઈ બોલી,"તું અત્યારે જ મારી સાથે હોસ્પિટલ ચલ. ત્યાં બધી જ સગવડ છે એ મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ છે. તારા બધા રિપોર્ટ અને એક્સરે કઢાવી લઈએ. "

સાંજે રિપોર્ટ જોઈને ભારવીની આંખમાં આંસુ આવી ગયા. કારણ કિડની તથા હાર્ટ બંનેમાં તકલીફ હતી. ભારવી કહી રહી હતી કે તને હવે કાચના વાસણની જેમ સાચવવી પડશે. પરંતુ નમિતા આગ્રહ કરતી રહી કે આ વાત તું નિસર્ગને ના કરીશ.

બીજા દિવસે સવારે નમિતા એ એક નિર્ણય લઈ લીધો. કહ્યું,"નિસર્ગ હવે તમે નિવૃત્ત થઈ ગયા છો. તો મારી ઈચ્છા આપણા ગામના મંદિરે જઈ મહાદેવજીને સવાલાખ બીલીપત્ર ચઢાવવાની છે. બપોરે આરામ કર્યા બાદ મારે મહાદેવજી સ્તુતિ કરવી છે". વિચાર સારો છે. બોલ ક્યારે જવું છે ? તું કહે ત્યારે આપણે જઈએ. "

"નિસર્ગ,આપણે નહીં. હું એકલી જ જવા માંગુ છું એ પણ દસ દિવસ મૌન રાખવું છે. સવારે પાંચ વાગ્યાથી બાર વાગ્યા સુધી બીલી ચઢાવીશ. બપોરે જમીને થોડો આરામ કરી સાંજે મહાદેવજીની સ્તુતિ કરીશ. બસ મારે દસ દિવસ આમ જ વિતાવવા છે. "

"તને એકલા જવાનો વિચાર જ કેમ આવ્યો ? આખી જિંદગી આપણે જુદા નથી પડ્યા અને હવે ! સારૂ હું તને બપોરે અને રાત્રે ફોન કરીશ. મેં કયારેય તને કોઈ વાતની ના કહી નથી. તારી ઈચ્છા પુરી કર. પરંતુ મને ખાતરી છે કે તું મારા વગર રહી નહીં શકે. "

"હું ફોન લીધા વગર જવાની છું. આમ પણ મારે મૌન છે તો ફોન હોય કે ના હોય શું ફેર પડે ?"

નિસર્ગ નમિતાની સામે જોઈ બોલ્યો,"મને ક્યા અપરાધની સજા આપી રહી છું ?"જુઓ એમાં કોઈ અપરાધનો સવાલ જ નથી. તમને કોઈ તકલીફ પડવાની નથી. રસોઈવાળી રસોઈ કરશે તથા કામવાળી કામ કરશે. મેં એને બધુ સમજાવી દીધું છે. "

"નમિતા, મનુષ્યને છપ્પનપકવાન પણ મળે પણ જયાં પોતાનો સાથી ના હોય તો એને શું કરવાનું ? હું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી તારાથી જુદો નથી પડ્યો. હવે હું શું કરીશ ?"

"છાપામાં રાજકારણના સમાચાર વાંચજો. ટી. વી. જોજો. મોબાઈલ મચડજો. જુના મિત્રોને મળવા જજો. આંખો બંધ કરીને ખોલશો તો પણ દસ દિવસ પસાર થઈ જશે. "

"નમિતા આ તારો આખરી નિર્ણય છે ? જો એવું જ હોય તો મને કહે તને મારા વગર ગમશે ?"

આમ તો નમિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. પણ વાત બદલતાં બોલી,

"આજે ગ્રુપમાં બધાએ જાતજાતના જોક મોકલ્યા છે. સાંભળવાની મજા પડી ગઈ. "

"ઠીક છે નમિતા તું જા પણ હું તને લેવા પણ આવીશ અને મૂકવા પણ આવીશ"

નમિતા ગઈ એના થોડા દિવસ પછી ભારવીએ ફોન કર્યો ત્યારે ફોન નિસર્ગે જ ઉપાડ્યો. એને તો એમ જ હતું કે સામે નમિતા જ છે. અને નમિતાના રિપોર્ટને કારણે એ પુષ્કળ તણાવમાં જ હતી. એટલે સામે નમિતા જ છે એવું સમજી ને એ બોલી,"નમિતા, નિયમીત દવા લેજે. મને તારી ખૂબ જ ચિંતા થાય છે. "

"ભારવી,નમિતાને શું થયું છે ? એ તો એકલી ગામડે ગઈ છે. હું એને મૂકવા ગયેલો. સાચુ કહે. મારાથી કોઈ વાત છૂપાવીશ નહીં.

આખરે ભારવીએ વાત કરી ત્યારે નિસર્ગ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. બોલ્યો,"તેં મારાથી આટલી મોટી વાત છૂપાવી !"

મંદિરના પૂજારીને ફોન કર્યો તો એને કહ્યું,

"બેન,ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. મજામાં છે. ચિંતા ના કરતાં. "

પરંતુ નિસર્ગને થતું કે ક્યારે દસ દિવસ પુરા થાય અને હું નમિતાને લઈ આવું. મને દુઃખ ના થાય એટલા માટે પગે સોજા હોવાની વાત છૂપાવી. ચાલવા જવાની વાત આવે ત્યારે કામનું બહાનું બતાવે. ચૂપચાપ કેટકેટલું સહન કરતી રહી ! મનમાં તો થયું કે એ નમિતાને પાછી લઈ આવે. પણ નમિતાએ કહેલું,"મારી ઈચ્છા પુરી કરશો ને ? બોલો મને વચન આપો. "જો કે બે દિવસ બાકી રહેલા. અને નમિતાની ઈચ્છા પુરી કર્યા વગર છૂટકો જ ન હતો. જયારથી નમિતાની બિમારી વિષે જાણ્યું ત્યારથી જાણે કે બળજબરીપૂર્વક બે ચાર કોળિયા જમી લેતો.

આખરે દસ દિવસ પૂરા થવાના આગલે દિવસે નિસર્ગ ગામડે પહોંચી ગયો. દસમા દિવસે બપોરે તો નિસર્ગની ધીરજ ખૂટી ગઈ. મંદિરની બહાર નમિતા નીકળી એને જોઈને એ રડી પડ્યો. તો નમિતાની આંખો પણ ક્યાં કોરી હતી ! એ સમજી ગઈ હતી કે ભારવીએ બિમારી બાબતે વાત કરી જ હશે.

જિંદગીના પિસ્તાલીશ વર્ષો જેની સાથે વિતાવ્યા હોય એ પહેલાં પાંચ વર્ષ સાથે ફરી ને ભવિષ્યના સુંદર સ્વપ્ન જોયા હોય અને સતત સાંનિધ્યને કારણે એ બંનેને એકબીજા વગર જીવવાનું કેટલું દુઃખદ હોય છે. ! કારણ બંનેને સાથે રહેવાની આદત હોય છે. નમિતા પતિ સામે જોઈ બોલી,"હું ઈચ્છતી હતી કે હું તારાથી થોડા થોડા સમયે દૂર રહુ તો તું મારા વગર જીવવાનું શીખી અને એકલા રહેવાની આદત પાડી શકે. મેં પણ મારૂ મન ભગવાનની ભક્તિ તરફ વાળી લીધું છે. બસ જન્મોજન્મ તું જ મને પતિ તરીકે પ્રાપ્ત થાય મેં ઈશ્વરને એ જ પ્રાર્થના કરી આવતા જન્મે પણ આપણું દામ્પત્ય શિવપાર્વતી જેવું પ્રાપ્ત થાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational