આભાર અને કૃતજ્ઞભાવ
આભાર અને કૃતજ્ઞભાવ
2020 પૂરું થયું. આંકડા, મહિનો અને વર્ષ બદલાઈ ગયા અને એવું કાંઈક મને દેખાડતાં, સમજાવતાં, અને કહેતાં ગયાં કે જાણે થોડા સમય માટે મૌન કરતા ગયાં. વિચારતી કરી મૂકી મને અને ક્યાંક એક ઓછપ નો અહેસાસ કરાવતું ગયું 2020 નું વર્ષ.
2020 એ મને કશુંક નવું કરવાનો મોકો આપ્યો. સમય, શાંતિ અને થોડું સાહસ આપ્યું જેથી નવી દિશામાં પગ મૂકી શકી અને કહેવાય કે થોડું ચાલી પણ શકી. કોઈ પણ જાતની ડિગ્રી કે સંપર્ક કે વિશેષતા વગર જ્યારે તમે એવા ક્ષેત્રમાં પગ મૂકો જ્યાં તમે ખુદ જ તમારી ખાતરી ન લઈ શકો, ત્યારે પગ ડગમગવા સ્વાભાવિક છે. મને કોઈ શંકા તો નહતી કારણ કે કોઈ લક્ષ્ય જ નહતું જ્યાં પહોંચવાનું હોય. જ્યારે કોઈ ડેસ્ટિનેશન જ ના હોય ત્યારે સફર ની મજા જ કંઈક ઔર હોય છે ! પણ હાં, થોડો ડર જરૂર હતો કારણ કે સફર હંમેશા સોહામણી જ હોય એવું નથી, ક્યારેક એમાં અણધાર્યા, અણગમતા અવરોધો પણ આવી જાય છે. એ મારા સદનસીબ કે બીજાના સારા કર્મો, મારી સફર માં કોઈએ ન તો કોઈ અવરોધ ઉભો કર્યો કે ન મારું મનોબળ તોડ્યું, પરંતુ દરેક વખતે મારો આત્મવિશ્વાસ વધાર્યો. પ્રોફેશનલ લેખક નહોવા છતાં મારા વિચારો ને શબ્દો માં હું ઢાળી શકી કારણ કે દિલ ના એ અમીર લોકો એ મારી મહેનતની કદર કરી. આ બીજાના પ્રયાસો, કાર્યો અને મહેનતની નોંધ લેવાવાળા અને બિરદાવવાવાળા જેટલા લોકો છે એ ધન્ય છે, દિલથી અમીર લોકો છે. જીવનમાં ઘણુ-બધુ એવું છે જે આપણે ક્યારેય પામી નથી શકવાના, પરંતુ એવું ઘણું છે જે આપણે પુષ્કળ પ્રમાણમાં આપી શકીએ છીએ છતાં આપતા નથી. સ્નેહ, પ્રેમ, સંભાળ અને સેવા ઉપરાંત એવું કાંઈક જે આજ ના યુગમાં નહીં પણ અનંત કાળથી અપાતું આવ્યું છે પણ આજકાલ એની કદાચ વધારે જરૂર છે. જરૂર એટલે વધારે છે કારણ કે આજે દરેક માણસ પાસે એક સત્તા છે, ઑથોરિટી નહીં પણ ઇન્ડિપેન્ડેન્સ. એક ક્ષણમાં ઉપર ચડાવી શકે અને બીજીજ ક્ષણે નીચે ઉતારી પાડે. સોશ્યિલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં સારું નરસું બધુંજ સરખી માત્રામાં છે. એનો ઉપયોગ આપણાં ઉપર છે. આવા દિલથી અમીર લોકો તમારો આ પ્લેટફોર્મ પરનો અનુભવ અદ્ભૂત બનાવે છે. તમને પ્રોત્સાહન આપે છે.
મને ઓછપ એટલે અનુભવાઈ કારણ કે હું ક્યારેય કોઈ ઉભરતા સર્જક કે કલાકાર ને કોન્સ્ટન્ટલી સ્પોર્ટ કે પ્રોત્સાહિત ન કરી શકી. અવરોધ તો ના જ ઊભો કરું પણ, કદર અવિરતપણે ન કરી. એક સર્જક માટે એના વિચારો ને કોઈ સમજે અને સંગતિ દર્શાવે એનાથી વધુ સુખ શું હોય? એવા લોકો જે નવા લોકો ને કહે તમે સારું લખો છો, કે સારું બોલો છો કે સારો ડાન્સ કરો છો એ લોકો ને રીટર્ન માં કશુંજ મળતું નથી. હાં, પ્રસિદ્ધ લોકો ના કામ ઉપર કંઈક લખે કે બોલે તો કદાચ નોંધ પણ લેવાય, અને કોઈ કામ માં પણ આવે ,પણ અમારા જેવા શોખ ખાતર કર્મો કરનાર પાસેથી શું ઉપજે ?
એ લોકો સાચા કળાપ્રેમી છે અને સાથે સાથે માનવપ્રેમી પણ. માત્ર મને નહીં પણ ઘણા બધા મારા જેવા અને સાચા લેખકો કે વક્તાઓ ને પણ રોજે રોજ બિરદાવે છે. એ લોકો ને હું દિલથી સલામ કરું છું જે કદાચ કોઈ સર્જન નથી કરતા પણ સર્જન કરાવે છે. સર્જકો ને સાચી રીતે પોષે છે. જન્મ આપનારની સાથે પોષણ આપનાર નું પણ એટલુંજ મહત્વ છે. હું જો તમારા જેવા લોકો પાસેથી કશું શીખી શકું તો મને આત્મસંતોષ થશે. જ્યારે આંતરિક બદલાવ આવે છે ત્યારે જીવવાની નવી દિશા અને અજવાળું લઈને આવે છે. હું ઈચ્છું કે મારામાં પણ બીજા કલાકારો અને સર્જકો માટે નો પ્રેમ અને આદરનો પ્રવાહ વિપુલપણે વહે અને સારા સર્જન નો આધાર બને.
હું કોઈને ટેગ નથી કરતી પણ તમે જાણો જ છો કે તમે કોણ છો. હું તમારી આભારી છું અને રહીશ, તમારા થકી ઘણું શીખી છું અને હજી ઘણું શીખવાનું બાકી છે. ખૂબ આભાર.
