STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૫૬

આ તે શી માથાફોડ ! - ૫૬

2 mins
15.4K


બા, દાડમ આપને ?

"બા દાડમ આપને ?"

"ન અપાય: તને તાવ આવ્યો છે. આપું તો શરદી થાય."

"એં........એં અમને દાડમ આપ. દાડમ, દાડમ !"

"દાડમ ન અપાય. તારે રોવું હોય તો રો, ને ન રોવું હોય તો ન રો..."

"એં...એં...એં..."

"જો રોવું હોય તો બહાર જા. એક તો તાવ આવે ને દાડમ ખાવું ને ઉપર જતાં ભેંકડો તાણવો ?"

છોટુ બહાર જઈ રડવા લાગ્યો.

માને દયા આવી.

"અહીં આવ તો છોટુ ?"

"મને દાડમ આપ. એં...એં...એં..."

"આવ તો ખરો. જો બે દાણા આપીશ."

"એં...એં...એં...અમને આખું આપ."

"આખું ન અપાય. માંદા પડાય. લે બે દાણા ખા."

"એં...એં...એં...અમને આખું આપ."

"લે. હવે વધારે નહિ આપું."

"બા, હવે થોડાક વધારે આપ. પછી નહિ માગું."

"લે ભાઈ, હવે છે કાંઈ ? હવે એકે દાણો વધારે નહિ."

છોટુ દાડમ ખાઈ રહ્યો.

"એં...એં...એં...અમને એક આખો ભાગ આપ. લખુને કેટલું બધું આપ્યું ?"

"પણ એ તો સાજો છે, ને તું માંદો છે. તને નહિ મળે."

"એં...એં...એં...અમને ન આપે ને લખુને આપે !"

"જા, મારા રોયા ! એટલું બધું ખાઈ ગયો ને હજી પાછો અકારા કરે છે ! જા હવે એકે દાણો નહિ આપું."

"એં...એં...એં..."

"હવે તું તારે બહાર જઈને રોયા કર. હવે બોલાવવાની જ નથી."

છોટુ રડવા લાગ્યો.

માને ફરી દયા આવી.

"આ લે છોટુ, આ આટલું કહ્યું છે. હવે બધું આપી દઉં છું. ખાઈ જા."

છોટુ ખાઈ જઈને કહે: "એ પણે થોડુંક પાણિયારે રાખ્યું છે, ને કહે છે કે બધું આપ્યું ! અમને બધું આપી દે."

"જા, રોયા ચામઠા ! હવે તો એક દાણો યે નહિ આપું, તું તારે રો."

આટલું દાડમ ખાધું તો યે પાછું છોટુને રડવાનું તો રહ્યું જ.

કારણ ? એની બાની નબળાઈ.

આવે વખતે છોટુને આપવું કે ન આપવું તેનો વિચાર પહેલેથી જ કરવો. પછી આપવું હોય તેટલું જ આપવું. છતાં બાળક રડે તો ગણકારવું નહિ; પીગળી જવું નહિ. બાળકને ખાતરી થવા દેવી કે માગણી ચાલશે નહિ. માંદા બાળકને દુઃખ દેવાનો હેતુ ન હોય; તેને પ્રસન્ન રાખવું ઘટે છે. પણ તેને માંદુ પડે તેવું આપીને તો નહિ જ ! તેને બીજી પ્રવૃત્તિ આપીને રડવામાંથી બચાવી લઈ શકીએ તો વધારે સારું.


Rate this content
Log in

Similar gujarati story from Classics