STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૪૩

આ તે શી માથાફોડ ! - ૪૩

3 mins
14.7K


બતાવે તો ?

બાપા કહે છે: "એ ભાઇ, જરા જોઇને ચાલજે; ક્યાંક પડી ન જતો."

બા કહે છે: "જોજે, ઠેશ ન લાગે ને લોહી ન નીકળે."

કાકી કહે છે: "નટુને હાલવાનું ભાન જ ક્યાં હતું ?"

બેન કહે છે: "નટુ તો એવો જ છે. એ તો એમ જ ચાલે છે ને પડે છે."

ખરેખર, આસ્તે આસ્તે નટુને પણ એમ જ લાગે છે કે "ખરેખર હું તો એવો જ છું. મને ચાલતાં આવડતું જ નથી. જ્યાં જાઉં ત્યાં મને ઠેશ લાગે છે."

બિચારાને કોઇ ચાલવાનું બતાવે તો ? બધાં વાંક જ કાઢયા કરે છે, તેના કરતાં કોઇ ચાલી બતાવે ને કહે કે "આમ ચલાય" તો ? તો ભાઇને ચાલતાં આવડશે.

"એલી જશલી ! સરખું થોભ, સરખું. જરા થોભતાં તો શીખ !"

"જશી ! વાટકો પડ્યો હો, બાપુ, ધ્યાન રાખીને થોભને ?"

"જશી, જશી તારો હાથ ધ્રૂજે છે. આ ઘડીએ વાટકો પડશે."

"એ પડ્યો. એ વાટકો પડ્યો' જશી, જશી ! લે નો'તી કે'તી કે વાટકો પડશે ને તૂટી જશે ? આ એના કટકેકટકા થઇ ગયા !"

"અરે ભગવાન ! એને કહી કહીને મરોને ? એને સરખું થોભતાં આવડશે જ નહિ."

આસ્તે આસ્તે જશીને પણ ખાતરી થાય છે કે "મને સરખું થોભતાં આવડતું નથી. થોભીને ચાલું છું ત્યાં હાથ ધ્રૂજે છે. ને હાથ ધ્રૂજે છે ત્યાં જોરથી પકડવા જાઉં છું ત્યાં તો લીધું હોય તે પડે છે. ત્યારે તો બધાં કહે છે કે

"સરખું થોભ."

બધાં "સરખું થોભતાં આવડતું નથી" એમ કહે છે તેનાં કરતાં કોઇ કેમ થોભાય તે તેને બતાવે તો ?

"હમણાં પડશે." એમ કહીને જશીની અશ્રદ્ધા વધારવા કરતાં "જશી આમ થોભાય ને આમ ચલાય." એમ કોઇ શાંતિથી કરી બતાવતું હોય તો? અને જશી તેમ કરવા જાય ત્યારે તેને ઢોળવાની કે પડવાની બીક ન બતાવે તો જરૂર જશીને થોભતાં આવડશે.

બા કહે છે: "એને ઇ આવડવાનું નથી તો ! મને તો કે દિ'ની ખબર છે કે ઇ ભણવાનો જ નથી."

બાપા કહે છે: "એને ભણવામાં ચિત્ત જ ક્યાં છે ? ચિત્ત ચોડીને બેસે તો આવડેને?"

બેન પણ એમ જ કહે છે: "મને કેમ આવડે છે ને તને કેમ ન આવડે ? આખો દિ' ચોપડી લઇને બેસીએ તો આ ઘડીએ આવડે."

માસ્તર પણ એને ઠોઠ ને મૂરખો જ કહે છે. કોઇ દિ' કહેતા નથી કે તને કંઇ આવડે છે. એ તો કહે છે: "ભણ્યાં ભણ્યાં ? તું શું ભણતો'તો ?"

ભાઇને વાત સાચી લાગે છે કે "મને કશું આવડતું નથી. ચોપડી લઇને બેસું છું પણ ચિત્ત ચોંટતું જ નથી."

એને કોઇ ઠોઠ ન કહે, પણ શું કર્યે આવડે તે બતાવે તો ? બધા એને મૂરખો કહે છે પણ કોઇ કેમ આવડે તે બતાવતું જ નથી. બધાં એનો જ વાંક કાઢ્યા કરે છે, ને ભાઇ વધારે વધારે મૂરખો બનતો જાય છે.

બધાં કહે છે કે બચુને બોલતાં જ નથી આવડતું.

કાકા કહે: "એમ તુંકારો કરીને શું બોલે છે ? જરાક વિવેકથી તો બોલતાં શીખ !"

બા કહે છે: "ઇ તો લોક જેવો છે. કોળી જેમ વડછ વડછ બોલે છે."

બાપા કહે છે: "આ આપણા ઘરમાં કોઇ તારા જેવો જંગલીબોલો નથી ! તું તે આવું શીખ્યો ક્યાંથી ?"

ભાભી કહે છે: "આઘા જાઓ, તમે મને નથી ગમતા. કેમ બોલાય ને કેમ ન બોલાય ઇ કોઇએ શીખવ્યું છે, કે હાંઉ !"

બચુ મૂંઝાય છે, કેમ બોલવું તે તેને સમજાતું નથી. બધાં તેને વઢે છે; પણ કોઇ તેને બતાવે કે વિવેકથી આમ બોલાય ને સારી રીતે આમ બોલાય તો ?

તો તેને વિવેકથી બોલતાં જરૂર આવડે.


Rate this content
Log in

Similar gujarati story from Classics