આ તે શી માથાફોડ ! -૪૧
આ તે શી માથાફોડ ! -૪૧
સરસ ઉકેલ
વિનુ કહે: "રતુ મારે વાંચવું છે. દાંડિયા પછાડીને ખડખડાટ ન કર."
રતુ કહે: "પણ મારે રમવું છે. દાંડિયારાસ લેવા છે."
વિનુ કહે: "પણે આઘો જઇને રમ. મને ગડબડ થાય છે."
રતુ ત્યાં ને ત્યાં જ વગાડવા લગ્યો. વિનુએ દાંડિયા લઇને ફેંકી દીધા. રતુ ભોંયે પડી રડી રડવા લાગ્યો. બન્નેની માતાઓ દૂરથી જોઇ રહી.
વિનુની બા કહે : "બેન, વિનુએ આઘે જઈને વાંચવું ન જોઇએ ? ત્યાં જ શું કામ બેસવું ? નકામો રતુ ને રડાવ્યો."
રતુની બા કહે : "પણ રતુએ ત્યારે આઘે જઈને ન વગાડાય ? વિનુ વાંચે ત્યાં જ શું કામ રમવું જોઇએ ?
વિનુની બા કહે: "પણ વિનુ જરાક આઘે ગયો હોત તો રતુને રડવું ન પડત."
રતુની બા: "પણ રડ્યો તે આંસુ શું સોનાના ખર્યા ? એણે ય સમજવું જોઇએના, કે કોઇ કામ કરતું હોય ત્યાં ખડખડ ન થાય !"
માતાઓ આવી સુંદર સમજણ દખવી રહી હતી એટલામાં બાળકો રમતાં રમતાં આવ્યા ને કહે: "જમવાનું આપો."
વઢવાડ એની મેળે પતી ગઈ હતી.
બન્ને બાળકો આડોશીપડોશી હતા. બન્નેની માતાઓ ગોઠણો હતી.
કેવો સરસ સંપ અને કેવો સરસ ઉકેલ !
