STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! ૧૦૩.

આ તે શી માથાફોડ ! ૧૦૩.

2 mins
15.7K


બધાં બાળકો આનંદથી રમતાં હતાં હાસમ મંદ થઈને બેઠો હતો.

"હાસમ, ઊઠો ઊઠો ! જાઓ, પેલાં રમે છે તેની સાથે રમોને !"

હાસમે સામે ય ન જોયું. એમ ને એમ બેસી રહ્યો. હાસમને હાથ લગાડ્યો; શરીર ગરમ હતું. થરમોમિટર મૂક્યું તો તાવ ૧૦૧ ડિગ્રી હતો !

ચંદ્રા રડતી રડતી મારી પાસે આવી.

"કેમ રડો છો બેન ? શું જોઈએ છે ?"

ચંદ્રા બોલી નહિ. રડવા લાગી.

ચંદુભાઈ થરમોમિટર લગાડો જોઈએ ? વખતે એને પણ તાવ ન હોય !"

ચંદુભાઈ તપાસીને કહે: "૧૦૨ ડિગ્રી તાવ છે !"

વિનુ રડતો રડતો સૂતો હતો.

"વિનુભાઈ, ઊઠો જોઈએ. ચાલો ચિત્રો બતાવું."

વિનુને હાથ આપી ઉઠાડવા ગયો તો બમણો રોવા માંડ્યો. વિનુને ઉપાડીને તેડ્યો ત્યાં તો ચીસેચીસ પાડી. શરીરે તાવ તો નહોતો. લૂગડાં કાઢીને જોયું તો સાથળ પર સોજો હતો અને ઘામિયું ગૂમડું હતું !

રાધા વાર્તા સાંભળતાં સાંભળતાં એકાએક રડવા લાગી. મેં શાત પાડવા માટે ખોળામાં લીધી. મારો ખોળો ભીનો થઈ ગયો તેને પાણી જેવા ઝાડા થયા હતા ને પેટમાં વાઢ આવતી હતી !

શાંતાબેન સામે ઊભાં હતાં. માથા સામે જોયું તો તેના માથામાં જુઓ દેખાઈ; એક-બે તો ચાલી જતી હતી. એક શિક્ષિકા-બેને બેચાર તો ત્યાં જ લઈ લીધી. શાંતાબેન બધો વખત માથું ખજવાળતાં હતાં અને શરીરે દૂબળાં તેમ જ નિસ્તેજ દેખાતાં હતાં.

બાલમંદિરમાં આવાં બાળકો પણ આવે છે. ગરીબનાં આવે છે એમ નહિ; પૈસાદારનાં પણ આવાં જ આવે છે. માબાપનું તે તરફ ધ્યાન ખેંચીએ છીએ ત્યારે કોઈ કહે છે : "માળું ! તાવ તો એને આવતો નથીને ? એ તો ઊતરી જશે." કોઈ કહે છે : "એ તો ઉનાળો ગયો છે એટલે ઘામિયું થયું છે. છોકરાંને આ ઋતુમાં ઘામિયાં બહુ થાય." કોઈ કહે છે : "એ તો એણે કાચા ઘઉં ખાધા હતા એટલે ઝાડા થઈ ગયા હતા. દાકતરે દવા આપી તે નીકળી ગયા."

માબાપો ! કહો ત્યારે, મારે અને તમારે શું કરવું જોઈએ ?


Rate this content
Log in

Similar gujarati story from Classics