વૃક્ષ વાવો
વૃક્ષ વાવો
અંગાર આક્રમણને અટકાવો, પ્રત્યેક માનવ વૃક્ષ વાવો.
આસમાનેથી વર્ષાને બોલાવો, પ્રત્યેક માનવ વૃક્ષ વાવો.
વૃક્ષછેદન થઈ રહ્યું ઠેરઠેર, નથી ચોમાસે મેઘની મહેર.
આ સંદેશ સઘળે પ્રસરાવો, પ્રત્યેક માનવ વૃક્ષ વાવો.
નથી પ્રાણવાયુ કાંઈ પારાવાર, ધરાનું ભાવિ ના લગાર.
હાર તરુવરોની તમે લગાવો, પ્રત્યેક માનવ વૃક્ષ વાવો.
ઓઝોનનાં ગાબડાંને પૂરાવો, વર્ષાથી જળરાશિ છલકાવો.
નંદનવન અવનીને હવે બનાવો, પ્રત્યેક માનવ વૃક્ષ વાવો.
પરોપકાર કરતાં જે નિરંતર, કાર્બનવાયુ મિટાવે સદંતર.
પ્રાણ પ્રત્યેક સ્થળે ઊભરાવો, પ્રત્યેક માનવ વૃક્ષ વાવો.
