STORYMIRROR

Ishan Padia

Tragedy

3  

Ishan Padia

Tragedy

તમને ક્યારેય એમ થયું...?

તમને ક્યારેય એમ થયું...?

1 min
27.3K


સાડા પાંચે ઉઠી'તી, પાણીનો વારો હતો ને આજે.

સાડા છએ પૂજાને ઉઠાડી, ને સાતેક વાગ્યે બીટ્ટુ ઉઠ્યો હશે.

પછી, એ લોકોના ચા-પાણી ને ટીફીન તૈયાર કર્યા.

બધું હું કરું છું એકલા હાથે; તમને ક્યારેય એમ થયું કે આજે આની કંઈક મદદ કરાવું?

આઠેક વાગ્યા સુધીમાં તો બેય જતા રહે છે, રોજ.

પાછી આજે અગિયારસ હતી, તો ગોરણીમાં આવ્યા'તા એને સીધો પીરસ્યો; એમાં ને એમાં મારે નવ વાગી ગયા.

પછી સાંજ સુધી ઘર સાવ એકલું... ખાવા ધસે છે મને.

આ તો હવે સારું છે કે બીટ્ટુડાએ ડીશ ટીવી લગાવી દીધી છે, તો એ જોયે રાખું.

હવે તો ઓલી દિયા ઔર બાતી ય પાછી ચાલુ થઈ છે.

વળી, સાંજે પાંચેક વાગ્યે બહાર નીકળી ચીજ-વસ્તુ શાકભાજી લેવા.

પાછી આવી ત્યાં તો પૂજા આવી ગઈ'તી.

મને તો હવે એ જ ચિંતા થાય છે કે હમણાં એની કોલેજ પતશે ને કોઈ છોકરો શોધવો પડશે, તમને કાંઈ નથી થતું?

પછી પાછું એ જ ચાલુ મારે તો રોજનું... બીટ્ટુડા માટે તીખું શાક બનાવવાનું, પૂજા માટે મોળું; મારે તો ગમે તે ચાલે.

કાલે વળી પ્રવીણામાસીના છોકરાની વહુનું સીમંત છે, તો ત્યાંય જવાનું છે.

એકસો એકવનનું કવર કરી દઈશ, હવે તો બધાય એટલા આપે છે.

બધું હું કરું છું એકલા હાથે; તમને ક્યારેય એમ થયું કે આજે આની કંઈક મદદ કરાવું?

તમે બસ જોયે રાખો ફોટામાંથી...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy