તારા નામ આધારે
તારા નામ આધારે
હું કરી જાઉં સાગર પાર તારા નામ આધારે,
છોને ઊઠતા તરંગ હજાર તારા નામ આધારે.
મન મર્કટ બની શીદને સંતાપે તારો હોય સાથ,
ના કરી શકે માયા પ્રહાર તારા નામ આધારે.
ષડરિપુ પણ બની ભેરુ સંગાથ આપે સ્વયં,
ટળી જાય આફત પારાવાર તારા નામ આધારે.
નામી થકી છે નામ મોટું શ્રુતિશાસ્ત્રનો છે સાર,
હરિ છે ભવરોગનો ઉપચાર તારા નામ આધારે.
"હું" ટળેને હરિ મળે આવો થાય વ્યવહાર,
નામ થકી માનું ઈશ આભાર તારા નામ આધારે.
