કોરોનાને વિસારતી હોળી
કોરોનાને વિસારતી હોળી
આવી છે ફાગુન મહિનાની મોસમ
હવામાં ગુંજી રહી જાણે મીઠી સરગમ
કુહૂ કુહૂ કોયલ બોલે આ પંખીઓનો કલશોર મચાવે ધૂમ
મનડું મારું તલસી રહ્યું, ઉમંગથી નાચી ઊઠ્યું રોમેરોમ
આજ કોઈ મને રોકશો નહિ, સુંદર આ પર્વ પર,
કોરોનાની વાત અહીં કરશો નહિ.
મંદિરે મંદિરે ઝાલર વાગશે, મંત્રોચ્ચાર સાથે થશે પૂજા અર્ચન,
ગલીએ ગલીએ પ્રગટશે હોળી, કરશે દુષ્ટ તત્વોનું દહન,
ધાણી ખારેક પુષ્પ શ્રીફળ ધરાશે, સાજન સંગ કરીશું પુજન,
ઢોલ મૃદંગ કરતાલનાં તાલ પર સર્વ જન નાચશે થઈ મગન,
આજ કોઈ મને રોકશો નહિ, હોળીની ઉજવણીમાં મસ્તાન
મને લોકડાઉનનો મહિમા કોઈ સમજાવશો નહિ.
આંગણાને આજ મારે સપ્તરંગથી સજાવવું છે,
સોનેરી ધૂપ લઈને સૂર્યદેવની સવારી આવી છે,
રંગબેરંગી સાજ સાથે વસંત ઋતુની પધરામણી છે,
કેસૂડાના રંગ જાણે પ્રીત પરાગને મહેકાવ્યા છે,
નીલા પીળા લાલ રંગો હથેળીઓમાં શોભે છે,
હર એક ચહેરા પર ખુશીની લહેર છવાયેલી છે,
આજ કોઈ મને રોકશો નહિ, ઘેરૈયાની આ ટોળીને,
સોશ્યલ ડિસ્ટન્સિંગની યાદ આપશો નહિ,
ઘર મારું બનશે આજ નંદનવન,
જ્યાં હર એક નારી હશે રાધા અને હર એક નર હશે કા'ન,
રંગોથી ભરેલી પિચકારીઓ હશે,
આભે ઊડશે અબીલ ગુલાલ,
ગુલાબી રંગ રંગ હશે રાધા, કાનો રંગાશે લાલમલાલ,
ધામધૂમથી ધુળેટી મનાવશે, આબાલ વૃદ્ધ સર્વ જન,
શુભ સંદેશો લઈ રંગો આવશે,
આપ્તજનોનું થશે મધુર મિલન
આજ કોઈ મને રોકશો નહિ, રંગોમાં ભીંજાવા દેજો,
માસ્કનાં લફરામાં ફસાવશો નહિ.
