જનેતા
જનેતા
એને ઉદરે ઉછર્યો એક પુંજ
ને એ ઝગમગતી
હરખાતી ને ગભરાતી વળી
ભાવ કેટલા અનુભવતી ?
શિશુના ધબકાર માણી
ફરક બધી અનુભવતી
સતત વાતો કરતી રહેતી ને
સંસ્કાર રૂડા સીંચતી
નવતર જીવતરનું સર્જન કરતો
પાયો સોનેરી ચણતી
અસહ્ય વેદનાને હસી કાઢી
સર્જન એ કરતી
પછી પણ ક્યાં ક્યારેય એ
નિરાંતે બેસતી ?
બાળકના હર શ્વાસ
માટે જાણે જીવતી
સારું નરસું યોગ્ય અયોગ્ય
સરળ શબ્દે આલેખતી
ખટમીઠાં સંસ્મરણો
હંમેશા વાગોળતી રહેતી
તોફાન મસ્તી યાદ કરી
ખડખડાટ એ હસતી
ને ચોટ કોઈ જૂની પુરાણી
યાદ કરી તરફડતી
સાવ સાદી સરળ ને સીધી
મુરત મમતાની હતી
હર કોઈ સ્ત્રી બાળપણથી જ
મમતા લઈ જનમતી
