ગણિત પ્રેમનું
ગણિત પ્રેમનું
જો મને ચાહતો હશે તો વળી જોશે.
ગરજ હશે તો એ મળશે હસીને હોંશે.
મારાં ગમતાં પ્રમેયના પ્રમાણથી,
જો ચકાસું તો મહત્વ મારું લાગશે!
દૂર દ્રષ્ટી સંવેદના અભાવથી,
મારા ઘટમાં સ્વાર્થીલું ગીત વાગે.
ના જાણ્યું કે સરળ નિરળ નેહે,
એ આવકાર, આલિંગન માંગે.
હું તો ઊભી શુષ્ક જડનો આભાસ લઈ,
મારાં મનમાં અહંમનો આવાસ લઈ.
નિમ્ન વર્તુળો ને પાકી દિવાલમાં,
તારા ને મારા, પરાયાનો પ્રાસ લઈ.
મારાં હૈયાના દ્વાર પર ગર્વીલી સાંકળ,
જે ખખડી, પણ હું ના ગણકારું.
લે, એ તો ચાલ્યો, હું નહીં રે બોલાવું,
મુજ ઉરમાં હું એકલ કચવાવું.
અરે! સોચું કે…
પ્રેમના ગણિતમાં, સરવાળો આમ કેમ?
આપતાં વધે વધે; ન આપતાં ઘટે!