ગઝલ- જિંદગીનાં જામ
ગઝલ- જિંદગીનાં જામ
પૅગ થોડા તો ગઝલના મારવાના હોય છે,
બર્ફ માફક તર્કને ઓગાળવાના હોય છે.
માંગણી તારી કદી ક્યાં કોઇ સૂણે છે ભલા,
સાકી આપે, સુખના પ્યાલા ધારવાના હોય છે.
જિંદગીના જામને પીધા પછી સમજ્યા નહીં?!
ઘૂંટ કડવા હો, ગળે ઉતારવાના હોય છે.
જો પીવામાં કંઇક આવે ભૂલમાં, તો શું ઉપાય?
બ્હાર ઠાલવવા નયન છલકાવવાના હોય છે.
ખુદ લથડતા હોય છે ને એમ સમજે છે પછી,
સૌ નશીલા માર્ગને સંભાળવાના હોય છે.
ઘૂંટ બે મારીને માનવ હોંશમાં રહેતા નથી?!
આ છે કેવળ ભ્રમ, અને ભ્રમ ભાંગવાના હોય છે.
થાકી હારીને ‘પથિક’ પહોંચી ગયા છે મયકદે,
એ નથી નક્કી કે ક્યારે ઘર જવાના હોય છે.
