ભવોભવના સંગાથી
ભવોભવના સંગાથી
વટાવી ચૂક્યા હતા હવે, દંપતી એંસીની વય,
નહીં ઘડપણનો કે જરાય નહીં મૃત્યુનો ભય,
ઊગે પ્રભાત નિત્ય, અન્યોન્યના સ્મિત સાથે,
'વૈષ્ણવજન તો તેને રે કહીએ' રૂડા ગીત સાથે,
સુઘડ પરિધાન ધારણ કરે, જાણે કે રાજારાણી,
પ્રસન્ન દિસે ચહેરો સદાય, મોહક, મૃદુલ વાણી,
સંતાનો વસે શહેરમાં, કદીક દૂરથી પૂછે ભાળ,
વેકેશનમાં વતન પધારે, ખોળે રમવાને બાળ,
ખાટ, ખુરશી કે હિંડોળે, બેઠા જ હોય સંગાથી,
કાયા ભલે છે જરઠ, છતાંય બંને પરસ્પર સાથી,
ઉભય પક્ષે પ્રસન્ન રહે, ઈશને અહર્નિશ ભજી,
બુદ્ધનો મારગ ઝાલે, કામ, ક્રોધ ને મોહ ત્યજી,
જીવન સુખની પ્રતિકૃતિ, આરોગે ભોજન સાદું,
ઉલ્લાસથી વિતાવે દિવસો, વૃધ્ધાવસ્થાનો જાદુ.

