આવે તો
આવે તો
આવે તો સાથે લઈ આવજે
પેલી વાદળ ગર્જતી સાંજ,
પેલી સૂર્યાસ્તથી રંગાયેલી ક્ષિતિજ,
પેલી સમુદ્ર પર ડોલતી નાવડી,
અને તારી વાતોનો પટારો,
આવે તો સાથે લઈ આવજે
પેલો સતરંગી મેઘધનુષ,
પેલી સ્વપ્નાઓની સૃષ્ટિ,
પેલી કલ્પનાઓની તૃપ્તિ
અને તારા શબ્દોની હૂંફ,
આવે તો સાથે લઈ આવજે
પેલું કંઠીલું પંખી,
પેલી મધુરી વાંસળી,
પેલી અધૂરી સરગમ
અને તારા આંખોના અલંકાર,
આવે તો સાથે લઈ આવજે,
પેલી આંબાની વડવાઈઓ,
પેલા હિંચકાના ઠેકડાઓ,
પેલો કળા કરતો મોર
અને તારો થિરકતો અંદાજ,
આવે તો સાથે લઈ આવજે
પેલો વહેલી પરોઢનો તડકો,
પેલો દિવસમાંયે દેખાતો ચાંદલો,
પેલી રેતીમાં પાડેલી પગલીઓ
અને તારા હાથની ઉષ્મા,
આવે તો સાથે લઈ આવજે
પેલા ભઠ્ઠીએ શેકાયેલા મકાઈ,
પેલા તાજા તરોફાની મલાઈ,
પેલો પ્રભાત ટાણેનો નીરો
અને આપણા શહેરના રસ્તાઓ,
આવે તો સાથે લઈ આવજે
પેલું ગાલિબનું પુસ્તક,
પેલું પુસ્તકમાં સૂકાઈ ગયેલું ગુલાબ,
પેલા પ્રેમથી નીતરતા શેર
અને તારો મનગમતો ઈર્શાદ,
આવે તો સાથે લઈ આવજે
પેલો સ્નેહથી તરબતર ભૂતકાળ,
એક હરખઘેલો વર્તમાન,
પ્રેમની એક નવી મુલાકાત
અને તારા સાથવાળું ભવિષ્ય.

