આવ ને
આવ ને


આવને આવી મને પહેલા સમું તડપાવ ને,
સ્પંદનો થીજી ગયા છે એ ફરી ધબકાવને.
મારી ફિતરતમાં હતી ચાહત ને મેં ચાહી તને,
તુંય તારું કૈંક સારું મારી પર અજમાવ ને.
નફરતોના તો હિસાબો ખૂબ સમજીને કર્યા,
પ્રેમનું પલ્લું નમ્યું ક્યાં એય પણ સરખાવ ને.
આગમનની તારા અફવા કો'ક લાવ્યું છે અને,
જીદ લઈને બેઠું છે દિલ, તોરણો બંધાવ ને.
મૌન સારું છે છતાં મોંઘા 'મિલન'નાં માનમાં,
તુંય તારા હોઠથી બે ત્રણ શબદ ફરમાવ ને.