આખરે તો એ માણસ છે ને
આખરે તો એ માણસ છે ને


એક જ સમયે પ્રેમ અને નફરત બંને કરે છે, આખરે તો એ માણસ છે ને.
પ્રેમમાં મરી પણ જાય અને મારી પણ નાખે, આખરે તો એ માણસ છે ને.
પોતાની ભૂલો માટે વકીલ અને બીજાની ભૂલો માટે જજ બની જાય, આખરે તો એ માણસ છે ને.
મળવા પર ખુશી મનાવે અને ગુમાવ્યાનો રંજ પણ રાખે, આખરે તો એ માણસ છે ને.
સ્વજનોની રક્ષા માટે હિમશીલા જેવો સખત બની જાય છે, આખરે તો એ માણસ છે ને.
અને એ જ સ્વજનો માટે લાગણીનું અવિરત ઝરણું પણ વહાવે, આખરે તો એ માણસ છે ને.
બાળક સાથે રમતા પોતાનું બાળપણ ફરીથી જીવે છે, આખરે તો એ માણસ છે ને.
જીવનની સમી સાંજે હવે એ થાકે પણ છે, આખરે તો એ માણસ છે ને.
નિષ્ફળતા અને સફળતા બંને પચાવી જાણે છે, આખરે તો એ માણસ છે ને.
સુખ હોય કે દુઃખ બંનેમાં આંખોને છલકાવી દે છે, આખરે તો એ માણસ છે ને.
પોતાના દુઃખ ને છુપાવી હોઠ પર સ્મિત મલકાવી દે છે, આખરે તો એ માણસ છે ને.
પ્રદુષિત હવાની વચ્ચે ભીની
માટીની સુગંધને માણી લે છે, આખરે તો એ માણસ છે ને.
અહમનાં દરિયા પર સ્વાભિમાનની નાવ તરાવી પણ દે છે, આખરે તો એ માણસ છે ને.
ક્યારેક પોતે માત ખાય તો ક્યારેક બીજાને માત આપે છે, આખરે તો એ માણસ છે ને.
રાતના અંધારામાં ક્યારેક ઓશિકા સાથે વાત લે છે, આખરે તો એ માણસ છે ને.
ક્યારેક સમજની બહાર તો ક્યારેક ખૂબ સરળ બની જાય છે, આખરે તો એ માણસ છે ને.
ક્યારેક બીજા પર તો ક્યારેક પોતાની જાત પર હસી લે છે, આખરે તો એ માણસ છે ને.
ક્યારેક પોતાની લાગણીઓને હૃદયમાં જ ધરબાવી દે છે, આખરે તો એ માણસ છે ને.
ક્યારેક અગણિત આવરણોથી ઢંકાયેલો તો ક્યારેક અનાવૃત થઈ જાય છે, આખરે તો એ માણસ છે ને.
વર્ષો જૂની વાત યાદ રાખે અને બે ક્ષણ પહેલાની વાત ભૂલી પણ જાય, આખરે તો એ માણસ છે ને.
થોડો લાલચુ, થોડો સંતોષી, થોડો સંવેદનશીલ તો થોડો પાષાણહૃદયી,
થોડો સારો તો થોડો ખરાબ, જેવો છે એવો પણ, આખરે તો એ માણસ છે ને.