Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Drama Thriller

3  

Irfan Juneja

Drama Thriller

યે રાસ્તે હૈ પ્યાર કે - ૭

યે રાસ્તે હૈ પ્યાર કે - ૭

11 mins
14.4K


ઈરફાન અને મિસ્બાહ જોગર્સ પાર્કથી ઘરે પાછા ફર્યા. આયતને પણ એની ફ્રેન્ડ ને ત્યાંથી લઈને ઘરે આવ્યા. મિસ્બાહ કિચનમાં રસોઈ બનાવવા લાગી. ઈરફાન અને આયત વિડીયો ગેમ રમવા લાગ્યા. ઇરફાન જાતે કરીને કાર રેસિંગમાં આયત સામે હારી જતો. આયત જીતીને કુદકા મારતી. મિસ્બાહ ઈરફાન અને આયતને કિચનમાંથી જ નિહાળી રહી હતી. મિસ્બાહને લાગતું હતું કે ઈરફાન પર એની વાતની થોડી અસર તો થઇ છે. આયતને પણ આજે પિતા સાથે ગેમ રમીને બહુ મજ્જા આવી.

-----

મિસ્બાહની વાત ઈરફાનને એટલી અસર કરી કે હવે એ ખુદ પોતાની જાતને પરિવારમાં વ્યસ્ત કરવા લાગ્યો. જોગર્સ પાર્ક જવાનું પણ ધીમે ધીમે બંધ કર્યું. આયત, મિસ્બાહ, મમ્મી પપ્પા અને કામ પર ધ્યાન આપવા લાગ્યો. મનમાં જ્યારે પણ એ છોકરીનો વિચાર આવતો ઈરફાન આયત સાથે કોઈ પ્રવુતિમાં લાગી જતો. ઓફીસમાં જો યાદ આવે તો કામમાં વ્યસ્ત થઇ જવાની કોશિશ કરતો. ધીરે ધીરે ઈરફાનના આ પ્રયત્નો એને પરિવર્તન તરફ લઇ જઈ રહ્યા હતા.

રવિવારની સવાર હતી. આયત અને મિસ્બાહ આજે આયતના નાનીને ત્યાં ગયા હતા. મમ્મી પપ્પા પણ આજે મામાને ત્યાં ગયા હતા. ઈરફાન રવિવાર હોવાથી થોડું આરામ કરવાના મૂડમાં હતો એટલે એને મિસ્બાહ અને મમ્મી પપ્પા સાથે જવાની ના પાડી. ઘરે બેઠા બેઠા ઈરફાન ન્યુઝ જોઈ રહ્યો હતો. ઈરફાનના મોબાઇલની સ્ક્રીન અચાનક પ્રકાશિત થઇ. મોબાઈલ લઈને જોયું તો વોટ્સઅપ પર એક મેસેજ હતો.

"આટલી જલ્દી હાર માની લીધી..? ? ?"

ઈરફાન જે વસ્તુથી દૂર થવાની કોશિશ કરતો હતો એ જ વસ્તુ એને નજીક લાવી રહી હતી. એક અજાણ્યા નંબર પરથી આ મેસેજ આવ્યો પણ એનો પ્રોફાઇલ પીક જાણીતો હતો. એ એજ છોકરી હતી જે જોગર્સ પાર્કમાં મળી હતી. ઈરફાન એ મેસેજનો થોડીવાર કંઈ જ જવાબ ન આપ્યો. પણ મનમાં એ મેસેજે ફરી વિચારોના મોજાઓથી ભરતીનું વાતાવરણ ઉભું કર્યું હતું. ઈરફાનના મગજમાં એકાએક વિચાર આવ્યો કે આ નંબરને ટ્રુ કોલર પર ચેક કરે તો વ્યક્તિનું નામ ખબર પડી શકે. ઈરફાન એ ટ્રુ કોલર એપ ખોલી અને નંબર શોધ્યો પણ ત્યાં પણ માહિતી ન મળી. કદાચ જીઓ નો નવો જ નંબર હતો.

ઘણો સમય વિચારોમાં પસાર કર્યા બાદ ઈરફાનને થયું લાવ હવે મેસેજ નો રીપ્લાય કરી જોઉં. ઈરફાન એ મેસેજનો જવાબ લખ્યો.

"હાર તો નથી માની પણ બ્રેક લીધો હતો. કોશિશ ચાલુ જ રહેશે.."

ઈરફાનનો મેસેજ ડિલિવર ન થયો. એને વિચાર્યું કે કદાચ બે કલાક પછી રીપ્લાય કર્યો એટલે એ પણ બીજા કામોમાં વ્યસ્ત હશે. આખો દિવસ રાહ જોઈ પણ એ જ પરિસ્થિતિ મેસેજ ડિલિવર ન જ થયો. સાંજે ઈરફાનથી રહેવાયું નઈ એને ફોન કર્યો. પણ ફોન પણ સ્વીચ ઓફ હતો. દુવિધા વધવા લાગી. સાંજે બધા ઘરે પાછા ફર્યા. આયત આવતાની સાથે જ ઈરફાન સાથે જોગર્સ પાર્ક જવાની જીદ કરવા લાગી.

ઈરફાન આયતને લઈને જોગર્સ પાર્ક ગયો કે કદાચ એ મળી જાય પણ આજે એ છોકરી જોગર્સ પાર્ક આવી જ ન હતી. આયત સાથે ત્યાં સમય વિતાવી ઈરફાન ઘરે પાછો ફર્યો.

બીજા દિવસે સવારે અશ્વિનીનો મેસેજ હતો.

"હાય ઈરફાન, હું મુંબઇથી બે દિવસ પહેલા જ આવી. સોરી મને આજે જ યાદ આવ્યું કે તારે કોઈ કામ માટે મળવાનું હતું. જો તું કહે તો આજે આપણે મળીએ.."

ઈરફાન એ મેસેજ જોયો અને અશ્વિનીને મળવા માટે કહ્યું. બંને એ સાંજે મળવાનો પ્લાન બનાવ્યો. ઈરફાન ઓફીસથી થોડો જલ્દી નીકળી ગયો અને સાંજે ૬:૦૦ વાગે અશ્વિનીના ક્લિનિક પર પહોંચી ગયો.

"હેય અશ્વિની.."

"ઓહ ઈરફાન આવ આવ.. કેમ છે આયત અને મિસ્બાહ?"

"બંને મજામાં.."

"ગ્રેટ.. બેસ.. અને એ કે શું લઈશ ચા કે કોફી?"

"ચા.. બાકી તું કે કેવી રહી મુંબઇની ટ્રીપ?"

"સારી.. તું કંઇક વાત કરવાનો હતો કે શું વાત છે?"

"અશ્વિની થોડું અજીબ છે પણ તને પૂછું કે નહી એજ વિચારું.."

"તું જોગર્સ પાર્ક વાળી ગર્લની વાત તો નથી કરવાનો ને?"

અશ્વિનીના સવાલથી ઈરફાન આશ્ચર્યચકિત થઇ ગયો. અશ્વિનીને કેમ ખબર પડી કે હું આ વાત કરવા આવ્યો છું. અને એને એ કેવી રીતે ખબર કે હું જોગર્સ પાર્કમાં એ છોકરીને મળ્યો હોઈશ. ઈરફાન સ્તબ્ધ બનીને અશ્વિની સામે જોઈ રહ્યો.

"ઓ હેલ્લો ક્યાં ખોવાઈ ગયો. હા કે ના તો કહે.."

"હા અશ્વિની એ જ વાત કરવી છે પણ તું આ વિષે કેવી રીતે જાણે છે?"

"ઈરફાન હું તને આ વાત ન કરત પણ એ ગર્લ મને પરમિશન આપી ને ગઈ છે કે હવે હું તને જણાવી શકું.."

"મતલબ તને આ બધી વાત ની ખબર છે?"

"હા ઈરફાન તું કેટલા સમયથી એ છોકરીની શોધમાં છે. તારા અને એની વચ્ચેના સંવાદો બધું જ ખબર છે..."

"તો તે આપણે મળ્યા ત્યારે મને કેમ ન કહ્યું?"

"ત્યારે એ ઇન્ડિયા હતી અને એને ના કહી હતી કે હું તને ન જણાવું..."

"એટલે? હવે એ ક્યાં છે?"

"એ ગઈ કાલે જ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઇ..."

"ઓહ... પણ એવી તો શું વાત હતી?"

"ઈરફાન માંડીને વાત કરું. ધ્યાનથી સાંભળજે. તું પણ ખોટો ન હતો કે એ પણ નહોતી. મને એક વચન આપ તું આ વાત સાંભળ્યા પછી પોતાની જાતને દોષી નહીં માને.."

"હું શું કામને દોષી માનું? "

"હું તને જાણું છું ઈરફાન, ફ્રેન્ડ છે મારો.. પ્રોમિસ કર.."

"હા ઓકે પ્રોમિસ નહીં માનું દોષી.. બસ કે હવે.."

----

વાત એ દિવસોની છે જયારે તું ટવેલ્થમાં હતો. તમારી સ્કુલ શરૂ થયાના એકાદ મહિના પછી એક નવી ગર્લનું એડ્મીશન થયેલું. એ ગર્લ બીજી કોઈ નહીં તને જે જોગર્સ પાર્કમાં મળી હતી એ જ જેનું નામ કાયનાત છે. તને નામ પરથી આઈડિયા આવ્યો કે કેમ એ તો હું નથી જાણતી પણ આ એક વન સાઇડેડ લવ સ્ટોરી જેવો સીન છે. કાયનાત બાયોલોજી ગ્રુપમાં હતી. તમે એક જ વર્ગમાં હતા. વર્ગમાં ઘણા છોકરાઓ હતા પણ ખબર નહી કાયનાતને સમય વીતતો ગયો એમ એમ તારા પ્રત્યે એક લાગણી જનમતી ગઈ. વર્ગમાં શાંત રહેવું, ડિસિપ્લીન, ચહેરા પર માસુમિયત કાયનાતને તારી નજીક લાવી રહી હતી. આ વાત પહેલા છ મહિના તો એને કોઈને ન કરી પણ પછી તારા વર્ગમાં એ સમયએ રહેલી સમીરાને કાયનાતએ જણાવી. સમીરાને જણાવવાનું કારણ એ જ હતું કે તમે બંને એક જ જગ્યાએ ટ્યુશન જતા જેથી એ સમીરાને તારા વિષે પૂછી શકે. સમીરા સ્કુલ સમય સિવાય જે ટ્યુશનમાં સમય વીતતો એની માહિતી કાયનાતને આપતી. સમીરા કાયનાતને કહેતી કે હવે કહી દે. વર્ષ તો પૂરું થવા આવ્યું છે પણ કાયનાત એને ના કહી દેતી. કાયનાતે આ વાત મનમાં જ દબાવીને રાખી. ટવેલ્થ પછી તારું રિઝલ્ટ ખરાબ આવ્યું. કાયનાતને થોડો આશ્ચર્ય થયો કે ઈરફાનનું આવું રિઝલ્ટ કેમ આવ્યું? પણ એ તારા વિષે પર્સનલ માહિતી મેળવી નહોતી શકતી. પછી લગભગ એક વર્ષ સુધી તારા વિષે કોઈ જ માહિતી ન મળી. કાયનાત મનમાં એ પ્રેમ જીવિત રાખીને બેઠી હતી. એકવર્ષ પછી ઓરકુટ પર તારું પ્રોફાઇલ જોયું. એ સમયે ફેસબુક એટલું પોપ્યુલર નહોતું પણ લોકો ઓરકુટ યુઝ કરતા. તું કોઈ પોસ્ટ ન કરતો પણ તેં ડિપ્લોમામાં એડમિશન લીધું અને તું સુરેન્દ્રનગર ભણે છે એ વાતની એને જાણ થઇ. એકાદ વર્ષ બાદ ફેસબુક પર પણ તે અકાઉન્ટ બનાવ્યું અને ફોટોઝ મુક્યા. કાયનાત તને રિકવેસટ નહોતી મોકલતી પણ સારી રીતે ફોલો કરી રહી હતી. એનું મન થતું કે તારી સાથે વાત કરે પણ એ ન કરી શકી. એ પછી તું અમદાવાદ એલ.ડી. માં આવ્યો ત્યાં પણ તારા વિષે સમાચાર મળી રહેતા. તું ક્યાં રહે છે? શું કરે છે? તારા ગ્રુપમાં કોણ છે? બધી જ માહિતી એને સબિહા અને ફરહાન આપતા જે ત્યાં જ છેલ્લા વર્ષમાં હતા. તારા લગ્ન થયા ત્યાં સુધી કાયનાતને એક આશા હતી કે ક્યારેક બંને સામે આવશો અને એ તને કહી શકશે પણ એવું ન બન્યું. તારા લગ્ન પછી એને દુઃખી થવાને બદલે તારી ખુશી જોઈને ખુશ થવાનું નક્કી કર્યું. સમય વીતતો ગયો અને એક દિવસ તમે બંને જોગર્સ પાર્કમાં મળ્યા. કાયનાતને થોડું આશ્ચર્ય થયું કે એ જેને ફોલો કરે છે એ વ્યક્તિને એનું નામ સુદ્ધા ખબર નથી. પણ એને નેગેટિવ વિચારવાની જગ્યા એ તને જ એના વિષે જાણવા મજબુર કર્યો. તું આમ તેમ ભટક્યો. તું આકીબને મળ્યો, સોશિયલ મીડિયા ચેક કર્યું પણ કઈ ન મળ્યું. પણ હવે એ તને મળશે પણ નહીં. એ કાયમ માટે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઇ ગઈ છે... -----

ઈરફાન અશ્વિનીની વાત ખુબ જ ધ્યાનની સાંભળી રહ્યો હતો. ઈરફાન કોશિશ કરી રહ્યો હતો કે સ્કૂલના એ દિવસોને એ યાદ કરી શકે. એવી કોઈ વાત જે એને હિન્ટ આપે કે કાયનાતની આંખોમાં એવું કઈ દેખાયું હતું કે નહીં. પણ કોઈ જ વાત એને યાદ ન આવી.

"અશ્વિની એને કેમ ખબર પડી કે હું સોશિયલ મીડિયા એન્ડ આકીબ ને મળ્યો?"

"ઈરફાન એ તને ખુબ સારી રીતે જાણે છે કે તું સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. અને તું આકીબને મળવા ગયો એ વાત પણ એને આકીબે જ કહી. કાયનાત પણ આકીબ સાથે સારી રીતે વાત કરે છે..."

"ઓહ માય ગોડ.. તો આકીબે તો મને આ વિષે કઈ કહ્યું જ નહિ. એતો મને એમ કહેતો હતો કે એને કોઈ વસ્તુની જાણ જ નથી.."

"કાયનાતએ દરેકને કહેવાની ના પાડી હતી. એ જાણતી હતી કે તું તારા સ્કુલ ફ્રેડ્સ ને મળીશ. એને તારી પ્રોફાઇલ એનાલિસિસ કરી હતી. જેટલા ફ્રેડ્સ હતા બધા સાથે વાત કરીને જણાવ્યું હતું કે તને કોઈ માહિતી ન આપે.."

"ઓહ.. માય.. ગોડ.. અને તું કેવી રીતે કાયનાતને ઓળખે?"

"હું કાયનાતને એટલે ઓળખું કેમ કે અમે બંને કોલેજમાં સાથે હતા. એને પણ બી.એચ.એમ.એસ. કર્યું છે. બહુ સારી ફ્રેન્ડ છે મારી.."

"યાર.. કોઈ તો કહી દેતા મને.. ખબર છે કેટલા દિવસ આ ટોપિક ના કારણે હેરાન થયો છું.. "

"ઈરફાન હેરાન ન કહેવાય.. આભાર માન કે આજે એને મને કહ્યું કે તું કહી શકે એ પૂછે તો નહિતર તું આખી જિંદગી આજ સવાલ પાછળ પાગલની જેમ ફરત..."

"હા એ વાત તો ખરી..."

"કાયનાત તને ખુશ જોવા માંગે છે. તારા પરિવારને ખુશ જોવા માંગે છે. તું આયત અને મિસ્બાહનું ધ્યાન રાખજે અને એમની સાથે ખુબ જ પ્રેમથી જીવજે. એ જ શબ્દો સાથે એને મારાથી એરપોર્ટ પર વિદાય લીધી હતી..."

ઈરફાન અશ્વિનીના આ શબ્દો સાંભળી થોડો ભાવુક બન્યો કે જે વ્યક્તિ એનું એટલું ભલું ઇચ્છે છે આજે એ જ એને નહીં મળી શકે.

"ઈરફાન એક બીજી વાત.. હું જાણું છું તને કે કોઈને તારા માટે લાગણી હોય તો એ વ્યક્તિને તું જરૂર મળે પણ તું ઓસ્ટ્રેલિયા ન જતો કાયનાંતને મળવા કેમ કે એ ના મને કોઈ સરનામું આપીને ગઈ છે ના કોઈ કોન્ટેક્ટ નંબર. એના પુરા પરિવાર ભાઈ ભાભી અને પિતા સાથે શિફ્ટ થઇ છે. મમ્મી તો એના જન્નત નસીબ પામ્યા છે એટલે હવે ઇન્ડિયામાં કોઈ કોન્ટેક્ટ જ નથી.."

"પણ કોઈ તો રસ્તો હશે. આજે નહી તો લાઈફમાં ક્યારેક તો મળીશ.."

"ઈરફાન સમય બહુ ઓછો છે.."

"સમય બહુ ઓછો છે મતલબ?"

"એને કેન્સર છે. કદાચ એ તને મનની વાત ક્યારેય ન કરત. પણ એને થયું કે જો એ તને નહીં કહે તો એની રુહાની અહીં જ એ વાતને લઈને રહી જશે. એટલે જોગર્સ પાર્કમાં તને એને કહી દીધું કે અમુક લોકો મનમાં વસ્યા હોય જે ક્યારેય ન ભુલાય અને આજે મને બધું જ કહેવા પરમિશન આપી.."

"યા.. અલ્લાહ... અશ્વિની કોઈ તો રસ્તો હશે જેના કારણે હું એનો આભાર વ્યક્ત કરી શકું કે પછી એક્વાર વાત કરી શકું.."

"ના ઈરફાન કોઈ જ રસ્તો નથી. બસ હવે એકાદ વર્ષ પછી જયારે એ આ દુનિયામાં નહિ હોય તો તું તારા પરિવારને ખુશ રાખજે. એનો આભાર વ્યક્ત થઇ જશે.."

ઈરફાન નિ:શબ્દ બની ગયો. આંખો થોડી ભીની થઇ ગઈ. અશ્વિની પણ આટલું બોલતા રડી ગઈ. થોડા સમય માટે બધું જ શાંત થઈ ગયું. અશ્વિની એ થોડીવાર પછી ઈરફાનને પાણી આપ્યું. બંને ફ્રેંડ નોર્મલ થઇને ત્યાંથી છુટા પડ્યા.

ઈરફાન ઘરે પહોંચ્યો. મિસ્બાહ ઈરફાનના ચહેરાને જોઈને સમજી ગઈ કે કંઈક તો થયું છે. ઈરફાન કોઈ સાથે વાત કર્યા વગર રૂમમાં જઈને સુઈ ગયો. મિસ્બાહ પાણી લઈને આવી.

"ઈરફાન.. શું થયું તમારી તબિયત તો સારી છે ને?"

"હા મિસુ.. પ્લીઝ મને થોડીવાર એકલો મૂકી દે.."

"પણ કેમ ઇરફાન શું થયું?"

"પ્લીઝ મિસુ.. "

"અશ્વિનીને મળ્યા ઈરફાન?"

ઈરફાન મિસ્બાહનો આ સવાલ સાંભળીને તરત જ ઉભો થઇ ગયો.

"તને કેવી રીતે ખબર?"

"મને બધું જ ખબર છે. કાલે હું આયતને મારા મમ્મીને ત્યાં મૂકીને અશ્વિની અને કાયનાતને મળવા ગઈ હતી.."

"વોટ? તો તે મને કહ્યું કેમ નહીં?"

"ઈરફાન કાયનાતે બહુ જ રિકવેસટ કરી હતી કે એ અહીંથી જાય પછી જ તમને જાણ થાય. અશ્વિનીએ જ મને કોલ કરીને બોલાવી હતી..."

"એની પાસે તારો નંબર તો નહોતો?"

"હા એને ફેસબુક પર મેસેજ કરીને માંગ્યો અને બહુ રિકવેસટ કરી એટલે હું મળવા ગઈ હતી.."

"ઓહ.. તો શું વાત થઇ એ સમય એ?"

"એ જ વાત.. જે આજે અશ્વિની તમને કહેવાની હતી..."

"મને જ આ વાતની જાણ ન હતી. બાકી બધા જ આ વાત જાણતા હતા.."

"હા, પહેલા તો હું આયતને લઈને જવાની હતી પણ અશ્વિનીએ કહ્યું કે તમે એને લઈને આવશો તો એ ઈરફાન ને કહી જ દેશે.. નાની છે અને ઈરફાનની લાડકી પણ.."

"સેલ્યુટ છે બોસ.. મને ખબર પણ ન પડવા દીધી.."

"હા ઈરફાન, અને હવે કાયનાત કહીને ગઈ છે. એટલે પ્લીઝ તમેં ઉદાસ ન રહેતા અને અમારા સૌનું ધ્યાન રાખો તો એની છેલ્લી ઈચ્છા પુરી થશે.."

"હા મિસ્બાહ, તને આ વાત ને લઈને મારી સાથે કોઈ શિકાયત તો નથી ને?"

"ના ઈરફાન, બિલકુલ નહીં. મને તો ખુશી છે કે તમારી આ દુવિધા સોલ્વ થઇ અને કાયનાત અને અશ્વિની જેવા લોકો તમારા જીવનમાં છે જે હંમેશા તમારું ભલુ ચાહે છે. તમે બેફિકર રહો. હવે ફ્રેશ થઈને આવો જમવાનું તૈયાર છે.."

"થેંક્યું મિસુ.. આજે મને તારી પર ગર્વ છે કે મને આટલી સમજદાર પત્ની મળી જે મારા વિષે બધું જાણવા છતાં કોઈ નારાજગી વ્યક્ત કરવાને બદલે મને સપોર્ટ કરે છે.. અલ્લાહ તેરા શુક્ર હૈ.."

"ઈરફાન આપણે જીવનસાથી છીયે... હું સાથ નહીં આપું તો કોણ આપશે.. બસ ખુશ રહો અને અમને ખુશ રાખો.. ચાલો હવે હું જાઉં જલ્દી આવો તમે.."

"હા મિસુ.. લવ યુ સો મચ..."

"લવ યુ ટુ.. ઈરફાન.."

*****

સમાપ્ત

*****

************

વાચક મિત્રોનો ખુબ ખુબ આભાર કે મારી આ વાર્તાને ખુબ પ્રોત્સાહિત કરી. મારી આ તદ્દન કાલ્પનિક વાર્તાની આટલી પ્રસંશા કરવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. જીવનમાં એક પત્ની પતિને કઈ રીતે મદદ રૂપ થઇ શકે, જીવનસાથીમાં કેટલો વિશ્વાસ હોવો જોઇયે એ ઈરફાન અને મિસ્બાહના પાત્રો થકી દર્શાવવાની કોશિશ રહી છે. એક બાળક તમારા જીવનમાં કેટલું અમૂલ્ય છે અને જો દીકરી હોય તો સોને પે સુહાગા જેવી વાત આયતના પાત્ર થકી દર્શાવવાની કોશિસ હતી. જીવનમાં મિત્રો સારા હોય તો તમને તકલીફ ક્યારેય ન થાય અને જીવનમાં મુશ્કેલીઓનું સમાધાન લાવવામાં એ મદદરૂપ થાય એ વાત મેં અહીં અશ્વિનીના પાત્ર સ્વરૂપે સમજાવવાની કોશિશ કરી છે. તમે કોઈને ચાહો, એ મળે કે ન મળે પણ એની ખુશીમાં તમે ખુશી માનો એ જ સાચો પ્રેમ આ વાત અહીં કાયનાતના પાત્ર દ્વારા દર્શાવવામાં આવી. આશા રાખું છું કે આપ સહુને ખુબ જ મજા આવી હશે. ફરી મળીશ એક નવા અંદાજમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ વાંચતા રહેજો, કંઇક ને કંઈક લખતા રહેજો અને ગુજરાતીને મહેકવતાં રહેજો એવી જ લાગણીની ભીનાશ સાથે

અસ્તુ..

******


Rate this content
Log in

Similar gujarati story from Drama