Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hardik Pandya

Children Inspirational Thriller

4.8  

Hardik Pandya

Children Inspirational Thriller

મારૂ જીવન પુસ્તક

મારૂ જીવન પુસ્તક

3 mins
1.2K


મારા પપ્પા શ્રી દેવેન્દ્રભાઈ પંડ્યા અને મમ્મી સ્વ.અ.સૌ. કલ્પના દેવેન્દ્ર પંડ્યા. મારા મમ્મી અને પપ્પાનો મારા જીવન ઘડતરમાં ખૂબ જ અમૂલ્ય ફાળો છે અને એટલે જ બંનેના નામના શરૂઆતી અક્ષરોને જોડીને હું મારું નામ હાર્દિક કલ્પદેવ પંડ્યા કહું છું.

હું જન્મ્યો ત્યારે કરોડરજ્જૂનો છેલ્લો મણકો ખુલ્લો હતો જેને મેડિકલ ભાષામાં meningomyelocele કહે છે. એનું ઓપરેશન જન્મના માત્ર ૨૪ કલાકમાં જ કરવામાં આવ્યું. એ ઓપરેશન દરમિયાન કમર નીચેની કોઈક બે નસ દબાઈ જવાથી કમર નીચેના ભાગમાંથી sensation જતું રહ્યું. અને કાયમી દિવ્યાંગતા આવી. ત્યાર બાદ લગભગ આગિયારેક મહિના પછી એક બાળકનું માથું જેટલું હોવું જોઈએ એનાથી પ્રમાણમાં મોટું હતું, તબીબી તપાસ કરતાં જાણવા મળ્યું કે માથામાં પાણી ભરાય છે જો ઈલાજ ન કરીએ તો ભવિષ્યમાં માનસિક બીમારીઓ થવાની શક્યતા છે માટે ઓપરેશન કરી મારા માથામાં એક કૃત્રિમ નસ મૂકવામાં આવી. મારા જીવનના સૌથી મોટા આ બે ઓપરેશન હતા. ત્યારબાદ હું પાંચેક વર્ષનો થયો ત્યારે સમાન્યતઃ બાળકોને કુદરતી ઇન્દ્રિયજ્ઞાન(એટલે કે ઝાડો-પેશાબ થવાની ખબર પડવી) આવી જાય પણ મને એ ના થયું. ત્યારે તબીબી તપાસ કરાવતા ખબર પડી કે જન્મ વખતે કરેલ ઓપરેશનમાં માત્ર પગ જ નહીં પણ આ sensation પણ નથી. એ સમયે અને આજે પણ આ તકલીફનો કોઈ ઈલાજ તબીબી વિજ્ઞાનમાં નથી. માટે તેને સ્વીકારી એ તકલીફો જીવનમાં બધા રૂપ ના બને એના ઉપાય શોધવા જ હિતાવહ રહ્યા.

ત્યાર પછી સામાન્ય જીવન શરૂ થઈ ગયું. મને શાળામાં મૂકવામાં આવ્યો. પરંતુ સામાન્ય બાળકોની શાળા હોવાથી માત્ર સહપાઠીઓ દ્વારા જ નહીં પણ શિક્ષકગણ તરફથી પણ અણછાજતું વર્તન થવાથી મારી આત્મશક્તિ, મારો આત્મવિશ્વાસ ભાંગી ન પડે એ માટે મારા મમ્મી-પપ્પા એ મને શાળામાંથી ઉઠાવી લેવાનું યોગ્ય સમજયું. એક વર્ષ બાદ અમદાવાદ સ્થિત “અપંગ માનવ મંડળ” નામક દિવ્યાંગોની શાળામાં ભણવાનું શરૂ કરું. મારી તકલીફોથી ઝૂઝતા અને પોતાની મધ્યમ બુદ્ધિક્ષમતાની મદદ થકી ધોરણ ૧૦ ૫૩% એ પાસ કર્યું. અને કમ્પ્યુટર વિષયમાં અત્યંત રુચિ હોવાથી ધોરણ ૧૧ અને ૧૨ કોમ્પુટર ટેકનોલજી પ્રવાહમાં કર્યું. આ દરમિયાનમાં મારા મમ્મીનું હૃદયરોગથી અવસાન થયું.

મારી ૧૨માં ધોરણની બોર્ડની પરીક્ષા બે જ મહિના બાકી હતા અને ૧૭ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ મારી કિડની ખરાબ થઈ ગઈ હોવાની ખબર પડી અને ડાયાલિસીસ શરૂ થયા. ધોરણ ૧૨ની પરીક્ષા હોય કે સંસ્કૃત વિષયમાં સ્નાતકની કોલજની પરીક્ષા... હમેશાં ડાયાલિસીસ પછી સીધો પરીક્ષા આપવા જતો અથવા પરીક્ષા આપી ડાયાલિસીસ માટે જતો... જેવો પરીક્ષાનો કાર્યક્રમ... મધ્યમ બુદ્ધિક્ષમતા છતાં ભણવાની દ્રઢ ઇચ્છા અને મમ્મી-પપ્પાના સાથ અને સહકારે હું મારા રુચિગત વિષય સંસ્કૃતમાં સ્નાતક થયો અને સાથે ઘરે બેસી ગ્રાફિક ડિઝાઇનનો સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો.

હાલ હું ગ્રાફિક ડિઝાઇનિંગ અને પ્રિંટિંગનો નાનો એવો ધંધો કરું છું. અને એ ધ્યેય સાથે આગળ વધી રહ્યો છું કે બને એટલું જલ્દી પોતાને આર્થિક રીતે સક્ષમ બનવું કે જેથી મારા પપ્પા કે જેઓ ૬૪ વર્ષની ઉંમરે પણ માત્ર મારી સારવારનો ખર્ચો પૂરો કરવા આજે નિવૃત્તિ બાદ પણ કાર્યરત છે. અને financial planning નું કામ કરી રહ્યા છે તેમને હું નિવૃત્તિ માણવા મુક્ત કરી શકું અને એમની સેવા કરી શકું. હું પોતાની જાતને આર્થિક રીતે સબળ એટલા માટે પણ બનાવવા માંગુ છું કે અન્ય કોઈ જરૂરતમંદને પણ હું મદદ કરી શકું.

બીજી કોઈ રીતે હાલ મદદરૂપ થઈ શકું એમ નથી પણ જો મારા સકારાત્મક વિચારો અને શબ્દો થઈ સમાજમાં સકારાત્મકતા ફેલાવી શકું એ જ મારું લક્ષ્ય છે. જેનું પરિણામ છે મારી વેબસાઇટ www.khushimantra.com. અને મારી યૂટ્યૂબ ચેનલ કે જ્યાં મેં છેલ્લા 2 વર્ષથી વિડિયો સ્વરૂપે પણ મારા વિચારો અને સિદ્ધાંતોને વાચા આપી છે.

“સકારાત્મક રહેવું અને સકારાત્મકતા ફેલાવવી.. હસતાં રહેવું અને હસાવતા રહેવું..”


Rate this content
Log in

Similar gujarati story from Children