Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajul Shah

Inspirational

0  

Rajul Shah

Inspirational

પ્રતીક્ષા

પ્રતીક્ષા

10 mins
199


"આજ તક ઐસી શર્મ મૈ ને કભી નહી મહેસુસ કિ ,મૈ  યહા ઇસ જગહ પુરે તીસ સાલસે હું. પર કઇં દિનો સે મઝે લગતા હૈ કિ ચુલ્લુ ભર પાનીમેં ડુબ જાઉ."

સામે ઉભેલો પુરા પાંચ ફુટ અગિયાર ઇંચ ઉંચાઇ , પહોળા ખભા ,પાતળી કમર લાલ બુંદી જેવો ચહેરો  ધરાવતો પંજાબી જાટ સતપાલ સલુજા પાણીથી ય પાતળો થઈને વાત કરતો હતો..

સતપાલ અમારી કોલેજનો હીરો હતો., એ સમયે સલમાનને કોઇ ઓળખતુ નહોતુ ત્યારે કસાયેલુ બદન , મજબૂત બાવડા કોને કહેવાય એ જાણવુ હોય તો એનુ જીવતુ જાગતુ ઉદાહરણ હતો સતપાલ. ગોરો વાન ,કાળા સુંવાળા વાળ , અણીદાર આંખો અને પાણીદાર વાણી. પંજાબી લ્હેકામાં બોલાતી હિન્દી, ફાંકડુ અંગ્રેજી અને વર્ષોથી ગુજરાતમાં રહીને પૂર્ણ વિશ્વાસ સાથે બોલાતી શુધ્ધ ગુજરાતી, ક્યાંય કોઇ જગ્યાએ કચાશ નહી  અને છતાંય ક્યાંય કોઇ જગ્યાએ કોઇને ઇમ્પ્રેસ કરવાની, કોઇ વિશિષ્ઠ છાપ ઉભી કરવાની વ્રુત્તિ નહી. સાવ સીધો અને સરળ . જાત વિશે પુરેપુરો સભાન છતાં ય જાત વિશે ક્યાંય કોઇ ગુમાન નહી.

કોલેજ કાળના એ વર્ષો દરમ્યાન સતપાલને અવારનવાર મળવાનુ થયે રાખતુ. કોલેજના ઇલેક્શનમાં બિન-હરીફ ચુંટાનારો એ એક માત્ર ઉમેદવાર હતો. એવુ નહોતુ કે એની સામે ઉભા રહેવાની કોઇની હિંમત નહોતી પણ એની જ લાયકાત એટલી હતી કે એની સામે ઉભા રહેવાની જરૂર નહોતી. એક મતે એક અવાજે એ કોલેજના જનરલ રિપ્રેઝેન્ટેટીવ –જનરલ સેક્રેટરી તરીકે પસંદ થયે રાખતો.

કોલેજના એ સોનેરી દિવસો ક્યાંય સરસર કરતા સરી ગયા. ખુબ નજીક હતા એ પણ ક્યાંય દુર પહોંચી ગયા.  હવે તો ભાગ્યને અજમાવવા નિકળેલા ભાગ્યેજ મળતા. માસ્ટર્સ ઇન કોમ્પ્ટ્યુર સાયન્સ કરીને એચ વન પર હુ પણ ડોલરિયા દેશમાં સ્થાયી થઈ ગયો.

સમય સંજોગોના આધારે યારો-દોસ્તો બદલાતા ગયા .એચ વનમાંથી ગ્રીન કાર્ડ અને ગ્રીન કાર્ડમાંથી સિટિઝનશીપ  થઇ ..કંપની બદલાઇ , ઘર બદલાયા , નિવાસ સ્થાનના એરિયા બદલાયા .આ બદલાતા સંજોગોમાં ન બદલાઇ પ્રક્રુતિ. હજુ ય એ જુના દિવસો યારો દોસ્તોની મહેફિલ મનના એક ખુણે સતત ધબકતી જ રહી.

**

એક સ્થાયી જીવન , રોજીંદી ઘરેડ કોઠે પડતી જતી જ હોય છે. આવા એકધારા રોજીંદી ઘરેડમાં આજે અણધાર્યો વળાંક આવ્યો.

આમ તો લગભગ સવારે જ ગેસ સ્ટેશન પર ગેસ લઈ સ્ટારબક્સની કોફીનો કપ ભરી ઓફિસ ભણી પ્રયાણ કરવાની ટેવ હતી. ઘરથી ઓફિસ જતા એ જ ટ્રેક પર આવતા ગેસ સ્ટેશનથી ગેસ લેવાનુ અનુકુળ રહેતુ. પરંતુ આવતી કાલે રિયા અને આરવની સ્કુલમાં ફાધર્સ ડૅ સેલીબ્રેશન હતુ એટલે સવારનો સમય સાચવવા સાંજે પાછા ફરતા ઘર તરફના ટ્રેક પર આવતા ગેસ સ્ટેશન પર ગાડી ઉભી રાખી.

સામાન્ય રીતે બહારથી જ ક્રેડીટ કાર્ડ પર પેમેન્ટ કરી નિકળી જવાની ટેવ પણ આજે આ જરા ઇન્ડીયન નામ ધરાવતા કન્વીનિયન્ટ સ્ટોર તરફ જરા કુતુહલવશ પગ વળ્યા.

કેશ રજીસ્ટર પાસે ઉભેલા ઉંચા પદછંડ અમેરિકનની પાછળ સ્ટોર ઓનર ઢંકાઇ ગયો હતો પણ જેવો એ અમેરિકન કસ્ટમર ખસ્યો અને  જોયુ તો પાછળ સતપાલ સલુજા…..

ઓયે સતપાલ , ઓયે પંજાબી તુ?

ઓયે સમીર તુ?

આજે પચીસ વર્ષ બાદ અચાનક સતપાલ સલુજાને જોઇને એક આવેશભરી બુમ નિકળી ગઈ. સામે એવો જ ઉમળકા ભર્યો પ્રતિસાદ મળ્યો. અને કાઉન્ટર પાછળથી આવીને એ ભેટી પડ્યો. અસલ પંજાબી……જરાય બદલાયો નહોતો. વર્ષો પહેલા જોયેલો  પુરા પાંચ ફુટ અગિયાર ઇંચ ઉંચાઇ , પહોળા ખભા ,પાતળી કમર લાલ બુંદી જેવો ચહેરો  ધરાવતો પંજાબી જાટ સતપાલ સલુજા . ગોરા વાન પર અમેરિકન હવાની તંદુરસ્તી દેખાતી હતી.  અને કાળા સુંવાળા વાળ પર બંને લમણા પાસે સફેદી ચમકતી હતી.

ક્ષણભરના આવેશ પછી પાછી એનામાં કસ્ટમરને એટેન્ડ કરતી સલુકાઇ આવીને ગોઠવાઇ ગઈ.

"સોરી સર ,સોરી ફોર ઇન કન્વીનિઅન્સ .

"ધેટ્સ ઓકે માય બોય. આઇ કેન ફીલ યોર હેપ્પીનેસ.મને ખબર છે તમારા ઇન્ડિયામાં બધુ જ ભેળસેળ વાળુ , કશુ જ શુધ્ધ નહી પણ યસ તમારા સંબંધો ,તમારી લાગણીઓ એકદમ ખરી જ્યારે  અમારા અમેરિકામાં બધુ જ શુધ્ધ મળશે પણ સંબંધો આટલા સાચા અને સાત્વિક નહી મળે..

"ધીસ ઇઝ માય ફ્રેન્ડ સમીર એન્ડ સમીર ધીસ ઇઝ મિસ્ટર રોડ્રીક. રિટાયર્ડ આર્મી ઓફીસર."

મેં મિસ્ટર રોડ્રીક જોડે હેન્ડ શેક કર્યા.. રોડ્રીક સરસ હુંફાળુ સ્મિત આપીને નિકળી ગયા. એ પછીની અમારી થોડીક ક્ષણો  "મને સાંભરે રે તને કેમ વિસરે રે" થી શરૂ થઇ. કેટલાય વર્ષો બાદ આટલા ઉમળકાથી કોઇને મળવાનુ થયુ હશે ?

અને હવે તો મારો અઠવાડીયે એકવાર ગેસ સ્ટેશન જવાનો ક્રમ જ બદલાઇ ગયો. સવારે જવાના બદલે સાંજે પાછા આવતા સતપાલના ગેસ સ્ટેશનથી ગેસ લેવાનો , કન્વીનીયર સ્ટોરમાં અંદર જવાનુ અને સતપાલની અનુકુળતા હોય તો થોડો સમય એની સાથે ભૂતકાળને વાગોળવાનુ વર્તમાન અંગે વિચારોની આપ-લે કરવાની અને  અમદાવાદથી માંડીને ઓબામા ને આવરતુ ભવિષ્ય ભાખવાનુ.

સાંજનો સમય હોય એટલે કેટલીય વાર એવુ બનતુ કે ઓફીસથી પાછા ફરતા લોકોની ઉતાવળી અવર-જવર રહેતી ત્યારે સમયની નાડ પારખીને હેલ્લો હાય કરીને નિકળી જવાનુ બનતુ. ક્યારેક એકલ-દોકલ કસ્ટમર હોય તો સતપાલનો ઇશારો પારખીને રોકાઇ જવાનુ ય બનતુ. આવા પ્રત્યેક સમયે સતપાલની કસ્ટમરને એટેન્ડ કરવાની એક અલગ જ રીત જોઇ.

અણીદાર આંખો અને પાણીદાર વાણીમાં પંજાબી લ્હેકામાં બોલાતી હિન્દી, ફાંકડુ અંગ્રેજી અને વર્ષોથી ગુજરાતમાં રહીને પૂર્ણ વિશ્વાસ સાથે બોલાતી શુધ્ધ ગુજરાતી બોલતા સતપાલને સાંભળ્યો હતો પણ હવે એમાં ભળ્યુ હતુ અમેરિકન ઍક્સન્ટવાળુ ઇંગ્લીશ.. બાર ગાઉ એ બોલી બદલાય એ માત્ર  આપણે  ભારતમાં જ નથી અહીં પણ અનેક અલગ અલગ લોકોની બોલી અલગ જોઇ , કહેવાનો મતલબ અહીં પણ અલગ અલગ ઍક્સન્ટથી અંગ્રેજી બોલાતુ જોયુ અને સાંભળ્યુ.

સતપાલ આ તમામ બદલાતી બોલીથી માહિત હતો અને અત્યંત કુશળતાથી એ એના તમામ કસ્ટમર સાથે એમની જ લઢણથી વાત કરતો. એના તમામ કસ્ટમર સાથે એનો એક અલગ નાતો હતો , દરેકની એક આગવી પહેચાન હતી.

હેલ્લો યંગ મેન, હાય સ્વીટી , યસ સર , ગુડ ઇવનીંગ ગ્રાન્ડ મા , મા મા મિયા ..દરેક માટે એક નવુ સંબોધન રહેતુ.  હવે તો એ કોને કેવી રીતે બોલાવશે એની મને ય ખબર પડવા માંડી હતી. એક અજબ જેવો નાતો હતો એને એના કસ્ટમર સાથે. ક્યારેક કોઇ ઓલ્ડ કપલ માટે લોન મુવરની વ્યવસ્થા કરી આપતો. કોઇ ગ્રાન્ડ મા માટે પ્લમ્બર મોકલી આપતો. ક્યારેક ઘરના જરૂરી  કામ માટે ઇલેક્ટ્રીશ્યન કસ્ટમરને ને પોતાના ઘરની ચાવી આપીને કામ પતાવવા ય કહી શકતો. દરેક જણ સાથે એકદમ આત્મિયતા છલકાતી નજરે પડતી. નવરાશની પળોમાં સતપાલ સાથે આરામથી વાતો કરતા એના કસ્ટમરને જોઇને નવાઇ લાગતી .સામાન્ય રીતે અમેરિકનો પોતાના મનની વાત સૌ કોઇ પાસે ખોલીને કરતા હોય એવુ ભાગ્યેજ જોયુ હતુ . અહીં તો સતપાલ સાથે પોતાના મનનો પટારો ખોલી મુકતા ,દિલનો ઉભરો ઠાલવી દેતા જોયા. આ કમાલ હતી સતપાલના સ્વભાવની , સહજતાથી સૌ કોઇને પોતાના બનાવી લેતા હુંફાળા આવકારની.

ખુબ નવાઇ લાગતી મને .પણ એ તો  દરેક સમયે દરેક જણ જોડે અત્યંત સહજ અને નિશ્ચિંત લાગતો. દરેક જોડે એક વિશ્વાસનો નાતો હતો. અતુટ વિશ્વાસન અને વ્હાલનો….

 "યાર , આ દેશમાં આવીને હું એક વાત શિખ્યો છું અહીં કોઇ પોતાનુ નથી તો ય બધા મારા છે. આટલા વર્ષો અહીં આ એક જ જગ્યા એ કામ કરતા કરતા મને અનેક લોકોનો પ્રેમ મળ્યો છે, અનેક લોકોનુ વ્હાલ મળ્યુ છે. કશુ જ લઈને આવ્યા નથી અને કશુ પોતાની સાથે લઈ જવાના નથી તો પછી શા માટે આપણે સૌને ખુલ્લા દિલે નહી આવકારવાના ? ખુલ્લા મને નહી સ્વીકારવાના ?"

એની વાતોમાં તથ્ય ય હતુ . એ સંબંધોનો માણસ હતો. સંબંધો થકી અમીર હતો નહી તો આજે આટલે દુર આટલી આત્મીયતા કોણે જોઇ છે! કોણે અનુભવી છે!

એ ઘણીવાર એના અને એના કસ્ટમર સાથેના ક્યારેક ઉપર છલ્લા તો ક્યારેક તલસ્પર્શી- હ્રદયસ્પર્શી સંબંધોની , વ્યહવારની લેવડ દેવડની વાતો કરતો. અખુટ વાતોનો ભંડાર હતો એની પાસે. હવે તો હું ય એના ઘણા બધા કસ્ટમરને નામથી ખાસિયતથી ઓળખતો થઈ ગયો હતો.

આજે ફરી એક વાર મિસ્ટર રોડ્રીક મળી ગયા. પણ બસ એક જસ્ટ હેલ્લો. આગળ મળ્યાનો કોઇ અણસાર નહી , આંખમાં કોઇ ઓળખ નહી. જરા નવાઇ તો લાગી મને . ભારતિય સંસ્ક્રુતિ અને લાગણીભર્યા  સંબંધો માટે જેણે સરસ વાત કહી હતી એ જ માણસ આજે સામે જોઇને સ્મિત પણ આપ્યા વગર નિકળી ગયો.

"બસ આ એક જ એવી વ્યક્તિ છે જેણે ક્યારેય એનુ મન કળાવા દીધુ નથી કે કોઇને એની નજીક આવવા દીધા નથી. એ દિવસો તો તારુ નસીબ પાધરુ હતુ કે તને એનુ એક સ્માઇલ જોવા મળ્યુ બાકી તો એ અહીં આવે છે ય બહુ જ ઓછુ અને ભાગ્યેજ  જરૂર કરતા એક મિનિટથી વધારે રોકાતા નથી. રિટાયર્ડ આર્મી ઓફીસરની કડપ કદાચ હજુ એમનામાંથી ઓસરી નથી."

હશે … મારે શું ? મને તો કોઇ ફરક પડવાનો નહોતો. પણ અજાણતા જ એક ભોંઠપની લાગણી છેક અંદર સુધી ઉતરી ગઈ.

આ જીનેલીયા  આ જ્હોન ,આ પેટ્રીક ,આ ચેલ્સીયા , આ માર્થા,…એના સ્ટોર પર આવતા કસ્ટમર વિશે આછી પાતળી એ વાતો કર્યા કરતો. કોઇ ચોક્કસ  પ્રકારની સીગરેટનુ બંધાણી હતુ તો કોઇની ખાસ આલ્કોહોલની માંગણી રહેતી. કોઇ લોટરી લેવા આવતુ તો કોઇ લોટૉ રમવા આવતુ.

એમાં એક મારિયા હતી  જે ચોક્કસ નંબર પર લોટરી રમવાની આગ્રહી હતી. રોજે એ નિયત નંબર પર લોટરી રમતી. ક્યારેક એવુ બને કે લોંગ વિક એન્ડ પર શહેરથી બહાર ગઇ હોય તો પણ એ સતપાલને એના વતી રમવાનુ કહીને જતી અને સતપાલ રમતો ય ખરો.

 નાની મોટી રકમ એ જીતતી પણ ખરી. ક્યારેક એને સતપાલ બીજા નંબરથી રમવાનુ કહેતો પણ એ તો એના એ જ નંબર પર રમવાની આગ્રહી હતી. ઉંડે ઉંડે એને આશા હતી કે જીસસ એને આ નંબર પર મોટી લોટરી જીતાડી આપશે.

સતપાલ અત્યારે એ મારિયાની વાત કરી રહ્યો હતો. એના અવાજમાં અત્યંત હીણપતનો ભાવ હતો, એના ચહેરા પરનુ હાસ્ય અને લાલીમા ગાયબ હતી . એની જગ્યાએ આવી બેસી ગઈ હતી ઘોર શરમની કાલિમા .હંમેશા હસતા ચહેરા પર શ્યામ વાદળી જોઇ. આજે ફરી ઘણા વખતે રોડ્રીકની એન્ટ્રી સતપાલના સ્ટોરમાં થઈ હતી. .ક્યારેય કોઇ વાતમાં ભાગ્યેજ દિલચશ્પી લેતા રીટાયર્ડ આર્મી ઓફીસર મીસ્ટર રોડ્રીકે સતપાલને એની ઉદાસીનુ કારણ પુછ્યુ.

જે સવાલ હું કરવા માંગતો હતો એ સવાલ રોડ્રીકે પુછતા મેં વચ્ચે બોલવાનુ ટાળ્યુ.

બન્યુ એવુ કે ક્રીસમસના આ લોંગ વીક એન્ડ પર ગયેલી મારિયા સતપાલને હંમેશની જેમ એના એ ચોક્કસ નંબર રમવાનુ કહીને ગઈ હતી . બે દિવસ તો સતપાલ એ નંબરો રમ્યો ય ખરો પરંતુ એક દિવસ ન બનવાનુ બની ગયુ. ફુડ પોઇઝનના લીધે સતપાલ ત્રીજા દિવસે એના સ્ટોર પર જઈ જ ના શક્યો અને એની ગેરહાજરીમાં એનો સ્ટોર સંભાળતા એના દિકરાને એ મારિયાના નંબર રમવાનુ કહેવાનુ ભુલી જ ગયો.

 અને એ જ  દિવસે મારિયાનુ નસીબ અને જીસસે આપેલી દુવા કામ કરી ગઇ અને મારિયાને સ્ટ્રેટ નંબર પર ૫૦૦ ડૉલરની લોટરી લાગી. અને ત્રીજા દિવસે પ્રગટ થયેલી મારિયાએ એના જીતેલા ડોલરની ઉઘરાણી સતપાલ પાસે કરી અને કરે જ એ વ્યાજબી વ્યહવારિક વાત હતી એ તો સતપાલે ય સમજતો હતો  પરંતુ ન સમજી શકી મારિયા.

સતપાલના લાખ પ્રયત્નો છતાં મારિયા સતપાલની વાતને સમજવા અને સ્વીકારવા તૈયાર જ નહોતી. કે જે દિવસે એના નંબરો લકી સાબિત થયા હતા એ દિવસે સતપાલનુ લક એની ફેવરમાં નહોતુ , એ દિવસે એ સ્ટોર પર આવી જ શક્યો નહોતો અને મારિયાના નંબરો રમવાના જ રહી ગયા હતા. ક્રોધથી ધુંવાફુવા થતી મારિયા સ્ટોર છોડીને જતી રહી હતી. મારિયાને સતપાલની વાત પર વિશ્વાસ જ આવતો નહોતો કે સાચે જ સતપાલ એ દિવસે મારિયાના નંબર રમી શકવા હાજર જ નહોતો.

"શી વીલ નોટ બિલિવ ઇટ, ડેફીનેટલી વીલ નોટ એક્સેપ્ટ યોર ક્લેરીફીકેશન માય બોય."

"વ્હાય ? બટ વ્હાય શી વીલ નોટ બિલિવ ઇટ? આટ આટલા વર્ષોથી એ આવે છે. ક્યારેક નાની મોટી ચીજ વસ્તુઓ લે છે અને કાયમ લોટરી રમે છે. એની ગેરહાજરીમાં નાની મોટી રકમ એ જીતી હોય તો હું એને આપી દઉ છું તો આ વખતે મારી વાત ન માનવાનુ કોઇ કારણ ?"

"કારણ માત્ર એટલુ જ કે એ આ વખતે સાચે જ મોટી રકમ જીતી છે. તને ખબર નહી હોય કે ૫૦૦ ડોલર રકમ કંઇ નાની ન  કહેવાય .એ તો એમ જ માનવાની કે તું એના નંબર રમ્યો , એ જીતી પણ એની રકમ તું ચાંઉ કરી ગયો છું."

આઘાતનો માર્યો સતપાલ સડક જ થઈ ગયો. આ શક્યતાનો તો એને વિચાર સુધ્ધા નહોતો આવ્યો. આવુ બની શકે? આવુ કોઇ વિચારી શકે? વિશ્વાસે વહાણ ચાલતા હતા સતપાલના જીવનમાં, એ માની શકતો નહોતો કે  આવુ બની શકે? ક્યારેય કોઇ છેતરપીડીં એણે કોઇ સાથે આચરી નહોતી કે આજ સુધી એના વિશ્વાસને કોઇએ તોડ્યો હતો. અને આ મારિયા આવુ વિચારી શકે ? મારિયા આવુ વિચારે જ કેવી રીતે? હતપ્રભ થઈ ગયેલા સતપાલને એમ જ વિચારવિહીન અવસ્થામાં મુકીને રોડ્રીક ચાલતા થયા. લગભગ એન્ટ્રન્સ ડોર પાસે જઈને એ પાછા આવ્યા અને લોંગ કોટના ખીસ્સામાંથી ૫૦૦ ડોલર  કાઢીને સતપાલના કાઉન્ટર પર મુક્યા.

"કાલે એ આવે તો એને આ ૫૦૦ ડોલર આપી દેજે."  કહીને રોડ્રીક સતપાલને એ જ વિચારવિહીન અવસ્થામાં મુકીને ચાલતા થયા. સતપાલ હજુ તો કંઇ સમજે ,વિચારે એ પહેલા તો એ એમની કાર હંકારીને અદ્રશ્ય થઈ ગયા.

હવે આશ્ચ્રર્યથી દિગ્મૂઢ થવાનો વારો હતો મારો.

આજ સુધી સતપાલ જે રીતે એના કસ્ટમરની વાતો કરતો એમાં એના સરસ સાલસ સંબંધોની વાતો રહેતી. એક સરસ સંવાદિતા હતી એના તમામ કસ્ટમર સાથે. બસ નહોતી તો એક આ રોડ્રીક સાથે.  સ્ટોરની અત્યંત ઓછી મુલાકાત લેતા અને ભાગ્યેજ એ મુલાકાતને ઔપચારિકતાથી આગળ વધવા દેતા રોડ્રીક આજે  કોઇ આત્મીય કરતા પણ અધિક સાબિત થયા હતા .

સમજણ નહોતી પડતી કે મારે શું કહેવુ?

સમજણ નહોતી પડતી સતપાલને કે એણે શું કરવુ?

પણ આજે ય સતપાલને પ્રતિક્ષા છે મારિયાની એને એના હકના ૫૦૦ ડોલર આપવા માટે અને આજે પણ સતપાલને પ્રતિક્ષા છે રોડ્રીકની એમના ૫૦૦ ડોલર પાછા વાળવા માટે.

નથી મારિયા પાછી વળી કે નથી એ દિવસ પછી રોડ્રીક પાછા દેખાયા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational