થાય દળવાનું
થાય દળવાનું
અહીં ખુદને જ અંતે થાય દળવાનું;
બની માટી ને માટીમાં છે ભળવાનું.
બરફ માથા ઉપર મૂક્યો હતો કિન્તુ;
અમારા ભાગ્યમાં આવ્યું ઉકળવાનું.
ઠરીને ઠામ ક્યાં થાવું? પવન છઇઅે;
દિવસને રાત કેવળ છે રઝળવાનું.
બતાવી દો બધા છત્રીસની છાતી;
નથી પગલું ભરીને પાછું વળવાનું.
અમે જોયા નથી ઇશ્વરને બેઠેલા;
થયું છે માત્ર ત્યાં પથ્થરને મળવાનું.
તમે લીધા કરો છો જન્મ પૃથ્વી પર;
અને માટે નથી મૃત્યુ આ ટળવાનું.