વસિયતનામું
વસિયતનામું
આજે બધાને મારા તરફથી પાર્ટી. મોજ કરો. તમે પણ યાદ કરશો કે હતો એક દિલેર જેણે તમને કેવી શાનદાર પાર્ટી આપી હતી. અશોક એકદમ પૈસા અને દારુના નશામાં બોલતો હતો.
સંકેત : યાર તને ચડી ગઈ છે. આ બધાં ભુખ્ખડ બારસ તને લૂંટી લેશે. આવી રીતે એમને પાર્ટી આપો છો પણ બીલનો વિચાર કર્યો છે ?
અશોક : અરે.. ભોળા ભગત..આ તો જશ્ન છે. હું અબજોપતિ બની ગયો છું એનો. ભલે જેટલું પીવું હોય એટલું પીતા.
સંકેત. : ચૂપ રહે મારા બાપ ક્યાંક તારી આવી લવારી તને સ્વર્ગવાસી ન બનાવી દે.
રાત્રે ખુબ પૈસા ઉડાવી, દારુની મહેફીલ પૂરી કરી અશોકનો મિત્ર ઘરે મૂકી ગયો. સવાર પડતાં જ પોતાના પ્લાનને અંજામ આપવા એણે જોઈતી બધી વસ્તુઓ સાથે બેગ પેક કરી લીધી અને પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો.. સામે જ એની મમ્મી પ્રેમીલાબહેન ઊભા હતા.
પ્રેમીલાબહેન. : હું તને કાલ રાત વિશે કંઈ નહીં પૂછું. પણ.. આજે ક્યાં જાય છે એ જરૂર પૂછીશ. મને તારાં પૈસાની લાલચ જરાય પસંદ નથી. આપણી પાસે કરોડોની સંપત્તિ છે, છતાં તારો લોભ મટતો નથી. . તારાં પપ્પા એ જીવ્યા ત્યાં સુધી ફક્ત પૈસા માટે જ દોડ કરી. ક્યારેય એણે મને કે તને સમય નથી આપ્યો. અને એમના મોત પછી એક અઠવાડિયા પછી ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે. . બેટા તું લગ્ન કરીને ખુશ થઈ ને જીવન જીવ. આ લાલચ છોડી દે.
અશોક : મમ્મી આ છેલ્લીવાર છે. . પપ્પા મને ન કહી શક્યા પણ મને બધી ખબર પડી ગઈ છે. આપણે ખુબ પૈસાદાર પરિવારના વંશજો છીએ. અને એ બધુ આપણું જ છે..એક વખત એ વસિયતનામું મારા હાથમાં આવી જાય.. પછી મારી સાત પેઢી એ.સી માં બેસી ડ્રાયફ્રૂટ ખાશે.
એટલું કહેતાં કહેતાં એ ઘરની બહાર નીકળી ગયો.
અશોક એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. અને પરિવારમાં ફક્ત મા અને દીકરો બે બચ્યાં હતાં. આગળ ભૂતકાળમાં શું હતું એ કોઈ જાણતું નથી અને હવે ભવિષ્યમાં થનાર છે એ પણ કોઈ ક્યાં જાણી શક્યું છે.
અશોક શાતિર મગજની સાથે સાથે ઝનૂની પણ હતો.. એનાં લોકો સાથે સારા સંબંધો નહોતા. કેમકે એ ફક્ત પૈસાને જ પાવર સમજતો, સંબંધ એનાં માટે ફક્ત ઔપચારિકતા સિવાય બીજું કશું ન હતું. એનું મગજ ઝડપથી વિચારવા લાગ્યું. ફોન સ્વીચ ઓફ કરી ને ઘરમાં જ મૂકી દીધો હતો જેના કારણે કોઈ એનાં સગડ મેળવી ન શકે. પોતાની મંજીલ સુધી પહોંચવા માટે એણે અલગ અલગ વાહનોનો ઉપયોગ કર્યો..અને એ જગ્યાથી ૫ કિમી દૂરથી ચાલતા ચાલતા એક વિશાળ છતાં જૂનવાણી મકાન પાસે પહોંચ્યો. એ કોઈ હવેલી ન હતી પણ હવેલીથી કમ પણ ન હતું. જેવો એ દરવાજો ખોલવા આગળ વધ્યો એક ઘરડા વ્યક્તિ એ દરવાજો ખોલ્યો અને અશોકને અંદર બોલાવ્યો.
અંદરથી મકાન એકદમ સાફ, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ..એક સિત્તેરેક વર્ષની ઉંમરના વ્યક્તિ વ્હીલચેરમાં બેઠા હતા. એમણે અશોકને બેસવા કહ્યું.
અશોક : તમે મારાં પપ્પાનાં સગાં મોટા ભાઈ.. છતાં આટલાં વર્ષો સુધી તમે કેમ ક્યારેય મળવા ન આવ્યા..શા માટે અમારાથી દૂર રહ્યા.. તમને અમારી જરા પણ ચિંતા ન થઈ. પપ્પા ના ગયા પછી હું અને મમ્મી સાવ એકલાં પડી ગયા હતા અશોક મગરમચ્છના આંસુ સારતો બોલ્યો.
ત્રિકમસેઠ : બેટા હું અકસ્માતમાં કોમામાં સરી પડ્યો હતો..થોડાં દિવસો પહેલાં ભાનમાં આવ્યો.. ત્યારે ખબર પડી કે આ દુનિયામાં ફક્ત હું જ બચ્યો છું, બધા મને છોડીને ચાલ્યા ગયા..પણ પછી મનની તારા અને તારી મમ્મી વિશે ખબર પડી ને મે તેને અહીં બોલાવી લીધો. હવે કદાચ મોત આવે તો પણ અફસોસ નહીં રહે કે મારી ચિતાને અગ્નિ આપનારું કોઈ ન હતું.
અશોક : મોટા પપ્પા એવું ન બોલો. અમે તમારી સાથે જ છીએ. હવે બધા સાથે રહીશું
.. હું તમને અહીં એકલા નહીં રહેવા દઉં.. આપણે કાલે મારાં ઘરે.. આપણાં ઘરે જશું.
સાંજ પડી ગઈ હતી. એટલે નોકરે જમવાનું તૈયાર કરી આપ્યું..એ ગામમાં દૂર રહેતો એટલે રાત પડે એ પહેલા નીકળી જતો.. સવારે વહેલા આવી જતો. નોકર એનું કામ પતાવી ઘરે જવા નીકળી ગયો.. હવે ઘરમાં બે જણા હતા અશોક અને એના મોટા પપ્પા. અશોકે જમવાનું પતાવી.. થાકનું બહાનું કાઢીને જલ્દી સૂવા માટે રૂમમાં જતો રહ્યો.
રાત્રે ૨:૩૦ વાગ્યે અશોકની નીંદર ઊડી અને એ પોતાના પ્લાન મુજબ મોટા પપ્પાનું કાસળ કાઢવા માટે એમનાં રૂમ તરફ ગયો. ધીરેથી રૂમનો દરવાજો ખોલ્યો.. દરવાજો ખોલતાં જ એના મોંમાંથી હૈયું બહાર આવી જાય એવું દ્રશ્ય જોયું. અશોકના મોટા પપ્પા એક લાશનું માંસ ખાતા હતા. ચારે તરફ લોહી અને માંસની દુર્ગંધથી કંપારી છૂટતી હતી..જે ઘર દિવસે સાફ અને વ્યવસ્થિત હતું એ ખંડેર જેનું લાગતું હતું.. વ્હીલચેરમાં બેઠેલા ત્રીકમસેઠ લાશને નોચી નોચીને ખાતા હતા.
અશોકની બધી હોંશિયારી અને પ્લાનિંગ એની સાથે જ દરવાજામાં જડાઈ ગઈ..એ ત્યાંથી ભાગવા ઈચ્છતો હતો પણ એના પગ જાણે જમીનમાં ખૂંપી ગયા હતા. ત્રીકમસેઠ હવામાં તરતા એક પળમાં અશોક પાસે આવી ગયા..અને એને પોતાની લાલ અને લોહીયાળ આંખથી જોવા લાગ્યા.
દુર્ગંધ અને બીકને માર્યો અશોક બેભાન થઈ ગયો. કેટલા કલાકો સુધી એ સૂતો હતો એ એને ભાન ન હતું.. સવારે ઊઠ્યો..બધુ એકદમ નોર્મલ હતું..નોકર આવીને ચા નાસ્તો આપી ગયો. અશોક હજી સમજી ન શક્યો કે એણે એવું સપનું જોયું હતું કે હકીકતમાં એ બધુ એણે જોયું હતું. બારીની બહાર જોયું તો વરસાદ ચાલુ હતો. એણે ફ્રેશ થઈ નાસ્તો કર્યો અને મોટા પપ્પા પાસે ગયો..રાતવાળી વાત ન કરી. વરસાદને કારણે એ ઘરે જઈ શકે એમ ન હતો અને નોકર હાજર હતો એટલે કશું કરી શકે એમ પણ ન હતો.
ફરીથી રાત થઈ અને જમીને એ રૂમમાં ગયો. પણ સૂતો નહીં. વરસાદને લીધે વાતાવરણ પહેલાંથી જ અંધકારમય હતું એટલે એણે વધુ રાત થવાની રાહ ન જોઈ..જેવો એ ત્રીકમસેઠનાં રૂમમાં ગયો..ફરી એ જ ભયાનક દ્રશ્ય. પણ આજે એ થોડો સ્વસ્થ રહ્યો..આને પોતાના હાથમાં રહેલી ચાકુથી જેવો એ ત્રીકમસેઠ પર હુમલો કર્યો કે ત્રીકમસેઠ હવામાં તરવા લાગ્યાં.. જોરથી હસવા લાગ્યા. અને બોલ્યા. તું પણ તારા બાપ જેવો લાલચી માણસ નીકળ્યો. એણે સંબંધના નામે દગો કર્યો અને તું એનાં કરતાં પણ વધુ લાલચી નીકળ્યો. પૈસા અને પ્રોપર્ટી માટે તું કંઈ વિચાર્યા વિના અહીં આવી ગયો અને હવે તું અહીં જ રહીશ.
૧૩ વર્ષ પહેલાં તારાં બાપે મારી પાસે ધરારથી વસીયત પર સહી કરાવી અને મને ઝેર આપી ચાલ્યો ગયો. પણ.. મને ખબર છે એનું રસ્તામાં એક્સીડન્ટ થયું અને તે મરી ગયો..પણ મારી આત્મા આ વસિયતનામું સહી કર્યા પછી એનાં વારસદારને સોંપવા માટે ભટકે છે. આજથી આ વસિયતનામું તારું. ..એક જોરદાર ઘા અને અશોકનું માથું ધડથી અલગ. ત્રીકમસેઠ હવે વસિયતથી મુક્ત હતાં કેમકે હવે વસિયતનામાનો સાચો વારસ આવી ગયો હતો.
અશોકના પિતાએ જબરજસ્તીથી એ વસિયત પર ત્રીકમસેઠની સહી કરાવી હતી. જેમાં એનાં વારસદાર તરીકે અશોકનું નામ લખાવ્યું હતું. પરંતુ અશોકના પિતા બળવંત એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા અને ત્યારથી ત્રીકમસેઠની આત્મા એનાં સાચાં વારસને વારસો સોંપવા ભટકતી હતી. બળવંતનાં જૂના મિત્ર પાસેથી અશોકને પોતાના મોટા પપ્પા અને જમીનની વાત ખબર પડી છે વાત એની મમ્મીએ આટલાં વર્ષો સુધી છુપાવી હતી. આખરે ત્રીકમસેઠની વર્ષોથી ભટકતી આત્માને શાંતિ મળી.
અશોકની આત્મા એ વસિયતનામું લઈને એ ખંડેર જેવા ઘરમાં દિવસ રાત મુક્તિ માટે રડે છે. પણ વસિયતનો નવો વારસદાર કોઈ નથી.