વંશ
વંશ
ચીમનલાલ નાનાલાલ ઝવેરીની પેઢી સતત ત્રીજા દિવસે પણ બંધ રહી.
પાંખીના દિવસોમાં પણ બંધ ન રાખનાર વ્યક્તિની પેઢી ત્રણ દિવસથી બંધ હતી. રોજનો લાખોનો કારોબાર કરનાર ચીમનલાલ બજારમાં દેખાતા ન હતા. ઝવેરી બજારમાં ચીમનલાલનું નામ ઊછળી રહ્યું હતું. વરસાદી સીઝનમાં ભજિયા સાથે ચીમનલાલ ચવાતાં હતા. બજારના ખણખોદિયા કામે લાગી ગયા હતા. આ વાતનું બધાને આશ્ચર્ય હતું. કેટલાકે તો વળી પોતાની રીતે વાતો જોડી કાઢી હતી. કોઇ કહેતું ધંધામાં ભારે ખોટ ગઇ છે. તો વળી કોઇ કહેતું ઇન્કમટેક્સની રેટ પડી છે એટલે અંદરખાને દબાવવા માટે પેઢી બંધ છે. કોઇ કહેતું ધંધા માટે રાજસ્થાન ગયા હશે. પણ સાચી વાતની કોઇને ખબર ન હતી. જેટલાં મોઢાં એટલી વાતો વહેતી હતી. અને કેમ ન વહે. ચીમનલાલ ઝવેરીની પેઢીનું ઝવેરી બજારમાં નામ હતું. વર્ષોથી જમાવેલી શાખ અને અઢળક રૂપિયા હતા. ઝવેરી બજારમાં કેટલાય વેપારી આવ્યા અને ગયા. નફા-નુકશાન વેઠ્યા. પણ ચીમનલાલ ઝવેરીની પેઢી અડીખમ ઊભી હતી. એની શાખ વડની પેઠે ફેલાતી ગઇ. એનો બધો શ્રેય ચીમનલાલને આપવો પડે. કારીગરી કામથી શરુ કરીને અત્યારે મોટી પેઢી સંભાળી રહ્યા હતા. બધું એકલા હાથે કર્યું. જવાનીમાં એમ હતું કે અત્યારે ઢસરડાં કરી લઇએ પછી દીકરા સુખ ભોગવશે. પરંતું ભગવાને ચીમનલાલને એ વાતે પણ વંચિત રાખ્યા. ચીમનલાલના પત્ની ભાનુમતીનો ખોળો ખાલી જ રહ્યો. ચીમનલાલને આ વાતનું બહુ દુખ થયું. ડોક્ટરના ઘર ભર્યા, ભૂવા-ભોપા ધુણાવ્યા. પણ કશો ફરક ન પડ્યો. અંતે ચીમનલાલ હારી ગયા. જેવી ધણીની મરજી એમ માનીને સ્વીકારી લીધું. બન્ને થોડો સમય નિરાશ રહ્યા. બધી બાજુનો વિચાર કરી જોયો. પરંતું કશું થઇ શકે એમ ન હતું. મન કઠણ કરી લીધું. એમની પત્ની પહેલેથી આસ્થાવાન. એમણે ભક્તિમાં ધ્યાન પરોવ્યું. ચીમનલાલ ધંધામાં પડી ગયા. દિવસ-રાત સોના-ચાંદીની ચમકમાં ઘેરાયેલા રહેતા એટલે નબળો વિચાર ન આવતો. પરંતું રાત પડતાં જ એમને સાપની ફેણની જેમ પેલો વિચાર ડરાવતો. દૂર હડસેલવાનો પ્રયત્ન કરતાં પણ કેમેય એ વિચાર કેડો ન મૂકતો. આખો દિવસ પેઢીએ મહેનત કર્યા બાદ રાતે સંતોષના બદલે પેલો વિચાર ફોલી ખાવા દોડી આવતો. વળીવળીને થતું કે પોતાના ગયા પછી આ બધી મિલકત અને જમાવેલી શાખનું શું ? ચીમનલાલ મહિનાઓ સુધી ઊંઘી ન શક્યા. ધંધામાં ધ્યાન ચોંટતું ન હતું. ચોપ્પનમા મણકાની પેઠે ફરીફરીને મન ત્યાં જઇ પહોંચતું.
આ બધા વચ્ચે એ દિવાળી પછીના દિવસોમાં રાજસ્થાન ચાલ્યા ગયા. લાભપાંચમ સુધી બજારો બંધ રહેતી એટલે ત્રણ-ચાર દિવસ રોકાયા. હવા બદલાના કારણે શરીર અને મનને સારું લાગતું હતું. પેલા પજવતા વિચારોથી રાહત મળી. શરીરમાં તાજગી ફરી વળી. લાભપાંચમના જ્યારે પાછા વળ્યા ત્યારે ચીમનલાલ જાણે ફરી અઢારના બની ગયા હોય એમ શરીરમાં જોશ સમાતો ન હતો. ચાલમાં ઉત્સાહ વર્તાતો હતો. રાજસ્થાનથી કોઇ ભેદી જડીબૂટી મેળવી લીધી હોય એમ ખુશ-ખુશાલ થઇ ગયા. પછી તો એ જડીબુટ્ટીનું સેવન શરીરને માફક આવી ગયું. વાર-તહેવારે રાજસ્થાન જતા. જીવનમાં આવી ચૂકેલી નિરાશા ક્યાંય દૂર ચાલી ગઇ. ફરી પૂરજોશથી ધંધામાં લાગી ગયા.
ધંધો ફેલાતો ગયો. વરસો સુધી ધંધો કર્યા પછી એમને લાગ્યું હવે એકલા બધું નહિ સંભાળી શકાય. કારીગરો અને બીજા આડા-અવળા કામો કરે એવા કેટલાક માણસો રાખેલા હતા. પરંતું ધંધાની જવાબદારી સંભાળે અને વિશ્વાસ મૂકી શકાય એવી કોઇ વ્યક્તિ ન હતી. ચીમનલાલે ઘણાને તપાસ્યા પણ કોઇ પાણીદાર ન નીકળ્યા. બીજા પર વિશ્વાસ મૂકતાં મન માનતું ન હતું. ધંધો એટલો વધી ગયો હતો કે ચીમનલાલથી એકલે હાથે સંભાળી શકાતું નહિ. શરીર પણ જવાબ દેવા લાગ્યું હતું. એવામાં એમને ફરી રાજસ્થાન યાદ આવ્યું. વરસો પહેલા વાવેલું લણવા જવું હોય એમ ચીમનલાલ ઉત્સાહમાં આવી ગયા.
એમની પેઢીમાં નવી વ્યક્તિનું આગમન થયું. બધા એને બિહારી કહીને બોલાવતાં. નામ શું હતું એ કોઇને ખબર ન હતી. ખુદ ચીમનલાલ પણ એજ નામે બોલાવતા એટલે બિહારી નામ પડી ગયું હતું. બિહારી આમ તો સીધોસાદો છોકરો હતો. એની ઉંમર વીસ-બાવીસની માંડ હતી. શરૂઆતમાં તો ધંધામાં ખાસ ખબર ન પડતી. સામાન્ય કામોમાં પણ ભૂલો કરતો. પરંતું ચીમનલાલ ગુસ્સો કરવાના બદલે ઘ્યાનથી સમજાવતાં. ત્યારે બીજા નોકરો અને કારીગરોને અચરજ લાગતું. કેમ કે ચીમનલાલ કોઇની જરાસરખી ભૂલ પણ ચલાવી ન લેતા. બિહારી પર ચીમનલાલને વિશ્વાસ હતો. અને એજ વિશ્વાસના પ્રતાપે બિહારી ટૂંકાગાળામાં ધંધામાં કુશળ થઇ ગયો. નાના-મોટા વહીવટો કરવા લાગ્યો. ચીમનલાલ ક્યાંય ગયા હોય તો પેઢી સંભાળી લેતો. ચીમનલાલને એના પર ભરોસો હતો. ચીમનલાલને હળવાશ લાગવા લાગી હતી. ધંધાની જવાબદારી ઓછી થઇ હોય એવું લાગતું હતું. એ વિનાસંકોચે બિહારીને ધંધાની અંગત વાતો-વ્યહવારો કહેતા. પોતે કેળવેલી કુનેહ અને ચીવટ શીખવતાં. થોડા સમયમાં બિહારી પેઢીની મુખ્ય વ્યક્તિ તરીકે ગણાવા લાગ્યો. ચીમનલાલે એને અમુક-તમુક નિર્ણયો લેવાની છૂટ આપી દીધી હતી. ચીમનલાલની બાજુમાં ખુરશી પર વિનાસંકોચે બેસતો. એટલે કે ચીમનલાલે જ એ જગ્યા કરી આપી હતી.
બિહારીને આ રીતે ચીમનલાલની અડોઅડ બેઠેલો જોતા ઝવેરીબજારમાં કેટલાયના મોઢાં કાળાં પડી ગયા હતા. ઘણાને આ વાત સમજાતી ન હતી. ચીમનલાલ ધંધા બાબતે કોઇનો વિશ્વાસ ન કરતા. બધો વહીવટ પોતાના હાથમાં રાખતા. અચાનક બિહારીને આટલી છૂટ કઇ રીતે આપી દીધી. કોઇ કહેતું એમના નજીકના સબંધીનો છોકરો છે. ધંધો શીખવા માટે આવ્યો છે. પરંતું હકીકત શું છે એ તો ચીમનલાલ જ જાણતાં હતા.
બજારના જૂના વેપારી એવા કલ્યાણજીબાપાને આ વાત કેમેય ગળે ઉતરતી ન હતી. નાનપણમાં એ અને ચીમનલાલ સાથે કામ કરતાં. પછી બન્ને પોતપોતાની રીતે આગળ વધ્યા. કલ્યાણજીબાપાએ પણ પેઢી શરૂ કરી. પોતે ચલાવી. થાક્યા એટલે છોકરાઓને સોંપી નિવૃત્ત થઇ ગયા.એ ચીમનલાલના સ્વભાવને સારી રીતે જાણતા હતા. એ મનોમન કડીઓ મેળવવા મથતા હતા. બજારના અમૂક અકરમી વેપારીઓએ બિહારીને પણ બાનમાં લઇને આ બાબતની ઊંડી તપાસ કરી લીધી પણ ખાસ કાંઇ હાથે ન લાગ્યું. બિહારી ચીમનલાલથી પણ એક પગલું આગળ નીકળ્યો. કોઇને પેટ ન દેતો. કામ સિવાય ક્યાંય એક મિનિટ પણ ઊભો ન રહેતો. એ જોઇને ઇર્ષ્યાળુઓ મજાકમાં કહેતાં. - ચીમનલાલે બિહારીને બધે સરખો હાથ ફેરવ્યો લાગે છે. મારો બેટો બેઠી કોપી છે.
મિલકત અને પેઢીની જેટલી ચિંતા ચીમનલાલને ન હતી. એથી ત્રણગણી ઝવેરીબજારના બીજા વેપારીઓને હતી. કેટલાય ચીમનલાલના ટપકવાની કાગાડોળે રાહ જોઇ રહ્યા હતા. બધા જાણતા હતા કે ચીમનલાલને વારસ નથી. એટલે ચીમનલાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભલે બજાર પર રાજ કરે પછી બધું વીંખાઇ જવાનું છે, એ વાત નક્કી હતી. સામે છેડે ચીમનલાલના ચહેરા પર આ વાતનો અણસાર સુધ્ધા ન હતો. એમના ચહેરા પર હંમેશ જેવી જ રોનક છવાયેલી રહેતી. આ જ વાત બજારના વેપારીઓને ડરાવતી હતી.
સતત ચોથા દિવસે પણ પેઢી બંધ રહી. ઝવેરી બજારનું વાતાવરણ બદલાઇ ગયું હતું. એમાં વળી કોઇ ખણખોદિયો જાણી લાવ્યો કે ચીમનલાલની તબિયત લથળી છે એટલે પેઢી બંધ છે. આ સાંભળીને કેટલાયના હૈયે ટાઢક વળી. ધંધામાં સતત આડે આવતો કાંટો દૂર થવાનો હોય એમ વેપારીઓ રાજી થઇ ગયા. આમ તો ચીમનલાલ ઉંમરલાયક હતા. આખી જિંદગી કામ કરીને હવે થાક્યા હતા. એમની તબિયત ગંભીર હશે, એટલે જ પેઢી બંધ છે. કેમ કે સામાન્ય બાબતને ચીમનલાલ ગણકારતા નહિ.
કલ્યાણજીબાપાને વાત સમજાતી ન હતી. જ્યારથી સાંભળ્યું છે કે ચીમનલાલની પેઢી બંધ છે ત્યારથી એમને ચેન પડતું ન હતું. એવામાં વળી એ સાંભળ્યું કે એમની તબિયત બગડી છે ત્યારથી જીવ તળેઉપર થતો હતો. આ આખો મામલો ગળે બેસતો ન હતો. સાંજે ઝવેરી બજારના મોટા વેપારીઓ એમની પેઢી પર આ વાતને લઇને ચર્ચા કરતા હતા. કલ્યાણજીબાપા સાંભળતા હતા. એમને કશીક બીજી જ ગંધ આવતી હતી.
- હું તો કહું છું. એમના ધંધા આપણે સૌએ સંપીને વહેંચી લેવા જોઇએ. વેપાર બાબતે આપણા સબંધોમાં ખટાશ આવે તે સારું નહિ. કોઇએ પોતાની સમજૂતી મૂકી.
કલ્યાણજીબાપા ઘડીક ગમ ખાઇ ગયા. ચીમનલાલ હજી જીવે છે અને આ લોકો....
- તું ક્યાં અત્યારથી ભાગ પાડવા બેસી ગયો. ચીમનલાલ હજી જીવે છે.
- જીવે છે પણ ઝાઝું નહિં. આજકાલના મહેમાન છે. એ વાત પાક્કી. અને એમના ગયા પછી એમની પેઢી કોણ સંભાળશે.
બધા વેપારીઓ પોતપોતાની વાતો કરતા હતા. એવામાં કલ્યાણજીબાપાને જે વાતનો ડર હતો એ જ થયું. કોઇનો સેલફોન રણક્યો. ઘડીક તો બધા ગમ ખાઇ ગયા. થોડીવાર પહેલા થતી વાતો પર અફસોસ કરવા લાગ્યા. ઝવેરીબજારનો મોટા વેપારી ચીમનલાલ રજા લઇ ગયા છે એ વાતનું બધાને દુ:ખ થયું. બીજા દિવસે ઝવેરીબજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો. કલ્યાણજીબાપાની આંખો ભીની થઇ ગઇ. એમની સાથે નાનાથી મોટો થનારો આજે નથી એ વાતનું દુ:ખ થતું હતું.
- કલ્યાણજીબાપા, તમે અને ચીમનકાકા નાનપણમાં સાથે કામ કરતાં નહિં ? કોઇએ કલ્યાણજીબાપાને કહ્યું. અચાનક જ એમનું માથું ફરવા લાગ્યું. ગુસ્સાથી મગજ ફાટવા લાગ્યું.
- તમે બધા અહિં ચીમનના નામના છાજિયા લેવા ભેગા થયા છો ને...? એની લીટી ટૂંકી કરવાની વાત કરો છો ને..? શું લાગે છે તમને, આટલી મોટી આસામીનો માલિક ચાલ્યો ગયો એટલે પુરું...? ચીમનલાલ ઝવેરીની પેઢી બંધ થઇ જાશે. તો હજી તમે બધા ખાંડ ખાઓ છો. ખાલી ધોળા લુગડા પે’રીને ફરો છો એટલું જ. કલ્યાણજીબાપાની આંખના ડોળા તગતગવા લાગ્યા. મનમાં ઊંડે ક્યાંક રાજીપો થતો હતો.
- ફોડ પાડીને ક્યો ને કાકા ? શું વાત છે ? કોઇ જુવાન વેપારી જરા ગરમ થઇ ગયો.
- હવે શેનો ફોડ પાડું. એની પેઢી એમને એમ ચાલું રે’શે. એની હયાતીમાં જેમ એના નામના સિક્કા પડતાં હતા એમ પછીયે પડશે. એ આંબા વાવીને ગ્યો છે. એ વારેવારે રાજસ્થાન કાંઇ અમસ્તો ન’તો જતો. ઇ પાક્કો વેપારી હતો. એણે કમાયેલી શાખ અને મિલકત બધું જેમનું તેમ રે’શે. અને તમે રે’શો હાથ ઘસતા.
કલ્યાણજીબાપા ઊભા થઇ ચાલવા લાગ્યા.
- કાકા ગોળ-ગોળ કેમ કરો છો. સીધું ક્યો ને...
- બધી વાત સીધી ન કરવાની હોય. સમય આવશે એટલે તમને બધું સમજાઇ જાશે. આટલું બોલી કલ્યાણજીબાપા દુકાનનું પગથિયું ઉતરી ગયા.
પાછળ બધાના ચહેરા પર સોપો પડી ગયો હતો.
એ પછી લાગલગાટ તેર દિવસ ચીમનલાલની પેઢી બંધ રહી. એ તેર દિવસ કોઇને સરખું ખાવાનું ન ભાવ્યું. ચૌદમે દિવસે ચીમનલાલની પેઢી ખુલ્લી ત્યારે ઝવેરીબજારના બધા વેપારી મોઢામાં આંગળા નાખી ગયા. પેઢીનો બોર્ડ તો એજ હતો. ‘ચીમનલાલ નાનાલાલ ઝવેરી’ પરંતું નીચે પ્રોવાઇડર તરીકે ‘બિહારી ચીમનલાલ ઝવેરી’ લાગી ગયું હતું. ચીમનલાલની જગ્યાએ એમનો વારસ બિહારી બેઠો હતો.
કલ્યાણજીબાપા મનોમન રાજી થતા હતા.
