વિખેરાયેલો માળો
વિખેરાયેલો માળો
કૌશલનો વિચાર આવતાં ઘરમાં છવાયેલા વિષાદના વાતાવરણ વચ્ચે પણ સુહાનાના ચહેરા પર આછું સ્મિત આવી બેઠું. એણે બારી બહાર જોયું. શિયાળાનો માંદલો તડકો ગુલમહોરના વૃક્ષ પર પથરાયેલો હતો. એણે ઊંડો શ્વાસ લીધો. આંગણામાં ખીલેલા ગુલાબના ફૂલની સુગંધ એને ઘેરી વળી. કૌશલનો ચહેરો યાદ આવી ગયો. એ ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો બિલકૂલ ફૂલ જેવો જ લાગતો હતો. જ્યારે એણે હોઠ ચૂમ્યા ત્યારે તો...
સુહાના મનોમન શરમાઇ ગઇ. કૌશલનો હેતાળ ચહેરો આંખ સામે આવ્યો. એ જ્યારે પણ કૌશલને જોતી ત્યારે અંદરથી ફણગાની જેમ કશુંક બહાર આવવા મથતું. પણ જાણે અજાણે એના ઈશારાની રાહ જોવાતી હતી. એની સાથે કોલેજના ત્રણ વરસો ક્યારે નીકળી ગયા એની ખબર જ ન રહી. છેલ્લા વરસમાં તો બન્ને સાથે જ ફરતાં. કોલેજમાં બધા એવું માનતાં હતા કે બન્ને લગ્ન કરવાના છે. સુહાના રીતસરની હવામાં ઉડતી હતી. એનો મોટા ભાગનો સમય કૌશલ સાથે વીતતો. એ દરેક ક્ષણોને યાદગાર બનાવી લેવા માંગતી હતી. બન્ને ખૂબ રખડતાં. કોલેજ, કેન્ટીન, ફૂટબોલ ગ્રાઉન્ડ, લાયબ્રેરી, પીકનીક. દરેક સ્થળોએ બન્નેના પગલાં સાથે પડતાં અને એકબીજાના સહવાસમાં સમય પણ જાણે ધીમે વહી રહ્યો એવું લાગતું.
એ દિવસોમાં ઘરમાં પણ આનંદનું વાતાવરણ હતું. નવું ઘર બનીને તૈયાર થઇ ગયું હતું. સામાન ટ્રાન્સફર થઇ રહ્યો હતો. નિહાર વધુ ઉત્સાહમાં હતો. કારણ કે એણે દરેક વસ્તુ ધ્યાનથી ખરીદી હતી. ઘરનો નકશો બનાવવામાં એનો ફ્રેન્ડ નિહારની ડિમાન્ડથી કંટાળી ગયો હતો. ચાર ડ્રાફ્ટ બનાવ્યા બાદ ફાઇનલ થયો હતો. એ ઘરની બાબતમાં જરાય ચલાવી લેવા માંગતો ન હતો. એને પરફેક્ટ ઘર બનાવવું હતું.
અરુણભાઇની બેંકની નોકરી પૂરી થયા બાદ એમને સારું એવું પી.એફ મળ્યું હતું. એમાંથી પોતાનો નાનકડો પરિવાર રહી શકે એવું ઘર બનાવવાનું સપનું હતું. આખી જિંદગી સરકારી ક્વાટરમાં ગાળ્યા બાદ એમનું ઘર બનાવવાનું સપનું સાકાર થઇ રહ્યું હતું. સુજાતાબહેને પોતાના દીકરા નિહારને કહીને ખાસ પૂજાનો રૂમ બનાવડાવ્યો હતો. નિહાર આખો દિવસ નવા ઘરની તૈયારી અને ભાગદોડમાં વ્યસ્ત રહેતો. એણે અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. ફોરેન જોબ માટે એપ્લાય કર્યું હતું. અરુણભાઇ અને સુજાતાબહેન નિવૃતિને પ્રવૃતિમાં પરિવર્તીત કરતાં હતા. સુહાના પોતાના જીવનનો શ્રેષ્ટ સમય જીવી રહી હતી. અરુણભાઇ અને સુજાતાબહેનને સુહાનાના કૌશલ સાથેના સબંધ વિશે ખબર હતી. કૌશલ ઘરે આવી ચૂક્યો હતો. અરુણભાઇને એનો સરળ સ્વભાવ બહુ ગમ્યો હતો. એક્ઝામના આગલા દિવસે નોટ્સ માટે પહેલીવાર ઘરે આવ્યો હતો. ત્યારે એના ચહેરા પરની મૂંઝવણ સ્પષ્ટ કળી શકાતી હતી. એને જોઇને સુહાના અંદરથી રાતીપીળી થઇ ગઇ હતી. નિહારે સ્હેજ ટીખળ કરી હતી.
- સુહાની, આગળ વાત ચલાવવી છે ? મમ્મીને વાત કરું કે દીદી જીજાજી શોધી કાઢ્યા છે.
સુહાનાના ચહેરા પર શરમના શેરડા પડતાં હતા. નિહારને માંડ શાંત રખાવ્યો હતો. નિહાર આખો દિવસ દીદી-દીદી કરતો પાછળ ફર્યા કરતો. સુહાનાને બહુ ચીડવતો. ત્યારે એવી કલ્પના પણ ક્યાં હતી કે આટલો નિખાલસ અને ઘર માટે જાન રેડી દેતો નિહાર આવું કરશે ?
- સુહાના, મારે બહાર જવું છે.મૂકવા ચાલને દીકરી... અરુણભાઈનો આદ્ર સ્વર સંભળાયો.
સુહાના સફાળી બેઠી થઈ ગઈ.
- આવું પપ્પા. સુહાના અરુણભાઈનો હાથ પકડીને એમને બહાર લઈ આવી.
અરુણભાઈનો સ્વભાવ પહેલેથી ચીવટવાળો અને લાગણીશીલ હતો. દરેક સમસ્યાને પોતાની આગવી સૂઝથી ઉકેલતા. પરંતુ છેલ્લા બનાવે એમને અંદરથી તોડી નાખ્યા હતા. હવે એમની ઉંમર આઘાતો સહન કરવાની ન હતી. એક જોરદાર તોફાન અચાનક જ ત્રાટકયું. નવા ઘરની બધી રોનક ઊડી ગઈ. પાછળ વિષાદની સુક્કી હવા છોડી ગયું. મહેનત અને હુંફથી બનાવેલુ ઘર અંદરથી વિખેરાઈ ગયું હતું. સુજાતાબહેન બીલકૂલ તૂટી ગયા અને અરુણભાઈના ડાબા શરીરને લકવો લાગી ગયો. સુહાના અને સુજાતાબહેનની સાર-સંભાળ, હોસ્પિટલની ટ્રીટમેન્ટથી અરુણભાઈ બચી ગયા. એટલે કે એમના શરીરને બચાવી શકાયું. હવે ઘોડીના ટેકે થોડું ચાલી શકતા હતા.
દરેકે પોતાના સ્વપ્નો અને ઈચ્છાઓ નવા ઘર સાથે જોડાયા હતા. અરુણભાઈ હીંચકે બેસીને ઘરને જોવા માંગતા હતા. સુહાના કૌશલ સાથે કલ્પનામાં નવા ઘરને જોઈ રહી હતી. સુજાતાબહેન પોતાના પૌત્રને રમાડતાં હોય અને પુત્રવધુ ઘરની જવાબદારી સંભાળે એવું સ્વપ્ન સેવી રહયા હતા. પરંતુ આ બધામાંથી અચાનક જ નિહાર ખસી ગયો. જેણે મહેનતથી ઘર બંધાવ્યું. કેટકેટલો સામાન, ફર્નિચર, એન્ટિક વસ્તુઓ લઈ આવીને ઘરને સજાવ્યું હતું. હવે એના વિના આ બધું શું કામનું ? એણે કયા કારણે આવું કર્યું એ જ નથી સમજાતું.
આંગણામાં લોન પથરાયેલી હતી. ચારેબાજુ ફૂલછોડના કૂંડા મૂકેલા હતા. હવામાં એની સુગંધ ભળેલી હતી. સુજાતાબહેન ખુરશી પર બેઠા હતા. સુહાનાના હાથના ટેકે ચાલીને અરુણભાઈ ત્યાં પહોંચ્યા.
સુજાતાબહેનની નજર આકાશ તરફ હતી. સુહાનાને આવતાં જોઈ એમણે સ્વસ્થતા કેળવી.
અરુણભાઈ ખુરશી પર બેઠા. સુહાનાને ઊભેલી જોઈને સુજાતાબહેન બોલ્યા.
- બેસને સુહાના, ઊભી કેમ છો?
સુહાનાને અંદર જઈ એકલા પડવું હતું. પરંતું એ માના આગ્રહને ટાળી ન શકી.
ત્રણેય વચ્ચે છવાયેલી ચૂપકીદી ઘટ થતી જતી હતી. ચશ્માના કાચ પાછળ સુજાતાબહેનની ભીંજાયેલી આંખો તગતગતી હતી. અરુણભાઈ ધ્રુજતી નજરે એ જોઈ રહયા હતા. સુહાના કૌશલ વિશે વિચારવા માંગતી હતી. પરંતું એની આંખ સામેનું દ્શ્ય બધું પીગળાવી દેવા પૂરતું હતું.
સુહાના ઘણીવાર ન જોઈ શકી. એ આડુ જોઈ ગઈ. એના મનમાં જાગેલો રોમાંચ ઊડી ગયો. ગુલમહોરના ઝાડ પર પંખીનું ટોળું આવીને બેઠું. ત્રણેયનું ધ્યાન તેના કલબલાટ તરફ મંડાયું.
સુજાતાબહેનની આંખમાંથી આંસુ સરી પડ્યા. એમણે મોઢા પર હાથ રાખી દીધો. સુહાનાને લાગ્યું એને કશુંક બોલવું જોઇએ. એની નજર લોનની ફરતે ગોઠવેલ ફૂલોના કૂંડા અને કયારાઓ પર પડી.
- મમ્મી, બગીચામાં કેટલો કચરો થઈ ગયો છે નહિ ?
સુહાનાના વાકયથી સુજાતાબહેન વધુ પીગળવા લાગ્યા. ગળે બાઝેલા ડૂમાને અટકાવીને એ બોલ્યા.
- હા બેટા, નિહાર આ બધું કરતો. હવે કોણ સાફ કરે ?
સુહાના નિરાશ આંખે માને જોઈ રહી. એના હોઠ ભીડાઇ ગયા.
- રવિવારે આપણે મળીને આખા બગીચાને સાફ કરશું. કૂંડામાંથી કચરો સાફ કરશું. એકવાર કરમાઇ ગયેલા છોડ હંમેશા એવા નથી રહેતા. ધ્યાન આપશું તો ફરી પહેલા જેવા જ મઘમઘી ઊઠશે.
સુજાતાબહેન કશું ન બોલ્યા. એમની આંખોમાં ખાલીપો છવાયેલો હતો. એ ગુલમહોરના વૃક્ષમાં ભરાઈને કલશોર કરતા પંખીના ટોળાંને જોઈ રહ્યા હતા. થોડીવારે પંખીનું ટોળું ઊડી ગયું. એ ક્યાંય સુધી આકાશમાં શોધતા રહયા. સુહાના એમને જોઈ રહી. એણે પ્રયત્નપૂર્વક પોતાની જાતને સંભાળી લીધી. એને લાગ્યું જો વધુવાર અહીં રહી તો રડી પડાશે.
- હું અંદર જાઉં છું.
સુહાના માંડ આટલું બોલી શકી. રૂમમાં આવીને સીધી સોફા પર ફસડાઈ પડી. બહાર રોકી રાખેલા આંસુ વહી આવ્યા. એના ડૂસકાથી શિયાળુ સાંજ વધુ ઉદાસ લાગતી હતી.
રૂમમાં સાંજનો આછો અજવાશ પથરાયેલો હતો. થોડીવારે સુહાના ઊભી થઈને બારી પાસે આવી. પડદા ખસેડયા. ગુલાબી ઠંડીની લહેરખી એને વીંટળાઇ વળી. આંસુથી ખરડાયેલા ગાલ પર થરકાટ આવ્યો. સુહાનાને શિયાળો વધારે ગમતો. શિયાળું પવનમાં એ હંમેશા કૌશલને પોતાની પાસે ઝંખતી. કોલેજ દરમ્યાન છેલ્લા વરસમાં બન્નેએ સાથે નાટકમાં ભાગ લીધો હતો. એના રિહર્સલ માટે દરરોજ સાંજે કોલેજ જવાનું થતું. વળતી વખતે ખાલી કેમ્પસમાં બન્ને થોડીવાર બેસતા. ખૂબ વાતો કરતા. સાંજ ઢળી જતી પછી એકબીજાના હાથમાં હાથ પરોવી ચાલ્યાં જતાં.
પ્રચંડ ગતિથી આગળ વધતું સુખ અચાનક જ થંભી ગયું. બધું વિખેરાઈ ગયું. આકાંક્ષા અને સ્વપ્નો ધરાશાઈ થઈ ગયા. આવેલું તોફાન બધાને હચમચાવી ગયું. સુહાનાએ નિર્ણય કર્યો હતો કે કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ એ કૌશલને પોતાના મનની વાત કરશે. પરંતું એ વચ્ચે જ બધું બદલાઈ ગયું. કોલેજનો અભ્યાસ પૂરો થઈ ગયો. કૌશલ જોબ પર લાગી ગયો. મનમાં ફૂટેલા પ્રેમના અંકૂર કરમાવા લાગ્યા હતા. મમ્મી-પપ્પાની જવાબદારીમાં એનું અંગત સુખ ભૂલાઇ ગયું. અરુણભાઈના લકવાગ્રસ્ત શરીરની પાછળ બધો સમય વીતી જતો. એના માટે મમ્મી-પપ્પાની સાર-સંભાળથી વધુ મહત્વનું એકેય વાતનું ન હતું.
પંખી માળો છોડી આકાશમાં વિહરવા લાગ્યું અને પાછળ માળો તૂટી ગયો. પંખીનો માળો છોડ્યાનો આટલો આઘાત લાગશે એની સુહાનાને કલ્પના ન હતી. કારણ કે એ મા કે પિતા ન હતી,.
સુહાના લગભગ ભૂલી ચૂકી હતી કે એ કૌશલને પ્રેમ કરતી હતી. ક્યારેક કૌશલ પ્રત્યે ગુસ્સો આવતો. એ આટલું પણ ન સમજી શક્યો ? પરંતુ તરત જ બીજો વિચાર એ આવતો કે જો કૌશલ સમજી ગયો હોત તો પણ એની સાથે લગ્ન કરી શકાત ? આ વિચાર આગળ ન ચાલતો. જાણે બધું પુરું થઇ ગયું હોય એવું લાગતું હતું. એ મનોમન ધ્રુજી ઊઠતી. પપ્પાના ધ્રુજતા હાથ અને મમ્મીની ભીની આંખો યાદ આવતી શુષ્ક હવા એને ઘેરી વળતી.
બે દિવસ પહેલા અચાનક જ કૌશલ ઘરે આવ્યો હતો. સુહાના એને જોઇને વિમાસણમાં પડી ગયેલી. નીલ જામી ગયેલી કેનાલમાં ફરી પાણીનો પ્રવાહ ચાલુ થયો હોય એમ સુહાનાના ચહેરા પર રોનક આવી ગયેલી. મોડે સુધી બન્ને રૂમમાં બેઠા રહ્યા. ઘણી વાતો થઇ. કોલેજના દિવસોની યાદ તાજી થઇ. નિહાર વિશે સાંભળીને કૌશલને પણ નવાઇ લાગેલી. ઘરેથી જતી વખતે કૌશલે સુહાના માટે અસામાન્ય કહેવાય એવું વર્તન કર્યું. કૌશલે સુહાનાનો હાથ પકડીને એને બાહુપાશમાં લીધી. સુહાના અચંબાથી કૌશલની આંખોમાં જોઇ રહી. એના શ્વાસની ગતિ વધી ગઇ હતી.
- વીલ યુ મેરી મી સુહાના ? હું જાણું છું બહુ મોડું કહી રહ્યો છું. પરંતું તું અસ્વીકાર નહીં કર એટલી ખાતરી છે.
સુહાનાના ચહેરા પર શરમના શેરડા પડ્યા હતા. એ નીચું જોઇ ગયેલી. કૌશલે ધીમે રહીને એના લાલ ગાલ ચૂમ્યા. સુહાના અવળું જોઇ ગયેલી.
- તારા જવાબની રાહ જોઇશ. આટલું બોલી એ ચાલ્યો ગયેલો. પાછળ સુહાનાના મનમાં દરિયાનો ઘુઘવાટ સમાતો ન હતો. વરસો બાદ દરિયામાં ભરતી આવી હતી.
વારંવાર એજ વાત મનમાં ઘુમરાયા કરતી હતી. જેને અંદરખાને ચાહતી હતી, ઝંખતી હતી, એણે સામે ચાલીને લગ્નની વાત કરી. તેમ છતાં નિર્ણય લઇ શકાતો ન હતો.
કૌશલ સાથેના લગ્નજીવનનાં પ્રસંગોની કલ્પનાથી એ ખુશ થઇ ગઇ. કોલેજકાળ દરમ્યાન જે કલ્પતી એ અવસર સામે આવ્યો હતો. એને એ વિચાર પણ આવ્યો કે આટલા સમય બાદ કૌશલને મારી યાદ કેમ આવી ? પરંતુ સુહાના માટે એ વાતનું જરાય મહત્વ ન હતું. કારણ કે એ કૌશલને ચાહતી હતી. અંદર ઘરબાઇ ગયેલી લાગણી ફરી ઉછળવા લાગી. એણે નવેસરથી નિર્ણય વિશે વિચાર્યું. એને નવાઇ લાગી. આ વાતમાં નવેસરથી વિચારવાનું હતું જ ક્યાં ? કૌશલ પહેલેથી ગમતો હતો.
એણે સેલફોન હાથમાં લીધો. કૌશલનો નંબર ડાયલ કરતાં અંગૂઠો કંપવા લાગ્યો. એ ક્ષણેક અટકી. સેલફોનની મોટી સ્ક્રીનને જોઇ રહી. એને નિહાર યાદ આવ્યો. ફોરેનથી કોલ કરતી વખતે એ પણ ઘડીક અચકાયો હશે ને ? ઘરનો વિચારો નહીં આવ્યો હોય ? મમ્મી-પપ્પા, બહેન યાદ આવ્યા હશે ને ? હવે લાગે છે કે માળો બનાવી પોતે જ આકાશમાં ઊડી ગયો.
એ અવઢવમાં ઊભી હતી. શું કરવું એ સમજાતું ન હતું. પપ્પાને પૂછવાનો વિચાર આવ્યો. પરંતુ આ વાત જાણીને એમના પર શું વિતશે એ વિચારે મન અચકાતું હતું. એ ખિન્ન મને રૂમની વચ્ચોવચ્ચ ઊભી હતી. સંધ્યાનો ઝાંખો અજવાસ એની આસપાસ ફેલાયેલો હતો. થોડા વિચારને અંતે એ બહાર આવી. સુજાતાબહેનનો દબાયેલો અવાજ સાંભળીને એના પગ અટક્યા.
- નિહાર આવું કરી શકે એ માનવામાં નથી આવતું. એના મનમાં શું હતું એની છેક સુધી ખબર જ ન પડી.
સુહાના દીવાલની આડશે ઊભી રહી ગઇ.
- આ ઉંમરે મોહ ન રખાય સુજાતા. છોકરાઓને એમની જિંદગી જીવવાનો હક્ક છે. આપણાથી એમના સુખમાં બાધા ન નખાય. નિહાર એની રીતે જીવવા માંગે છે. અરુણભાઇ આટલું બોલતાં હાંફી ગયા.
- તમે ભલે સ્વીકારી લીધુ હોય. પણ હું એની મા છું. સુજાતાબહેનના આગળના શબ્દો આંસુમાં ભળી ગયા. અરુણભાઇની આંખમાં પણ ભીનાશ વળી આવી.
- હવે રડવાથી શું ફાયદો. મન મક્કમ રાખ. કાલે સુહાના પણ લગ્ન કરીને ચાલી જશે. પછી શું કરીશ ?
અરુણભાઇના શબ્દોથી જાણે અવકાશ સર્જાઇ ગયો. સુહાના પણ ઢીલી થઇ ગઇ.
- નિહારે આટલો મોટો નિર્ણય લેતા પહેલા એટલું પણ ન વિચાર્યું કે આપણું શું થશે. જોબ માટે વિદેશ ગયો એ પણ મને તો ન’તું ગમતું. તમારી ઇચ્છા હતી એટલે ના ન પાડી શકી. પરંતું ત્યાં જઇને બધું ભૂલી જવાનું ? માત્ર ફોન કરીને કહી દીધું કે મેં લગ્ન કરી લીધા છે અને ગ્રીનકાર્ડ પણ મળી ગયું છે. પાંચ વરસ નહીં આવી શકું. પછી તમને બધાને અહીં બોલાવી લઇશ. કેટલી સરળતાથી કહી દીધું. આને સ્વાર્થ નહીં તો બીજું શું ગણવું.
સુજાતાબહેનનો અવાજ તરડાઇને વીલાઇ ગયો.
- પોતાની ઇચ્છા પહેલેથી જણાવી દીધી હોત તો આટલો આઘાત ન લાગત. કેટલી હોંશથી ઘર બનાવ્યું. હવે આ ઘર ખાવા થાય છે. શા માટે જીવું છું એજ નથી સમજાતું. આના કરતા તો મરી જવું સારું.
- આવું ન બોલ. સુહાના સાંભળી જશે તો એને દુખ થશે. તું શા માટે ઢીલી થઇ ગઇ. સુહાના તો છે.
અરુણભાઇ આશ્વાસન આપીને પોતે જ વિચારમાં પડી ગયા.
સુહાનાની આંખના ખુણેથી આસું બહાર આવવા મથી રહ્યા હતા. એ ઝડપથી સેલફોનમાં મેસેજ ટાઇપ કરવા લાગી.
- કૌશલ, આપણે બન્ને સાથે આ ઘરમાં રહીએ. જેટલી તને મારી જરૂર છે, એટલી જ મારી જરૂર મારા મમ્મી-પપ્પાને છે.
થોડીવારે સેલફોનમાં મેસેજટોન રણકી. સુહાનાએ હળવાશથી મેસેજ ખોલ્યો. “સોરી...” લખ્યું હતું.
સુહાના સ્હેજ હસી પડી. દોડીને મમ્મી-પપ્પા પાસે ગઇ. સુજાતાબહેન આંખની ભીનાશ છુપાવી ન શક્યા. સુહાનાએ બન્નેને હાથ પકડી ઊભા કર્યા.
- ચાલો, લોનમાં ચાલીએ. કેટલી સરસ સાંજ છે.
- રહેવા દે બેટા, ચલાશે નહીં. પગમાં જોર નથી રહ્યું. અરુણભાઇ બેસવા જતા હતા.
- પપ્પા, હું છું ને... ચાલો...
