અધૂરું ચિત્ર
અધૂરું ચિત્ર
વૃંદા ઘરમાંથી બહાર આવી. આસો મહિનાનો તડકો શેરીમાં પથરાયેલો હતો. આકાશમાં લસરકા જેવી દેખાતી વાદળીઓ કેસરી રંગે રંગાઈ ગઈ હતી. થોડે દૂર આસોપાલવના ઝાડમાં ભરાયેલાં ચકલીનાં ટોળાનો કલબલાટ શેરીમાં ભરાવા લાગ્યો. ઓટલા પર મહિલામંડલ જામ્યું હતું. ખિખીયાટાના અવાજ આવતાં હતા. વૃંદાને એ જોઈને ચીડ ચડી. ત્યાંથી નજર ખેસવતાં હળવો શ્વાસ છૂટી ગયો. એમને રોજ શેની વાતો હોય. આટલા જોરજોરથી બીજાની વાતો પર કઈ રીતે હસી શકાતું હશે?
આશ્ચર્ય સાથે જન્મેલા વિચારનો જવાબ મળે એ પહેલાં વૃંદા સ્હેજ ધ્રુજી ગઈ. અંદર કશુંક શરૂ થઈ ગયું હોય એવું લાગ્યું. પોતાના જ વિચારે એ ઘેરાઈ ગઈ...
એણે આંગણામાં ચાલવાનું શરૂ કર્યું.
આંગણું ખાસ્સુ મોટું હતું. પ્લોટની વચ્ચે જૂના બાંધકામનું ઘર હતું. એની ફરતે ખાસ્સી જ્ગ્યા ખાલી હતી. બાઉન્ડ્રી વૉલની લાલ ઇંટો દેખાઈ ગઈ હતી. દરેક વરસાદ વખતે એમાંથી લાલ પાણી નીકળતું અને ઈંટ નબળી પડતી જતી. ઘરમાં ઘણી જગ્યાએ ભેજના કારણે ધાબા પડી ગયા હતાં. ક્યાંક પ્લાસ્ટરના પોપડાં લટકી રહયા હતાં. વૃંદામાં એને અડકવાની હિંમત ન હતી. કયાંક બધું ઉપર આવી પડે એ બીકે દૂર જ રહેતી. પરંતું એ કોઈ બીમારીની માફક વધતું જતું હતું. વૃંદા ઘરની એકબાજુ છતની બહાર લટકતા લોખંડના સળિયાને જોઈ રહી. એના પગ અટક્યા. હંમેશા કટાઈ ગયેલા વાંકાચૂકા સળિયા જોઈને વિચાર આવતો કે શા માટે આ રીતે બહાર લટકી રહ્યા છે. એકવાર પપ્પાને પૂછયું ત્યારે સમજાયું કે ભવિષ્યમાં બાજુમાં બીજું મકાન બાંધવું હોય તો છત જોડવા માટે કામ લાગે. ત્યારથી વૃંદાને નિર્જીવ સળિયા જોઈ અલગ જ વિચારો આવતા. જાણે હમણાં કશુંક બોલશે એવું લાગતું. કેટલાય ટાઢ, તડકા, વરસાદ સહન કરીને પણ એમની મસ્તીમાં લટકી રહયા હતા. એ આશાએ કે કોઈ દિવસ બાજુમાં નવું ઘર બંધાશે જેની છતના છેડા એની સાથે જોડાશે. પરંતું હજી સુધી એવું નથી બન્યું. હવે તો મૂળ મકાન પણ નબળું પડી ગયું છે. મકાનમાલિકને બાજુમાં બીજું મકાન બનાવવાનો વિચાર નથી લાગતો. છતાંય છતનાં સળિયા આશ લગાવી લટકી રહયા છે.
વૃંદાનો નીચે સરી આવેલો આછા વાદળી રંગના ડ્રેસનો દુપટ્ટો વધી ગયેલા ઘાસ પર ઢસડાતો હતો. દુપટ્ટો ઉપર લઈ એ ઘરનાં પાછળના ભાગમાં આવી. ક્ષણેક અટકીને જોઈ રહી. આ રીતે ઘરનાં પાછળના ભાગમાં આવવાનું બનતું નહીં. પાછળની દીવાલ પર પડતી પોતાના રૂમની બારી પણ મોટાભાગે બંધ જ રહેતી.
વરસાદના કારણે ખાસ્સુ ઘાસ ઊગી આવ્યું હતું. એના પર પીળાં અને જાંબલી ફૂલો ઊગ્યાં હતાં. હવામાં ડોલતાં ઘાસને જોવાની મજા આવતી હતી. બાઉન્ડ્રી વૉલના એક ખૂણા પાસે જૂનો સામાન પડયો હતો. એમાં અડધી વીખેરાયેલી ઈંટોની થપ્પી અને બીજી થોડી લોખંડની કટાયેલી વસ્તુઓ હતી. વૃંદાની નજર એ બાજુ ભાગ્યે જ જતી. કેમ કે એ વસ્તુઓ સડી જશે તો પણ એમાંથી દુર્ગંધ નહીં આવે. વૃંદા પોતાની ઇચ્છાને ન રોકી શકી.
એણે ઘાસ પર પગ માંડ્યો. કોમળ ઘાસને જોઈને એના ચહેરા પર ઘાસ જેવી આછી સ્મિતની રેખાઓ અંકાઈ ગઈ. પરંતું ચહેરાના એ ઘાસ પર ફૂલો બેસે એ પહેલાં જ એનું ડગલું પાછળ ખેંચાઈ ગયું. કોઈ ભૂલ કરતાં બચી ગઈ હોય એવી લાગણી થઈ. ધડકતી છાતી પર હાથ દાબી દીધો. ઉપર ચડી આવેલો શ્વાસ નીચે બેસે એની રાહ જોતી ત્યાં જ ઊભી રહી ગઈ.
અનુરાગને ઘાસ ખૂબ ગમતું. દૂર સુધી ફેલાયેલું ઘાસ જોવા એ પણ દૂર સુધી ચાલ્યો જતો. પહેલો વરસાદ વરસી જાય પછી એને રોકી ન શકાતો. રજાઓમાં તો સવારથી નીકળી પડતો. કયાં જવાનું છે એ પણ નક્કી ન હોય. બ્રશ, રંગ, કૅન્વસ, ફોલ્ડિંગ સ્ટેન્ડ અને બીજો થોડો સામાન લઈને નીકળી પડતો. શરૂઆતમાં અનુરાગનું આવું વર્તન સમજાતું નહિ. એ ધૂની સ્વભાવનો હતો. પોતાનો બગલથેલો લઈને નીકળી પડતો ત્યારે જોગી જેવો લાગતો. હંમેશા વધેલી રહેતા દાઢીમાંથી ઉદાસી ઝમ્યા કરતી હોય એવું લાગતું. બ્લેક ફ્રેમવાળા ચશ્મા પાછળ બાળક જેવી ભોળી આંખોમાંથી વિસ્મય વરસ્યા કરતું. વૃંદાએ એનું નામ જિપ્સી પાડ્યું હતું. અનુરાગને પણ એ પસંદ હતું. એ દરેક વખતે વૃંદાને સાથે ચાલવાનું કહેતો. પરંતું વૃંદા કયારેક જ જતી. વૃંદાને સતત અનુરાગ સાથે રહેવાનું મન થતું. પરંતું અંદરથી એવી લાગણી થતી કે એના કામમાં ખલેલ પડશે. કયારેક સુંદર ચિત્ર બનાવીને આવતો તો કયારેક કેન્વસ પર ખાલી લસરકા કરીને પાછો ચાલ્યો આવતો. કેન્વસ પરથી એના મૂડનો અંદાજ લગાવી શકાતો. કયારેક સારા મૂડમાં હોય ત્યારે કહેતો.
~ 2 ~
- ટેકરીઓ પર પથરાયેલાં ઘાસના ગાલિચાં જોઇને તું યાદ આવે છે. અને મારી પીંછી અટકી જાય છે. ઘાસ પરના પીળા, જાંબલી ફૂલ તારા દુપટ્ટાની ડિઝાઇન જેવા લાગે છે. ખૂલ્લાં પગે ઘાસ પર ચાલું છું ત્યારે તને પામી રહ્યો હોંઉ એવું લાગે છે. ત્યારે ઇચ્છા થાય કે તું અહીં હોય તો કેટલું સારું. ઘાસ પર બેસાડી તારું ચિત્ર બનાવું. અનુરાગ બહુ ઓછું વ્યકત થતો. પરતું જ્યારે પોતાના મનની વાત કરતો ત્યારે ભીંજવી દેતો. ઘણીવાર કોલેજથી છૂટ્યા બાદ બંને કોલેજની પાછળના ભાગમાં બેંચ પર બેસતાં. મેદાનમાં છોકરાઓ ક્રિકેટ કે ફૂટબોલ રમતા હોય. વરસાદના દિવસોમાં આખા મેદાનમાં આછો પોપટી રંગ પથરાઈ જતો અને એની વચ્ચે બ્રશના પીળા, જાંબલી ટપકાં. અનુરાગને ત્યાં બેસી રહેવું બહુ ગમતું. કલાકો સુધી બેસીને મેદાનમાં જોયા કરતો. વાદળછાયું વાતાવરણ હોય ત્યારે એ ખીલી ઊઠતો. બંને એકબીજાનાં હાથ પરસ્પર વીંટીને સહવાસ માણતાં.
કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ અનુરાગ ફાઈન આર્ટમાં જોડાયો. વૃંદાએ સમાજશાસ્ત્ર સાથે એમ.એ કરવાનું નક્કી કર્યુ. વૃંદાના દરરોજ સાંજે બે લેક્ચર હોય. અનુરાગના લેક્ચર સવારે પતી જાય એટલે સાંજ ટાણે વૃંદાને મળવા કોલેજમાં આવતો. બંને લાકડાંની જૂની બેંચ પર મેદાનનાં એક છેડે બેસતા. અનુરાગ પોતાના મિત્રોની, ભણવાની, ચિત્રોની, સ્વપ્નોની વાતો કરતો. એના સ્વપ્નોમાં ચિત્રો સિવાય પોતે પણ કયાંક આવશે એ વિચારે વૃંદા ધ્યાનથી સાંભળતી. વૃંદા પણ પોતાના વિચારોની, ઘરની, પપ્પાની વાતો કરતી. ઘણી બધી વાતો કર્યા પછી એક પ્રકારનો ખાલીપો આવી જતો. મેદાન પરથી વહી આવતી અજાણી હવામાં વજન આવી જતું. એક ક્ષણ એવી આવતી કે બંનેમાંથી કોઈ કશું ન બોલતું. માત્ર પવનના આછા સૂસવાટા સંભળાતા. વૃંદા માટે ગાઢ મૌન અસહ્ય થઈ પડતું. એ ઘણાં સમયથી વિચારી રહી હતી કે આવું શા માટે થાય છે.
એકવાર અનુરાગ સાથે વાત કરી હતી. પરંતું એને એવું કશું ન લાગતું. એને તો મેદાનનાં છેડે ઊભેલા હારબદ્ધ લીમડાંની પાછળ ડૂબતા સૂરજમાં મેદાનનું જે દૃશ્ય ઊભું થતું એમાં એક ચિત્ર દેખાતું. કૅન્વસ અને બ્રશ હોત તો મેદાનમાં ડૂબતી સાંજનું ચિત્ર બનાવવા બેસી પડત.
અંધારું થાય એટલે બન્ને ચાલતાં ઘરે જતાં. અનુરાગ વૃંદાને ઘર સુધી છોડવા આવતો. પપ્પા ઘરમાં આવવાનું કહેતા, પણ અનુરાગ ભાગ્યે જ આવતો. પપ્પા કલાના શોખીન હતા. એમને અનુરાગનો સ્વભાવ પસંદ હતો. ચાર વરસથી ચાલ્યા આવતાં સંબધનાં વહેણમાં કયાંક પ્રવાહ મંદ થયાનું વૃંદાને લાગતું હતું. એ જાણતી ન હતી કે શું થઈ રહ્યું છે. ભારઝલ્લી સાંજનું વજન એના મન પર ઊતરી આવતું ત્યારે ચિત્રોની વાત કરતો અનુરાગ અજાણ્યો લાગતો. જાણે એની દુનિયા અલગ જ હોય એવું લાગતું. સાંજે છુટ્ટા પડતી વખતે થતું હવે થોડા દિવસો નથી મળવું. પરંતુ બીજા દિવસે અનુરાગને જોઈને મન પીગળી જતું અને પગ મેદાન બાજુ વળી જતાં. વૃંદા સ્પષ્ટપણે કશું સમજી શકતી ન હતી કે ક્યાં ચૂક થઈ છે. પરંતું ફાંસ લાગ્યા બાદ પાકી જાય એવી પીડા થતી હતી. અંદરથી સતત કશુંક ખટક્યા કરતું હતું. અને એ અસહ્ય પીડા આખા શરીરમાં ફરી વળતી. અનુરાગને ઘણીવાર પૂછી જોયું કે આપણે આગળ શું કરશું. લગ્ન વિશે પણ વાત કરી. અનુરાગ કહેતો. ફાઇન આર્ટ પૂરું થયા બાદ કયાંક જોબ મળે પછી જ લગ્ન વિશે વિચારી શકાય. એકરીતે વૃંદા એની વાત સાથે સહમત થઈ જતી. પરંતું અંદર ખટકયા કરતી ફાંસની પીડા એનાથી સહન ન થતી. આટલા સમયથી સાથે હતા પણ ક્યારેય નહીં ને હવે આ સંબંધ વિશે શંકા થતી હતી.
~ 3 ~
આટલો સમય વૃંદા અનુરાગને પ્રેમી અને કલાકાર તરીકે ચાહતી આવી હતી. પતિની ફ્રેમમાં બેસાડ્યો જ ન હતો. જ્યારે પ્રયત્ન કરતી ત્યારે ચિત્ર મોટું લાગતું અને ફ્રેમ નાની. પરાણે ફ્રેમ લગાવવાનો પ્રયત્ન કરતી તો અડધું ચિત્ર ફ્રેમ બહાર રહી જતું. પપ્પાને ખબર પડી ગઈ હોય એવું લાગતું હતું. વૃંદાના ચહેરા પરના ભાવો જાણી ગયા હતા. એકવખત સવારના બાપ-દીકરી બહાર આંગણામાં બેઠાં હતાં ત્યારે પપ્પાએ સામેથી જ વાત કાઢી. શરૂઆતમાં વૃંદાએ સ્પષ્ટ વાત ન કરી. પરંતું ઘણીવાર પપ્પાથી છૂપાવી ન શકી. કોઈપણ કારણ વિના રડી પડાયું ત્યારે પપ્પાને નવાઈ લાગી હતી. એ કશું બોલ્યા વિના ક્યાંય સુધી વાંસો પસવારતા રહયા હતા. મૌનનું વજન વધતું જતું હતું. વૃંદાનો શ્વાસ રુંધાતો હતો. એણે પપ્પાને સ્પષ્ટ કહી દીધું કે મારે કોઈ સાથે લગ્ન નથી કરવા. પપ્પાનો વાંસા પર ફરતો હાથ અટકી ગયો હતો. એ ક્યાંક દૂર જોઈ રહયા હતા. પછી ધીમેથી પૂછ્યું હતું.
- ચિત્રોમાં હવે રસ નથી રહ્યો કે પછી...
વૃંદાએ પપ્પાને વચ્ચે જ અટકાવીને કહ્યું હતું.
- બધું અજાણ્યા જેવું લાગે છે પપ્પા. ચિત્ર, કૅન્વસ, રંગ, અનુરાગ...
વૃંદા બોલતાં બોલતાં અટકી ગયેલી. એ પછી બંને વચ્ચે ક્યારેય આ વિશે વાત નથી થઈ.
વૃંદા ઊંધુ ફરી ગઈ. પાછળનું લીલું ઘાસ જાણે બળીને રાખ થઈ ગયું હોય એ રીતે હડસેલીને ચાલવા લાગી. ઘાસ પર ફૂલ આવ્યા જ ન હોય એમ બધું ભૂલી ગઈ. એ આગળના ભાગમાં આવી. ઘરની પ્લાસ્ટર વિનાની ખરબચડી દીવાલ પર હાથ ફેરવવા લાગી. બરછટ સ્પર્શ આખા શરીરમાં ધ્રુજારી ફેલાવી ગયો. એણે ઉપર જોયું. લટકતાં સળિયા હમણાં માથે આવી પડશે એવું લાગ્યું.
પપ્પા ઘરમાંથી બહાર આવ્યા. હંમેશા ક્લીન સેવમાં રહેતા પપ્પા ક્યારેય પોતાના ભાવો છૂપાવી ન શકતા. એ સાવ પાસે આવીને ઊભા રહ્યા.
- હું બહાર લટાર મારવા જાઉં છું. આવતાં કદાચ મોડું થઇ જશે. આજે બધા મિત્રો મળવાના છીએ. પપ્પાએ સ્હેજ સ્મિત કર્યું.
વૃંદાએ આંખો ઝુકાવીને હા પાડી. જતાં જતાં પપ્પાએ એના ગાલ પર હળવી ટપલી મારી પણ ચહેરા પર બાઝેલું ઉદાસીનું પડ જરાયે ન હલ્યું.
વૃંદાએ લાલાશ પકડતાં જતાં આકાશ તરફ જોયું. આજે સંઘ્યા ખીલશે એવું લાગતું હતું.
વૃંદાને લાગ્યું કે પાછળ બળી ગયેલા ઘાસની ગંધ આવી રહી છે અને એની રાખ પવન પોતાના પર ઠાલવી રહ્યો છે. ઝડપથી પગ ઊપાડ્યા. ઘરમાં આવી એટલે થોડી રાહત થઈ. સોફા પર ફસડાઈ પડી. બારી પર ચડાવેલા પડદાનાં કારણે અંધારું લાગતું હતું. આંખો બંધ કરીને પડી રહી. શ્વાસના કારણે ડોલતી છાતી પર હાથ
રાખવા જેટલી હિંમત વૃંદામાં ન હતી.
વૃંદાને બંધ પોપચામાં લીલા કૂણા ઘાસથી લહેરાતું મેદાન દેખાતું હતું. એની ફરતે લાકડાંની જૂની બેંચો રાખેલી હતી. જેમાંની મોટાભાગની બેંચો વરસાદમાં પલળીને, તડકામાં તપીને સડી ગઈ હતી. એના પર કોઇ બેસતું ન હતું. પ્રેમભરી વાતો ન હતી. હૂંફાળો સ્પર્શ ન હતો. ફક્ત વેરણ કરી નાખતી ઉદાસી હતી. જે ઘાસિયાં મેદાન પરથી આવીને ચારેબાજૂ છવાઈ ગઈ હતી. અંદરથી ખાલી કરી નાખતો પવન વાતો હતો. એમાં બધું તણાઈ જતું હોય એવું લાગતું હતું.
~ 4 ~
વૃંદાએ મક્કમ રહીને નિર્ણય લીધો હતો. અનુરાગ સાથે કોઈ વાત થઈ ન હતી. વૃંદા માટે આ નિર્ણય લેવો સરળ ન હતો, પણ જરૂરી લાગતું હતું. એ સાંજે અનુરાગ પોતાની મસ્તીમાં હતો. જ્યારે વૃંદાના મનમાં ઘમાસાણ ચાલતું હતું. બંને રોજની જગ્યાએ મેદાનની સમ્મુખ બેઠાં હતાં. વૃંદાની નજર મેદાન બાજૂ જતાં અટકતી હતી. એને ડર હતો કે એ બાજૂ જોશે તો કદાચ વિચાર બદલાઈ જશે. અનુરાગ ઉત્સાહથી ચિત્રોની અને આવતાં અઠવાડિયે થનારી પિકનીકની વાતો કરતો હતો. આ બધાથી દૂર વૃંદાના મનમાં બીજા જ વિચારો ચાલતા હતા. ઘણા પ્રયત્ન પછી એ બાઝી આવેલો ડૂમો ખાળી શકી. પછી સાવ સપાટ સ્વરે બોલી.
- અનુરાગ, મારી વાત સાંભળ.
અનુરાગ બોલતો બંધ થઇ ગયો હતો.
- મને લાગે છે કે આપણો સબંધ અહીં સુધીનો જ હતો. આ સબંધ હવે આગળ નહીં ચાલી શકે. સતત કશુંક ખટક્યા કરતું હોય એવું લાગે છે. આ મેદાનની હવા મને ઉદાસ કરી મૂકે છે. હવે તારા ચિત્રોની વાતમાં રસ નથી પડતો. તને પતિ તરીકે નથી કલ્પી શકતી. એનું કારણ હું નથી જાણતી પણ લાગે છે હવે આગળ નહીં ચલાય.
બંને વચ્ચે ઘેરું મૌન છવાઈ ગયું હતું. ઉદાસ શિયાળું સાંજનો બધો ભાર વૃંદાના અવાજમાં ઊતરી આવ્યો હતો.
- મને લાગે છે કે આપણે અલગ થઇ જવું જોઇએ.
અનુરાગ કશું બોલ્યો ન હતો. એણે આવી સ્થિતિની કલ્પના પણ કરી ન હતી. વૃંદા વિના એના ચિત્રો અધૂરાં લાગશે. એ કલ્પના માત્રથી ધ્રૂજી ગયો હતો. કેન્વસ ભરાઈ ગયું હતું. પણ ચિત્ર હજી બાકી હતું. અનુરાગ હજી લસરકા કરવા માંગતો હતો.
- વૃંદા, તું કયા કારણે આવું કહી રહી છો એ નથી જાણતો. પરંતુ તારા વિના જીવવું મારા માટે સરળ નહિ હોય. કદાચ તારા જિપ્સીના હાથમાંથી પીંછી પડી જાય એવું પણ બને. તું મારી પ્રેરણા રહી છો. મારા દરેક ચિત્રમાં અદ્શ્યપણે હાજર રહી છો. મેં શરૂ કરેલું ચિત્ર પૂરું ન થાય એવું પણ બને.
- તું ચિત્રકાર થવાનો છો, એ હકીકત છે. મારા ન હોવાથી કાંઈ ફરક નહિ પડે. અને તું એવું ન વિચારજે કે હું બીજા કોઈ સાથે પરણવાની છું. તારા સિવાય એ જગ્યા કોઈની નથી. અને હવે લાગે છે કે કદાચ તારી પણ ન હતી.
એક લાંબો નિસાસો નાખીને અનુરાગ બોલ્યો હતો.
- કુદરતને આપણો સબંધ મંજૂર નહિ હોય. સો વેલ. આજથી આપણે છૂટા પડીએ છીએ. કોઇપણ ઝગડા વિના, અણગમા વિના. હવેથી હું અહીં નહીં આવું. આ મેદાનમાં લહેરાતું ઘાસ તું એકલી જોયા કરજે.
એનો અવાજ જરા કંપ્યો હોય એવું લાગેલું. પરંતું એ ઊધું ફરી ગયો હતો એટલે એની આંખોની ચમક દેખાઈ ન હતી. પછી લાંબી ખાલી પળો વીતેલી. સાંજ ઊતરી આવી હતી. કડકડતી ઠંડી તાણી લાવતો પવન શરૂ થયો હતો. અનુરાગ ધીમી ચાલે કેમ્પસ બહાર નીકળી ગયેલો.
~ 5 ~
થોડીવાર ઓળા જેમ ઊભેલી વૃંદા પણ અંધારું ઊતરતાં વૃક્ષોના પાંદડાં કચડતી ચાલી ગઈ હતી.
પાછળ ખાલી મેદાનમાં પવનના સૂસવાટા સંભળાતા હતા.
એ પછી બધુ બદલાઇ ગયું. એ શહેરમાં રહેવું ગમતું ન હતું. એમ.એ પુરુ કર્યા વિના ભણવાનું છોડી દીધું.
પછી પપ્પા અને વૃંદા પણ થોડા મહિનાઓ બાદ શહેર છોડીને બીજી જગ્યાએ આવી ગયા. જ્યાં પાછળનું કશું ન હતું. અને નવેસરથી શરૂ કરવાનું પણ કાંઈ ન હતું. અનુરાગની સ્મૃતિ ઝાંખી થવા લાગી હતી. એણે દોરેલા ચિત્રોના રંગ ઝાંખા પડવા લાગ્યા હતાં. ખાલી કૅન્વસ જેવા દિવસો ઊગીને આથમવા લાગ્યા હતા.
પપ્પાની કાળજી લેવામાં આખો દિવસ નીકળી જતો. વૃંદા એમની દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખતી.
પપ્પાએ ફરી ક્યારેય અનુરાગની કે લગ્નની વાત નથી કરી. વૃંદાએ જોબની વાત કરી તો પણ ગુસ્સે થઈને ના પાડી દીધી. પપ્પાને પેન્શન આવતું હતું એટલે જોબની જરૂર ન હતી. એવું લાગતું હતું કે બધું પૂરું થઈ ગયું છે.
જીવનમાં એકવિધતા આવી ગઇ હતી. જે સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. પરંતું વૃંદાને ક્યારેય એવું નથી લાગ્યું કે એણે લીધેલો નિર્ણય ખોટો છે. એ ઘણીવાર અનુરાગને મનોમન યાદ કરતી. એની સ્મૃતિ ક્યારેક દઝાડતી પણ ખરી. પરંતું પતિ તરીકે અનુરાગનો વિચાર ન આવતો. મનમાં બંધાયેલી ફ્રેમ ખાલી જ રહી જતી. હવે તો એ
પણ તૂટવા લાગી હતી. પણ એના માપનું ચિત્ર ન જ બન્યું.
બહાર ગૅટ ખખડવાનો અવાજ આવ્યો. વૃંદા સફાળી બેઠી થઈ ગઈ. બહાર આવીને જોયું તો એક છોકરો કશાકનું પેંમ્ફલેટ આંગણામાં નાખીને જતો હતો. વૃંદા એ લઇને અંદર સોફા પર બેઠી. વાંચતાં વાંચતાં એની આંખ સામે વિવિધ રંગના લસરકા આવી જતા હતા. જાણે...
પપ્પા આવ્યા. વૃંદાના હાથમાં પેંમ્ફલેટ જોતાં બોલ્યા.
- શેનું પેંમ્ફલેટ છે વૃંદા ?
- એક ચિત્રનું પ્રદર્શન છે. કોઇ એબ્સર્ડ જિપ્સી ચિત્રકાર છે. ઘાસનાં અને મેદાનનાં ચિત્રોનું આખું કલેક્શન છે. એ બધા ચિત્રોમાં એક સ્ત્રી આવે છે. જેનો ચહેરો નથી દેખાતો. બધી ડીટેલ આમાં લખી છે. અને હા, એનું કોઇ અધુરું ચિત્ર પણ મૂકાવાનું છે. જે એણે વરસો પહેલા શરૂં કર્યું હતું પણ હજી પૂરું નથી કરી શક્યો.
વૃંદા ઊભી થઇને ઘરનાં પાછળના ભાગમાં પડતી બારી પાસે આવી. ઝાટકા સાથે પડદા હટાવીને બારી ખોલી. પાછળ છવાયેલું ઘાસ આંખ આમે આવ્યું. એ ઘાસ ગાલીચાં જેવું લાગતું હતું. એ ગાલીચાની સામે છેડે
કોઈ ઊભું ઊભું ચિત્ર બનાવી રહ્યું હોય એવું લાગતું હતું. એ જોઈ એના ચહેરા પર હળવું સ્મિત આવ્યું.
- પપ્પા, આપણે એ પ્રદર્શન જોવા જઈશું.
- ઓકે. તારી ઇચ્છા છે તો જરૂર ચાલશું માય ડિયર.
એ અંદરના રૂમમાં જતાં હતા. કશુંક યાદ આવતાં પાછા ફર્યા.
- અને હા, તું કહેતી હતીને પેલા છતના લટકતા સળિયાનું. હમણાં જ મહેતા સાહેબનો ફોન હતો. એ બાજુની ખાલી જગ્યામાં નવું ઘર બંધાવાના છે. મેં એમને વાત કરી છે. બંધાશે એટલે આપણે નવા ઘરમાં રહેવા ચાલ્યા જશું.
~ 6 ~
વૃંદાએ આંખોની પાંપણ ઝુકાવીને હા પાડી. બહાર આંગણામાં આવીને આકાશમાં જોવા લાગી. પૂરબહાર સંધ્યા ખીલી હતી. આસોપાલવના ઝાડમાં શોર મચાવતી ચકલીઓનો અવાજ ગમવા લાગ્યો હતો.
