સમજને કિનારે
સમજને કિનારે
રીટા વોચમેનની ગંદી નજરની પરવા કર્યા વિના સળસળાટ પગથિયા ઉતરીને ઝડપથી મુખ્ય રસ્તા પર આવી. મનમાં ચાલતી વિચારોની ગડમથલના કારણે એની ચાલમાં ગુસ્સો વર્તાતો હતો. ઉનાળાની સાંજનો તડકો રસ્તા પર પથરાયેલો હતો. સારી એવી ભીડ હતી. એ ચાર રસ્તા પાસે ક્ષણિક અટકીને પછી તળાવ બાજુનાં રસ્તે ચાલવા લાગી. મોકળાશ જોઈને રીટાની પ્રત્યંચાની જેમ ખેંચાયેલી ચહેરાની રેખામાં થોડી નરમાશ આવી.
એણે ઊંડો શ્વાસ લીધો. ગુસ્સાના કારણે બન્ને હોઠ ભીડાયા. બધુ મગજમાં ચકરાતું હતું. વારંવાર યાદ આવતું હતું.
- સાલ્લો...! એના મનમાં શું સમજે છે. બધી લેડી નીકી જેવી નથી હોતી, અને બીજી નીકી... ખરેખર એના પર તો એટલો ગુસ્સો આવે છે કે...
એ બેન્ચ પર બેસીને ઉભડક મને રસ્તા પરની અવરજવરને જોઈ રહી. મનમાં વિચારોની આંધી ચાલતી હતી. વમળની જેમ બધું મનમાં ઘુમરાતું હતું. એનો ગુસ્સો શમતો ન હતો. આખી વાત ફરી મન પર ચડી આવી.
રીટાને ઓફિસમાં એકાદ વરસ થયું હશે. બધા એને સારી રીતે ઓળખી ગયા હતા. ઘણા ભાઈઓ ખોટી હમદર્દી દેખાડવાનો પ્રયત્ન કરતા. પરંતું રીટાને ન ગમતું. સલિન અને લલિત તો રીતસરના ચોંટી ગયા હતા. શરૂઆતમાં એકલી ધારીને ખોટી સહાનુભૂતિ બતાવતાં. પરંતું રીટાને કોઈની જરૂર ન હતી. થોડા સમયમાં જ ઓફિસમાં બધાને ખબર પડી ગઈ કે રીટા કઈ માટીની છે. પછી રીટાને કામ વિના કોઈ ન બોલાવતું. ઓફિસના સહકર્મચારીઓ રીટા વિશે અંદરખાને વાતો કરતા. બધાને પ્રશ્ન થાય એ પણ સ્વભાવિક હતું. ક્યારેક આડકતરી રીતે કોઈ પૂછી પણ લેતું. - તમે એકલા જ રહો છો રીટાબહેન ? રીટા પૂછનારનો ભાવાર્થ સમજી જતી. ગુસ્સો કર્યા વિના કે લાગણીવશ થયા વિના સીધો જવાબ આપી દેતી.- હું મારા માતા-પિતાના ઘરે રહું છું. આટલું બોલતાં રીટાને હાંફ ચઢી આવતી. માનો ચહેરો અને પિતાના કપાળના સળ આંખ સામે આવી જતાં. પછી આગળ ન વિચારી શકાતું.
આટલા સમયમાં જો એ કોઇ સાથે હળીમળી હોય તો એ નીકી હતી. નીકી સાથે પણ છેલ્લા ચારેક મહિનાથી બનતું હતું. એ સિવાય રીટા ઓફિસમાં બધા સાથે કામથી કામ રાખતી. નીકી ઓફિસમાં ઘણાં સમયથી કામ કરતી હતી. એ પણ સિંગલ હતી અને મળતાવળા સ્વભાવની હતી. એનું ઓફિસમાં બધાની સાથે સારું બનતું. ઓફિસના હેડ મહેતાસર સાથે પણ સારા રિલેશન હતા. રીટા અને નીકી બન્ને ઘણો સમય એકબીજા સાથે ગાળતાં. નીકી પોતાની દરેક વાત ખુલ્લા મને રીટાને કહેતી. પરંતું રીટાને પોતાની વાત કરતાં સંકોચ થતો. એને અંદરથી ડર લાગતો. એ નીકીના વિચારોથી પ્રભાવિત થતી. સ્ત્રી તરીકે સ્વિકારતી પણ ખરી પરંતું એની જેમ ખુલ્લી ન શકતી. કોશેટામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી પણ બહાર કોઇ પર વિશ્વાસ ન આવતો.
એકવાર બન્ને ઓફિસમાંથી છૂટીને ઘરે જતાં હતા. મહેતાસર પાર્કીંગમાંથી પોતાની કાર લઇ બહાર ગેટ પાસે આવ્યા. બન્નેને જોઇને એમણે કાર ઊભી રાખી. એમને જોઇને નીકી તરત જ કારની આગલી સીટમાં ગોઠવાઇ ગઇ. આ જોઇને રીટાને નવાઇ લાગી. નીકીને થોડો સંકોચ થયો પરંતું મહેતાસરે સંભાળી લીધું.
– ચાલો, તમને બન્નેને ડ્રોપ કરતો જાઉં. તમે પણ આવી જઓ રીટાજી.
રીટા કશુંયે બોલ્યા વિના નીકીને જોઇ રહી. એ આજે અલગ જ લાગતી હતી. નીકી ઈશારો કરીને બોલાવી રહી હતી. પણ રીટા નીચું જોઇ ગઇ.
- ના, તમે જાઓ સર. હું ચાલી જઇશ. મારું ઘર પાસે જ છે.
આટલું બોલીને રીટા ચાલતી થઇ ગઇ. બન્ને એને જોઇ રહ્યા હતા. મહેતાસરને કશું સમજાયેલું નહિં. એ પછીના બે દિવસ રીટા ઓફિસે ન આવી. મહેતાસરને પણ આ વાતનું આશ્ચર્ય થયું. રીટા ત્રીજે દિવસે ઓફિસે આવી ત્યારે નીકી સાથે પણ બરોબર વાત ન કરી. પોતાના કામમાં પરોવાયેલી રહી. નીકી રીટાની મૂંઝવણ કળી ગઇ. લંચ સમયે બન્ને કેન્ટીનમાં મળ્યા ત્યારે નીકીએ સામેથી વાત શરુ કરી.
- રીટા, તે દિવસે તું અમારી સાથે કેમ ન ચાલી ?
રીટા થોડીવાર ચૂપ રહી. બારી બહાર જોતી રહી. એને બોલવું ન હતું પણ મનમાં ચાલતાં ચચળાટના કારણે બોલાઇ ગયું.
- તમારા બન્ને વચ્ચે હું શું કરું ?
નીકી સ્તબ્ધ થઇ ગઇ. ઓફિસમાં બધા એના વિશે શું વિચારતાં હતા એની નીકીને ખબર હતી પરંતું રીટા આ રીતે સીધું મોઢા પર કહેશે એનો અંદાજ ન હતો. આમ તો નીકી કોઇનું ન સાંભળતી પરંતું એને રીટા પ્રત્યે સહાનુભૂતિ હતી. એટલે શાંતિથી કહ્યું.
- એવું કાંઇ નથી રીટા, તું શું બોલી રહી છે એનું ભાન તો છેને તને ? નીકીએ કૃત્રિમ ગુસ્સો બતાવતાં કહ્યું.
રીટાએ વાત વાળતાં કહ્યું – મારો ખરાબ ઇરાદો નથી નીકી. પરંતું હું હજી મહેતાસરને એટલી સારી રીતે ઓળખતી પણ નથી. અને સાચું કહું તો મને આ રીતે સબંધો બાંધવા ઓછા ગમે છે.
- રીટા, તું ધારે છે એવું કાંઇ નથી. સ્ત્રી તરીકે આપણે બધું વિચારવું પડે એ વાત હું માનું છું. હું ઘણા વરસથી તારી જેમ એકલી જીવું છું. કોઇ માટે પોતાની જિંદગી શા માટે વેડફી નાખવી. એના બદલે ખુશ રહેવામાં શું વાંધો છે. હું જીવવામાં માનું છું. કોઇ માટે તડપવામાં નહિં.
નીકી ત્રાંસી નજરે રીટાની આંખોમાં જોઇ રહી હતી.
આ સાંભળીને રીટા સમસમી ગઇ. નીકીની વાત દરેક એંગલથી સાચી લાગતી હતી. એને લાગ્યું નીકી પોતાને કહી રહી છે. એના બન્ને હોઠ ભીડાઇ ગયા. ન ઈચ્છતી હોવા છતાં એની આંખમાં આંસૂ આવી ગયા. ગળે ડૂમો બાઝી ગયો. નીકીએ ઝડપથી પાણીનો ગ્લાસ આપ્યો. ઊંડો શ્વાસ લઇ એણે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા કેળવવાનો પ્રયત્ન કર્યો. તોય એક ડૂસકું તો નીકળી જ ગયું.
- આર યુ ઓકે ? ના પ્રત્યુત્તરમાં રીટાએ કૃત્રિમ સ્મિત આપ્યું.
એ દિવસે રીટા વહેલી ઘરે જતી રહી. પરંતું ત્યારબાદ એનો વ્યવહાર બદલાઇ ગયો. બધા સાથે હળીમળીને વાતો કરતી. મહેતાસર સાથે પણ ભળી ગઇ હતી. ઘણીવખત ત્રણેય મહેતાસરની કેબિનમાં સાથે લંચ કરતાં. ખૂબ વાતો થતી. રીટાને જિંદગી જીવવા જેવી લાગતી હતી. ઓફિસ દરમ્યાન રીટાનું વર્તન બદલાવા લાગ્યું હતું. ગંભીર રહ્યા કરતી રીટા હસમૂખી બની ગઇ હતી.
નીકી મહેતાસરની ઓફિસમાં ઘણો સમય રહેતી. પરંતું રીટાને અજુગતું ન લાગતું. મહેતાસરના ચરિત્ર વિશે ઓફિસના સ્ટાફમાં ઘણી વાતો થતી. પરંતું રીટાનું મન એ વાત માનવા તૈયાર ન થતું. રીટા ક્યારેક કામથી મહેતા સાહેબની ઓફિસમાં જતી ત્યારે એ કારણ વિના આડીઅવળી વાતો કરવા બેસાડી રાખતાં ત્યારે મહેતાસરના નિખાલસ દેખાતાં વ્યક્તિત્વ પર શંકા જતી. ત્યારે એને પેલો કોશેટો દેખાતો અને અંદરથી સંકોચાઇ જતી.
ટ્રાફિકના કારણે ગાડીના હોર્નના એકધારા અવાજથી રીટા ચીડાઇ ગઇ. ઊભી થઇને ચાલવા લાગી. થોડું ચાલી ત્યાં તળાવની પાળ આવી. વાતાવરણમાં તાજગી હતી. લોકો આમતેમ ટહેલતા હતા. એને સારું લાગતું હતું. રેલીંગ પાસે એક કપલ નાળિયેરનું પાણી પી રહ્યું હતું. રીટા એ જોઇ રહી. આંખમાં કણો પડ્યો હોય એમ દ્રશ્ય ખટકવા લાગ્યું. એ આડું જોઇ ગઇ.
તળાવ પર સાંજ ઊતરી આવી હતી. સૂરજનો ઝાંખો પ્રકાશ પાણી પર ચમકતો હતો
નિહાર સાથે ગોવામાં હનીમૂન માટે ગયેલા ત્યારે આ રીતે જ નાળિયેરનું પાણી પીધું હતું. ત્યારે રીટાએ ના પાડી હતી તોય નિહારે ફેની પીવડાવેલું. પછી તો રાતે...હવાની લહેરખીએ વાળની લટને રીટાના ઉદાસ ચહેરા પર લાવી દીધી.
એને નિહાર યાદ આવ્યો.
લગ્નબાદ ટૂંકાગાળામાં કેટલું બધું બની ગયું. કશુંયે સમજવા-માણવાનો મોકો જ ન મળ્યો. શૃંખલાની જેમ એક પછી એક બધું બનતું ગયું. સ્વપ્ન તો ઠીક પણ હકીકત પણ ચૂર થઇ ગઇ. અંતે એવા વળાંક પર પહોંચી આવ્યા જ્યાં આગળ કશું ન હતું. છલકાતો પ્રેમ, લગ્ન, ઘર, નિહારની જોબ, નાના-મોટા ઝઘડા, શંકા કુશંકા, સમયનો અભાવ, વઘતું જતું અંતર અને...
રીટાના ગાલ આંસૂથી ખરડાઇ ગયા. થોડી ક્ષણ તળાવના જંપી ગયેલા ચળકતાં પાણીને જોઇ રહી. એને થોડી હૂંફ મળી.
ત્યાં જ ઓફિસનો પ્રસંગ યાદ આવી ગયો. એના આંસૂ ગુસ્સામાં ફેરવાઇ ગયા.
મહેતાસરે વાત કરી ત્યારે એના ગાલ પર તમાચો મારી દેવાનું મન થયું હતું. લાળ ફેકતાં શિયાળ જેવા ચહેરા પર નિખાલસતા બિલકૂલ શોભતી ન હતી.
- રીટાજી ઘણા સમયથી તમને એક વાત કહેવી છે. આઇ હોપ તમે કો-ઓપરેટ કરશો. તમે સિંગલ છો એ હું જાણું છું. અને સ્ત્રી માટે એકલા રહેવું મૂશ્કેલ છે. હું શું કહેવા માંગું છું એ તમે સમજતાં હશો.
ગુસ્સાથી રીટાનું માથું ફાટતું હતું છતાંય એ છૂપ રહી.
- મારો કોઇ ખરાબ ઇરાદો નથી. નીકીને જ જોઇ લો. કેટલા વરસોથી સિંગલ છે છતાંય કેટલી ફ્રેંક અને હસમૂખી છે. નીકી અને હું વરસોથી સાથે કામ કરીએ છીએ. હું એની દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખું છું. તમારો પણ રાખીશ.
મહેતાસર રીટાના હાથને અડકવા જતાં હતા. ત્યાંજ રીટા તાડૂકી. હાથમાં પકડેલી ફાઇલોનો સીધો મહેતાસરના મોઢા પર ઘા કર્યો.
- તમારો ખ્યાલ કરે એ નીકી. આ રીટા નહિં. તમે ભીંત ભૂલ્યા છો મહેતાસાહેબ. મને બધું સમજાઇ ગયું છે. નીકીને પણ સારી રીતે ઓળખી ગઇ છું.
- અરે, તમે તો ખોટું માની ગયા રીટાજી. હું તો જસ્ટ એમ કહેતો હતો કે... મહેતાસર સહેજ ઢીલા પડ્યા.
- ઈનફ... મારે કશું નથી સાંભળવું. તમે લક્કી છો કે હું કોઇ એક્શન નથી લેતી. નહિંતર તમારી ઈજ્જતતો ઠીક પોઝિશન પણ નિલામ થઇ જાત. એન્ડ ગુડ બાય. તમને અને તમારી જોબને.
ધુંધવાયેલી આંખે રીટા રસ્તા પરના ટ્રાફિકને જોઇ રહી. નીકી વિશે કેવું વિચાર્યું હતું અને કેવી નીકળી. એ તો ઠીક પણ મહેતાના બચ્ચાએ મને પણ નીકી જેવી જ ધારી લીધી. શું દરેક એકલી સ્ત્રીને પુરુષના સહારાની જરુર હોય ? મા-બાપ સાથે ન રહી શકે ? સમાજમાં કેવાકેવા લોકો જીવે છે. બધા નીકી જેવા નથી હોતા. એ મહેતા જેવા ક્યારે સમજશે. રીટાના દાંત પરસ્પર ભીડાઇ ગયા.
એ ચાર રસ્તા પાસે અટકી ગઇ. રસ્તો ભૂલી ગઇ હોય એમ અજાણી આંખે ફૂટપાથને જોઇ રહી. એ અવઢવમાં હતી. રસ્તા પરનો ટ્રાફિક નસમાં લોહી બનીને વહેતો હોય એવું લાગ્યું. અચાનક આંખ આગળ અંધારું થઇ ગયું. ક્યાં જવું એ સમજાયું નહિં. ઘરનો રસ્તો ભૂલી ગઇ હોય એમ બેબાકળી બનીને દોડતાં વાહનોને જોઇ રહી. કપાળ પર પરસેવાની બૂંદો બાઝી આવી. મગજમાં દ્રશ્યો ભેળસેળ થવા લાગ્યા. બધી હવા શોષાઇ ગઇ હોય એમ મુંઝારો થવા લાગ્યો.
એને ટ્રાફિકનું લીલું સીગ્નલ દેખાયું. બધો ટ્રાફિક છુટ્યો. એણે ઝડપથી ઘરબાજુ પગ ઉપાડયા.
ઘરનો દરવાજો ખોલતાં મા અંદર જતી દેખાઇ. રીટા જાણે અંધારી વાવમાં પગ મૂકતી હોય એવું લાગ્યું. અગરબત્તીની સુગંધ પણ એને પ્રસન્ન ન કરી શકી. એના પિતા રોજના ક્રમ મુજબ હિંચકા પર બેઠા હતા. એમના ચહેરા પર રીટા માટે પરિચીત એવી ઉદાસી હતી. હાથમાં થોડાક કાગળો હતા. ચશ્મા નાકની દાંડી પર લટકી રહ્યા હતા.
રીટા એના પિતા પાસે આવી. એમણે હિંચકની ગતિ ધીમી કરી અને રીટા સામે જોયું. એના ચહેરા પરના ભાવ કળી ન શકયા. રીટાએ મુઠીઓ ભીડી લીધી. એના પિતાને રીટાનું વર્તન ન સમજાયું. એ કશુંક બોલવા જતી હતી ત્યાં એના પિતા બોલ્યા.
- આ ડિવોર્સ પેપર છે. આજે જ વકીલ આપી ગયો. તું સાઈન કરી દે એટલે નિહારને ત્યાં મોકલાવી દઈએ.
એના પિતાના ચહેરા પર પરાણે આવેલી સ્વસ્થતા હતી. જ્યારે રીટાના મનમાં ઊથલ-પાથલ મચી હતી. એ ડિવોર્સ પેપરને જોઇ રહી. એને લાગ્યું જાણે એના પિતા ડિવોર્સ પેપર નહિં પણ લગ્નની કંકોત્રી લઇને ઊભા છે. આછરી ગયેલા પાણી જેવી આંખે રીટા એના પિતાને જોઇ રહી. ચશ્માના કાચ પાછળ એમની આંખો તગતગતી હતી.
- ડિવોર્સ લઇને મારે એકલા નથી રહેવું પપ્પા. હું નિહારને ત્યાં જતી રહીશ.
રીટા છૂટા મોંએ રડી પડી. વિદાય વેળાની જેમ એના પિતાને વળગી પડી. એકમેકના ખભા ભીંજાઇ ગયા. બાપ દિકરીને રડતાં જોઇને કમાડની આડશે ઉભેલી રીટાની માની આંખોમાંથી પણ અણગમો વહી રહ્યો હતો.
