વ્હાલી મમ્મીને પત્ર
વ્હાલી મમ્મીને પત્ર
મારી વ્હાલી મમ્મી,
મારો પત્ર તને મળશે ત્યારે હું તારાથી ખૂબ દૂર ચાલી ગઈ હોઈશ. દૂર આસમાનમાં, પરીઓનાં દેશમાં પણ ત્યાં હરીફરીને હું જલ્દી તારી પાસે પાછી આવી જઈશ. કારણ મમ્મી! તારા વગરનું સ્વર્ગ પણ મારા માટે નકામું. તને પણ મારા વગર ખૂબ સૂનું સૂનું લાગતું હશે,નહીં?
મમ્મી, તું મને તારા જીવનનું સર્વોત્તમ પારિતોષિક માનતી. તારા માટે તારી પોયણી પહેલાં પછી જ બીજું બધું, કેમ ને? તેં મારું નામ પણ કેટલું સરસ પાડ્યુ હતું "પોયણી" એટલે કે નાજુક નમણી કળી. દાદી કહેતા હતા કે તારા પપ્પા એ તારા જન્મની ખુશીમાં બધાને ઘેર કિલો કિલો મીઠાઈ મોકલાવી હતી. મને નજર ન લાગે એટલે ગળામાં કાળો દોરો પણ પહેરાવ્યો હતો. કેવા સ્વપ્ન સમા દિવસો હતા એ પરંતુ જન્મનાં થોડા મહિનામાં જ મારું શરીર એકદમ ફિક્કું પડવા લાગ્યું અને મારા રતુંબડા ગાલ તો જાણે રુની સફેદ પૂણી. મને'થેલેસેમિયા મેજર' ની બીમારી હોવાનું નિદાન થયું. થેલેસેમિયા મેજર એટલે જિંદગીભર પારકા લોહી પર નભતા રહેવાની વંશપરંપરાગત બીમારી. તું તો નિદાન સાંભળીને જ રડી રડી ને અડધી થઈ ગઈ હતી. મારા શરીરમાં સ્વસ્થ લાલકણો ન બનતા એટલે દર બે -ત્રણ અઠવાડિયે લોહી ચલાવવું પડતું. પપ્પાના ખિસ્સા પર કાપ મૂકાતો જતો છતાંય પોતાની લાડકી પોયણી માટે એ બધું હસતા મોં એ કરતા.ફોઈબ તેમને ચિડાતા કે દિકરીને આટલા લાડ સારા નહીં પણ પપ્પા કયાં એમનું સાંભળતા.આજે ય હું એમની એટલી જ લાડકી છું હં કે મને ખબર છે અત્યારે પણ એ ભગવાન પાસે દીવો કરીને બેઠા હશે અને મારા દિર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરતા હશે. મમ્મી! બ્લડબેંકમાં મારા "ઓ નેગેટિવ" બ્લડગ્રુપની અછત હોય ત્યારે તું અને પપ્પા કયાં કયાં ધક્કા ખાતા. બ્લડ ટ્રાન્સફ્યુશનના દિવસો લંબાઈ જતા ત્યારે અશક્તિને કારણે હું કેવી થાકી જતી ત્યારે પપ્પા મને ચિયરઅપ કરવા જાતજાતના જોક્સ કહેતા, નવી નવી ગેમ્સ લઈ આવતા, મારી સાથે ક્વિઝ રમતા. તને ખબર છે નેે મમ્મી ક્વિઝ રમવામાં તારી પોયણી જ હંમેશા ફર્સ્ટ આવી છે. ઓલ ક્રેડિટ ગોઝ ટુ માય ડિયર પપ્પા.
વારંવાર લોહી ચડાવવાને કારણે શરીરમાં વધારાનું લોહતત્વ ભેગું થઈ જતું તે કાઢવા માટે ડોકટરે પમ્પ લગાવવાની સલાહ આપી હતી, જેની સોય પેટમાં લગભગ ૬ કલાક લાગેલી રહેતી અને ધીરે ધીરે દવા ઈન્જેક્શન વાટે પમ્પ દ્વારા શરીરમાં દાખલ થતી. મમ્મી! રોજની આ યાતનામય ટ્રીટમેન્ટથી હું કંટાળી જતી, પોતાના ભાગ્ય ને દોષ દેતી ત્યારે તું પ્રેમથી મારું માથું પસવારી મીઠા સૂરે હાલરડું ગાતી "સોનાના પારણિયે મારી દિકરી ઝૂલે રે..કરશો ના કોઈ શોર, એને નીંદરુ આવી રે.." અને મારી બધી પીડા શમી જતી પણ મા! મારી બંધ આંખોએ કેટલીયે વાર તારી આંખમાં થી ટપકતાં અસહાયતાનાં આંસુ ના ટીપાં ઝીલ્યા છે. હું જાગી જાઉં તો તું આંખમાં કચરો ગયાનો ડોળ કરીને મોઢું ફેરવી લેતી જેથી તારા રડવાની મને જાણ ન થાય.
મા! તેં અને પપ્પાએ મને કયારેય હું તમારી પર બોજ બની ગઈ છું એવું લાગવા નથી દીધું. તમે તો બસ આખ્ખો દિવસ પોયણી, પોયણી, પોયણી કરવામાં જ જિંદગીનાં અમુલ્ય વર્ષો વિતાવી દીધા. કયાંય પણ થેલેસેમિયા સંબંધી સેમિનાર કે વર્કશોપ હોય ત્યાં તમે બંને દોડી જતા. તમને ખુબ આશા હતી કે હું જલ્દી સારી થઈ જઈશ. હવે શરીરમાંથી વધારાનું લોહતત્વ કાઢવા માટેની ગોળીઓ ખાવાની રહેતી. સમય આમ જ સરતો રહયો. આટલા વર્ષોથી પેટ પર ને હાથો પર સોયનાં ટોચા ખાઈને શરીર, મન સઘળું યે જાણે છેદાઈ ગયું હતું. કયારેક હાથમાં નસ ન મળે તો પગમાં અને એકવાર તો કયાંય નસ ન મળી એટલે ગળાની નસમાં કાપો મુકીને લોહી ચડાવવામાં આવ્યું હતું. તું કેટલું રડી હતી. તારા વ્હાલા ઠાકોરજી સાથે પણ કેટલું ઝઘડી હતી, મમ્મી! તારા હર એક આંસુ મારા અંતરને છીણીની જેમ કોતરતા રહેતા. મને મારી જાત પર ખુબ ગુસ્સો આવતો. એમ થતું હવે બસ ! આવું જીવવા કરતાં તો આપઘાત કરીને મરી જવું સારું. હું પણ છૂટું અને તમે પણ છૂટો. પણ પછી તારો અને પપ્પાનો વ્હાલ નીતરતો ચહેરો નજર સામે તરવરતો અને મારા મનનાં બધા નબળા વિચાર ઉડન છૂ થઈ જતા. મા! મારે તમારી આટલા વર્ષોની તપસ્યા ને એળે નહોતી જવા દેવી. હું ઈશ્વર ને ખૂબ પ્રાર્થના કરતી કે પ્રભુ ! તું મને આ બીમારીમાંથી ઉગાર. મને મારી પીડાની ચિંતા નહોતી, મને તો મારી મમ્મી અને પપ્પા ને સમય સામે જીતાડવા હતા એટલે જ મેં મનથી નકકી કરી લીધું કે હવે તો જીંદગીના છેલ્લા શ્વાસ સુધી લડી લઈશ. મેં મારી પીડાને કાગળ પર ઉતારવા માંડી.
મારી થેલેસેમિયા સંબંધી કવિતાઓઓ અને આર્ટિકલ મેગેઝિનોમાં છપાતા એ પપ્પા સૌ ને ગર્વથી વંચાવતા. મમ્મી યાદ છે તને જયારે એફ. એમ રેડિયો પર આ઼પણા સેંટરના સોશ્યલ વર્કર અરુણાબેન સાથે મારો ઈન્ટરવ્યૂ પ્રસારીત થયો ત્યારે આખી સોસાયટીમાં સંભળાય એટલું મોટું વોલ્યુમ તેં રાખ્યું હતું અને પગ મચકોડાઈ ગયો હોવા છતાં ભાંગડા કર્યો હતો અને તને ખુશીથી નાચતી જોઈને પપ્પા એ પણ 'એ મેરી ઝોહરાજબી' ગાયું હતું અને તારી સાથે કેટલું નાચ્યા હતા. મમ્મી ! આપણાં થેલેસેમિયા ટ્રાન્સફ્યુશન સેંટરની પેશંટ નયનાના લગ્ન થયા અને વૈજ્ઞાનિક સંશોધનને કારણે તે માતા પણ બની ત્યારે મને પણ થયું હતું કે કોઈ સ્વપ્નનો રાજકુમાર સફેદ ઘોડી પર સવાર થઈને આવે અને મને ચુંદડી ઓઢાડીને તેની સાથે લઈ જાય અને તું તારું ફેવરીટ ગીત' બેના રે.....સાસરીયે જાતાં જો જો પાપણ ન ભીંજાય' ગાતાં ગાતાં મને વિદાય આપે. મારી સાસુમા મને પોંખીને મારા કંકુ પગલાં ઘરમાં કરાવે.
મમ્મી ! તું પણ આ સમાચારથી કેટલી ખુશ થઈ ગઈ હતી. તેં અને પપ્પા એ તો મારાં લગ્ન ના કેટ કેટલા સપનાં જોઈ નાખ્યા હતા પણ નિષ્ઠુર વિધાતાથી એ ન જોવાયું. અચાનક મારી તબિયત એકદમ લથડી અને મને આઇસીયુ માં દાખલ કરવામાં આવી. મમ્મી! તું તો જાણે છે કે મારી પાસે હવે બહુ ઓછો સમય છે. બિચારા પપ્પા તો હજી એજ ભ્રમ માં છે કે એમની પોયણી જલ્દી સાજી થઈને ઘરે આવશે. હું તારો અને પપ્પાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મમ્મી! મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરીશ?મારા મૃત્યુ બાદ પ્રાર્થના સભા રાખવાને બદલે થેલેસેમિયા જન જાગૃતિ અભિયાનનું આયોજન તેમજ ચેકઅપનો સેમિનાર રાખજે અને હાં અમારી જીવાદોરી જેનાં પર અવલંબિત છે એ રકતદાન શિબિર ગોઠવવાનું ભૂલતી નહીં. લગ્ન કરતાં પહેલાં જ જો થેલેસેમિયા ટેસ્ટ કરાવે તો થેલેસેમિયા નિવારી શકાય છે. માટે મમ્મી ! મારા ગયા બાદ તું રડતી નહીં. તારા આંસુઓને જ તારી તાકાત બનાવજે.
હું ઈશ્વર ને પ્રાર્થના કરું છું કે ભવેભવ મને આ જ મમ્મી પપ્પા આપે. પણ કોઈ બીમારી ન આપે. મમ્મી ! ૮ મી મે નાં વિશ્વ થેલેસેમિયા દિવસે મારો પત્ર ન્યુઝપેપર, વ્હોટ્સએપ, ફેસબુક તેમજ ટ્વિટર પર પ્રકાશિત કરજે. તું મારી આખરી ઈચ્છા પૂરી કરીશ ને? મારી જેમ કોઈ ની પણ પોયણી અકાળે મુરઝાઈ ન જાય તેને માટે મમ્મી તું આટલું કરીશ ને? મમ્મી! મને વચન આપ.
ચાલ, હવે હું રજા લઉં. ..પરીઓ મારી રાહ જુએ છે. મમ્મી! હું જલ્દી પાછી આવીશ. મારી રાહ જોજે. ..
એ જ લિ.
તારી વ્હાલી પોયણી.