Bharati Vadera

Inspirational

4  

Bharati Vadera

Inspirational

મમત

મમત

3 mins
205


  "મિત્રો ! હવે શેઠ ધિમંતરાયનું સન્માન તેમનાં દીકરી મીનળબેન કરશે." કાર્યક્રમનાં સંચાલકનો અવાજ માઈકમાં ગુંજયો અને તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ ગુંજી ઉઠયું. ધીમે પણ મકકમ પગલે શેઠ ધિમંતરાય સ્ટેજ પર આવ્યા.

           સફેદ ચોરણી-ઝબ્બા ઉપર બંધ કોલરનું જેકેટ, ઊંચો ખડતલ બાંધો, પહોળું કપાળ, સોનેરી ફ્રેમનાં ચશ્માંમાંથી આરપાર વિંધી નાખે તેવી માંજરી આંખો અને તેમનો ઘેરો અવાજ સામેવાળાને આંજી નાખવા પૂરતો હતો.

આજે વાર્ષિકોત્સવ નિમિત્તે પનવેલ સ્થિત 'ઓલ્ડ એજ હોમ' માં રહેતા બધા વડીલોને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મીનળ હાથમાં શાલ અને ગુલદસ્તો લઈને આગળ વધી.  

"પપ્પા ! તમે મારી સાથે રમોને ! મને ઘોડો ઘોડો રમવું છે." 

"તમને કીધુંને બેન ! મને અત્યારે ખૂબ કામ છે. તમારી મમ્મી સાથે રમો. "

" પણ મમ્મી કામમાં છે. તમે કયારેય મારી સાથે રમતા નથી." 

"કીધુંને એકવાર તોયે સમજાતું નથી ? રમા ! હમણાં ને હમણાં આ છોકરીને અહીંથી લઈ જાવ." 

ધિમંતરાયે જોરથી ઘાંટો પાડયો. મીનળ ધ્રૂજી ઊઠી અને રડતાં રડતાં માની સોડમાં લપાઈ ગઈ.

ધિમંતરાય શેઠ જે કહે તે બ્રહ્મવાકય ગણાતું. પહેલેથી જ તે શિસ્તનાં ખૂબ આગ્રહી. તેમણે બચપણ ખૂબ ગરીબીમાં વિતાવ્યું હતું. સખત મહેનત કરીને આપબળે આગળ આવ્યા  હતા. મુંબઈના ટોપ બિઝનેસમેનોમાં તેમની ગણના થતી. તેઓ હાથ પર લીધેલ પ્રોજેકટને પૂરો કરીને જ દમ લેતા. ઘડિયાળનાં કાંટા પણ એમની ગતિ સાથે તાલ મિલાવવામાં જાણે પાછળ રહી જતા.

એ ઘરમાં દાખલ થાય એટલે સોપો પડી જતો. એમનાં બુટનો અવાજ સંભળાય કે નાનકડો નીરજ અને મીનળ માથે ઓઢીને સૂઈ જતાં. ડીનર ટેબલ પર જમતાં જમતાં આખા દિવસનો રીર્પોટ લઈ ધિમંતરાય તેમનાં રુમમાં ચાલ્યા જતા. બાળકો સાથે રમવાનો કે વાતો કરવાનો તેમને બહુ ઓછો સમય મળતો. બાળકોને મોટા થતા કયાં વાર લાગે છે ? એ નાનકડી મીનળ પોતે બે સંતાાનોની માતા બની ગઈ હતી અને નીરજ પણ વહાલસોયા દીકરા ચિરાગનો પિતા બની ચૂકયો હતો.

                 " મીનળબેન ! સ્ટેજ પર આવતા કેટલી વાર ?" મીનળ જાણે તંદ્રામાંથી જાગી. ઝડપથી સ્ટેજ પર આવીને તેણે પિતાને શાલ ઓઢાડી ગુલદસ્તો આપ્યો અને ભેટી પડી. તેને ખૂબ કહેવુ'તું પણ અવાજ ગળામાં જ રુંધાઈ ગયો.

શેઠ ધિમંતરાયે માઈક હાથમાં લઈ સૌનો આભાર માનતા કહયું, " મિત્રો ! આજે પહેલીવાર મારે દિલની વાત કરવી છે. મને ખૂબ ગર્વ છે કે હું પણ એક પિતા છું પણ જીવનમાં ખૂબ આગળ વધવાની લાહ્યમાં હું મારા બાળકોથી ખૂબ દૂર થઈ ગયો. બાળકો કયા ધોરણમાં ભણે છે એ પણ મને ખબર નહોતી. રમા હતી ત્યાં સુધી બધું હેમખેમ પાર પડી ગયું.

છોકરાવને ઘેર પણ છોકરા થઈ ગયા પણ રમા મને છોડીને ભગવાનને ઘેર ગઈ ત્યારે હું તો સાવ નોંધારો થઈ ગયો. અમારો સંવાદનો સેતુ જ જાણે તૂટી ગયો. હવે મને લાગતું કે બધાં મારી દયા ખાય છે, કોઈને મારી પડી નથી. બધાં સ્વાર્થના સગા છે. બધાને મારામાં નહીં પણ મારા પૈસામાં રસ છે. હું બધાથી દૂર થવા લાગ્યો હતો અને એકવાર જિદ પર આવીને મેં ઘર છોડી દીધું. મને એમ કે મારી પાસે આટલો પૈૈસો છે, ચાર નોકર રાખી લઈશ. બધાએ કેટલી ના પાડી પણ આપણે માનીએ તોને.

અંતે અહીં તમારા સૌની સાથે આવીને રહ્યો. થોડો સમય તો બધા સરખે સરખાની સાથે બહુ મજા આવી પણ હવે ઘર બહુ યાદ આવે છે. નાનકડાં ચિરાગની ધમાલ મસ્તી અને ઊર્મિ વહુનાં હાથની ગરમાગરમ પૂરણપોળીની પણ બહુ યાદ આવે છે.

તમને બધાયને પણ અત્યારે ઘર અને ઘરનાંની બહુ જ યાદ આવતી હશે, નહીં ? એટલે જ કહું છું કોઈ મારી જેવી મમત કરશો નહીં. બાકી રહેલ જીવનને પોતાનાં પરિવાર સાથે ભરપૂર માણો અને જે છોકરાંવ પોતાના ઘરડા મા બાપને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે તેમને એટલું જ કહેવાનું કે તમારા મા બાપને તમારાથી અળગા કરશો નહીં. નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ તો થવાના પણ એ મતભેદને મનભેદમાં બદલવા ન દેતા અને અત્રે ઉપસ્થિત મિત્રોને પણ કહેવાનું કે તમારા બાળકો સાથે સંપીને રહો, વાતે વાતે ખોટી જિદ અને હું કહું તે જ સાચું એવો દુરાગ્રહ સેવી તમારા સંસારમાં ઝેર ઘોળશો નહીં."

"દાદુ ! હવે ઘરે જલ્દી ચાલોને. જો જો હવે મારી આંગળી છોડતાં નહીં."  નાનકડાં ચિરાગની આંગળી પકડી ધિમંતરાય શેઠે ઘર તરફ પ્રયાણ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational