વાદિલો વાળંદ - જોડાક્ષર વગરની બાળ બોધ કથા
વાદિલો વાળંદ - જોડાક્ષર વગરની બાળ બોધ કથા
સુંદરપૂર નામનું એક ગામ હતું. જેવુ નામ તેવું ગામ ! સરસ મજાનું આ ગામ નાની મોટી ટેકરીઓ અને નાના મોટા ઝરણાઓથી ઘેરાયેલ હતું અહી પાણી અને જમીન સરસ હોવાથી ખેતરમાં મોતીના દાણા જેવો પાક ઉતરતો હતો. સુંદરપૂર ગામમાં ઘણી જાતિના લોકો રહેતા હતા, કોઈ દરજી કામ કરે, કોઈ સુથારી કામ કરે કોઈ વૈદ રાજ રોગીઓની સેવા કરે. કોઈ કડિયા લોકોને મકાન બનાવી આપે, અને આ ઘણા લોકોમાં બે વાળંદ પણ રહેતા હતા, ગામ આખાની હજામત કરે અને નાની મોટી ખેતી કરતા હતા. ગામમાં બધા સુખી હતા. કોઈને કોઈ દુ:ખ હતું નહીં સૌ કોઈ સંપ અને ભાઈચારાની ભાવના રાખી આનંદ કરી જીવન જીવતા હતા.
આ સુંદર ગામમાં એક શેરીમાં આજુ બાજુ રહેતા તે વાળંદમાં એકનું નામ ચમન અને બીજાનું નામ રતન હતું, આ બેઉ કુટુંબ પડોશીઓ હતા, બંનેના પરિવારમાં સરસ મેળ હતો. પરતું ચમન નકલ ખોર હતો. રતન જે કાઈ પણ કરે અથવા કરવાનું નક્કી કરે એટલે ચમન પણ તેમની નકલ કરે.રતન વાળંદ તેમના ખેતરે ચોખા વાવે તો ચમન વાળંદ પણ ચોખા વાવે .રતન જેવા બુટ, રતન જેવા કપડાં .રતન તેના ઘરમાં લીલો રંગ કરાવે તો ચમન પણ લીલો રંગ કરાવે. આમ ચમન વાળંદ પૂરો વાદિલો. રતન વાળંદે તેનો દીકરો મગન ભણવામાં ડફોળ હતો એટલે તેને શાળામાંથી ઉઠાડી લીધો અને ખેતરે કામ કરવા મૂકી દીધો. તો ચમન વાળંદે પણ તેનો દીકરો ગગન ખૂબજ હોશિયાર હતો છતાં શાળાએથી ઉઠાડી તેને ખેતરે કામ કરવા મૂકી દીધો બેઉ વાળંદના ઘરની બારી સામસામે હોવાથી વાદિલા ચમનની આંખ અને કાન એ બારીને અડીને જ રહેતા, અને હંમેશા રતન હવે શું કરવાનો છે તે જાણવાની ઈંતેજારી રહેતી. કોઈ પણ હિસાબે તે રતનથી પોતે ઊતરતો નથી, તે પુરવાર કરવા, હંમેશા સીધા-સાદા રતનની નકલ કરતો રહેતો. સુંદરપૂર ગામ આખું ચમનની નકલખોરીથી પરિચિત હતું. ગામમાં બધા વાતો કરે કે આ જબરા નકલખોર લોકો છે! એક બીજાની નકલ જ કરતા હોય તેમ લાગે છે. આમ ગામમાં લોકો આ બે વાળંદની વાતો કરી મજા લેતા હતા. હવે નકલ તો ચમન વાળંદ કરતો હતો, પણ તેના લીધે નામ રતન વાળંદનું પણ ખરાબ થતું હતું. ચમનની આવી ગાંડી હરકતને રતન વિવાદ બનાવતો નહીં,પરંતુ જે વખતે, ચમને તેના હોશિયાર દીકરા ગગનને શાળાએથી ઉઠાડી લીધો અને તેને શાળાકીય કેળવણીથી વંચિત કીધો. તેથી રતન, ચમનથી ખુબજ નારાજ હતો. એક દિવસ રતનવાળંદે, ચમનની નકલ કરવાની આદત ભૂલાવવા, ચમનને પાઠ ભણાવાનો વિચારી એક યોજના બનાવી.
દિવાળીના દિવસ નજીક હતા અને ચમનના કાન સવળા થઈ ગયા હતા. આ દિવાળીએ રતનના ઘરે શું થવાનું છે તે સાંભળવા માટે તેમના કાન સાંજથી જ રતનના ઘરની બારીએ લાગેલા હતા. હવે રતનને મગજમાં પણ વિચાર આવ્યો કે, તેની યોજનાનો અમલ કરી પાઠ ભણાવવાનો આજ સરસ સમય છે. પરમદિવસે દિવાળીની ઉજાણી હતી. સુંદરપૂર ગામમાં બધાને ઘેર ચૂલો બંઘ રહેવાનો હતો. ગામના રસોડે યોજેલ સમૂહ ભોજન સમારંભમાં સૌ કોઈને સાથે બેગા મળી જમવાનું હતું. રતન ઘનતેરસના દિવસે, રાતના ઘનની પૂજા કરતો હતો, અને તે ઊભો થયો અને, તેના ઘરની બારી પાસે આવી જોરથી, ચમન સાંભલે તેવા મોટા અવાજે, તેની ઘરવાળીને કીધું, તને ખબર છે આજે ધનતેરસનો શુભ દિવસ છે અને આજે અજબ શુભ ચોઘડિયું છે ! આજે જો, તું તારા વાળ હમણાં કપાવી માથે ટકો કરે, તો એક કલાકમાંજ તારે હાલમાં છે તેનાથી પણ લાંબા અને ઘટાદાર અને રેશમ જેવા સુંવાળા નવા કેશ ઊગી જશે ! અને તારા કાપેલા વાળ ચાંદીના થઈ જશે, આપણે તે ચાંદી ચંદુ સોનીને આવતી કાલે સવારે આપી, તેની પાસે ચાંદીના પાણીપીવાના પવાલા લઈ આવશુ. દિવાળીમાં આપણે ઘેર જે કોઈ આવશે તેમને આપણે ચાંદીના પવાલામાં પાણી આપીશું, તો આપનો વટ આખા સુંદરપૂર ગામમાં પડી જશે ! અને ચમન અને તેની ઘરવાળી તેમનો જીવ બાળતા આપણને જોતા રહી જશે ! તું હવે મોડુ ન કર, સમય વીતી જશે તો, આવો મોટો મોકો જતો રહેશે,ચાલ ઝડપ કર હું તને તારા વાળ કાપી આપું તે સાચવીને બધાજ વાળ છાબડીમાં ભેગા કરીલે અને તારા માથે, હું ટકો કરી આપું અને તારા કાપેલા વાળની ચાંદી આ શુભ ઘડીએ ભેગી કરી લઈએ..
હવે વારો હતો વાદિલા ચમન વાળંદનો, તેણે તરત તેની ઘરવાળીના વાળ કાપી દીધા, અને તેની ઘરવાળીના કાપેલા બધા વાળ છાબડીમાં લઈ બેઠો. કલાક નહીં પણ રાત આખી વીતી પરંતુ ચમન વાળંદની ઘરવાળીના માથે ટકોજ હતો ,નહોતા નવા વાળ કે નહતી બની કાપેલા વાળમાંથી ચાંદી ! સવાર પડી, અને ચમનના પેટમાં ફાળ પડી કે દિવાળી જેવા મોટા દિવસે ઘરવારી તેના વાળ વગરનું ટકો કરેલું માથું લઈ ગામમાં જલેબી અને ઊંધિયાની ઉજાણીએ જશે તો. તેના ઘરની કેવી બદનામી થશે ? તે સીધો રતનને ઘેર ગયો, તેની ઘરવારીના વાળ જોવા. તેને જોયું તો, રતનની ઘરવાળીના વાળ જૂના બરછટ સફેદ અને ટૂંકા હતા, તેને માથે નવા કે કાળા વાળ નહતા. આખરે ચમન વાળંદની આંખ હવે તરત ખૂલી ગઈ, અને સમજી ગયો કે રતને રમત કરી તેને છેતરી, આખા ગામમાં ઠેકડીનું કારણ બનાવી દીધો હતો. ખોટી વિચાર વગરની નકલખોરીનો શું અંજામ આવવાનો હતો તે ચમનને મોડુ મોડુ પણ સમજાતું હતું. ચમન વાળંદની ઘરવાળી દિવાળીના દિવસની જલેબી ઊંધિયાની ઉજણીથી વંચિત રહી. રતને ચમનને, સમુસ ભોજન સમારંભમાં એકલો આવેલો ભાળી, તેની પાસે જઈ માફી માગી અને હાથ જોડી ચમનને કીધું કે "નકલ કર નહીં", "નકલ કરે ભાઈ, તો મગજ ચલાવીને કર". "મારો છોકરો ભણવામાં ડફોળ છે" "એટલે મે તેને ઉઠાડી ખેતરે કામ કરવા મૂકી દીધો હતો". "તારો છોકરો ગગન હોશિયાર, અને હોનહાર છે " "તું તેના ભાવિ સાથે ચેડાં ના કર", "મે તારા દીકરા ગગનની શાળાકીય કેળવણી ચાલુ રહે, અને ભણી ગણી તારું અને તારા કુટુંબનું નામ રોશન કરે" "તે માટે, મે આવું કરેલું હતું. મને આશા છે કે તું મને દિલથી માફ કરશે. અને હવે તું મારો વાદ છોડી,તારા છોકરાને શાળાએ ફરીથી ભણવા મૂકશે. ચમન હવે તેની ભૂલ બરાબર સમજી ગયો અને તે દિવસથી તેણે કોઈના વાદ કે આંધળી નકલ કરવાનું છોડી દીધું છે.!
દિવાળીની ઉજાણીમાં મહાલવાનુંતો ઠીક, પરંતુ ,છ મહિના સુધી ચમનની ઘરવાળી ઘરમાં ગોંધઈ રહી તેના નવા વાળ ઊગે, તે માટે રાહ જોવા બેસી રહી, તે બદલ ચમન પોતાને દોષી માનતો હતો. પરંતુ ગગન ખુશ હતો, તેનું શાળાએ જવાનું અને ભણવાનું ચાલુ થઈ ગયું હતું અને ગગન રતન કાકાનો આભારી હતો.
