STORYMIRROR

Bhumi Rathod

Inspirational

4  

Bhumi Rathod

Inspirational

ઊણપનો અવસર

ઊણપનો અવસર

7 mins
287

ચોમાસાની વહેલી પરોઢે પણ આ મંદ-મંદ વરસતો વરસાદ તો હાંફવાનું નામ જ નો'તો લેતો. સુશિલાબહેન પોતાના રૂમનાં ખૂણામાં રહેલી બારીએ ઝૂકીને ઊભા છે. વરસાદના ટીપા ધરતી પર સરકતાં જાય છે. તેને કાનથી માણી રહ્યાં છે. તેની આંખોમાં ઊંઘ કે સત્તાવન વર્ષની ઉંમરનો થાક ન્હોતો. તે મનોમન ખુશ હતાં. અચાનક વરસાદની ગર્જનાની સાથે વીજળીનો ભેંકાર અવાજ તેમના કાને અથડાયો. તેમના ચહેરા પર નિરાશા આવી. ધરતી પર સરકતાં ટીપાની સાથે પોતાના પૂવૅજીવનમાં સરકી ગયાં.

તેનો જન્મ ભાવનગરના નાનકડા બુધેલ ગામના પટેલ પરિવારમાં થયો હતો. જન્મના સમયે તેઓ પોતાની પાંચેય ઈન્દ્રિયોથી સશક્ત હતાં. સાત વર્ષનાં થયાં ત્યારે મેનિન્ટાઈટિસ નામની આંખની ગંભીર બીમારીમાં જકડાય ગયાં. તેની આંખે અંધાપો છવાઈ ગયો. દીકરીને આવી કપરી સ્થિતિમાં જોઈને, માઁ-બાપે દીકરીનાં આંખના રતનને પાછું લાવવા દવાઓ, આયુર્વેદિક દવાઓ અને મોટા-મોટા ઓપરેશન જેવા અનેક પ્રયાસો કર્યા. પણ જેના નસીબમાં દ્રષ્ટિએ અંધાપો જ. ‌. ‌.

થોડો સમય જતાં સુશિલાબહેન મક્કમ તો રહ્યાં, પણ ભીતરમાં આ ખોટનું મોજું ફરી વળ્યુ હતું. ભાવનગરની અંધયુવતીઓની શાળામાં શિક્ષણ મેળવ્યું. બે વર્ષ પછી મૂળચંદભાઈ જેવા વાચાળ સ્વભાવના પુરુષ સાથે પરણે છે. તેઓ પણ અંધ હતા. મૂળચંદભાઈનો સ્વભાવ ખુશમિજાજી હતો. કયારેક બંને પોતાની શારીરિક ખોટની સંવેદનાને એકબીજાની સામે ઠાલવતાં. આર્થિક રીતે તેઓ પોતાના જીવનમાં સુખી હતાં.

સુશિલાબહેન કંટાળીને ઘણી વાર પોતાના પતિને કહેતાં"ભગવાનને આ ખોટ શું કામ આપી હશે,જો ખોટ જીવનભર આપવી હતી,તો જન્મ પછીના છ વર્ષ આ જગતને નિરખવાની દ્રષ્ટિ શું કામ આપી ?"કહીને તેઓ ચૂપ થઈ જતાં. મૂળચંદભાઈ પત્નીને મોઢે હંમેશા઼ આવું સાંભળતાં ત્યારે તે કહેતા"તું કહે છો કે ભગવાને આ ખોટ શું કામ આપી? એની કરતાં એમ વિચારને,કે ભગવાને આ ખોટ આપણને જ આપી છે. તેની પાછળ ભગવાન નું કંઈક કારણ હશે. "

આ વાક્ય સુશિલાબહેનના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું,તે મનોમન બોલ્યાં,"શું મારે આ ખોટને કાર્યમાં,આનંદમાં અને શોખમાં પરિવતૅન કરવી જોઈએ?"થોડાક દિવસો પછી તે જ્યાં ભણ્યા હતાં,તે અંધ-યુવતીની શાળામાં શિક્ષક તરીકે સેવામાં જોડાયાં. તેના સંપકૅથી તેને અહેસાસ થયો,કે જગત પર હું જ નહીં,ઘણાની આવી સ્થિતિ હોય છે. પ્રજ્ઞાચક્ષુ યુવતી, સ્ત્રીઓ સાથે રહીને તેઓ આંખથી નહીં,પણ કાન અને આંખથી જગતને અનુભવવા લાગ્યાં. અંધ હોવાથી શિક્ષણ કેમ મેળવવું એ સુશિલાબહેનને ઘણું અઘરું લાગતું હતું,એમની માતા હંમેશા કહેતાં કે શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. તે સુશિલાબહેનને આજે સમજાય છે,તેઓ પોતાની વિચારધારામાં શિક્ષણને ખૂબ મહત્વ આપવા લાગ્યાં.

 પાનખર ઋતુનો પવન વાતો હતો,દસ વાગ્યા ની રિશેષમાં સુશિલાબહેન વૃક્ષના છાંયડા નીચે બેઠા હતાં. અંધ વિદ્યાર્થિનીઓ સાથે જોડાયને તેને શાંતિનો અહેસાસ થતો હતો, વૃક્ષ પરથી જીણૅ થઈને ખરતાં પાંદડાં,આજે તેમના મનોહૃદયની સંવેદના પર મલમ લગાડતાં હોય એવું લાગતું હતું. મનમાં આનંદનો અહેસાસ આ ઊડતાં પાંદડાની માફક ઊડી રહ્યો છે. વૃક્ષોની આસપાસ,હિંચકા પર,લસરપટ્ટી ની પાસે અંધ વિદ્યાર્થીનીઓ બેઠા-બેઠા રમી રહ્યા છે. એક ચોકીદાર ખુરશી પર બેસી બધાનું ધ્યાન રાખીને એકી નજરે બેઠો છે.

ઊંચા અવાજે સુશિલાબહેન અંધ -વિદ્યાર્થીનીઓને કહે છે,"ચાલો. . . બધા હવે ખંડમાં ચાલો. "થોડીવાર રહીને બોલે છે,"રિશેષ પુરી થવાનો સમય થયો છે. "વિદ્યાર્થીનીઓના સમૂહમાંથી ધારા મોટા અવાજે, પણ ગંભીર રીતે બોલે છે,"ગુરૂ માઁ રમવા દયો ને. . . . પછી કાલે તો" હું. . . "સુશિલાબહેન જ્યાંથી આ સંવાદ સાંભળ્યો એ બાજુ જઈને ધારાને કહે છે,"શું થયું. . . . ધારા કેમ બોલતી નથી,બોલ શું કહેતી હતી?" ધારા કહે છે,"કાંઈ નહીં,ગુરૂમાં, એ. . . તો". સુશિલાબહેન સમજી ગયાં.

અહીં અંધ-વિદ્યાર્થીઓ ઓને ભણવા મળતું પણ તેનો ખચૅ ઘણો થતો. સુશિલાબહેન આ શાળા સાથે જોડાયાં તેને સાત-આઠ મહિના થયા હતા. તેમના ખંડના અંધ વિદ્યાર્થીનીઓ ગરીબીને લીધે ક્યારેક જ ભણવા આવી શકતાં,તો કોઈક વિદ્યાર્થીને હંમેશા માટે શાળા છોડવી પડતી.

આ બધું જોતાં-સમજતાં, વિદ્યાથીઓના જીવનનું નિરીક્ષણ કરતાં તેને સમજાયું હતું. થોડીવાર પછી ચોકીદાર બધા વિદ્યાર્થીનીઓને લાઈનમાં ખંડમાં લઈ જાય છે. જે આનંદની ફોરમ હૃદયમાં ઊડતી હતી તે ગરીબ વિદ્યાર્થીનીઓના નિરાશા ભરેલા ચહેરા પાછળ દબાઈ ગઈ. તે ધીમે-ધીમે ખંડ તરફ ડગલાં માંડે છે. ચાલતાં-ચાલતાં તે વિચારે છે,"મારી પાસે બધું છે, છતાં મારા જીવનમાં આનંદનો અભાવ છે. જયારે આ વિદ્યાર્થીનીઓ અંધ છે,ભણવા પૈસા નથી, છતાં પણ આનંદમાં રહે છે. રમવા આતુર થાય છે. "

 તેના ગળામાં ડૂમો ભરાય જાય છે. તે બોલવા કરે છે પણ બોલી નથી શકતી. ખંડમાં પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીનીઓ બાળગીતનું ગાન કરતી હતી. એકએક બાળયુવતીઓ સામે સાંભળતા તે મનમાં બોલી ઊઠે છે,"જીવનની આ બાળાઅવસ્થામાં આ બાળયુવતી તો નહીં સમજે કે, જીવનમાં શું જરૂરી છે. જીવનના ત્રીજા તબક્કામાં હું તો સમજું છું ને,ભણવુ કેમ જરૂરી છે. "પોતાનો ડાબો હાથ આગળની પાટલી પર બેઠેલી બાળયુવતીના માથા પર ફેરવતા મનમાં બોલે છે,"મારે. . . પણ,કંઈ રીતે આ બધાની મદદ કરવી?" વિદ્યાર્થીનીઓ સામે હોવા છતાં તેને અંધકાર લાગ્યો. હાથ સીધાં કરી, મુઠ્ઠી વાળતાં,જિજીવિષા ને લીધે તેનું હૃદય બોલી ઊઠ્યું,"જો હું અંધ ન હોત તો. . . આ. . . "

થોડાક વર્ષો પછી વહેલી સવારે રૂમની બારીમાંથી તેઓ સફેદ ચંદ્રના ઉજાસને માણી રહ્યાં હતાં. થોડો વખત જતાં પ્રાકૃતિક પરિવતૅનને લીધે તેને જાણ થઈ કે હવે ચંદ્ર જાય છે,અને અરૂણોદય પ્રકાશ પાથરશે. તેમના મનમાં ટકોર થઈ. તે મનોમન બોલ્યાં,"ચારે બાજુ અંધારામાં રહેલા ચંદ્રને કેમ ખબર પડે છે, કે હવે સૂરજ ઊગવાનો છે? ચંદ્ર પણ સંપૂર્ણ રાત્રિના અંધારાની વચ્ચે રહ્યો છે. અંધારામાં રહેવા છતાં પણ તે પોતાની ગતિને વધારે છે. "તરત જ સુશિલાબહેનના હાથ સળવળ્યા.

દિવસે પતિને વાત કરી કે ,મારે આજીવન અંધયુવતીઓને સેવા મળે એવું કાર્ય કરવું છે. "આ વાત માતા-પિતાને કરી. સેવાકીય કાર્યપ્રવૃત્તિની વાત સાંભળી માતા-પિતાએ અને સાસુ-સસરાએ સાથ આપ્યો. અઠવાડિયા પછી વહેલી સવારે અરુણોદયના તેજસ્વી વાતાવરણમાં બાહ્યથી અંધ દ્રષ્ટિ પણ ભીતરથી અરુણ જેવી જ તેજસ્વી દ્રષ્ટિ સાથે સુશિલાબહેને ભાવનગરમાં સંસ્થાનું મૂહુર્ત કરી, સંસ્થાનો પ્રારંભ કર્યો. તે સંસ્થાનું નામ રાખ્યું,"શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ. "

સેવાના આવા ઉમદા કાર્યમાં સેવાભાવી મહિલાઓ અને ભાવનગરના ઘણા વિદ્વાન પુરુષ આ સંસ્થા સાથે જોડાયા. સુશિલાબહેન પોતે અંધ અને સેવા પણ અંધ મહિલાઓને આપવી એ ઘણું કઠીન હતું. એટલે થોડું ઘણું સંસ્થાલક્ષી કાર્ય તેના મોટાભાઈ સંભાળતાં. જયારે અંધ રહેવા છતાં,જગતના સૌંદર્ય ને કેમ માણવું,પગભર કેમ બનવું જેવા અનેક અંધયુવતીઓથી થઈ શકે,તેવા જીવનલક્ષી કાર્યો સુશિલાબહેન શીખવતાં હતાં.

આ સંસ્થામાં ગામડામાં રહેતી, નગરોમાં રહેતી અંધયુવતીઓ સંસ્થામાં શિક્ષણ મેળવવા આવતી. સમયાંતરે આ સંસ્થાનો બમણો વિકાસ થયો. સંસ્થા સાથે અમદાવાદનું "માનવજયોત આનથઆશ્રમ" સેવાકીય ક્ષેત્રે આ સંસ્થા સાથે જોડાયું. આ સિવાય અંધમહિલાઓ જેને પોતાનું આશ્રિત સ્થાન ન હોય તેવી મહિલાઓના રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી. આ સંસ્થામાં શાસ્ત્રીય નૃત્ય,ચિત્ર, સંગીતકળા, સાહિત્યકળા જેવી અનેક કળાનો વિકાસ થયો. આ કળાઓનો લાભ સંસ્થાની ત્રણસો જેટલી અંધયુવતીઓને મળે છે. સુશિલાબહેન જે શાળામાં ભણ્યાં તે શાળાની પંચાવન જેટલી અંધ મહિલા હેઠળ આંતરિયાળ ગામડામાં રહેતી યુવતીઓ અને જેનું કોઈ આશ્રિત સ્થાન ન હોય,અનાથ હોય તેવી બાળયુવતીઓ આ સંસ્થા સાથે જોડાયને અન્ય જીવનપ્રયોગી તાલીમ મેળવે છે. સુશિલાબહેન અને મૂળચંદભાઈ મળીને પચાસ જેટલી અંધયુવતીઓને પગભર બનાવે છે. એટલુ જ નહીં,આ યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી શોધીને તેના લગ્ન કરાવે છે.

સુશિલાબહેન માનવસેવાના કાર્ય સાથે જોડાયાં,તે પ્રસંગથી માતા-પિતા ખૂબ ખુશ હતાં. તેના પિતા કહે છે કે,"આપણી સુશિલા સેવાકીય ક્ષેત્રે જોડાયને માનવધર્મ નિભાવી રહી છે. "ત્યારે એના વળતાં જવાબ માં એની માતા કહે છે,"હા,કોઈપણ સ્થિતિમાં બીજા માણસને ઉપયોગી થવું. એ માણસના જીવનનો મોટો ગુણ છે. "સુશિલાબહેન અંધયુવતીઓમા 'પ્રજ્ઞાદીદી'તરીકે ઓળખાવા લાગ્યા.

એક ગીતા નામની લાગણીશીલ અંધયુવતી હતી. તેને ઘણીવાર કોઈકના મોઢે સાંભળવા મળતું કે,આ દુનિયા ખૂબ જ સુંદર છે, ત્યારે ગીતાનું મન વસવસો અનુભવતું. ગીતા એની બહેનપણી સામે વ્યક્ત કરતાં કહેતી,"હું સંગીતકળા શીખી, સાહિત્ય કળા શીખી,તાલીમ લીધી પણ. . . અંતે તો હું જોઈ નથી શકતી. . ને. . . "કહીને તે રડવા લાગતી. એની બહેનપણી એને સમજાવે છે, એનાથી ગીતા ન સમજે તો અન્ય યુવતીઓ સુશિલાબહેનને બોલાવે છે. તેઓ ગીતાને સમજાવતાં કહે છે,"ગીતા આપણે એમ સમજીને રહેવાનું છે કે આ એક અલગ દુનિયા છે, જ્યાં આંખથી નહીં પણ હૃદયથી દુનિયાને જોવાની છે. ભલે આપણે બધા જોઈ નથી શકતાં, પણ સમજીએ તો છીએ ને. મનુષ્ય માટે માત્ર આંખની દ્રષ્ટિ નહીં,હૃદયની દ્રષ્ટિ પણ જીવન માટે જરૂરી હોય છે. અને સફળ ત્યારે જ કહેવાય જ્યારે તે પોતાના હૃદયને પારખી શકે,ગીતા તું સમજી. "ગીતા હા પાડે છે. સુશિલાબહેન કહે છે,"માટે દુનિયાને જોવા પ્રથમ હૃદયની દ્રષ્ટિ જરૂરી બહેનો. "આમ કહીને યુવતીઓને સહાનુભૂતિ આપતાં હતાં. સુશિલાબહેન અને ગીતા થોડું-થોડુ મલકાતાં. ગીતા સુશિલાબહેનને ગળે બાથ ભીડી લેતી.  સૂર્યનો આછો તાપ વાદળાઓની ભીતરમાંથી થોડો-થોડો સુશિલાબહેનના ચહેરા પર આવ્યો. આ તાપ તેના ચહેરાને ઉષ્ણ લાગ્યો. એ ઝબકયાં,વરસાદનો અવાજ બંધ થતાં તેમના કાન સળવળ્યા. પૂવૅજીવનની સંવેદનામાં આળોટી ફરી ઉત્સાહમાં આકાશ સામે ચહેરો કરીને સ્મિત કર્યું. મૂળચંદભાઈ આંખો ચોળતા બારી પાસે આવ્યા ને કહે,"વે'લી સવારના ચાર વાગ્યાથી સવારના સાડા સાત થયા. . . . તને ખબર છે ? કે નહીં. તું. . . હજી સુધી ઊભી છો !"

 તેના પતિ સામે સ્મિત કરીને આકાશ સામે ચહેરો કરીને થોડું મલકાતાં કહે છે,"આજે હું ભગવાનને મારી ખોટની ફરિયાદ કરવા નહીં પણ. . . આ ખોટને અવસરમાં ફેરવ્યો એટલે આ જીવનવિધાતાને ધન્યવાદ કહેવા ઊભી છું. "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational