અંધારામાં અજવાળું
અંધારામાં અજવાળું
એક બાજુ માળામાં ચકલીઓ ચિચિયારા કરતી, તો ઝાડવે કોયલ મધુર ગાન કરતી હતી. મધ્યાહનો સમયે. . . માધવ ખેતરેથી સામુકાકાને ખેંચતા ઘરે લઈ આવે છે. સામુકાકા ન્હાય ગયેલાં મુખે,એમાં પણ કળતરને લીધે લાલ થઇ ગયેલી આંખોથી માધવને થોડી વાર જોઈ ધરામાં મોઢુ સમાવી લે છે. "જાવ. . . . કહુ સૂ ને. "જોરથી રાડ નાખી માધવ સામુ કાકાને કહે છે. "જાવ . . તમે તો કાકા મારા બાપા જગ્યાએ સો. "આ સાંભળી કાકા ધરામાંથી માથુ ઊંચુ કરતાં માધવની સામુ જુએ છે. "કાકા તમને બઉ કળતર સે. . "ઘરે જઈ દવા લ્યો . કામ તો પછી કરવાનું જ સે ને'.
સામુ કાકાને ઘરે મોકલી હસતાં મુખે માધવ ઘરમાં પ્રવેશે છે, ત્યાં કેસરને રસોડામાં જુએ છે. આમ રસોડામાં કેસરને ને કામ કરતાં જોઈને માધવ એકી નજરે કેસરને જોય રહે છે. કેસર પણ પતિને સામે થોડું મલકાયને ગભરાઈ છે. માધવની સામુ જોઈ ધીમેથી બોલે છે,"હા. . . હું જાણું સુ. પણ હું કરુ નથી ગમતું. "માધવ તો જાણે એની એ જ ઘટનાથી કંટાળી ગયો હોય ,એમ કેસરને સમજાવતાં કહે છે,"કેસર હું ક્યાં નથી જાણતો . . પણ તું તો જાણો છો ને. એમા આપણા બા તને આ હાલતમાં કામ કરતાં ભાળી જશે તો. . . . . "કેસરને એના સાસુનો વિચાર આવતાં ગભરાવા લાગે છે. માધવ કેસર સામુ જોતા બોલે છે,"અલીય. . . સૂ. . . . વિચારહસ,સાંભળ. . . "કેસર ગભરાતા બોલે છે,"હા. . . હાભળુ સુ,પણ આ દા'ડે તો બા. . . એ દીકરાનુ મોઢુ જોવાની આપણી માવડી હામે જીભ કસરી છહ. . . કેસર વિનંતી ભયૉ સ્વરે માધવને કહે છે,"હે. . તમને કવ સૂ. . . આ છોકરો જણવો એ મારા હાથની થોડી સ. . . "
એક ઊંડો પૂર્વજીવનનો નિસાસો જોરથી કેસરના રુદનમાં નખાય જાય છે,કેસર વિચારે છે,ત્રણ-ત્રણ કહાવડ થઈ. એક સંતાનના માતા પિતા બનવાનું સુખેય ન મળ્યું. કેસરની આંખો ભીની થઈ. એથી વધુ એનું માતૃહદય. ત્યાં કેસર આંસુ લૂછતાં માધવને કહે છે,"ના. . . . ના. . . તમે બોવ વિસારતાં નહીં આ વેળાએ. . . છોક. . . "કેસર બોલતાં થંભી જાય છે. માધવ કેસરને ખંભે હાથ મૂકે છે ને કહે છે,"કાં. . કેસર ,કેમ બોલતી નથી. "કેસરથી ન રહેવાયું,તે ફરી પાછી રુદન કરવા લાગે છે. ત્યારે માધવ આશ્વાસન આપતા કહે છે,"રડ મા કેસર રડમા. . . ઈશ્વરે ધારી હશે તો કાલે. . . આ આંગણામાં ચકલીઓની ચિચિયારીઓ સાથે ઘરના કુળદીપકના રડવાનો અવાજ પણ ગૂંજતો થશે'. કયારેક સૂર્ય તો ચંદરવો. . . તો જીવતરમાં હેંડયા રાખે હો, એમાં રોવાનું હોતું હશે. . ગાડી. " કેસરને સમજાવી માધવ ભાણે બિરાજે છે.
સત્સંગ કરીને કેસરની સાસુ ગંગાબા ઘરે આવે છે. આવીને ઉત્સાહથી, રોટલા ટીપતી કેસર સામુ જોઈને બોલે છે,"કેસરવોવ હાંભળો. . . સો. . . . હું આપણા ગામનાં સાધુને ત્યાં થઈને આવી, કીધું કે આ વખતે તો દીકરો જ અવતરશે. "આ વાત સાંભળી કેસર રોટલા ટીપતી બંધ થઈ જાય છે. ત્યારે વાળુ કરતો માધવ વાત કાપતાં બોલે છે, "બા. . અત્યારે વાળું પરવારીએ,તારનુ જોશું તારે. . . "
દિવસો મહિનાઓની માફક ચાલ્યા જાય છે. કેસરની ગર્ભધારણની ઘડી આવીને ઊભી રહે છે, દિવસે ગરમ લૂ નો વાયરો ફેંકાઈ છે. સાંજે ફળિયામા પુનમનો ચાંદો ઊગ્યો છે. ઉનાળાની ઋતુ એટલે આંખો દા'ડો તડકો, લૂ ભોગવી કેસર ફળિયામાં પાથરેલ ઢોલિયે બેઠી છે. ગંગાબા ઓરડામાં માળા જપે છે. માધવ ગાયોને દો'વા માટે પહેલા નીરણ આપે છે . ગાયના વાછરડાને દોરડાથી બાંધ્યો હતો, એ દોરડું છોડી દે છે, એ ભેગુ વાછરડું પોતાની માતા પાસે દોડી જાય છે, વાછરડું ગાયના મુખને ચાટવ
ા લાગે છે. આ ક્રિયા એકી નજરે માધવને કેસર જોવે છે. એકબીજા સામુ મલકાય છે. ત્યારે કેસર પોતાની નજર ઝુકાવીને પોતાના ઉદર પર હાથ ફેરવે છે, માધવ ગાય દો'વા લાગે છે. ત્યાં અચાનક કેસર ઉદર પર હાથ ફેરવતાં દુખાવો ઉપડે છે, કેસર આ. . . . હ. . . . આ. . . ની બૂમો પાડવા લાગે છે, માધવ ગાય દોતો- દોતો ઊભો થાય છે, ત્યાં વાછરડો ગાયના આચળને ચાટવા લાગે છે, કેસરને પૂછે છે, "શું થયું ? દુખાવો થાય છે "ત્યાં કેસર જોર થી બુમ પાડે છે, "માં. . . . આ. . . . . "કેસરનો અવાજ સાંભળી ઓરડામાંથી ગંગાબા આવે છે. આવીને ઉતાવળે માધવને કહે છે,"માધલા મને લાગે સે, એ ઘડી આવી ગઈ. "કેસરનો અવાજ સાંભળી પાડોશમાં રહેતા રતનમાસી આવે છે, સુયાયણને બોલાવી લાવે છે,માધવ કેસરને તેડી ઓરડા ભણી લઈ જાય છે. સુયાયણ આવે છે, ઓરડામાંથી કેસરના પીડાગ્રસ્ત બરાડાનો અવાજ આવે છે. માધવ ઓરડા ભણી વારંવાર જોતો એક હાથે બારહાંક પકડી ઊભો છે, ફળિયામાં ગાય વાછરડાનો વ્હાલનું કૌતુક જોતા વિચારમાં ડૂબે છે, "ત્યાં ઊ. . . . આ. . . . આ. . . "નો અવાજ સંભળાય છે,સુયાયણ આવી માધવને વાવડ આપે છે, ''માધલા મોં મીઠા કરાવય. . . મોં મીઠાં. તુ તો બાપ બન્યો. "
આ સાંભળી માધવ ને,તો જાણે ભગવાને દેખા દીધા હોય એમ માતા સમાન સુયાયણ બાયને પગે પડે છે,ત્યારે સુયાયણ કહે છે,"જાવ. . . બાપા જાવ". જુઓ તો ખરા ઈશ્વરે તમને રાજી કર્યા. તમારા ઘરે તો હવે અંધારે પણ અજવાળા થયા સે. " એ જ વેળાએ રઘવાયા થતો માધવ ઓરડામાં જાય છે, માધવ - કેસર સામુ જોઈ તરત પોતાના સંતાનનું મુખ જુએ છે.
એ ઘડીએ માધવની આંખો ભીની થાય છે, એ જોઈ કેસર નિરાશ થાય છે. બીજી બાજુ માધવ હોંઠથી હસે પણ છે,કેસર હાથ વાળીને પથારીમાંથી બેઠી થાય છે. તો બીજી બાજુ ગંગાબાને જાણે સાપે ડંખ દીધો હોય એમ મોં રાખી ભોંય પર માથે હાથ દઇ બેઠા છે. માધવ એના બા ને ઊભા કરવા જાય છે. ત્યાં કેસર બે હાથ જોડી વિનંતી ભયૉ સ્વરે બોલે છે ,"મને માફ કરો. "માધવ આંખો લૂછતાં લૂછતાં કેસરની આ ક્રિયાને જોઈ રહે છે. કેસર આગળ બોલે છે, "આ વેળા એ, હું મારા પેટ ના જણ્યા ને જન્મ તો આપી શકી . પણ તમારા કુળદીપક ને નહીં. "કહી કેસર ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. સાંભળી માધવ બોલે છે, "શાંત થા. . . કેસર ,તો હું થયું કુળદીપકને જન્મ ન આપ્યો તો, તું ભૂલે છો કેસર. દીકરી તો ઘર નું અજવાળું કહેવાય. એકવાર તારી આજુબાજુ તો જો. . . આ પૂનમની રાત છહ,પણ આપણા ફળિયે હવે અજવાળુ થયું. "
થોડીવાર રહીને માધવ એના બા સામુ જોઈને બોલે છે,"તમારે દીકરો જોતો ને. પણ આ તારા આ દીકરાની શું આરત સે, એ તો તે જાણી નઈ બા. . . . ,બા. . . તું તો બાઈજાત. . . જાણે સો ને એક દીકરી જ મરદપણુ ધારણ કરી બેઠા બાપના કાળજાને પણ રુંધાવી શકે. બા. . . તુ જાણે સો ને,મારે બહેન નથ. જે વિદાય વેળાએ મનેય રોવડાવે. "માધવના મુખે આવુ સાંભળી ગંગાબા હતપ્રભ થઈ જાય છે. માધવ એની દીકરી સામુ જોતા બોલે છે,"બા દીકરી તો લાગણીનો દરીયો હોય સે,હા. . . એ પણ હાચી વાત દીકરો વંશવેલો વધારે. પણ દીકરી બે ઘરને ઊજળા કરે બા"
માધવ એના બાના ખોળામાં માથું ઢાળતાં બોલે છે,"આ દીકરીની લાગણીમાં મને ભીંજાવા દે. . . બા. . . "ગંગાબા માધવનાં માથામાં હાથ ફેરવતાં-ફેરવતાં રડવા લાગે છે. કેસર પણ આ સાંભળીને એની દીકરીને જોવે છે. ગંગાબા માધવને ભેટી પડે છે. ભેટીને ઊભા થઈ કેસરના ખાટલે જઈ વ્હાલસોયા દીકરીના કોમળ ચહેરાને નિહાળતા રહે છે.