STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

5  

હર્ષદ અશોડીયા

Inspirational

ઉડાન

ઉડાન

6 mins
0


"જે સહારો આપે છે તે અજાણતા  પાંખો કાપી નાખે છેપણ જે પડકાર ફેંકે છે તે  જીવને આત્મનિર્ભરતાનું આખું આકાશ આપે છે!"


ચૈત્ર માસનો સોનેરી સૂર્યાસ્ત થવાને આડે હવે ગણતરીની ઘડીઓ જ બાકી હતી. પ્રકૃતિ પોતાના શાંત રવમાં લીન હતી, પરંતુ એ જ સમયે એક વટવૃક્ષની ડાળી પર હૃદય કંપાવી દે તેવું આક્રંદ છવાયેલું હતું. એક નાનકડું પંખીડું (પરિંદો), જેણે હજી હમણાં જ દુનિયામાં આંખો ખોલી હતી અને પાંખો ફફડાવવાનું શરૂ કર્યું હતું, તે પવનના એક પ્રચંડ ઝાપટાને કારણે પોતાના માળાથી અને પરિવારથી વિખૂટું પડી ગયું હતું. ઘરથી ઘણું દૂર અજાણ્યા પ્રદેશમાં તે આવી પડ્યું હતું. સાંજ ઘેરી બની રહી હતી અને તેની સામે એક મોટો પ્રશ્ન હતો—પોતાના માળા સુધી પહોંચવું કઈ રીતે? કારણ કે તેને હજી સરખી રીતે ઊડતા પણ નહોતું આવડતું.

બીજી તરફ, તેના માતા-પિતા અને પરિવારજનો આકુળ-વ્યાકુળ થઈને તેની રાહ જોઈ રહ્યા હતા. સંતાન પ્રત્યેનો મોહ અને ચિંતા માતા-પિતાને કોરી ખાતા હતા.


 मातुः परदैवतम्। પંચતંત્ર

 

માતાથી મોટું કોઈ દૈવત નથીઅને સંતાનની પીડા માતા-પિતા ક્યારેય સહન કરી શકતા નથી.


તે નાનું પંખી વારંવાર પોતાની નાજુક પાંખો ફફડાવી થોડું ઉપર ઊડવાનો પ્રયત્ન કરતું, પણ હજી પાંખોમાં એટલું બળ ન હોવાને કારણે ધબાક  દઈને નીચે જમીન પર પડી જતું. પડવાને કારણે તેને નાની-મોટી ઈજાઓ પણ થઈ રહી હતી, છતાં આશાનું એક કિરણ હજી તેના હૃદયમાં જીવંત હતું. કહેવત છે ને કે, "હિંમતે મર્દા તો મદદે ખુદા."

બરાબર એ જ સમયે, થોડે દૂર એક ઘટાદાર વૃક્ષ પરથી એક અનુભવી અને પ્રૌઢ પંખી પોતાના મિત્ર સાથે આ આંખુય  દ્રશ્ય ખૂબ જ ઝીણવટપૂર્વક જોઈ રહ્યું હતું. નાના પંખીની વ્યાકુળતા અને વારંવાર નિષ્ફળ જવાની મથામણ જોઈને તે બંને તેની નજીક આવ્યા. અજાણ્યા પંખીઓને પોતાની તરફ આવતા જોઈ નાનું પંખી ક્ષણભર માટે ડરી ગયું, પણ પછી તેના મનમાં થયું, "કદાચ આ વડીલો મને મારા ઘર સુધી પહોંચવામાં મદદ કરશે."

અજાણ્યા પંખીએ ગંભીર અવાજે પૂછ્યું, "કેમ અલી દોસ્ત! આટલો બધો હેરાન કેમ થાય છે? આ સમયે અહીં શું કરે છે?"

નાના પંખીએ આંખમાં આંસુ સાથે કાલાવાલા કરતા કહ્યું, "મહાનુભાવ, હું મારો રસ્તો ભટકી ગયો છું. સાંજ પડવા આવી છે અને મારે ગમે તેમ કરીને મારા ઘરે પહોંચવું છે. મને હજી બરાબર ઊડતા નથી આવડતું. મારા પરિવારના સભ્યો મારી ચિંતામાં અડધા થઈ ગયા હશે. શું તમે મને થોડું ઊડતા શીખવી રસ્તો બતાવી શકશો? હું ક્યારનોય પ્રયત્ન કરું છું, પણ દર વખતે નીચે પડી જાઉં છું!"

તે અનુભવી પંખીએ થોડી વાર વિચાર કર્યો. તેની આંખોમાં એક અનોખો ચમકારો હતો. તેણે મદદ કરવાને બદલે કટાક્ષમાં હસતાં હસતાં કહ્યું, "અરે ભાઈ! જ્યારે ઊડતા આવડતું જ નહોતું, તો આટલા દૂર ભટકવા નીકળવાની શું જરૂર હતી? પહેલાં ઘરમાં ભરાઈ રહેવું હતું ને!" એટલું જ નહીં, તેણે પોતાના મિત્રની સામે જોઈને એ નાના પંખીની મજાક ઉડાવવાનું શરૂ કર્યું.

અજાણ્યા પંખીના આવા કઠોર વેણ સાંભળીને નાના પંખીના કોમળ હૃદયમાં ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો. તેનું લોહી ઉકળી ઊઠ્યું.


उत्सवो हि महाशूराणां स्वाभिमानरक्षणम्। હિતોપદેશ

 

મહાપુરુષો અને શૂરવીરો માટે પોતાના સ્વાભિમાનની રક્ષા કરવી   સૌથી મોટો ઉત્સવ છે.


અજાણ્યો પંખી હજી પણ અટક્યો નહીં. તે વધુ જોરથી હસતાં બોલ્યો, "જો, અમે તો આકાશના રાજા છીએ. અમારી પાંખોમાં તાકાત છે અને અમે ધારીએ ત્યાં ઊડી શકીએ છીએ." આટલું કહીને તેણે નાના પંખીની બરાબર સામે જ હવામાં એક લાંબી અને ખૂબ જ આકર્ષક ઉડાન ભરી. થોડી વાર હવામાં ચક્કર લગાવીને તે પાછો આવ્યો, ફરી બે-ચાર કડવી અને અપમાનજનક વાતો કહી અને બીજી વાર ઊડી ગયો. આવું તેણે પાંચથી છ વાર કર્યું. તે વારંવાર ઊડતો, પોતાની પાંખોના સંતુલનની કળા બતાવતો અને પાછો આવીને ટોણો મારતો.

પરંતુ આ વખતે જ્યારે તે ઉડાન ભરીને પાછો આવ્યો, ત્યારે નીચે જમીન પર પેલું નાનું પંખી નહોતું! તે આકાશમાં ગગનવિહાર કરી રહ્યું હતું!

અજાણ્યા પંખીએ હરખાઈને પોતાના મિત્રને પૂછ્યું, "જોયું મિત્ર? નાના પંખીએ ઉડાન ભરી લીધી ને?" એ સમયે અજાણ્યા પંખીના ચહેરા પર અદ્ભુત સંતોષ અને ખુશીની લાલી છવાયેલી હતી.

તેનો મિત્ર આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પૂછ્યું, "હા મિત્ર, તે તો ઊડી ગયો, પણ તું આટલો ખુશ કેમ થાય છે? તેં તો તેની આટલી બધી મજાક ઉડાવી, તેને કડવા વેણ કહ્યા, તેને નીચું દેખાડ્યું, તો પછી આ ખુશી શેની?"

ત્યારે તે જ્ઞાની પંખીએ સ્મિત સાથે જે જવાબ આપ્યો તે સાહિત્યના સુવર્ણ અક્ષરે લખવા જેવો હતો. તેણે કહ્યું, "મિત્ર! તેં માત્ર મારી નકારાત્મકતા (નિંદા) પર ધ્યાન આપ્યું. પરંતુ પેલા નાના પંખીએ મારી નકારાત્મકતાને છોડીને મારી સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મારો ક્રોધ અને મારો અહંકાર જોઈને તેનો પોતાનો સ્વાભિમાન જાગી ઊઠ્યો. તેણે મારી મજાકને અવગણીને, હું જે રીતે પાંખો ફફડાવીને સંતુલન સાધતો હતો, તે ઉડવાની ની કળા (ટેકનિક) પર ધ્યાન આપ્યું. મારો ક્રોધ તેના માટે પ્રેરણા બની ગયો, અને તેના કારણે જ તે આજે ઊડવામાં સફળ રહ્યો."

મિત્ર હજી પણ મૂંઝવણમાં હતો. તેણે પૂછ્યું, "જો તારે તેને ઊડતા જ શીખવવું હતું, તો પ્રેમથી પણ શીખવી શક્યો હોત ને? આ રીતે તેનું અપમાન કરીને મજાક ઉડાવવાની શું જરૂર હતી?"

ત્યારે અનુભવી પંખીએ  કહ્યું, "મિત્ર, એ નાનું પંખી પોતાના જીવનની પહેલી મોટી ઉડાન ભરી રહ્યું હતું. હું તેના માટે તદ્દન અજાણ્યો હતો. જીવ નો જેના પર પ્રેમ હોય તેની તે વાત આંખ બંધ કરીને માને છે, પણ અજાણ્યા નો ભરોસો કરી વાત માનવી અશક્ય છે. બીજું જો હું તેને સાદી રીતે, પાંખો પકડીને ઊડતા શીખવત અથવા મારા ખભા પર બેસાડીને તેના ઘર સુધી મૂકી આવત, તો તે આખી જિંદગી મારો અહેસાનમંદ રહેત. તેના મનમાં એમ જ થાત કે મુશ્કેલીમાં કોઈક આવીને મદદ કરી જશે. તે ક્યારેય પોતાની શક્તિને ઓળખી ન શકત."


प्रारभ्यते  खलु विघ्नभयेन नीचैः,

प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः।

विघ्नैः पुनः पुनरपि प्रतिहन્યमानाः,

प्रारब्धमुत्तमगुणा  परित्यजन्ती॥ ભર્તૃહરિ


અધમ માણસો વિઘ્નના ભયથી કાર્ય શરૂ જ કરતા નથી. મધ્યમ પ્રકારના લોકો કાર્ય શરૂ કરે છે પણ વિઘ્ન આવતાં અટકી જાય છે. જ્યારે ઉત્તમ ગુણ ધરાવતા મનુષ્યો (કે જીવો) ગમે તેટલા વિઘ્નો આવે તો પણ શરૂ કરેલું કાર્ય ક્યારેય છોડતા નથી.


તેણે આગળ ઉમેર્યું, "મેં એ નાના પંખીની આંખોમાં જીવવાની અને લડવાની અદમ્ય લગન જોઈ હતી. જ્યારે તે વારંવાર પડીને પણ ઊભો થતો હતો, ત્યારે જ હું સમજી ગયો હતો કે આને માત્ર બેઠા બેઠા સહાનુભૂતિની ભીખની જરૂર નથી, પણ થોડીક દિશા અને ખુદ્દારીની જરૂર છે. જે મેં કડવા વેણ કહીને તેનામાં જગાડી. હવે તે આખી જિંદગી કોઈની સામે આશાભરી નજરે હાથ નહીં ફેલાવે, તે આત્મનિર્ભર બનશે અને તેનો આત્મવિશ્વાસ હિમાલય જેવો અડગ થઈ જશે."

આ સાંભળીને મિત્ર પંખી નતમસ્તક થઈ ગયો અને બોલ્યો, "મિત્ર, તું ખરેખર મહાન છે. તેં તેને પાંખો જ નહીં, પણ આત્મવિશ્વાસનું આખું આકાશ આપી દીધું.


નિંદાની કડવાશને જેણે અમૃત બનાવી દીધું,

ટોણા મારનારા વચનોને જેણે હથિયાર બનાવી દીધું;

નથી જોઈતી વૈશાખી કોઈના અહેસાનની અહીં,

પોતાના  આત્મબળથી જેણે આખું આકાશ પોતાનું બનાવી દીધું.


नियतकृत्यमहोत्साहं न विघ्रैः प्रतिहन्यते।

आत्मविश्वाससंयुक्तः स सर्वं लभते पुमान्॥

પોતાની ફરજ કે કાર્ય પ્રત્યે ઉત્સાહ ધરાવનાર અને આત્મવિશ્વાસથી યુક્ત મનુષ્ય ક્યારેય વિઘ્નો (મુશ્કેલીઓ) થી હારતો નથી. તેવો આત્મવિશ્વાસુપુરુષ જીવનમાં બધું જ (પોતાનું ધાર્યું લક્ષ્ય) પ્રાપ્ત કરી શકે છે.

 

 

 

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत 
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।(कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)

હે મનુષ્યો! (અજ્ઞાનની નિદ્રામાંથી) ઊઠો, જાગો! અને શ્રેષ્ઠ (જ્ઞાની/મહાન) પુરુષોની પાસે જઈને તે પરમ જ્ઞાન અથવા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરો (સમજો).

કારણ કે જ્ઞાની પુરુષો (કવિઓ) કહે છે કે, તે લક્ષ્ય કે સત્ય તરફ જવાનો માર્ગ અસ્ત્રાની (ચપ્પુની) તીક્ષ્ણ ધાર પર ચાલવા જેવો અત્યંત કઠિન, દુર્ગમ અને મુશ્કેલીથી પાર કરી શકાય તેવો છે.



 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational