મંદી
મંદી
મંદી
ડિગ્રીના અહંકારમાં ગ્રાહકના સ્વાદ સાથે રમાયેલી 'કોસ્ટ-કટિંગ'ની રમત...
વાંચો, કેવી રીતે એક ભણેલા દીકરાએ ઊભી કરી 'મંદી' અને અભણ પિતાએ એક જ ઝાટકે ઉતાર્યો એનો નશો!
એક નાનકડું, રળિયામણું નગર હતું. નગરમાં સવાર પડે અને હવામાં ગરમાગરમ સમોસાની સુગંધ પ્રસરે એટલે લોકો સમજી જાય કે બનારસીલાલની ભઠ્ઠી સળગી ચૂકી છે. બનારસીલાલ એટલે સ્વાદ અને શુદ્ધતાનો પર્યાય. રોજ સવારે તે શુદ્ધ તેલ વાપરે, કાજુ-કિસમિસથી સમૃદ્ધ મસાલો તૈયાર કરે અને સાથે ખાટી-મીઠી ચટણીનું એવું અમૃત પીરસે કે ખાનાર આંગળા ચાટતા રહી જાય. તેમનો એક જ નિયમ હતો – ગ્રાહક ની સંતુષ્ટ તા એ જ મારી સફળતા. જો ક્યારેક સમોસા વધે, તો તે કૂતરાને ખવડાવી દે પણ ક્યારેય વાસી માલ ગ્રાહકને ન આપે.
બનારસીલાલની આ પ્રામાણિકતા તેનો જીવન મંત્ર હતો.
यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया।
चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता॥ (પંચતંત્ર)
જેવા મનના વિચારો હોય તેવી જ વાણી હોય છે, અને જેવી વાણી હોય તેવી જ ક્રિયા હોય છે. સજ્જનોના મન, વચન અને કર્મમાં હંમેશાં એકરૂપતા (પ્રામાણિકતા) હોય છે.
પરંતુ સમય બદલાયો. બનારસીલાલનો પુત્ર મહાનગરમાંથી MBA (મેનેજમેન્ટ)ની ઊંચી પદવી લઈને પાછો ફર્યો. પુસ્તકીય જ્ઞાનથી અંજાઈ ગયેલો દીકરો પિતાના દેશી વેપારને 'આધુનિક' બનાવવા આતુર હતો.
पुस्तकस्था तु या विद्या परहस्तगतं च धनम् ।
कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद् धनम् ॥
માત્ર પુસ્તકો ખરીદવાથી કે જ્ઞાનનો સંગ્રહ કરવાથી કોઈ ફાયદો થતો નથી. સાચું જ્ઞાન એ છે જેને આપણે આત્મસાત કરીએ, યાદ રાખીએ અને સમય આવ્યે તેનો સાચો ઉપયોગ કરી શકીએ. વેદ-પુરાણો કે ગમે તેટલા પુસ્તકો કબાટમાં પડ્યા હોય, પણ જો એ જ્ઞાન આપણા મનમાં ન હોય, તો કટોકટીના સમયે તે બિનઉપયોગી સાબિત થાય છે.
એક સાંજે પુત્રે ગંભીર ચહેરો કરીને કહ્યું, "પિતાજી, તમે દુનિયાથી અજાણ છો! મેં સમાચારમાં જોયું છે કે બજારમાં ભયંકર 'મંદી' (Recession) આવી રહી છે. આપણે અત્યારથી જ 'Cost Cutting' (ખર્ચમાં કાપ) કરીને પૈસા બચાવવા પડશે."
બનારસીલાલ તો ભલા ભોળા માણસ. તેમણે માથું ખંજવાળતા કહ્યું, "બેટા, હું તો આખો જન્મારો કઢાઈ સામે બેઠેલો અભણ માણસ છું. આ તારું કોસ્ટ-કટિંગ મને ન સમજાય. તું ભણીને આવ્યો છે, તો તું જ સંભાળ."
દીકરાએ તરત જ પોતાની બુદ્ધિનું પ્રદર્શન શરૂ કર્યું: "પિતાજી, આજથી આપણે આ નવું તેલ વાપરવાનું બંધ કરીએ. ૮૦% નવું તેલ અને ૨૦% ગઈકાલનું બળેલું તેલ મિક્સ કરીશું."
બીજા દિવસે સમોસાનો સ્વાદ સહેજ બદલાયો, પણ વર્ષો જૂની શાખને કારણે ૫૦૦ સમોસા વેચાઈ ગયા. દીકરો હરખાયો, "જોયું પિતાજી! મેં આજે જ ૨૦% તેલના પૈસા બચાવી લીધા. આને કહેવાય મેનેજમેન્ટ!"
અહીં દીકરો ધનના લોભમાં અંધ થઈને પોતાના જ પિતાના સામ્રાજ્યને નષ્ટ કરવા બેઠો હતો.
દીકરાની મહત્વાકાંક્ષા વધી. તેણે બીજા દિવસે કહ્યું, "હવે આપણે ખાટી ચટણી બંધ કરીશું અને બળેલા તેલનું પ્રમાણ ૩૦% કરી દઈશું."
પરિણામ એ આવ્યું કે સ્વાદ બગડતાં ૫૦૦ માંથી માત્ર ૪૦૦ જ સમોસા વેચાયા. ૧૦૦ સમોસા પડી રહ્યા.
દીકરો મલકાતા બોલ્યો, "જુઓ પિતાજી, મેં કહ્યું હતું ને કે મંદી આવી રહી છે? આજે ગ્રાહકો ઓછા આવ્યા!"
પિતાએ નિસાસો નાખીને કહ્યું, "હા બેટા, તું સાચું કહેતો હોઈશ."
ગ્રાહકો ઘટતા ગયા તેમ તેમ દીકરાનું 'કોસ્ટ-કટિંગ' વધતું ગયું. મીઠી ચટણી બંધ થઈ, ટિશ્યુ પેપર બંધ થયા અને બળેલું તેલ ૫૦% સુધી પહોંચી ગયું. હવે તો દુકાને આવતા ગ્રાહકો મોઢું બગાડવા લાગ્યા હતા. તેમાંના કેટલાક હિતેચ્છુ લોકો કહેતા હતા કે તમારી ગુણવત્તા પહેલા કરતાં ઓછી થઇ ગઈ છે. પણ દીકરો મંદી પર પ્રવચન આપી પિતાજીને ચુપ કરી દેતો. આને કહેવાય ભણ્યા પણ ગણ્યા નહિ.
કિતાબી જ્ઞાનના ચશ્મા ચડાવી સગા વેપારને લૂંટતા જોયા,
અનુભવના અમૃતને છોડી, લોભના કીચડમાં ખૂંપતા જોયા;
જે સ્વાદે જીત્યા હતા લોકના હૈયા વર્ષો સુધી,
એ જ સ્વાદને આજે 'કોસ્ટ-કટિંગ' ના નામે મરતા જોયા!
હવે ગ્રાહકો ઘટીને રોજના ૫૦ પર આવી ગયા. દીકરાએ તો હદ જ વટાવી દીધી, "પિતાજી, હવે નવા સમોસા નથી બનાવવા. ગઈકાલના વધેલા ૫૦ સમોસા જ ફરી તળીને ગરમ કરીને વેચી દો!"
ग्रन्थान્ पठित्वा लोकॊऽयं मृतोऽपि न हि पण्डितः ।
सार्धद्व्यक्षरं कृष्णं यो जानाति स वै बुधः ॥
મોટા-મોટા ગ્રંથો અને પુસ્તકો વાંચી-વાંચીને આખું જગત થાકી ગયું (અનેક લોકો મૃત્યુ પામ્યા), પણ માત્ર એ જ્ઞાનથી કોઈ સાચો પંડિત કે જ્ઞાની બની શક્યું નહીં. પરંતુ, જે મનુષ્ય 'કૃષ્ણ' એવા આ અઢી અક્ષરના દિવ્ય નામને (તેના સાચા મહિમા અને ભક્તિને) સમજી લે છે, તે જ ખરો જ્ઞાની કે વિદ્વાન છે.
આ એ જ દુકાન હતી જ્યાં ક્યારેય વાસી માલ કૂતરાને પણ નહોતો અપાતો, ત્યાં આજે ગ્રાહકોને પીરસાવા લાગ્યો.
विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः॥ (ભર્તુહરિ - નીતિશતક)
અર્થ: જેમની બુદ્ધિ અથવા વિવેક નષ્ટ થઈ જાય છે, તેમનું પતન સો પ્રકારે (ચારેય દિશાઓમાંથી) થાય છે.
છેવટે એવો દિવસ આવ્યો કે આખો દિવસ દુકાન ખુલ્લી રહી, પણ એક પણ ગ્રાહક ન આવ્યો! આખું નગર સમજી ગયું હતું કે બનારસીલાલની ગુણવત્તા હવે મરી પરવારી છે.
દીકરો હજી પણ પોતાની પીઠ થાબડતો બોલ્યો, "પિતાજી! જોયું મેં કેટલી સચોટ ભવિષ્યવાણી કરી હતી? મેં કહ્યું હતું ને કે ભયંકર મંદી આવશે! આજે એક પણ ગ્રાહક ન આવ્યો, પણ જુઓ, આપણે આજે પણ ૫૦ સમોસાના પૈસા બચાવી લીધા!"
હવે બનારસીલાલના સંયમની મર્યાદા પૂરી થઈ ગઈ હતી. તેમણે દીકરા સામે જોયું. એ આંખોમાં હવે કોઈ લાચારી નહોતી, પણ વર્ષોના અનુભવનું તેજ હતું.
બનારસીલાલે શાંતિથી કહ્યું, "બેટા, ભગવાનનો લાખ-લાખ શુક્ર છે કે તું આટલું મોટું ભણ્યો! નહિતર તારા જેવી 'મંદી' લાવતાં આ અભણ બાપને ક્યાં આવડત હતી? અને હવે મારી એક વાત કાન ખોલીને સાંભળી લે..."
પુત્રે આશ્ચર્યથી પૂછ્યું, "શું પિતાજી...?"
બનારસીલાલે કડકાઈથી દીકરાના હાથમાં કૂચો આપતાં કહ્યું: "કાલથી ચૂપચાપ અહીંયા બેસીને વાસણ ઘસવા માંડ... આ 'મંદી' ને તો હું મારી રીતે એકલો જ જોઈ લઈશ!"
જ્યાં સુધી ગુણવત્તા અને ગ્રાહક પ્રત્યે આદર અકબંધ છે, ત્યાં સુધી દુનિયાની કોઈ મંદી તમારો વાળ પણ વાંકો કરી શકતી નથી. ખરી મંદી બજારમાં નથી હોતી, ધંધાની નીતિ અને રીતી માં હોય છે.
થોડા દિવસમાં જ મંદી મારી પરવારી. અને છોકરાએ વાસણ ઘસવામાં phd કરી લીધી.
