સસ્તું અને મોંગા નું મૂલ્ય
સસ્તું અને મોંગા નું મૂલ્ય
શહેરના એક ગીચ બજારમાં ફૂટપાથની બંને બાજુ નાની-મોટી દુકાનો સજાયેલી હતી. ક્યાંક રમકડાં લટકતાં હતાં, ક્યાંક ચમકતાં વાસણો ગોઠવાયેલા હતાં અને ક્યાંક ઘર સજાવવાની રંગબેરંગી ચીજવસ્તુઓ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી રહી હતી. બપોરનો સમય હોવા છતાં બજારમાં ભારે ભીડ હતી. વેપારીઓ ગ્રાહકોને બોલાવી રહ્યા હતા અને ગ્રાહકો પણ પોતાની પસંદ-નાપસંદ તથા ભાવતાલમાં વ્યસ્ત હતા.
એવામાં એક ભાઈ હાથમાં એક સુંદર ફૂલદાન લઈને ગુસ્સામાં ધૂંધવાતા ધૂંધવાતા એક દુકાનદારની સામે આવી ઊભા રહ્યા. તેમના ચહેરા પર એવો ગુસ્સો હતો જાણે કોઈએ તેમની સાથે મોટો અન્યાય કરી નાખ્યો હોય. તેમણે ઊંચા અવાજે કહ્યું, “મેં તમને કહ્યું હતું ને કે તમે કીધેલી કીમત કરતા બીજે ક્યાય સસ્તું નહિ મળે.! છતાં તમે મને મૂરખ બનાવ્યો ! જુઓ, આ જ ફૂલદાન મને ફૂટપાથની રેકડી પર માત્ર પાંચ રૂપિયામાં મળે છે.—પાંચ રૂપિયામાં!”
દુકાનદાર ગભરાઈ ગયો. આસપાસ ઊભેલા ગ્રાહકો પણ તેમની તરફ જોવા લાગ્યા. તેણે હાથ જોડીને ધીમા સ્વરે કહ્યું, “અરે ભાઈ, જરા શાંતિથી વાત કરો. આટલા ઊંચા અવાજે શા માટે બોલો છો? બીજા ગ્રાહકો પર શું અસર પડશે?” ગ્રાહક તરત જ વધુ ઉશ્કેરાઈને બોલ્યા, “તમે મારી સામે આવશો તો હું ઊંચા અવાજે જ બોલીશ!” દુકાનદાર સમજી ગયો કે આ માણસ સાથે દલીલ કરવી એટલે આગમાં ઘી નાખવું. તેણે હસતાં કહ્યું, “સારું ભાઈ, સારું! તમે નીચા અવાજે બોલો.” પરંતુ ગ્રાહકનો ગુસ્સો ક્યાં શાંત થવાનો હતો! તેઓ બબડતા રહ્યા, “લૂંટ મચાવી છે લૂંટ! જો આ ફૂલદાન મને રસ્તામાં રેકડી પર પાંચ રૂપિયામાં ન મળ્યું હોત તો હું તો લૂંટાઈ જ ગયો હોત. કેમ નહીં? કાલે આ જ ફૂલદાન અહીં તમારી દુકાને પંચોતેર રૂપિયાનું મળતું હતું!” બાજુમાં ઊભેલો બીજો દુકાનદાર આ વાત સાંભળી હળવેથી હસ્યો અને બોલ્યો, “કાલે પંચોતેરનું હતું? આજે તો ત્રણસો રૂપિયાનું થઈ ગયું છે!” ગ્રાહકના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. “ત્રણસો?! એક જ દિવસમાં આટલી લૂંટ? આ તો હદ થઈ ગઈ!”
દુકાનદાર શાંતપણે બોલ્યો, “તમે નહીં સમજો.”
ગ્રાહકને આ વાત ખૂંચી. તેમણે તરત પૂછ્યું, “કેમ નહીં સમજું?”
દુકાનદારે થોડું રહસ્યમય સ્મિત કરીને કહ્યું, “કારણ કે તમારું સ્ટાન્ડર્ડ જ ફૂટપાથનું છે!”
ગ્રાહકને વાત સમજાઈ નહીં. “એટલે શું?”
દુકાનદાર બોલ્યો, “એટલે તમારું નાક કપાઈ ગયું, ઈજ્જત નીકળી ગઈ!” હવે તો ગ્રાહક એકદમ ચોંકી ગયા. “મારું નાક ? કેવી રીતે?”
દુકાનદારે જાણે કોઈ અનુભવી વક્તાની જેમ વાત સમજાવવાની શરૂઆત કરી. “ધારો કે તમારા ઘરમાં મહેમાન બેઠા છે અને તેમની સામે આ ફૂલદાન પડ્યું છે. મહેમાન તમને પૂછે—‘ભાઈ, આ ફૂલદાન કેટલામાં લીધું?’ અને તમે કહો—‘પાંચ રૂપિયાનું!’” ગ્રાહકે તરત જ હાથ હલાવીને કહ્યું, “ના... ના... હું એવું નહીં કહું!” દુકાનદાર હસ્યો. “પણ મહેમાનને ખબર છે કે આવું ફૂલદાન તો ફૂટપાથ પર ઠેરઠેર મળે છે. હવે કહો, તમારી નાક કપાઈ કે નહીં?” ગ્રાહક થોડીવાર મૌન રહ્યા. પછી જાણે પોતાની અંદરની શરમ સ્વીકારી હોય તેમ ધીમેથી બોલ્યા, “કપાઈ!”
દુકાનદાર તરત જ બોલ્યો, “બસ! એટલે હું મારું બધું સામાન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી જ ખરીદું છું.”
અહીં વાત માત્ર એક ફૂલદાનની નહોતી. વાત હતી માણસની દૃષ્ટિ, પ્રતિષ્ઠા અને વસ્તુની કદરની. ઘણી વાર માણસ વસ્તુ ખરીદતો નથી, પરંતુ વસ્તુ સાથે જોડાયેલી પોતાની છબી ખરીદે છે. તેને ચીજ કરતાં લોકોની નજર વધારે મહત્વની લાગે છે.
“यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ।
लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ॥”
જે માણસમાં પોતાની સમજણ નથી, તેને શાસ્ત્રો પણ શું સમજાવી શકે? અને જેને આંખો જ નથી, તેના માટે અરીસો શું કામનો? માણસની સાચી ઓળખ તેની પોતાની બુદ્ધિ અને વિવેકથી થાય છે, માત્ર બહારની ચમકથી નહીં.
ગ્રાહક હજુ સંતોષાયા નહોતા. તેમણે ફરી પ્રશ્ન કર્યો, “પણ એક વાત કહો, જ્યારે આ જ ફૂલદાન ફૂટપાથ પર પાંચ રૂપિયાનું મળે છે ત્યારે સ્ટોરના ફૂલદાન અને ફૂટપાથના ફૂલદાનમાં ખરેખર શું ફરક હોય?”
દુકાનદારે ખભા ઉચકીને કહ્યું, “ફૂલદાન તો ફૂલદાન જ છે!” પછી અચાનક તેણે ગ્રાહકને પૂછ્યું, “તમારા ઘરમાં કૂતરો છે?” ગ્રાહકે કહ્યું, “હા.” દુકાનદાર બોલ્યો, “કયો?” ગ્રાહકે ગર્વથી કહ્યું, “પોમેરેનિયન.”
દુકાનદાર તરત જ બોલ્યો, “તમે પોમેરેનિયન શા માટે પાળો છો? રસ્તા પર ફરતું કોઈ સામાન્ય ગલૂડિયું કેમ નથી પાળતા?” હવે ગ્રાહકને આ પ્રશ્નમાં જ મૂર્ખાઈ દેખાઈ. તેમણે તરત કહ્યું, “પોમેરેનિયન અને રસ્તા પર ફરતા ગલૂડિયામાં ફરક હોય છે!” દુકાનદાર હસીને બોલ્યો, “બસ! એ જ તો હું કહું છું! સ્ટોરના ફૂલદાન અને ફૂટપાથના ફૂલદાનમાં પણ ફરક હોય છે.” ગ્રાહક થોડા ગૂંચવાયા, પણ દુકાનદારની દલીલમાં ક્યાંક ને ક્યાંક વાત તો સાચી હતી જ.
“विवेकः सर्वसंपत्तीनां मूलम्।”
વિવેક એ તમામ સંપત્તિનું મૂળ છે. વસ્તુ ખરીદવી સહેલી છે, પરંતુ કઈ વસ્તુ માટે કેટલું ચૂકવવું અને તેની સાચી કદર શું છે તે સમજવું વધારે મહત્વનું છે.
ગ્રાહક બોલ્યા, “બરાબર, પણ તમે કહો છો કે પાંચ રૂપિયાનું ફૂલદાન તૂટી જાય છે. ત્રણસો રૂપિયાનું પણ તો તૂટી શકે ને?”
દુકાનદાર તરત બોલ્યો, “ત્રણસો રૂપિયાનું નહીં તૂટે!”
ગ્રાહકે કહ્યું, “કેમ નહીં તૂટે? બંને ફુલદાન તો સરખા છે ને?, જો તમારું નહિ તૂટે તો મારું પણ નહિ તૂટે. અને મારું તૂટશે તો તમારું પણ તૂટશે.”
દુકાનદાર અડગ રહ્યો, “નહીં તૂટે!” ગ્રાહક બોલ્યા, “તૂટશે!”
દુકાનદાર બોલ્યો, “નહીં તૂટે!” ગ્રાહક બોલ્યા, “તૂટશે!” હવે વાત સમજણની રહી નહોતી; વાત હઠ અને અહંકારની બની ગઈ હતી.
છેવટે ગ્રાહક બોલ્યા, “સારું! તો હું તોડીને બતાવું છું!” દુકાનદારે પણ પડકાર સ્વીકારી લીધો. “બતાવો!” ગ્રાહકે હાથમાં રહેલું પાંચ રૂપિયાનું ફૂલદાન જમીન પર પછાડ્યું. ધડામ! ફૂલદાનના ટુકડા થઈ ગયા. ગ્રાહક વિજયી સ્મિત સાથે બોલ્યા, “હવે આપો ત્રણસો રૂપિયાનું જોઈએ કેવું છે?”
દુકાનદારે શાંતિથી કહ્યું, “પહેલા ત્રણસો રૂપિયા કાઢો.” ગ્રાહકે આશ્ચર્યથી પૂછ્યું, “એટલે?” દુકાનદાર બોલ્યો, “પહેલા આ ત્રણસો રૂપિયામાં ફૂલદાન ખરીદો..” ગ્રાહકને લાગ્યું કે હવે તો વાત બરોબર જ છે. તેમણે ખિસ્સામાંથી ત્રણસો રૂપિયા કાઢ્યા અને દુકાનદારના હાથમાં મૂકી દીધા. “આ લો ત્રણસો રૂપિયા. હવે બતાવો કે તમારું મોંઘું ફૂલદાન કેવી રીતે નથી તૂટતું!”
દુકાનદારે ફૂલદાન તેમના હાથમાં આપ્યું. ગ્રાહકે ગુસ્સામાં તેને પણ જમીન પર પછાડવા ગયો. પણ તેનો જીવ ચાલ્યો નહિ બોલ્યો “અરે! નહીં... નહીં! આ તો... આ તો મેં ત્રણસો રૂપિયા આપીને ખરીદ્યું છે!”
દુકાનદાર હળવેથી હસ્યો અને બોલ્યો, “એટલે જ તો તમને દુઃખ થાય છે!”
ગ્રાહક ચૂપ.
દુકાનદાર આગળ બોલ્યો, “પાંચ રૂપિયાની વસ્તુ તૂટે ત્યારે માણસ કહે—‘જવા દો, પાંચ રૂપિયાનું જ હતું!’ પરંતુ ત્રણસો રૂપિયાની વસ્તુ તૂટે ત્યારે હૃદયમાંથી અવાજ આવે—‘અરે બાપ રે! ત્રણસો રૂપિયા ગયા!’ વસ્તુ તો બંને વખતે કાચની જ હતી. તૂટ્યું પણ બંને વખતે કાચ જ. બદલાયું શું? માત્ર કિંમતની અનુભૂતિ.”
આ વાત સાંભળીને ગ્રાહક વિચારમાં પડી ગયા. ખરેખર, વસ્તુની કિંમત વધતાં તેની કાળજી પણ વધી ગઈ હતી. માણસ ઘણી વાર સસ્તી વસ્તુને બેદરકારીથી વાપરે છે અને મોંઘી વસ્તુને પ્રેમથી સાચવે છે. હકીકતમાં વસ્તુ નહીં, પરંતુ તેની કિંમત વિશેની આપણી માન્યતા આપણું વર્તન બદલે છે.
“यद् भावं तद् भवति।”
માણસની દૃષ્ટિ જેવી હોય છે, તેને દુનિયા પણ એવી જ દેખાય છે. કોઈ વસ્તુમાં આપણે જેટલું મૂલ્ય અનુભવીએ છીએ, તેટલી જ તેની કદર કરીએ છીએ.
દુકાનદારે કહ્યું “ હવે તમારે ત્યાં કોઈ મહેમાન આવે અને પૂછે કે આ (રસ્તા પરથી લીધેલા )ફુલદાન કેટલાનું છે તો તમે શું કહેશો?”
ગ્રાહકે કહ્યું” મારી ચીકણાઈ છુપાવા હું ખોટું કહીસ કે ફુલદાન ત્રણસો રૂપિયાનું છે.”
દુકાનદારે તરત કહ્યું “ પણ મહેમાનને તો ખબર પડી જવાની કે આ રસ્તાપરથી લીધું છે, તમારું તો નાક કપાઈ જા કે નહિ?”
ગ્રાહક “હા” ગ્રાહકના ચહેરા પર હવે ગુસ્સો નહોતો. ત્યાં એક નવી સમજણનો પ્રકાશ હતો. તેઓ હસીને બોલ્યા, “ભાઈ, આજે તો તમે મારી આંખો જ ખોલી નાખી!” દુકાનદારે નમ્રતાથી માથું નમાવીને કહ્યું, “નો-નો... ઇટ્સ માય ડ્યુટી!”
બન્ને હસી પડ્યા.
ગ્રાહકે કહ્યું, “ચાલો ભાઈ, હવે આ બાંધી આપો. પૈસા તો હું તમને આપી જ ચૂક્યો છું.” દુકાનદારે તરત જ કાગળ અને દોરી કાઢી. તેણે ફૂલદાનના કાળજીપૂર્વક કાગળમાં લાપેત્યું અને ગ્રાહકના હાથમાં આપ્યા. “આ લો. હવે સંભાળીને લઈ જજો.”
ગ્રાહકે સ્મિત કરીને કહ્યું, “થેન્ક યુ... થેન્ક યુ!”
ગ્રાહક ત્યાંથી નીકળી ગયા. બીજો એક ગ્રાહક, જે અત્યાર સુધી થોડે દૂર ઊભો રહીને આખું નાટક જોઈ રહ્યો હતો, તે હવે દુકાનદાર પાસે આવ્યો. તેની આંખોમાં આશ્ચર્ય અને ચહેરા પર પ્રશંસા હતી. તે બોલ્યો, “અરે વાહ સાહેબ! તમે તો કમાલના સેલ્સમેન છો! તમારી વાત સાંભળીને તો મારું પણ મન થાય છે કે મારું આખું સામાન હવે પછી તમારા જેવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી જ ખરીદું!”
બન્ને ખડખડાટ હસી પડ્યા.
બજારની ભીડ ફરી પોતાની ગતિએ વહેવા લાગી. કોઈ ખરીદીમાં વ્યસ્ત હતું, કોઈ ભાવતાલમાં, કોઈ પોતાની પ્રતિષ્ઠા સાચવવામાં. પરંતુ એ નાનકડી ફૂટપાથની દુકાન પર બનેલી ઘટનાએ એક મોટો સત્ય ઉઘાડું કરી દીધું હતું—વસ્તુની કિંમત હંમેશાં તેની વસ્તુમાં નથી હોતી; ઘણી વાર તેની કિંમત આપણી નજરમાં વસતી હોય છે.
પાંચ રૂપિયાનું ફૂલદાન હતું, ત્રણસોનું થઈ ગયું,
વસ્તુ એ જ રહી, પણ મનનું માપ બદલાઈ ગયું.
કાચ તો બંને વખતે તૂટ્યો હતો જમીન પર,
એક વાર ફૂલદાન તૂટ્યું, બીજી વાર અહંકાર તૂટી ગયો.
“न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते।” — શ્રીમદ્ ભગવદ્ ગીતા ૪.૩૮
આ દુનિયામાં જ્ઞાન જેટલું પવિત્ર અને મૂલ્યવાન બીજું કશું નથી.
“કિંમત વસ્તુની નહીં, કદર કરનારની હોય છે.”
અને કદાચ જીવનનું પણ આ જ સત્ય છે—જેની કદર આપણે કરીએ છીએ તેને સાચવીએ છીએ; જેને સસ્તું માનીએ છીએ તેને સહેલાઈથી ગુમાવી દઈએ છીએ.
