કૃપણ-લીલા
કૃપણ-લીલા
કૃપણ-લીલા
મીઠાઈ લેવા ગયેલો દીકરો ત્રણ કલાક પછી ખાલી હાથે પાછો આવ્યો—પણ સાથે એવી “બચત” લઈને આવ્યો કે કંજુષ પિતાની આંખોમાં આનંદનાં આંસુ આવી ગયા!
પિતાએ આખી જિંદગી સંપત્તિ બચાવી હતી; દીકરાએ તો એ સંપત્તિ બચાવવાની એવી નવી રીત શોધી કે મહેમાનની ચપ્પલ પણ સુરક્ષિત ન રહી!
નગરમાં શેઠ કૃપણદાસની કંજૂસાઈની ખ્યાતિ ચારેય દિશામાં વાયુવેગે વિસ્તરેલી હતી. લક્ષ્મીદેવી એમની તિજોરીમાં કેદ થઈને જાણે મોક્ષની રાહ જોતી હોય તેવી સ્થિતિ હતી. ‘ચામડી તૂટે પણ દમડી ન છૂટે’ એ એમનો જીવનમંત્ર હતો. શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ વર્ણવી છે: દાન, ભોગ અને નાશ. પરંતુ શેઠજી માટે તો આ ત્રણેય ગતિઓ અસ્વીકાર્ય હતી; એમની તો ચોથી જ ગતિ હતી—કેવળ સંચય!
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य।
यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति॥ ભર્તૃહરિ
ધનની ત્રણ ગતિ હોય છે—દાન, ભોગ અને નાશ. જે મનુષ્ય ધનનું દાન કરતો નથી અને પોતે ભોગવતો પણ નથી, તેના ધનની ત્રીજી ગતિ (નાશ) નિશ્ચિત બને છે.
શેઠના ચિત્તમાં આ શ્લોકનો કોઈ પ્રભાવ નહોતો. એવામાં એક બપોરે સૂર્યનારાયણ આકાશમાં તપી રહ્યા હતા ત્યારે શેઠના આંગણે અણધાર્યા એક અતિથિ આવી ચડ્યા. ભારતીય સંસ્કૃતિમાં અતિથિને પરમેશ્વરનું રૂપ માનવામાં આવે છે: ‘अतिथिदेवो भव।’ પરંતુ શેઠના મનમાં મહેમાનને જોઈને આતિથ્યસત્કારનો હર્ષ નહીં, પણ બાવળના કાંટા જેવો ખટકો પેદા થયો. 'આવ્યો છે તો પાણી વિના જશે નહીં અને ખાલી હાથે મોકલાય નહીં' એવા સામાજિક દંભ તળે શેઠે પોતાના સુપુત્ર ચતુરદાસને બોલાવ્યો.
શેઠે ભારે હૃદયે અને અતિ સંકોચાઈને પુત્રના કાનમાં કહ્યું, "બેટા, મહેમાન માટે બજારમાંથી અડધો કિલો શ્રેષ્ઠ મિઠાઈ લઈ આવ. જોજે હોં, પૈસો પાણી ન થાય!"
પુત્ર પિતાની આંખોનો ઇશારો સમજીને તરત જ રવાના થયો. કલાકો વીતી ગયા. સૂર્ય ઢળવા લાગ્યો, સંધ્યા આરતીનો સમય થવા આવ્યો, પણ સુપુત્રના કોઈ વાવડ નહોતા. શેઠના જીવમાં જીવ નહોતો—મિઠાઈના ખર્ચ કરતાંય દીકરાના વિલંબથી એમનો જીવ અદ્ધર થઈ ગયો હતો. આખરે સંધ્યાટાણે દીકરો હાંફતો હાંફતો ઘેર પાછો ફર્યો; પણ એના હાથ તો ખાલી ખમ હતા!
શેઠે વ્યાકુળ થઈને પૂછ્યું, "અરે બેટા! આટલો બધો સમય ક્યાં ગુમાવ્યો? અને મિઠાઈ ક્યાં છે?"
દીકરાએ અત્યંત ગંભીરતાથી મુખમુદ્રા બનાવી નમ્રતાપૂર્વક કહ્યું, "પિતાજી, ધીરજ ધરો. હું સીધો કંદોઈની દુકાને પહોંચ્યો અને મેં કહ્યું કે નગરની સૌથી ઉત્તમ, સર્વશ્રેષ્ઠ મિઠાઈ આપો. કંદોઈએ હસીને કહ્યું: 'શેઠના દીકરા છો તો , એવી સરસ મિઠાઈ આપીશ જે તદ્દન માખણ જેવી મુલાયમ હશે!' એ સાંભળતાં જ મારા મનમાં વિચાર આવ્યો કે જો મિઠાઈ માખણ જેવી જ ઉત્તમ હોય, તો શા માટે મિઠાઈના વધુ પૈસા ખર્ચીને છેતરાવું? સીધું માખણ જ કેમ ન લેવું!"
શેઠે આશ્ચર્યથી ડોકું હલાવ્યું. દીકરાએ આગળ ચલાવ્યું: "હું દોડતો ઘી-માખણવાળાની દુકાને ગયો અને કહ્યું કે સૌથી ઉત્તમ માખણ આપો. દુકાનદાર બોલ્યો: 'ભાઈ, માખણ તો એવું છે કે જાણે સ્વાદિષ્ટ શુદ્ધ મધ જોઈ લો!' મને તુરંત બુદ્ધિનો ચમકારો થયો. 'મધ જેવું માખણ' લેવા કરતાં સીધું મધ જ કેમ ન લેવું? હું પહોંચ્યો મધ વેચનાર પાસે. મેં કહ્યું: 'સૌથી અસલ અને શુદ્ધ મધ આપ.' મધવાળો બોલ્યો: 'શેઠજી, મધ તો એવું નિર્મળ છે કે જાણે કાચ જેવું ચોખ્ખું પાણી!' પિતાજી, એ ક્ષણે મારા ચિત્તમાં જ્ઞાનનો પ્રકાશ પથરાયો કે જેનું છેવટનું પ્રમાણ કેવળ પાણી જ છે, એ પાણી તો આપણા ઘરના કૂવામાં છલોછલ ભરેલું છે! પછી પારકાને પૈસા આપીને પાણી શું કામ ખરીદવું? એટલે હું ખાલી હાથે પાછો ફર્યો. મહેમાનને આપણે પોતાના ઘરનું ગંગાજળ જેવું નિર્મળ જળ પ્રેમથી પિવડાવીશું!"
સવારથી રાહ જોઈ બેઠેલા મહેમાન બાપ દીકરાની વાતો સાંભળી અવાક થઇ ગયા. હજુ પાણી આવે ત્યાં સુધી તો રાજા લઇ પોબારા ભાગી ગયા. આ દરમ્યાન પુત્રની આ અદ્ભુત વિતંડા અને નાણાં બચાવવાની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને પિતાનું હૃદય ગદગદિત થઈ ગયું. ચાણક્યની નીતિનું સ્મરણ કરતાં શેઠને લાગ્યું કે એમનો વંશ દીપી ઊઠ્યો છે. કંજુસ શેઠ ને લાગ્યું કે પૈસા ની બચત કરવી , બાળકોને આપવા જેવા આજ સંસ્કાર શ્રેષ્ઠ છે
माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः।
न शोभते सभामध्ये हंसमध्ये बको यथा॥ ચાણક્ય
જે માતા-પિતા બાળકને સંસ્કાર અને વિદ્યા આપતાં નથી તે તેના શત્રુ સમાન છે; કારણ કે સભા વચ્ચે અજ્ઞાની મનુષ્ય હંસોના ટોળામાં બગલાની જેમ શોભતો નથી.
શેઠને થયું કે એમનો દીકરો તો કંજૂસાઈની સભાનો રાજહંસ નીવડ્યો છે! 'વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા'
મોહ માયાના જાળમાં, ધનનો કીધો સ્નેહ,
પાણીમાંથી માખણ કાઢે, એવો આનો નેહ;
બાપ કરતાં બેટડો, બુદ્ધિમાં બળવાન,
અતિથિને જળ પાઈને, રાખ્યું ઘરનું માન!
શેઠે પુત્રની પીઠ થાબડી, મુખ પર સ્મિત વેર્યું. પણ એ જ ક્ષણે શેઠના વ્યવહારુ મગજમાં વીજળીનો ઝબકારો થયો. એમના મુખ પર ચિંતાની કરચલીઓ ઊપસી આવી. એમણે અત્યંત વ્યાકુળ અવાજે પૂછ્યું: "પણ બેટા! આ કંદોઈ, માખણવાળો અને મધવાળો... આટલી બધી દુકાનોએ તું પગપાળા રઝળ્યો, એમાં તારા પગના ચંપલ તો જરૂર ઘસાઈ ગયાં હશે ને! એ ચંપલના ઘસારાનું નુકસાન કોણ ભોગવશે?"
वरं प्राणपरित्यागो न च वित्तस्य रक्षणम्।
प्राणा यद्यपि गच्छन्ति वित्तं तिष्ठति शाश्वतम्॥
એક કંજૂસનું માનવું એવું હોય છે કે ‘ભલે જીવ જતો રહે, પણ ધન બચવું જોઈએ. જીવ તો એક દિવસ જતો રહેશે, પણ ધન હંમેશાં ટકી રહેશે!’ — અહીં કંજૂસની હાસ્યાસ્પદ મનોવૃત્તિ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
દીકરાએ સ્મિત વેરતાં સહજ ભાવે ઉત્તર આપ્યો: "અરે પિતાજી! હું કંઈ એટલો કાચો ખેલાડી નથી! હું બહાર નીકળતી વખતે મારાં નહીં, પણ ઓસરીમાં ઉતારેલા આપણા પેલા મહેમાનના જ ચંપલ પહેરીને ગયો હતો!"
આ સાંભળતાં જ શેઠની આંખોમાંથી હર્ષના અશ્રુ વહી નીકળ્યા. 'શેરને માથે સવાશેર' મળી ગયો હતો! પિતાએ વહાલથી દીકરાને છાતી સરસો ચાંપી લીધો.
જે ઘરમાં અતિથિના સત્કાર કરતાં ચંપલનો ઘસારો મોંઘો ગણાતો હોય, ત્યાં બાપને પણ ટપી જાય તેવો કપૂત પાકે ત્યારે સર્જાતી હાસ્ય અને કરુણતાની અનોખી પરાકાષ્ઠા.
शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः ।
वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा ॥
સેંકડો લોકોમાં કોઈ એક શૂરવીર જન્મે છે, હજારોમાં કોઈ એક વિદ્વાન મળે છે, દસ હજારમાં કોઈ એક સારો વક્તા મળે છે; પરંતુ સાચો દાતા મળે કે ન મળે!
