કર્મનો પડઘો
કર્મનો પડઘો
કર્મનો પડઘો
એક સોનાની થેલી ધનજીના હાથમાં આવી, પરંતુ તેની સાથે જ તેના જીવનનો સૌથી મોટો હિસાબ પણ આવી ગયો—લોભ અને ઈમાનદારી વચ્ચેનો.
જ્યારે તેણે સોનું પાછું આપ્યું, ત્યારે ખબર પડી કે તેણે કોઈ વૃદ્ધનું ધન નહીં, પોતાનું ખોવાયેલું મનુષ્યત્વ પાછું મેળવ્યું હતું.
એક રમણીય અને ધનાઢ્ય ગામના વિશાળ હવેલી માં ધનજી નામનો એક વણિક વસતો હતો. લક્ષ્મીની કૃપા તેના પર અઢળક હતી; તિજોરીઓ છલકાતી હતી અને વ્યાપારની શાખ દૂર-દૂર સુધી વિસ્તરેલી હતી. પરંતુ જે મનમાં સંતોષનું અમૃત ન હોય, ત્યાં સુવર્ણના ઢગલા પણ માત્ર તરસ વધારે છે. ધનજીનું અંતઃકરણ લાલચની આગમાં અવિરત બળતું રહેતું.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्॥ — શ્રીમદ્ ભગવદ્ ગીતા
કામ, ક્રોધ અને લોભ—આ ત્રણે નરકના દ્વાર છે, આત્માનો નાશ કરનારા. તેથી આ ત્રણેનો ત્યાગ કરો.
એક સંધ્યાકાળે ગામના નિર્જન કેડી પરથી પસાર થતાં ધનજીની નજર ધૂળમાં અડધી દબાયેલી એક જૂની થેલી પર પડી. ઉત્સુકતાથી તેણે થેલી ઉપાડીને ખોલી, તો આંખો અંજાઈ ગઈ. તેમાં ચમચમાતા સોનાના સિક્કા હતા.
ધનજીના હૃદયમાં રહેલો લોભનો રાક્ષસ સળવળી ઊઠ્યો. સાત્વિક અંતરાત્માનો ક્ષીણ અવાજ ક્ષણભરમાં દબાઈ ગયો અને મનમાં વિચાર આવ્યો: “આ તો વગર પરિશ્રમે પ્રાપ્ત થયેલી લક્ષ્મી છે. મારાથી ન લેવાય . ફરી પાછુ મનમાં તર્ક કર્યો. સામે ચાલીને આવ્યું છે એટલે નસીબ માં હોવું જોઈએ. આ જો મારી સંપતિ માં જોડાઈ જશે તો મારી સમૃદ્ધિની સીમા નહીં રહે!” તેણે ચારેય તરફ ચોરનજરે જોયું અને થેલી પોતાના અંગવસ્ત્રમાં છુપાવી દીધી.
હજી તે બે ડગલાં આગળ વધ્યો ત્યાં જ સામેથી એક વૃદ્ધ પુરુષ હાંફતો, આંખોમાં ભય અને વિષાદ લઈને દોડતો આવ્યો. એના કરચલીવાળા ચહેરા પરથી દયનીય લાચારી નીતરતી હતી. વૃદ્ધે ધનજીને જોતાં જ હાથ જોડી, ધ્રૂજતા અવાજે વિનવણી કરી: “શેઠજી! મારી આખી જિંદગીની કમાણી, સોનાના સિક્કા ભરેલી થેલી ક્યાંક પડી ગઈ છે. ઈશ્વરને ખાતર કહો, તમને ક્યાંય જડી છે? એ ધન પાછું નહીં મળે તો મારું સર્વસ્વ લૂંટાઈ જશે!”
ધનજી જાણતો હતો કે થેલી આ જ નિઃસહાય વૃદ્ધની છે, છતાં તેના મુખ પર દંભી કાંચકીય કઠોરતા છવાઈ ગઈ. પાપના પડછાયા નીચે તેણે અસત્યનો આશરો લીધો: “મને કોઈ થેલી મળી નથી, વૃદ્ધ! આગળ જઈને પોતાની બેદરકારી શોધતો રહ્યો.”
નિરાશ અને ભાંગી પડેલા હૃદયે વૃદ્ધ આંસુ સારતો અંધારામાં ઓગળી ગયો. ધનજી રાવાણીયા વિજયી હાસ્ય સાથે ઘરે વળ્યો. ‘લોભ પાપનું મૂળ છે’ એ વાત તે ભૂલી ગયો હતો. પાપની સંપત્તિ ક્ષણિક સુખ આપી શકે, પણ શાશ્વત શાંતિ ક્યારેય નહીં.
દિવસો વીતતા ગયા. એક દિવસ ધનજી મોટા વ્યાપાર અર્થે માલગાડી ભરીને પડોશી નગરે જવા નીકળ્યો. અરણ્ય જેવા નિર્જન માર્ગ પર પથ્થરોની ઠોકર વાગતાં અચાનક ગાડાનું પૈડું ધડાકાભેર તૂટી પડ્યું. સૂર્ય મધ્યાહને તપતો હતો, આસપાસ કોઈ માનવ ચકલુંય નહોતું ફરકતું. ધનજી લાચાર બની માર્ગ વચ્ચે ફસાયો. એ જ સમયે એક વટેમાર્ગુ ત્યાંથી નીકળ્યો. ધનજીની દુર્દશા જોઈ તે દોડી આવ્યો અને ભારે શ્રમ વેઠીને પથ્થરો ખસેડી, પૈડું સરખું કરવામાં ધનજીની નિઃસ્વાર્થ મદદ કરી.
પરસેવો લૂછતાં ધનજીએ આભારવશ થઈ એ વટેમાર્ગુ સામે જોયું, તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ! આ તો એ જ વૃદ્ધ હતો, જેની સોનાની થેલી તેણે પચાવી પાડી હતી.
ધનજીએ સંકોચ સાથે પૂછ્યું: “વડીલ, આપ આ વયે ભરબપોરે અહીં ક્યાં જઈ રહ્યા છો?”
વૃદ્ધની આંખોમાં ઊંડી વેદના છલકાઈ આવી. તેણે એક દીર્ઘ નિઃશ્વાસ નાખતાં કહ્યું: “ભાઈ, મારી દીકરીના વિવાહ માટે મેં લોહીનું પાણી કરીને સોનાના સિક્કા ભેગા કર્યા હતા. એ દિવસે ખોવાઈ ગયા અને મારું ભાગ્ય ફૂટી ગયું. દીકરીના લગ્ન જેની સાથે નક્કી કર્યા હતા, ત્યાં ધન ન આપી શક્યો. માંડ-માંડ ઉછીના-પાછીના કરીને કર્યા, પણ બે જ વર્ષમાં સુખનો સંસાર વેરવિખેર થઈ ગયો, સંબંધ તૂટી ગયો. આજે એ જ દીકરીના ભરણપોષણ માટે આ ઉંમરે મજૂરી શોધવા ભટકું છું.”
આ શબ્દો ધનજીના કાનમાં પીગળેલા સીસાની જેમ રેડાયા. એ જ ક્ષણે ધનજીના હૃદયમાં વીજળીનો કરંટ દોડી ગયો. તેની પોતાની દીકરીના લગ્ન પણ બે વર્ષ પહેલાં થયા હતા અને અણધાર્યા કજિયા-કંકાસમાં હમણાં જ તેનો સંસાર ઉજ્જડ થઈ ચૂક્યો હતો! દીકરીના વિયોગ અને દુઃખથી તેનું પોતાનું ઘર પણ શોકમગ્ન હતું.
ધનજીનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. અચાનક તેને બ્રહ્માંડનું ન્યાયચક્ર નજર સમક્ષ ફરતું દેખાયું. કોઈ અદ્રશ્ય અદાલતમાં જાણે તેના કર્મોનો હિસાબ ચૂકવાઈ રહ્યો હતો.
यथा धेनुसहस्रेषु वत्सो विन्दति मातरम् ।
तथा पूर्वकृतं कर्म कर्तारमनुगच्छति ॥ મહાભારત શાંતિપર્વ
જેમ હજારો ગાયોના ટોળામાં પણ વાછરડું પોતાની માતાને શોધી જ લે છે, તેમ મનુષ્યે પૂર્વે કરેલું કર્મ હજારોની ભીડ વચ્ચે પણ પોતાના કર્તાને શોધી જ લે છે.
કહેવત સાચી પડી હતી: ‘ખાડો ખોદે તે પડે’ અને ‘જેવું વાવો તેવું લણો’. ધનજીને સમજાયું કે વૃદ્ધની કન્યાનો સંસાર છીનવીને પોતે જે અધર્મ આચર્યો હતો, કુદરતે વ્યાજ સહિત એ જ કડવો ઘૂંટડો પોતાની દીકરીના ભાગ્યમાં પીવડાવી દીધો હતો. પાપ ક્યારેય નિષ્ફળ જતું નથી; એ પોતાનો પડછાયો બનીને પાછળ જ ચાલે છે.
સોના તણી લાલચ મહીં અંતર વલોવાતું રહ્યું,
છળકપટના કાદવ મહીં માનવપણું ધોવાતું રહ્યું;
વાવ્યાં હતાં જે કાંટાળાં બીજ તે આજે ઊગ્યાં,
કર્મ તણા એ ન્યાય આગળ શીશ મારું નમતું રહ્યું.
ધનજીના અહંકારનો કિલ્લો ક્ષણભરમાં ધરાશાયી થઈ ગયો. તે ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં વૃદ્ધના ચરણોમાં ઢળી પડ્યો. પોતે પાપ ની કબુલાત કરી. અને સોનાના સિક્કા ભરેલી થેલી પાછી આપવાની કબુલાત કરી કહ્યું. “મને ક્ષમા કરો, વડીલ ! હું પાપી છું. એ દિવસે લોભના અંધારામાં મેં તમારી થેલી છુપાવી હતી. પણ ઈશ્વરના ન્યાયે આજે મને મારી લાયકાત બતાવી દીધી. મારા પાપનું ફળ મારી વહાલી દીકરીએ ભોગવવું પડ્યું છે. આ આપનું ધન સંભાળો અને મને શાપમુક્ત કરો!”
कृत्वा पापं हि संतप्य तस्मात् पापात् प्रमुच्यते ।
नैवं कुर्यां पुनरिति निवृत्या पूयते तु सः ॥
પાપ કે ભૂલ કર્યા પછી મનમાં સાચો પશ્ચાત્તાપ થવાથી મનુષ્ય એ પાપમાંથી મુક્ત થાય છે; પરંતુ "હવે હું ફરી ક્યારેય આવું કૃત્ય નહીં કરું"—એવો દ્રઢ સંકલ્પ કરીને તે દુષ્કર્મથી સદા માટે દૂર રહેવાથી જ આત્મા સંપૂર્ણ પવિત્ર અને શુદ્ધ બને છે.
વૃદ્ધે સ્નેહથી ધનજીને બેઠો કર્યો, તેના માથે હાથ મૂક્યો અને શાંત વાણીમાં કહ્યું: “ધનજીભાઈ, ધન તો માટી છે, આજે છે ને કાલે નથી. મનુષ્યનું સાચું આભૂષણ એની ઈમાનદારી અને નિર્મળ ચરિત્ર છે. પશ્ચાત્તાપનો એક અશ્રુબિંદુ ગંગાજળ જેવું પવિત્ર હોય છે, જે આત્માના તમામ મેલ ધોઈ નાખે છે.”
તે દિવસથી ધનજીના જીવનનો નવો સૂર્યોદય થયો. તેણે અપ્રમાણિકતા અને લોભની શૃંખલાઓ તોડી ફેંકી. વ્યાપારમાં નીતિ, વાણીમાં નમ્રતા અને હૃદયમાં પરોપકારનો દીપ પ્રગટાવ્યો. ગામના દીન-દુઃખિયાઓ માટે તેની હવેલીના દ્વાર હંમેશાં ખુલ્લા રહેવા લાગ્યા. લોકો હવે તેને માત્ર એક ધનવાન શેઠ તરીકે નહીં, પણ એક સંતતુલ્ય, ઉદાર અને સચ્ચાઈના પ્રતીક તરીકે આદરપૂર્વક જોવા લાગ્યા.
અધર્મના સુવર્ણ સિંહાસન કરતાં ધર્મની ધૂળ સદા શ્રેષ્ઠ હોય છે; કારણ કે કાળના ચોપડે લોભનો સરવાળો હંમેશાં શૂન્ય અને સદાચારની મૂડી અનંત હોય છે.
